Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Vintage poster
પંજાબમાં આવેલા રજવાડા પટિયાલામાં 28મી જાન્યુઆરી, 1928ના રોજ યોજાયેલી કુસ્તી એટલી લોકપ્રિય હતી કે, ભારતનાં ઘણાં રજવાડાંના રાજાઓ તેમજ બ્રિટિશ અધિકારીઓ સહિત હજ્જારો લોકો ત્યાં એકઠા થયા હતા.
આ કુસ્તી ‘ઝબિશ્કો’ના હુલામણા નામે ઓળખાતા પોલૅન્ડના કુસ્તીબાજ સ્ટેનીસ્લો સિગાનિયોવિચ અને બ્રિટિશ ભારતીય કુસ્તીબાજ ગુલામ હુસૈન – જેઓ ‘ગામા’ના નામે પ્રખ્યાત હતા – તેમની વચ્ચે યોજાઈ હતી.
કેટલાક વાચકો એવી દલીલ કરી શકે છે કે, ગામાનું સાચું નામ ગુલામ મહમ્મદ હતું.
જોકે, સૈયદ આગા અશર લખનવીના પુસ્તક “ગામા ગામક”, ફહીમુદ્દીન ફહમીની જીવનકથા “રૂસ્તમ-એ-ઝમાન ગામા” તથા અખ્તર હુસૈન શેખના પુસ્તક “દાસ્તાન-એ-તારીખ-એ-પહલવાની” – આ તમામ એ વાતની પુષ્ટિ કરે છે કે, ગામાનું સાચું નામ ગુલામ હુસૈન હતું.
ઉપર જણાવેલાં તમામ પુસ્તકોમાંની તમામ માહિતી રાજ્યના સત્તાવાર દસ્તાવેજો અને મહેસૂલી રેકૉર્ડ્ઝમાંથી તેમજ સ્વયં ગામા, તેમના સંબંધીઓ અને તેમના અન્ય પ્રશંસકો પાસેથી મેળવવામાં આવેલી માહિતી તથા ખરાઈ કરવામાં આવેલા અહેવાલોમાંથી મેળવવામાં આવી છે.
ગુલામ હુસૈન, જેઓ ગામા તરીકે પણ જાણીતા હતા, તેમનો જન્મ 22મી મે, 1878ના રોજ અઝીઝ (આખું નામ અબ્દુલ અઝીઝ અથવા અઝીઝ બક્ષ)ને ત્યાં દતિયા રાજ્યમાં થયો હતો, જે હાલના મધ્ય પ્રદેશનો ભાગ છે.
અઝીઝના પિતા કાશ્મીરથી સ્થળાંતર કરીને અમૃતસર આવીને વસ્યા હતા. ગામાનો જન્મ થયો, તે સમયે અઝીઝ બક્ષ દતિયા રાજ્યના કુસ્તીબાજ હતા.
અખ્તર શેખના જણાવ્યા મુજબ, ગામાની વય છ વર્ષ થવા આડે થોડા જ મહિના બાકી હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યાં સુધીમાં તેમણે ગામાને કુસ્તી રમાડવાનું શરૂ કરી દીધું હતું.
ગામાના નાના ભાઈ ઇમામ બક્ષનો જન્મ તેમના પિતાના મોતના બે મહિના પછી થયો હતો.
તેઓ તેમના નાના – નૂન (અમીર બક્ષ) પાસે રહીને મોટા થયા હોવાથી ગામાને “ગામા નૂનવાલા” તરીકે પણ ઓળખવામાં આવતા હતા.
જ્યારે નૂન પહેલવાન (નાના)ની હત્યા થઈ ગઈ, તે પછી તેમના પુત્ર અર્થાત ગામાના મામા ઈદા પહેલવાને ગામાને પોતાની પાસે રાખ્યા.
પ્રશાંત કિડાંબીએ તેમના પુસ્તક ‘ક્રિકેટ કન્ટ્રીઃ એન ઇન્ડિયન ઓડિસી ઇન ધ એજ ઑફ ઍમ્પાયર’માં લખ્યું છે કે, ઈદા પહેલવાને ગામાને “કુસ્તીમાં ચૅમ્પિયન પહેલવાન” બનાવીને તેમના પિતાની મહેચ્છાને પૂરી કરવાનું વચન આપ્યું હતું.”
તેમની ઇચ્છા પૂરી કરવા માટે ગામાએ કસરત માટે અત્યંત કડક નિયમો અપનાવ્યા હતા.
10 વર્ષની ઉંમરે 400 પહેલવાનો વચ્ચે ઊઠ-બેસનો રેકૉર્ડ બનાવ્યો
ઇમેજ સ્રોત, Vintage poster
જોસેફ ઑલ્ટરે તેમના પુસ્તક “ગાંધીઝ બૉડી”ના “ગામા ધ ગ્રેટ” શીર્ષક ધરાવતા પ્રકરણમાં લખ્યું હતું કે, માત્ર દસ વર્ષની ઉંમરે ગામાએ 400 કુસ્તીબાજોમાં સૌથી વધુ ઊઠ-બેસ કરી હતી.
રોનોજોય સેન લખે છે કે, 400 કરતાં વધુ કુસ્તીબાજોની આ હરીફાઈમાં છેલ્લા 15 કુસ્તીબાજોમાં તેમની પસંદગી થઈ હતી. તેમની નાની વયને કારણે જોધપુરના મહારાજા જસવંત સિંહે તમને વિજેતા જાહેર કર્યા હતા અને તેમને પોતાના રક્ષણ હેઠળ લઈ લીધા હતા.
શેખ તથા ફહમીના જણાવ્યા અનુસાર, ગામાએ તેમના જીવનનાં પાછલાં વર્ષોમાં કહ્યું હતું, “હું નથી જાણતો કે, તે સમયે મેં કેટલી ઊઠ-બેસ કરી, પણ મારા તમામ સ્નાયુઓ જકડાઈ ગયા હતા અને હું એક અઠવાડિયા સુધી પથારીમાંથી ઊભો નહોતો થઈ શક્યો.”
લખનવીએ લખ્યું હતું કે, જોધપુરમાં ગામાના બીજા મામા, બુટા પહેલવાને રાજા જસવંત સિંહની સલાહથી ગામા તથા ઇમામ બક્ષ, બંનેને ઉસ્તાદ માધો સિંહને ત્યાં તાલીમ માટે મૂક્યા. ત્યાં તેમણે ચાર વર્ષ સુધી તાલીમ મેળવી. જોધપુરના રાજાના અવસાન પછી ગામા દતિયા પરત ફર્યા.
ગામા પહેલવાન 15 કલાક કસરત કરતા હતા
ઇમેજ સ્રોત, The Daily Mirror
લખનવી લખે છે કે, ગામાએ દતિયાની બહાર એક વિશાળ બગીચાની અંદર આવેલી પીળી સરકારી કોઠીમાં અખાડો બનાવ્યો હતો.
“ગામા પગ અને નિતંબના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે રોજ બે હજાર પુશ-અપ્સ (દંડ બેઠક કે ડિપ્સ) કરતા હતા. તે ઉપરાંત તેઓ પાંચ હજાર બેઠક (સ્ક્વૉટ્સ) અને મગદળ (એક બાજુથી ભારે હોય તેવા કુસ્તીના વ્યાયામ માટે વપરાતા જાડા દંડા) વડે બે હજાર હેન્ડ-સ્વિંગ્ઝ પણ કરતા હતા.”
“ગામા તેમના ગળા ફરતે લગભગ પાંચ મણના વજનની પથ્થરની પાટ (જે મેં જોઈ હતી) પહેરતા અને આખા બગીચા ફરતે દોડીને ચક્કર લગાવતા, જેનું અંતર ઓછામાં ઓછું એક માઇલ હતું. તેઓ ભાગ્યે જ તેલ માલિશ કરાવતા હતા.”
ભારતીય કુસ્તીબાજ બરકત અલી તેમના પુસ્તક ‘પહેલવાનોં કી દુનિયા’માં લખે છે કે, ગામા રોજ મળસ્કે બે વાગ્યાથી 10 વાગ્યા સુધી શરીરના નીચલા ભાગની અને બપોરના બે વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી શરીરના ઉપલા ભાગની કસરત કરતા હતા.
“રોજ સાંજે તેઓ બે કલાક સુધી ચાલતા. આમ, આપણે કહી શકીએ કે, ગામા દિવસના 24 કલાકમાંથી 15 કલાક સુધી વ્યાયામ કરતા હતા.”
ગામા પહેલવાન ખોરાકમાં 20 લિટર અને દૂધ અને છ મરઘાં લેતા હતા
કિડાંબીના જણાવ્યા અનુસાર, આવા આકરા શારીરિક પરિશ્રમ પછી શરીરને શક્તિ પૂરી પાડવાના આશયથી તેઓ ભરપૂર પ્રમાણમાં યખની (માંસ અને હાડકાંમાંથી બનાવવામાં આવેલો સૂપ) પીતા હતા. તે સિવાય, રોજ તેઓ 20 લીટર દૂધ, અડધો લીટર ઘી, પા કિલો માખણ અને ચાર કિલો ફળો આરોગતા હતા.
અખ્તર હુસૈન શેખના જણાવ્યા પ્રમાણે, બાળપણમાં ગામા રોજ 500 દંડ અને તેટલાં જ સિટ-અપ્સ (બેઠક) કરતા હતા. 15 વર્ષની વયે પહોંચ્યા સુધીમાં તેઓ 3,000 બેઠક અને એટલા જ દંડ કરતા હતા.
તેઓ આગળ જણાવે છે કે 20 વર્ષ સુધીમાં આ સંખ્યા વધીને 5,000 દંડ અને 4,000 સિટ-અપ્સ થઈ ગઈ હતી. જ્યારે 25થી 50 વર્ષની વય દરમિયાન, સામાન્યપણે તેઓ રોજ 6,000 દંડ અને 5,000 સિટ-અપ્સ કરતા હતા.
“તેમના દૈનિક આહારમાં છ મરઘી અથવા પાંચ શેર (આશરે 4.5 કિલો) નાના મટનની યખની સાથે એક પાઉન્ડ ઘી, સવા શેર બદામ અને વિવિધ પ્રકારના મુરબ્બાનો સમાવેશ થતો હતો.”
ગામા ભોપાલ નજીકના રીવા નામના રજવાડાના રાજા પ્રતાપ સિંહની દેખરેખ હેઠળ પણ રહ્યા હતા, જ્યાં મીરાં સિંહ ભખ્ખીવાલાએ તેમના કૌશલ્યને ધારદાર બનાવ્યું હતું.
કિડાંબીએ લખ્યું હતું કે, સદીનાં પ્રારંભિક વર્ષોમાં ગામા દતિયાના દરબારમાં કુસ્તીબાજ રાખવામાં આવ્યા હતા. તેમણે ઘણાં રજવાડાંના કુસ્તીબાજોને વારંવાર મ્હાત આપી અને ઘણી પ્રતિષ્ઠા મેળવી.
“તેમણે સૌથી મોટી જીત ગુલામ મોહિઉદ્દીન સામેના મુકાબલામાં મેળવી હતી, જેઓ સ્વયં પણ તે સમયના બાહોશ કુસ્તીબાજ હતા.”
“આ વર્ષો દરમિયાન, માત્ર રહીમ સુલતાનીવાલા એકમાત્ર એવા પહેલવાન હતા, જે ગામા સામે ટકી શક્યા હતા. 1907 અને 1909ની વચ્ચેના ગાળામાં બંને કુસ્તીબાજો વચ્ચે ત્રણ વખત મુકાબલો થયો, પણ તેમાંથી એક પણ મુકાબલામાં કોઈ સ્પષ્ટ વિજેતા બની શક્યું નહીં.”
“છતાં, દાયકાના અંત સુધીમાં મોટાભાગના આલોચકો ગામાને ભારતના સૌથી મોટા પહેલવાન ગણવા લાગ્યા હતા.”
લખનવીના જણાવ્યા પ્રમાણે, કુસ્તીના તેમના 16 મહત્ત્વના મુકાબલા વિશે ચર્ચા કરતાં ગામાએ ખુદ 12 વર્ષની વયે કુસ્તીનો તેમનો પ્રથમ મુકાબલો જીત્યો હોવા વિશે વાત કરી હતી.
શેખે લખ્યું હતું કે, ગુલામ મોહિઉદ્દીન સામેના કુસ્તીના આ મુકાબલાને ઉસ્તાદ લોકો “અડધી-મિનિટ”ની કુસ્તી ગણાવે છે.
આ જીત બદલ દતિયા રજવાડાના શાસકે ગામાને વીસ હજાર રૂપિયા રોકડા અને 22 શેરનું વજન ધરાવતી ચાંદીની ગદા ઇનામમાં આપી હતી.
મુકાબલો માત્ર આ એક પહેલવાન કરી શક્યા
ગામાએ રહીમ સુલતાનીવાલા સાથેના તેમના પ્રથમ ડ્રૉ મુકાબલાને “એક પ્રકારનો વિજય” ગણાવ્યો હતો, કારણ કે, તેમના મત અનુસાર, “તે સમયે ભારતમાં તેમની બરોબરીનો બીજો કોઈ પહેલવાન નહોતો.”
પછીથી, લાહોરમાં પણ તેમની સાથેની સ્પર્ધા ડ્રૉ રહી, પણ ગામાના જણાવ્યા પ્રમાણે, અલ્હાબાદમાં થયેલા મુકાબલામાં, “ભગવાને મને વિજય અપાવ્યો અને મને રુસ્તમ-એ-હિંદની ગદા મળી.”
શેખે લખ્યું હતું, “રહીમ રુસ્તમ-એ-ઝમાનની પકડમાં આવી ગયા. આ દાવ એટલો સફળ રહ્યો હતો અને પ્રહાર એટલો પ્રબળ હતો કે, તેમના હરીફ રહીમ બેજોડ કૌશલ્ય ધરાવતા હોવા છતાં જમીન પર ચત્તાપાટ પડી ગયા અને તે સાથે જ વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષનો આખરે નિર્ણય આવી ગયો. તે 45 મિનિટનો કુસ્તીનો મુકાબલો હતો. રહીમે તેમની હાર સ્વીકારી લીધી.”
ગામાએ કહ્યું હતું, “જો મારી સાથે કોઈ હરીફાઈ કરી શકે તેમ હોય, તો તે રહીમ બક્ષ હતા અને તેમના કારણે જ મને પ્રસિદ્ધિ મળી.”
“મેં હુસૈન બક્ષ મુલ્તાનીને એક કરતાં વધુ વખત પરાજય આપ્યો હતો. પ્રિન્સ ઑફ વેલ્સ લાહોરમાં આવી રહ્યા હોવાથી ત્યાં હાતુ ખાન મુલ્તાની સાથે કુસ્તીનો મુકાબલો ગોઠવાયો હતો, પણ હાતુ ખાન મુલ્તાની ત્યાં આવ્યા જ નહીં. પ્રિન્સ બહાદુરે મને રૂસ્તમ-એ-હિંદનો ખિતાબ આપ્યો.”
વિદેશમાં યોજાયેલી સ્પર્ધાઓમાં પણ કદી હાર્યા નહીં
ઇમેજ સ્રોત, Getty Images
આ ઉપરાંત ગામાએ વૈશ્વિક સ્તરે પણ પોતાનું નામ બનાવ્યું હતું અને વૈશ્વિક મંચ પર પણ તેઓ અણનમ રહીને કદી હાર્યા નહોતા.
1910ના વર્ષમાં ગામાને જ્હોન બુલ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા માટે લંડન મોકલવામાં આવ્યા હતા.
ગામા, તેમના ભાઈ અને અન્ય બે કુસ્તીબાજો માટેની તમામ પ્રકારની વ્યવસ્થા શરતકુમાર મિત્રા નામના બંગાળી કરોડપતિ દ્વારા કરવામાં આવી હતી.
ઑલ્ટરે લખ્યું હતું કે, દુર્ભાગ્યે ગામાની ઊંચાઈ ઓછી હોવાથી સત્તાવાર રીતે મુકાબલા માટેના પ્રતિસ્પર્ધી તરીકે તેમને સ્વીકૃતિ મળી નહોતી.
“જોકે, ત્યાંના એક સ્થાનિક થિયેટરે તેમને પ્રદર્શન મૅચોમાં ભાગ લેવા બદલ 250 પાઉન્ડનું સાપ્તાહિક વેતન ચૂકવવાની ઑફર કરી હતી.”
“આ અનૌપચારિક મંચ પરથી ગામાએ લંડનના વિશ્વ સ્તરના કુસ્તીબાજોને કુસ્તી લડવા માટે પડકાર ફેંક્યો.”
“તેમણે એવી જાહેરાત કરી કે, તેમનો હાથ પાંચ મિનિટ સુધી પકડી રાખનાર વ્યક્તિને તેઓ પાંચ પાઉન્ડનું ઇનામ આપશે.”
“ગામાએ તે સ્પર્ધામાં તમામ કુસ્તીબાજોને ઘણા જ ટૂંકા ગાળામાં મ્હાત આપવા માંડી હતી. આ રીતે તેમને સત્તાવાર ટુર્નામેન્ટમાં સ્થાન મળ્યું, જ્યાં તેમનો સામનો વિશ્વ ચૅમ્પિયન ઝબિશ્કો સાથે થયો હતો.”
કિડાંબીના જણાવ્યા મુજબ, બંને કુસ્તીબાજો જેવા આમને-સામને આવ્યા, તે સાથે જ પોલૅન્ડના કુસ્તીબાજ અચાનક જ જમીન પર ચત્તાપાટ પડી ગયા અને યોગ્ય રીતે કુસ્તી લડવાના તમામ પ્રયાસો તેઓ ટાળતા રહ્યા.
“ગામાના તમામ પ્રયાસો અને સ્ટેડિયમમાં હાજર 8,000 પ્રેક્ષકોની ચિચિયારીઓ છતાં, ઝબિશ્કોએ મુકાબલા માટે ઊભા થવાનો ઇનકાર કરી દીધો.”
“આખરે અઢી કલાક કરતાં થોડા વધુ સમય પછી આ ‘અનિર્ણિત’ મુકાબલાને અટકાવી દેવામાં આવ્યો.”
“રોષે ભરાયેલા પ્રેક્ષકોનું એક જૂથ જ્યારે દેખાવો કરવા માટે મેદાનમાં પ્રવેશી ગયું, ત્યારે પરિણામ નક્કી કરવા માટે તે પછીના સપ્તાહે વધુ એક મૅચનું આયોજન કરવામાં આવ્યું.”
“ગામા સ્ટેડિયમ પર સમયસર આવી પહોંચ્યા હોવા છતાં, ઝબિશ્કોનો ક્યાંય અતો-પતો નહોતો. આથી ગામાને વિજેતા જાહેર કરવામાં આવ્યા અને તેમને 250 પાઉન્ડ્ઝનું ઇનામ આપવામાં આવ્યું.”
“સંસદના સભ્ય હોરેશિયો બોટમલીએ ગામાને ‘જ્હોન બુલ ગોલ્ડન બૅલ્ટ’ની ભેટ પણ આપી, જે રુસ્તમ-એ-ઝમાનનું પ્રમાણપત્ર ગણાતું હતું.”
ગામા અને તેમના સાથીઓએ 1912માં પટિયાલાના રાજા ભૂપિન્દર સિંહ માટે કામ કરવાનું શરૂ કર્યું.
તે વખતે તેમનો પગાર મહિને 500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો, જ્યારે બીજા કુસ્તીબાજોનો પગાર 30 રૂપિયાથી 100 રૂપિયાની વચ્ચે હતો.
સ્ટેડિયમમાં જ્યારે એક લાખ લોકો એકઠા થયા
ઝબિશ્કોની હારનાં 18 વર્ષ પછી પટિયાલામાં જ તેમણે પડકાર ફેંકતાં ફરી વખત કુસ્તી યોજાઈ હતી.
તે સમયે ‘હિન્દુસ્તાન ટાઇમ્સે’ લખ્યું હતું કે, આ કુસ્તી માટે તૈયાર કરવામાં આવેલા સ્ટેડિયમમાં એક લાખ કરતાં વધુની જનમેદની નારા લગાવી રહી હતી.
જોસેફ ઑલ્ટરે તેમના પુસ્તક ‘ગાંધીઝ બૉડી’ના ‘ગામા ધ ગ્રેટ’ શીર્ષક ધરાવતા એક પ્રકરણમાં લખ્યું હતું કે, આ મુકાબલો ચાર વાગ્યે શરૂ થવાનો હતો, પણ ઝબિશ્કો મોડા પહોંચતાં, મુકાબલો સવા ચાર વાગ્યે શરૂ થયો.
“જેવી કુસ્તી શરૂ થઈ, તે સાથે જ ગામાએ એકસો છત્રીસ કિલોનું વજન ધરાવતા પોલૅન્ડના કુસ્તીબાજનો એક પગ પકડી લીધો અને બીજો પગ બહાર ફંગોળ્યો. પળવારમાં જ ઝબિશ્કો જમીન પર ઢળી પડ્યા હતા.”
રોનોજોય સેન તેમના પુસ્તક ‘નેશન ઍટ પ્લેઃ અ હિસ્ટ્રી ઑફ સ્પોર્ટ ઇન ઇન્ડિયા’માં લખે છે, “ગામાએ સિંહની માફક થપાટ મારી અને 30 સેકન્ડની અંદર ઝબિશ્કોને ભોંય પર પાડી દીધા.”
“આખું સ્ટેડિયમ સતત જોર-શોરથી લાગી રહેલા નારાથી ગૂંજી રહ્યું હતું. અડધી મિનિટ સુધી ગામા ઝબિશ્કોની ઉપર બેઠા રહ્યા, તે પછી રેફરીએ તેમને વિજેતા તેમજ વિશ્વ ચૅમ્પિયન જાહેર કર્યા.”
ઑલ્ટરના જણાવ્યા પ્રમાણે, “પટિયાલાના મહારાજાએ ગામાને ગળે લગાવી લીધા અને પોતાના ગળાનો કિંમતી મોતીનો હાર ઉતારીને ગામાને પહેરાવી દીધો.”
તે પછી સરઘસનું આયોજન કરવામાં આવ્યું. મહારાજાના હાથી ઉપર સવાર ગામા તેના આગેવાન હતા.
તેમને ઇનામપેટે ચાંદીની ગદા, છ હજાર રૂપિયાનું વાર્ષિક સ્ટાઇપેન્ડ અને એક ગામ આપવામાં આવ્યાં હતાં.
આ વિજય મેળવ્યા પછી અખબારોમાં ગામાની અપાર પ્રશંસા થઈ રહી હતી. ઝબિશ્કોના શબ્દો છપાયા હતા, “ગામા, તમે સાચે જ સિંહ છો.”
ગામાને મળેલા રુસ્તમ-એ-ઝમાન ખિતાબની પુષ્ટિ કરતો આ મુકાબલો અપેક્ષા કરતાં ઘણો જ નાનો પુરવાર થયો.
કુસ્તીના ઇતિહાસકાર અખ્તર હુસૈન શેખના જણાવ્યા પ્રમાણે, ગામા સ્વયં કહેતા હતા, “જેણે ઘડિયાળ જોઈ, તે કુસ્તી ન જોઈ શક્યો અને જેણે સિગરેટ સળગાવી, એ પણ કુસ્તી ન જોઈ શક્યો.”
સેને લખ્યું હતું કે, આયોજકોએ ઇલેક્ટ્રિક બલ્બ અને સર્ચલાઇટો ગોઠવ્યાં હતાં, કારણ કે, તેમને લાગતું હતું કે, જો 1910ના લંડનના મુકાબલાની માફક મુકાબલો બે કલાક કરતાં વધુ સમય સુધી ચાલુ રહેશે, તો લાઇટની જરૂર પડશે.
પીટરસનની હાર
ઇમેજ સ્રોત, Google
પોતાને દુનિયાના તમામ ચૅમ્પિયનોના ચૅમ્પિયન ગણાવતા જેસ પીટરસને પટિયાલામાં થયેલા મુકાબલા પછી ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રને પત્ર લખ્યો હતો અને ગામાને પડકાર્યા હતા.
પેરિસમાં રહેતા પીટરસને દાવો કર્યો હતો કે, તેમણે ઝબિશ્કોને ત્રણ વખત માત આપી હતી. તેમણે મહારાજાને મુકાબલો યોજવાની અપીલ કરી હતી.
આ મુકાબલો 1929ના પ્રારંભમાં પટિયાલામાં પટિયાલા તથા આસપાસમાં આવેલાં રજવાડાંના રાજવી પરિવારો તેમજ દસ હજાર પ્રેક્ષકોની હાજરીમાં યોજાયો હતો. ગામા સહેલાઈથી આ મુકાબલો જીતી ગયા.
ગામા દેશમાંથી અને વિદેશમાંથી આ પ્રકારના પડકારો ઝીલતા રહ્યા, પણ દર વખતે જીત તેમની જ થતી હતી.
પહેલી એપ્રિલ, 1912ના રોજ રાજવી કિલ્લાની સામે આવેલા મિન્ટો પાર્કમાં ગામા અને બુદ્ધુ બ્રાહ્મણ વચ્ચે મુકાબલો થયો હતો.
અખ્તર શેખ લખે છે કે, જેવા તેમના હાથ એકબીજા સાથે લૉક થયા, તે સાથે જ ગામાએ એક હાથથી દાવ લગાવીને આડશ વાપરીને તેમના પ્રતિસ્પર્ધીને ભોય ભેગો કરી દીધો.”
“તે પછી પોતાનો હાથ તેમની ગરદન પર મૂકીને તેમણે બુદ્ધુને ફેરવી દીધા. ઉસ્તાદો આ દાવનું વર્ણન આ રીતે કરે છેઃ ગામાએ “તેમનો હાથ આગળ લંબાવ્યો, ઝાટકો માર્યો અને પછી સીધો કરી દીધો.”
બરકત અલી જણાવે છે કે, 55 અને 65 વર્ષની વચ્ચેની વયે ગામાએ તેમની કેટલીક કસરતો ઓછી કરી નાખી હતી.
લખનવીના જણાવ્યા મુજબ, જૅક વૂડે 1940ના વર્ષમાં “માન્ચેસ્ટર ગાર્ડિયન”માં લખ્યું હતું કે, ગામા તે સમયના સૌથી મોટા પહેલવાન હતા. તે સમયે ગામાની ઉંમર 60 વર્ષ હતી.
“તેઓ ત્રણ હજાર કુસ્તીના મુકાબલા લડ્યા હતા, પણ તેમણે કદી હારનો સ્વાદ ચાખ્યો નથી.”
ગામા થોડો વખત લાહોરમાં અને થોડો સમય પટિયાલામાં રહ્યા હતા.
આખરે, 1947માં જ્યારે દેશના ભાગલા પડ્યા, ત્યારે ગામા પટિયાલાથી સ્થળાંતર કરીને લાહોર જઈને વસ્યા.
શેખના જણાવ્યા મુજબ, ગામાના ભાઈ ઇમામ બક્ષ અને ભત્રીજા ભોલુએ પણ લાહોરમાં મુકામ કર્યો હતો.
એક તબક્કે, તેમના ભાઈ ઇમામ બક્ષ ગામાના રુસ્તમ-એ-ઝમાનના રક્ષક બન્યા હતા.
ગામા લાહોર આવી ગયા, તે પછી તેમનું ઘર કેસર સિંહ પહેલવાનને આપી દેવામાં આવ્યું, જેઓ પછીથી રુસ્તમ-એ-હિંદ બન્યા.
ગામાનાં પાછલાં વર્ષો
ઇમેજ સ્રોત, Newspaper archives
ગામા અને ફહીમુદ્દીન ફહમીના નાના કરીમ બક્ષ ગાઢ મિત્રો હતા.
પછીથી પાછલાં વર્ષોમાં ગામા તેમને કરાચીમાં મળ્યા હતા, જ્યાં તેમણે એક ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરી હતી અને ફહમીને તેમના મૅનેજર તરીકે નિયુક્ત કર્યા હતા.
ફહમી લખે છે, “કેટલાક લોકો કહે છે કે, તેમનું નામ ગુલામ મહમ્મદ હતું, તો અમુક લોકોનું માનવું છે કે, તેમનું નામ ગુલામ બક્ષ હતું, પણ વાસ્તવમાં તેમનું નામ ગુલામ હુસૈન હતું.”
“જ્યારે તેમણે તેમના ટ્રાન્સપોર્ટના વ્યવસાય માટે રેફ્યૂજી રિહેબિલિટેશન ફાયનાન્સ કૉર્પોરેશન પાસેથી 10,000 રૂપિયાની લોન લીધી, તે વખતે લોનના તમામ જરૂરી દસ્તાવેજોમાં ‘ગુલામ હુસૈન ઊર્ફે ગામા’ નામની ઍન્ટ્રી કરવામાં આવી હતી.”
1954માં તેમને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ હતી. તેમણે કરાચી ખાતેનો તેમનો વ્યવસાય સમેટી લીધો અને લાહોર પરત ફરી ગયા. તેઓ ફહમીને પણ પોતાની સાથે લેતા ગયા હતા. ગામા પ્રેમથી ફહમીને ચાચા કહીને સંબોધતા હતા.
તેમને પ્રથમ વખત હૃદય રોગનો હુમલો (હાર્ટ એટેક) આવ્યો, તે પહેલાં લાહોરથી વિશ્વના તમામ કુસ્તીબાજોને કુસ્તી માટેની છેલ્લી ઓપન ચૅલેન્જ આપવામાં આવી હતી.
ફહમી લાહોરમાં ગામા પહેલવાન સાથે રહેતા હતા, તે દરમિયાન જ તેમણે જીવન ચરિત્રનું લેખનકાર્ય પૂરું કર્યું હતું.
‘કચ્ચી પાસ, પક્કી ફેઇલ’, પણ સાહિત્ય અને શાયરી પ્રત્યે લગાવ
ફહમીના જણાવ્યા મુજબ, તેઓ ઘણી વખત ગર્વભેર કહેતા હતા કે, તેઓ “કચ્ચી પાસ, પક્કી ફેઇલ” (પ્રાઇમરી ફેઇલ) હતા, પણ તેમની ઊર્દૂ ઘણી શાલીન અને પંજાબી એકદમ પ્રભાવશાળી હતી.
ગામાએ ખુદ કહ્યું હતું કે, લંડનમાં ચાર મહિના વીતાવ્યા પછી તેઓ અંગ્રેજી ભાષા પણ ઠીક-ઠીક કહી શકાય, એવી સમજી શકતા હતા.
“જો આજે શેરો-શાયરીની મહેફિલ થાય, તો આવતી કાલે કોઈ સરસ વાર્તાકારની વાર્તાનું ખૂબ મોજથી વર્ણન કરવામાં આવતું હોય. કેટલીક વખત ઇકબાલના ‘બંગ-એ-દરા’નો દોર થતો, તો વળી અમુક વાર ‘દીવાન-એ-બેદમ’નો માહોલ જામતો! આ ઉપરાંત તેમને હિંદી કવિઓના દોહા પણ યાદ હતા.”
ફહમીના જણાવ્યા પ્રમાણે, “જ્યાં સુધી હું રુસ્તમ-એ-ઝમાનની સાથે રહ્યો, ત્યાં સુધી હું રોજ મળસ્કે ચાર વાગ્યે ઊઠી જતો હતો. પછી ભલે ગમે તેવું વાતાવરણ હોય, હું માત્ર એક લંગોટ પહરીને અખાડા પર પહોંચી જતો.”
“મારી પ્રેક્ટિસ પૂરી કર્યા પછી હું તાજા પાણીથી સ્નાન કરતો અને ત્યાર બાદ બીજાં કામો તરફ ધ્યાન આપતો હતો.”
લખનવી લખે છે કે, આગળ જતાં તેમણે રાવી નદીના કિનારે ઘાસના છાપરાંવાળો બંગલો બનાવડાવ્યો હતો. શિયાળાની ઋતુમાં તેઓ ઘટાદાર ઝાડની નીચે સૂઈ રહેતા હતા.
પણ તે પછી, લાહોરમાં બીમાર પડેલા ગામાની મુલાકાત લેનારા એ. બી. રાજપૂતે અંગ્રેજી સાપ્તાહિક “ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ બૉમ્બે”ના સાતમી ફેબ્રુઆરી, 1960ના અંકમાં લખ્યું હતું કે, પોતાના કુસ્તીનાં કરતબોથી સમગ્ર દુનિયાને અચંબામાં નાખી દેનારા પહેલવાન ગામા તેમના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા.
ગામાની બીમારીની જાણ થતાં ઝબિશ્કોએ ગામાની તબિયત વિશે તપાસ કરવા માટે પત્ર લખ્યો હતો.
તેમણે લખ્યું હતું, “હું હજ્જારો બળવાન પુરુષો સામે લડી ચૂક્યો છું, પણ ગામાએ મને જેટલી સહેલાઈથી હરાવી દીધો, તેટલી સહેલાઈથી મને બીજું કોઈ હરાવી શક્યું નથી.”
ગામાએ પણ ઝબિશ્કોને વળતો પત્ર લખ્યો હતો અને પોતાના હાલ-ચાલ પૂછવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગામાનો કુલસુમ નવાઝ સાથે શું સંબંધ હતો?
ઇમેજ સ્રોત, Getty Images
ગામાએ પ્રથમ પત્નીના મોત બાદ બીજાં લગ્ન કર્યાં હતાં.
તેમનાં બીજાં પત્ની વઝીર બેગમને પાંચ પુત્રો થયા, પણ તેમાંથી એક પણ જીવિત ન રહ્યો. તેમને ચાર પુત્રી થઈ હતી.
ગામાનાં એક પુત્રી રઝિયા બેગમના નિકાહ ડૉક્ટર મહમ્મદ હાફીઝ સાથે થયા હતા.
તેમનાં પુત્રી કુલસુમ (ગામાનાં દોહિત્રી)એ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ સાથે નિકાહ કર્યા હતા.
અખ્તર શેખ લખે છે કે, 22મી મે, 1960ના રોજ બેગમ ગામાએ કોઈ કામસર રાવીના સામા કાંઠે આવેલા બગીચામાં જવું પડ્યું હતું. આ તરફ ગામા સાથે તેમનાં પુત્રી ગીતી આરા હાજર હતાં.
ગામાએ પુત્રી પાસેથી વચન લીધું કે, તેમના અવસાન પછી તે માતાની સંભાળ રાખશે અને તેમની સમક્ષ આંસુ નહીં વહાવે. ત્યાર બાદ ગામાએ હાથ ઊંચો કરીને પુત્રીને આશીર્વાદ આપ્યા.
બે લાડવા ખાધાં
આ દરમિયાન, વઝીર બેગમ પણ આવી પહોંચ્યાં હતાં.
ગામાએ કહ્યું કે, આ એક ઘણી લાંબી સફર છે અને તેમણે સ્નાન કરી લેવું જોઈએ. તે પછી ગામાએ સ્નાન કર્યું, પરિવારજનોની મદદથી કપડાં બદલ્યાં, અને ખાસ કરીને લંગોટ બદલી (તેઓ હંમેશાં લંગોટ પહેરતા હતા).
ગીતી આરાએ તેમને વાળ ઓળી આપ્યા. ગામાએ તેમને દવા આપવાનું બંધ કરવા કહ્યું અને લિજ્જતથી બે લાડુ આરોગ્યા.
23મી મે, 1960ના રોજ હંમેશની માફક ગામા ફજર (સવાર)ની અઝાન પહેલાં ઊઠી ગયા અને પાણી ગટગટાવી ગયા. તે પછી તેમણે તેમનાં પુત્રીને કહ્યું, “જા, હવે સૂઈ જા. હું હવે કોઈને વધુ હેરાન નહીં કરું.”
રુસ્તમ-એ-ઝમાનના મોંમાંથી નીકળેલા તે છેલ્લા શબ્દો હતા.
તેમણે ત્રણ ઊંડા શ્વાસ લીધા. વઝીર બેગમ તરત જ તેમની નજીક આવી ગયાં.
તેમણે ગામાને જો અસ્વસ્થતા લાગી રહી હોય, તો ચત્તા થઈને સૂઈ જવા કહ્યું.
વઝીર ગામા એક એવા શખ્સને ચત્તા સૂઈ જવાની સલાહ આપી રહ્યાં હતાં, જે કદીયે ચત્તાપાટ પડવાનું શીખ્યો નહોતો, પણ હવે આ સમયે તેઓ એવા સૂઈ ગયા કે, ફરી ક્યારેય ઊભા ન થઈ શક્યા.
ગુલામ હુસૈન ઊર્ફે ગામા નૂનવાલાને લાહોરમાં દરબાર પીર મક્કીની નજીક આવેલા એક નાના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. ક
બ્રસ્તાનમાં એક તરફ એક તરફ શેર-એ-બબ્બર ઇમામ બક્ષ રુસ્તમની અને બીજી તરફ હામીદા રહમાની રુસ્તમ-એ-હિંદની કબરો આવેલી છે.
અને નજીકમાં જ ગામા કલ્લુ વાલાની કબર છે, આ એ જ ગામા છે, જેમનું સાચું નામ ગુલામ મહમ્મદ હતું.
1879માં જન્મેલા ઝબિશ્કોની ઉંમર લગભગ ગામા જેટલી જ હતી, પણ ગામાના મોતનાં સાત વર્ષ પછી, 1967માં તેમનું અવસાન થયું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







