Home તાજા સમાચાર gujrati ગુરુગ્રામ : મહિલા બાઇકરને ટક્કર મારવાના મામલે બે લોકોની ધરપકડ, સિયાએ કહ્યું...

ગુરુગ્રામ : મહિલા બાઇકરને ટક્કર મારવાના મામલે બે લોકોની ધરપકડ, સિયાએ કહ્યું – ‘લોકોને લાગે છે કે…’

4
0

Source : BBC NEWS

ઇન્સ્ટા પર બાઇકરે વીડિયો પોસ્ટ કર્યો છે, ગુરુગ્રામ, હરિયાણા, મહિલા બાઇકર

ઇમેજ સ્રોત, rebelwheels_sia_/Instagram

હરિયાણાના ગુરુગ્રામમાં રવિવારે સિયા નામનાં મહિલા બાઇકરને કારથી ટક્કર મારવાના મામલામાં હરિયાણા પોલીસે રાજસ્થાનના દૌસાના બે કથિત આરોપીઓની ધરપકડ કરી છે.

દૌસા સદર પોલીસ સ્ટેશનના એસએચઓ યુધિષ્ઠિરસિંહે કથિત આરોપી કલ્યાણ બૈંસલા અને લવનીશની ધકપકડની પુષ્ટિ કરી છે.

ત્યાં કથિત આરોપી કલ્યાણ બૈંસલાના વકીલ નવીન બૈંસલાએ આ ઘટનાને હિટ ઍન્ડ રન નહીં પરંતુ નિષ્કાળજીનો મામલો ગણાવ્યો છે.

તેમણે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “બંને રેસ લગાવી રહ્યા હતા, બાઇકર્સના ગ્રૂપમાં 20-30 રાઇડર્સ સામેલ છે. જે રોડ પર ઘણી ઝડપે ગાડી ચલાવવાની સાથે ચાલી રહેલા લોકોને પ્રતાડિત કરી રહ્યા હતા. રેસ લગાવવા માટે ઉશ્કેરી રહ્યા હતા. ઓવરસ્પીડને કારણે આ ટક્કર થઈ છે જે એક નિષ્કાળજીનો મામલો છે.”

બીજી તરફ, હરિયાણાના ગુરુગ્રામમાં રવિવારે સિયા નામનાં મહિલા બાઇકરને કાર ચાલકે ટક્કર માર્યા બાદ તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે ઘટના પછી તેઓ ખૂબ જ ગભરાઈ ગયાં હતાં.

તેમણે કહ્યું, “મારી બાઇકના બ્રેક તૂટી ગયા હતા. બાઇક ચલાવવાની સ્થિતિમાં રહી નહોતી. ત્યારબાદ બીજા એક રાઇડરે મને પોતાની બાઇક પર પાછળ બેસાડી.”

સિયાએ જણાવ્યું કે ત્યારબાદ તેમણે પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઇડ) લીધી. તેમણે કહ્યું, “હું બાઇક ચલાવી જ શકતી નહોતી. હું ખૂબ ડરી ગઈ હતી અને કાંપી રહી હતી.”

આ ઘટના રવિવારે ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર બની હતી.

ત્યારબાદ ગુરુગ્રામ પોલીસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ મામલે સુઓ-મોટો સંજ્ઞાન લઈને એફઆઇઆર નોંધવામાં આવી છે.

ઇન્સ્ટા પર બાઇકરે વીડિયો પોસ્ટ કર્યો છે, ગુરુગ્રામ, હરિયાણા, મહિલા બાઇકર

ઇમેજ સ્રોત, ANI

બીજી તરફ, કારના કથિત માલિકે સમાચાર એજન્સીને જણાવ્યું છે કે તેમની કાર તેમના એક મિત્રએ બે દિવસ માટે ઉધાર લીધી હતી.

આ તરફ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

‘રેસ ડ્રાઇવિંગ કરતા કારચાલકો સામે કોઈ કાર્યવાહી કેમ નથી થતી?’

 ગુરુગ્રામ, હરિયાણા, બીબીસી ગુજરાતી, મહિલા બાઇકર

ઇમેજ સ્રોત, ANI

મહિલા બાઇકર સિયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, “આ સ્પષ્ટ રીતે હત્યાના પ્રયાસનો કેસ છે.”

પત્રકારોએ સિયાને આરોપીના તે દાવા વિશે પણ પૂછ્યું, જેમાં તેણે કહ્યું હતું કે સિયા બાઇક ચલાવતી વખતે તેને ઉશ્કેરી રહી હતી.

જવાબમાં સિયાએ કહ્યું, “હું બાઇક ચલાવી રહી હોઉં ત્યારે મારે મારી પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું પડે છે. હું બિનજરૂરી રીતે કોઈ સાથે ઝઘડો શા માટે કરું? આખો દેશ જોઈ રહ્યો છે કે ભૂલ કોની હતી.”

તેમણે વધુમાં કહ્યું, “તેમણે જાણબૂઝીને મને ટક્કર મારી હતી. આ હત્યાના પ્રયાસનો કેસ છે.”

સિયાના જણાવ્યા અનુસાર, “જ્યારે મેં તે વીડિયો પોસ્ટ કર્યો, ત્યારે ગુરુગ્રામ પોલીસે ઇન્સ્ટાગ્રામ મારફતે મારો સંપર્ક કર્યો હતો.”

સિયાએ કહ્યું, “મેં વીડિયો એટલા માટે પોસ્ટ કર્યો કે લોકોને લાગે છે કે તેઓ રસ્તા પર કોઈ બાઇકને અથવા કોઈ છોકરીને ટક્કર મારીને નીકળી જશે અને તેમનું કંઈ બગડશે નહીં. લોકોને કોઈ ડર રહ્યો નથી. મારો ઉદ્દેશ એ છે કે આવા કામ કરતાં પહેલાં લોકોમાં ડર પેદા થાય.”

તેમણે ટ્રાફિક અમલીકરણ અંગે પણ સવાલ ઉઠાવતા કહ્યું, “ટ્રાફિક પોલીસ તો તરત જ બાઇક ચલાવનારાનું ચલાણ કાપી દે છે, પરંતુ જે લોકો બાઇકને ટક્કર મારીને ભાગી જાય છે, તેમના સામે શું કાર્યવાહી થાય છે? ઘણી વખત બાઇક સવારોનાં મૃત્યુ પણ થાય છે. રેસ ડ્રાઇવિંગ કરતા કારચાલકો સામે કાર્યવાહી કેમ નથી થતી?”

આ મામલે પોલીસના નિવેદન બાદ સોમવાર સાંજે મહિલા બાઇકર સિયાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે તેઓ પોતાની ઓળખ જાહેર કરવા માંગતી નથી.

અગાઉ તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે તેઓ પોતાના વકીલ સાથે મળીને આ મામલે એફઆઈઆર નોંધાવશે અને કાનૂની કાર્યવાહી કરશે.

મહિલા બાઇકર કોણ છે?

 ગુરુગ્રામ, હરિયાણા, બીબીસી ગુજરાતી, મહિલા બાઇકર

ઇમેજ સ્રોત, rebelwheels_sia

સિયા નામની મહિલા બાઇકરે રવિવારની સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો.

આ વીડિયોમાં બાઇક પર લગાવવામાં આવેલા કૅમેરામાં કાર દ્વારા બાઇકને ટક્કર મારવાની ઘટના રેકૉર્ડ થઈ છે.

સિયાનો દાવો છે કે જ્યારે તેઓ રવિવારની સવારે સન્ડે રાઇડ દરમિયાન પોતાના મિત્રો સાથે બાઇક ચલાવી રહ્યાં હતાં ત્યારે એક કાર તેમનો પીછો કરી રહી હતી.

તેમણે કહ્યું, “ગોલ્ફ કોર્સ રોડ પરથી જતા સમયે એક કારચાલક શરૂઆતથી જ અમારો પીછો કરી રહ્યો હતો. તેણે કારમાંથી કોઈ હરકત કરી તો મેં તેને કહ્યું કે થોડું અંતર રાખીને ચલાવો. તે કહેવા લાગ્યો, ‘બાઇક રોકો.’ મારો વિશ્વાસ કરો, તેઓ દારૂ પીધેલા હતા.”

“હું પ્રયત્ન કરતી હતી કે હું તેની કરતાં થોડું આગળ રહું. જેથી તે પોતાની કાર મારી બાઇકની આગળ લાવીને ન મૂકે. એ જ સમયે મારો મિત્ર મારી પાછળ આવે છે અને મને કવર કરવાનો પ્રયાસ કરે છે. તેમ છતાં કારમાં સવાર વ્યક્તિ સતત મારો પીછો કરતી રહી અને અંતે કટ મારીને મને ટક્કર મારી ત્યાંથી નીકળી ગઈ.”

“જ્યારે તેણે મને ટક્કર મારી, ત્યારે મારા મિત્રએ તેને કાર રોકવા માટે કહ્યું. મારા મિત્રએ તેને રેડ લાઇટ પર ફરી રોક્યો અને કારમાંથી બહાર આવવા કહ્યું, પરંતુ તેણે કહ્યું કે ‘મારી ભૂલ નથી.’ અને તે ત્યાંથી ભાગી ગયો.”

આ ઉપરાંત મહિલા બાઇકર સિયાએ ગુરુગ્રામ પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

 ગુરુગ્રામ, હરિયાણા, બીબીસી ગુજરાતી, મહિલા બાઇકર

ઇમેજ સ્રોત, rebelwheels_sia_/Instagram

મહિલા બાઇકર સિયાએ સોમવારની સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન આપ્યું.

તેમણે લખ્યું, “નમસ્તે સૌને, અને આપ સૌના સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. મેં જોયું છે કે ઘણા લોકો તે વ્યક્તિની ઓળખ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને મને એફઆઈઆર વિશે પૂછતા સંદેશાઓ પણ મળી રહ્યા છે. હું આજે સાંજ સુધીમાં મારા વકીલ સાથે મળી એફઆઈઆર નોંધાવીશ અને કાનૂની કાર્યવાહી કરીશ.”

“મને ન્યૂઝ ચૅનલો અને પત્રકારો તરફથી ઇન્ટરવ્યૂ માટે ઘણી વિનંતીઓ પણ મળી રહી છે. કૃપા કરીને ધીરજ રાખો અને શાંતિ જાળવો. હું મારી ઓળખ અથવા ચહેરો જાહેર કરવા માંગતી નથી, અને હાલમાં હું કોઈ ઇન્ટરવ્યૂ આપીશ નહીં.”

“મને આશા છે કે દરેક મારા નિર્ણયનો સન્માન કરશે. હું તમને સતત અપડેટ આપતી રહીશ. કોઈપણ માહિતી માટે કૃપા કરીને મને ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મૅસેજ (DM) કરો. મારી સાથે ઊભા રહેવા બદલ આભાર.”

ગુરુગ્રામ પોલીસે શું કહ્યું?

 ગુરુગ્રામ, હરિયાણા, બીબીસી ગુજરાતી, મહિલા બાઇકર

ઇમેજ સ્રોત, rebelwheels_sia_/Instagram

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ ગુરુગ્રામ પોલીસે તે પોસ્ટ્સ પર ટિપ્પણી કરીને જણાવ્યું કે પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.

તે વખતે ગુરુગ્રામ પોલીસે ઍક્સ પર લખ્યું, “પીડિતાની તરફથી હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ પ્રાપ્ત થઈ નથી. જોકે, ગુરુગ્રામ પોલીસે વાયરલ વીડિયો મામલે જાતે સંજ્ઞાન લઈને મામલે એફઆઈઆર નોંધાવી દીધી છે. આરોપીઓની શક્ય તેટલી વહેલી તકે ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવશે અને તેમની વિરુદ્ધ કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”

ત્યારબાદ ઍક્સ પર કરાયેલી બીજી એક પોસ્ટમાં ગુરુગ્રામ પોલીસે લખ્યું, “આ ઘટનાક્રમમાં આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. ત્રણ ટીમો તહેનાત કરવામાં આવી છે. આરોપીનાં ઠેકાણાં પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોપીને ઝડપી રીતે ધરપકડ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.”

બીજી તરફ, ગુરુગ્રામના એસીપી અભિલક્ષ જોશીએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું છે કે સંબંધિત મહિલાનો સંપર્ક કરવામાં આવ્યો છે અને સ્વપ્રેરિત રીતે સંજ્ઞાન લઈને સેક્ટર-56, ગુરુગ્રામમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

તેમણે જણાવ્યું, “આરોપીની વિગતો વાહનના આધારે તપાસવામાં આવી રહી છે અને મહિલાને તપાસમાં સામેલ કરીને જે પણ હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. મહિલાએ વીડિયોમાં જે આરોપો લગાવ્યા છે, તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.”

કારના કથિત માલિકનું શું કહેવું છે?

હરિયાણા, ગુરુગ્રામ, બીબીસી ગુજરાતી, મહિલા બાઇકર

ઇમેજ સ્રોત, rebelwheels_sia_/Instagram

મહિલા બાઇકરના વીડિયોમાં દેખાતી કાર મારુતિ સુઝુકીની સિયાઝ (Ciaz) મૉડલ છે.

આ કારના કથિત માલિક મનીષે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરી છે.

તેમણે દાવો કર્યો છે કે તેમણે પોતાની કાર પોતાના મિત્ર કલ્યાણસિંહને આપી હતી.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં મનીષે કહ્યું, “આ મારી કાર છે. હું કામ પર હતો અને મારા મિત્રએ કાર ઉધાર લીધી હતી. કલ્યાણસિંહે કહ્યું હતું કે તેમને ક્યાંક જવું હતું. તેમણે કાર બે દિવસ માટે લીધી હતી.”

“મને અકસ્માત વિશે આજે સવારે ખબર પડી. મેં તેમને ફોન કર્યો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહીં. મેં મારા પિતા અને અન્ય લોકોને તેમના ઘરે મોકલ્યા. તેઓ હરિયાણાના પલવલ જિલ્લામાંથી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS