Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 54 મિનિટ પહેલા
ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર એ એશિયાટિક સિંહોનું એકમાત્ર આવાસ છે અને તેમની વસતી કૂદકેને ભૂસકે વધી રહી છે.
તાજેતરમાં કરવામાં આવેલી સિંહોની વસ્તીગણતરીના આંકડા જાહેર થયા છે, જે મુજબ રાજ્યમાં હાલમાં 891 સિંહ નોંધાયા છે.
પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ-વાઇલ્ડલાઇફ, જયપાલ સિંહે સમાચાર સસ્થા એએનઆઈને જણાવ્યું કે “ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે જે અગાઉ થયેલી વસ્તીગણતરી કરતા 32.19 ટકા વધુ છે.”
તેમણે આ વિશે વધારે માહિતી આપતા કહ્યું, “અમે માર્ચ મહિનામાં સિંહોની ગણતરી શરૂ કરી હતી. ત્યાર પછી 10 મેથી 13 મે દરમિયાન સમગ્ર સ્ટાફ, ઘણા બધા સ્વયંસેવકો અને ગામવાસીઓએ સિંહોની વસ્તીગણતરીમાં ભાગ લીધો હતો.”
વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારે સત્તાવાર કાર્યક્રમમાં જણાવ્યું કે “દર પાંચ વર્ષે ડાયરેક્ટ બીટ કાઉન્ટ પદ્ધતિથી સિંહોની વસ્તીગણતરી કરવામાં આવે છે. આ વખતે 16મી સિંહ વસ્તીગણતરી કરવામાં આવી હતી. તેમાં 11 જિલ્લાના 58 તાલુકાના કુલ 35,000 ચોરસ કિમી વિસ્તારને આવરી લેવાયો હતો. સિંહોની ગણતરીમાં કુલ 535 ગણતરીકારો, મદદનીશો, સ્વયંસેવકો, સરપંચો મળીને 3855 લોકો જોડાયેલા હતા.”

ઇમેજ સ્રોત, @CMOGuj
છેલ્લે 2015માં ગુજરાતમાં સિંહોની પૂર્ણ કક્ષાની વસ્તીગણતરી કરવામાં આવી હતી.
2020માં કોરોના મહામારીના કારણે પરંપરાગત રીતે સિંહની ગણતરી હાથ ધરી શકાઈ નહોતી. તેની જગ્યાએ વનવિભાગના આશરે 1400 કર્મચારીઓએ પાંચ અને છ જૂન, 2020 ના રોજ સિંહોની ગણતરી હાથ ધરી હતી. ત્યાર પછી સિંહોની સંખ્યામાં 217નો વધારો થયો છે.
આ વખતની ગણતરી મુજબ ગુજરાતમાં 196 નર, 330 માદા, 140 સબ-ઍડલ્ટ (બાળસિંહ કરતાં મોટા, પરંતુ પુખ્ત સિંહ કરતાં નાના) સિંહ છે, જ્યારે 225 બાળસિંહ છે.
છેલ્લે 15મી વસ્તીગણતરી કરવામાં આવી ત્યારે ગુજરાતમાં 674 સિંહ હતા જેમાં 260 માદા, 161 નર, 93 સબ-ઍડલ્ટ સિંહ હતા અને 137 બાળસિંહ નોંધાયાં હતાં.
ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરી જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ જિલ્લામાં કરવામાં આવી હતી.
ગુજરાતનો વન વિભાગ છેલ્લાં 30 વર્ષથી ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સિંહોની ગણતરી કરે છે અને આ વખતે પણ તે જ પદ્ધતિનો ઉપયોગ થયો હતો.
ગીરમાં સિંહોની ગણતરી કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતનું વનવિભાગ ગીરનાં જંગલ અને તેની આજુબાજુમાં વસતા એશિયાઈ સિંહોની દર પાંચ વર્ષે ગણતરી હાથ ધરે છે.
આ વર્ષે સિંહોની વસ્તીનો અંદાજ કાઢવા માટે 10 મેથી 13 મે એમ ચાર દિવસ દરમિયાન Lion Population Estimation Exercise (લાયન પૉપ્યુલેશન ઍસ્ટિમેશન ઍક્સર્સાઇઝ) એટલે કે સિંહનો વસ્તીનો અંદાજ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
સિંહો આમ તો ટોળાં એટલે કે પરિવારમાં રહેતા માંસાહારી પ્રાણીઓ હોવાથી તેમની વસ્તીનો કયાસ કાઢવાનું કામ એકલા રહેતા દીપડા કે વાઘની ગણતરી કરવાની તુલનાએ સરળ છે. પરંતુ, સિંહો ટેરિટોરિયલ એટલે કે પોતાની એક હદ-સીમા બાંધી રહેનાર પ્રાણી છે અને એક સિંહ પરિવારની હદ સો ચોરસ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલ હોઈ શકે છે.
રાજ્ય સરકારની યાદી મુજબ ગીરના એશિયાઈ સિંહોની પ્રથમ ગણતરી 1936 માં હાથ ધરાઈ હતી. 2020માં કોરોના મહામારીના કારણે પરંપરાગત રીતે સિંહની ગણતરી હાથ ધરી શકાઈ નહોતી.
તેની જગ્યાએ વનવિભાગના આશરે 1400 કર્મચારીઓએ પાંચ અને છ જૂન, 2020 ના રોજ સિંહોની ગણતરી હાથ ધરી હતી. પાંચ અને છ જૂન વચ્ચેની રાત પૂનમની રાત હોવાથી તેને પૂનમ અવલોકન, 2020 તેવું નામ આપવામાં આવ્યું હતું.
પૂનમ અવલોકન, 2020નાં તારણોનો ચિતાર આપતા અહેવાલમાં પાનાં નં. 3 (ત્રણ) પર જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનો વનવિભાગ 1963થી સામાન્ય રીતે દર પાંચ વર્ષે સિંહોની ગણતરી નિયમિત રીતે કરતો આવ્યો છે.
પૂનમ અવલોકનના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું, “1963માં થયેલી ગણતરી સિંહોનાં પગલાંના આધારે કરાઈ હતી અને જે સિંહો દેખાય તેને રંગ લગાવી તેમના પર નિશાન કરવાના પ્રયત્નો પણ કરાયા હતા.”
ડાઇરેક્ટ બીટ વેરિફિકેશન મેથડ એટલે શું?

ઇમેજ સ્રોત, Forest Department, Gujarat
ગુજરાતમાં વનવિભાગ રક્ષિત વનોને વહીવટી સરળતા ખાતર નાનાં-નાનાં એકમોમાં વિભાજિત કરે છે. તે મુજબ બીટ એટલે કે એક નાનો ભૌગોલિક વિસ્તાર સૌથી નાનો વહીવટી એકમ બને છે અને સામાન્ય રીતે તેની જવાબદારી બીટ ગાર્ડ ઉપર હોય છે.
બે-ત્રણ બીટ ભેગા કરીને એક રાઉન્ડ બનાવાય છે અને બે-ત્રણ રાઉન્ડ મેળવીને એક રેન્જ એટલે કે એક પરિક્ષેત્રનું નિર્માણ કરાય છે અને તેના રક્ષણની જવાબદારી રેન્જ ફૉરેસ્ટ ઑફિસર (પરિક્ષેત્ર વન અધિકારી) એટલે કે આર.એફ.ઓ પર હોય છે.
આવી કેટલીક રેન્જ મળીને એક ડિવિઝન એટલે કે એક વનવિભાગનું નિર્માણ કરાય છે, જેની જવાબદારી નાયબ વનસંરક્ષક (ડેપ્યુટી કન્સર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ) પર હોય છે. આવા અમુક વિભાગોને મેળવીને એક સર્કલ એટલે કે એક વર્તુળનું નિર્માણ કરાય છે જેના રક્ષણની જવાબદારી કન્સર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ (વનસંરક્ષક) કે ચીફ કન્સર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ (મુખ્ય વનસંરક્ષક) પર હોય છે.
વળી, ગુજરાતનો વનવિભાગ તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોને વહીવટી સરળતા ખાતર વાઇલ્ડલાઇફ સર્કલ (વન્યપ્રાણી વર્તુળ), ટેરિટોરિઅલ ફૉરેસ્ટ સર્કલ (પ્રાદેશિક વનવર્તુળ), સોશ્યિલ ફૉરેસ્ટ્રી સર્કલ (સામાજિક વનીકરણ વર્તુળ) જેવાં વર્તુળોમાં વિભાજિત કરે છે. જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળમાં ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, સાસણ, શેત્રુંજી અને પોરબંદર વન્યપ્રાણી વિભાગોનો સમાવેશ થાય છે.
2020માં કોરોના મહામારીના કારણે પરંપરાગત રીતે સિંહોની ગણતરી હાથ ધરી શકાઈ ન હતી. તેની જગ્યાએ સામાન્ય રીતે વનવિભાગના કર્મચારીઓ દર મહિને કરે છે તે પૂનમ અવલોકનને વિસ્તૃત સ્વરૂપ આપી તે કવાયતને સિંહોની ગણતરી તરીકે ગણવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS