Source : BBC NEWS
ઇમેજ સ્રોત, @ShriRamTeerth
રામમંદિર ટ્રસ્ટના પ્રથમ પૂર્ણકાલીન મુખ્ય કાર્યકારી અધિકારી(સી.ઈ.ઓ.)ની પસંદગી માટેની ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાયું છે કે એક ઉચ્ચસ્તરીય સમિતિએ કુલ 5,585 અરજીઓમાંથી પસંદ કરાયેલા 16 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા. હવે આ સમિતિ આમાંથી ત્રણ ઉમેદવારોનાં નામ ટ્રસ્ટને મોકલશે. અંતિમ નિર્ણય ટ્રસ્ટ લેશે.
પસંદગી સમિતિમાં નિવૃત્ત ન્યાયમૂર્તિ પ્રમોદ કોહલી, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વી. કે. ચતુર્વેદી અને પરમાણુ વિજ્ઞાની ડૉ. સુરેશ હવારેનો સમાવેશ થતો હતો.
ઇન્ટરવ્યૂ દરમિયાન ઉમેદવારોને ધાર્મિક કાર્યોના અનુભવ, ભગવાન રામ પ્રત્યેની આસ્થા અને હિંદુ ધર્મની મૂળભૂત ધાર્મિક પરંપરાઓ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
ઉમેદવારો ચોટલી રાખે છે કે નહીં, જનોઈ પહેરે છે કે નહીં, શુદ્ધ શાકાહારી છે કે માંસાહારી, દારૂનું સેવન કરે છે કે નહીં, તેઓ કટ્ટર હિંદુ છે કે માત્ર આસ્થાવાન છે, હિંદુ ધર્મને અનુરૂપ વસ્ત્રો પહેરવામાં તેઓ સહજ રહેશે કે નહીં તેમજ અન્ય ધર્મો અંગે તેમનો અભિપ્રાય શું છે—આવા પ્રશ્નો પણ ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યા હતા.
રામમંદિરમાં દાનની ચોરીના આક્ષેપો થતાં ટ્રસ્ટે પૂર્ણકાલીન સી.ઈ.ઓ.ની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો.
ઇન્ટરવ્યૂ આપનારા ઉમેદવારોમાં ત્રણ ભૂતપૂર્વ આઈ.એ.એસ. અધિકારીઓ, એક ભૂતપૂર્વ આઈ.પી.એસ. અધિકારી અને ચાર ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓનો સમાવેશ થતો હતો.
બુધવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ સમીર પાંડેએ બહાર પાડેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે પસંદગીપ્રક્રિયાના અંતિમ તબક્કાના ઇન્ટરવ્યૂ 11 અને 12 ઑગસ્ટે ટ્રસ્ટના સંકુલમાં જ યોજાયા હતા.
નિવેદન અનુસાર, સમિતિએ અનેક તબક્કામાં કડક, પારદર્શક અને વ્યાપક મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરી હતી. કુલ 16 વ્યાવસાયિકોને અયોધ્યામાં રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. આ સંખ્યા કુલ અરજદારોના આશરે 0.3 ટકા જેટલી હતી.
ઉમેદવારોમાં હતા ભૂતપૂર્વ અમલદારો
ઇમેજ સ્રોત, Sanchit Khanna/Hindustan Times via Getty Images
બુધવારે બ્રિગેડિયર કક્ષાના એક નિવૃત્ત અધિકારી ઇન્ટરવ્યૂ માટે પહોંચ્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશના હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત ત્રણ અન્ય ભૂતપૂર્વ અમલદારોના પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. તેમાંથી કોઈ ઉત્તર પ્રદેશ કેડરના નહોતા.
ભૂતપૂર્વ આઈ.પી.એસ. રાજેશ પાંડે અને ભૂતપૂર્વ આઈ.એ.એસ. દિનેશ ચંદ્ર પણ અન્ય ઉમેદવારો સાથે ઇન્ટરવ્યૂમાં જોડાયા હતા.
રાજેશ પાંડેય ઉત્તર પ્રદેશ કેડરના 2005ની બેચના આઈ.પી.એસ.અધિકારી હતા. તેઓ પ્રાંતીય પોલીસ સેવામાંથી બઢતી મેળવીને પોલીસ મહાનિરીક્ષકના પદેથી નિવૃત્ત થયા હતા. તેમણે ઉત્તર પ્રદેશના ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ફૈઝાબાદ/અયોધ્યાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન કુખ્યાત ગૅંગસ્ટર શ્રીપ્રકાશ શુક્લના ઍન્કાઉન્ટરનો બનાવ પણ બન્યો હતો. બીજા દિવસે પણ રાજેશ પાંડેનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બિહારના ડી.જી.પી. પ્રવેશ સક્સેનાનો પણ બુધવારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો.
પ્રવેશ સક્સેના હાલ બિહારના પોલીસ મહાનિદેશક (ડી.જી.પી.) છે.
દિનેશ ચંદ્ર ઉત્તર પ્રદેશ કેડરના 2012ની બેચના આઈ.એ.એસ. અધિકારી હતા. તેઓ પ્રાંતીય સિવિલ સેવામાંથી બઢતી મેળવીને વિશેષ સચિવના પદેથી નિવૃત્ત થયા હતા. તેમણે જૌનપુર, બહરાઇચ, કાનપુર ગ્રામ્ય અને સહારનપુરના જિલ્લા અધિકારી તરીકે કામગીરી કરી હતી. તેમને ‘ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ ઍક્સેલન્સ ઇન ગવર્નન્સ’ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 40થી 50 મિનિટ સુધી ચાલેલા ઇન્ટરવ્યૂમાં ધાર્મિક કાર્યોના અનુભવ, ભગવાન રામ પ્રત્યેની આસ્થા અને હિંદુ ધર્મની અન્ય ધાર્મિક પરંપરાઓ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
ઉમેદવારોને એ પણ પૂછવામાં આવેલું કે તેઓ ચોટલી રાખે છે કે નહીં, જનોઈ પહેરે છે કે નહીં, શુદ્ધ શાકાહારી છે કે માંસાહારી, દારૂનું સેવન કરે છે કે નહીં, તેઓ કટ્ટર હિંદુ છે કે માત્ર આસ્થાવાન છે અને હિંદુ ધર્મને અનુરૂપ વસ્ત્રો પહેરવામાં તેઓ સહજ રહેશે કે નહીં.
સૂત્રોએ જણાવ્યું કે ઉમેદવારોને તેમની નેતૃત્વક્ષમતા, ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં હિસ્સેદારી, રામમંદિર અંગે તેમની દૃષ્ટિ અને કાર્યઆયોજન વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
તમામ ઇન્ટરવ્યૂ રામમંદિર સંકુલમાં આવેલા ગ્રીન હાઉસમાં યોજાયા હતા.
ઇન્ટરવ્યૂ ક્યારે, ક્યાં અને કોણે લીધા?
ઇમેજ સ્રોત, ANI Video Grab
તમામ 16 ઉમેદવારો સોમવારે મોડી રાત્રે અયોધ્યા પહોંચ્યા હતા અને ટ્રસ્ટે સૂચવેલાં અલગ-અલગ સ્થળોએ રોકાયા હતા. ઇન્ટરવ્યૂની સમગ્ર પ્રક્રિયા બંધબારણે યોજાઈ હતી.
ટ્રસ્ટનાં સૂત્રોએ જણાવ્યું કે ઉમેદવારો સવારે આશરે 9 વાગ્યે રામમંદિર સંકુલમાં પહોંચ્યા હતા અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી. ઇન્ટરવ્યૂ શરૂ થતાં પહેલાં તમામ ઉમેદવારોને સમગ્ર રામમંદિર સંકુલનું ભ્રમણ કરાવવામાં આવ્યું હતું.
ટ્રસ્ટનાં સૂત્રોએ જણાવ્યું, “દરેક ઉમેદવારે અયોધ્યા ઍરપૉર્ટ પર પહોંચવાનો પોતાનો કાર્યક્રમ અગાઉથી ટ્રસ્ટને મોકલી આપ્યો હતો. ટ્રસ્ટના પ્રતિનિધિઓ ઍરપૉર્ટ પર તેમનું સ્વાગત કરીને તેમને સાથે લઈ ગયા હતા. ત્યાંથી અલગ-અલગ વાહનોમાં તેમને જુદાં-જુદાં સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા.”
તેમણે વધુમાં કહ્યું, “ઇન્ટરવ્યૂ રામમંદિર સંકુલમાં જ લેવામાં આવી રહ્યા છે અને ઉમેદવારોને મીડિયાને મળવાની કે વાતચીત કરવાની મનાઈ કરવામાં આવી છે.”
તેમણે એમ પણ કહ્યું, “ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પૂરી થયા બાદ તમામ ઉમેદવારોને અયોધ્યા ઍરપૉર્ટ પર મૂકી જવામાં આવશે. ત્યાંથી તેઓ નવી દિલ્હી જશે અને દિલ્હીથી પોતાના મુકામે જશે.”
સૂત્રોના જણાવ્યા અનુસાર, 18 ઉમેદવારોમાં ભૂતપૂર્વ અમલદારો ઉપરાંત દક્ષિણ ભારતનાં મંદિરોમાં વરિષ્ઠ હોદ્દા પર રહી ચૂકેલા લોકોનો પણ સમાવેશ થાય છે.
ત્રણ સભ્યોની પસંદગી સમિતિ ઉમેદવારોની ચકાસણી માટે સોમવારે રાત્રે અયોધ્યા પહોંચી હતી.
સમિતિ 16 ઉમેદવારોમાંથી ત્રણ નામ પસંદ કરશે, જેમાંથી અંતિમ પસંદગી ટ્રસ્ટ કરશે.
ચાર તબક્કામાં થયેલી પસંદગી પ્રક્રિયા
ઇમેજ સ્રોત, AFP via Getty Images
ટ્રસ્ટ દ્વારા બહાર પડાયેલા નિવેદન અનુસાર, સી.ઈ.ઓ.ની પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં યોજાઈ હતી.
પ્રથમ તબક્કામાં કુલ 5,585 અરજીઓ મળી હતી. તેમાંથી 3,877 અરજીઓ સાથે ઉમેદવારની વિગતવાર માહિતી ધરાવતો બાયોડેટા જોડાયેલો હતો. તમામ ઉમેદવારો પાસેથી વ્યવસ્થાપન ક્ષમતા, મોટાં આયોજનો અને કર્મચારીઓનું સંચાલન કરવાનો અનુભવ, વ્યક્તિગત સિદ્ધિઓ, ભાષાકીય કુશળતા, દૃષ્ટિકોણ અને વ્યૂહાત્મક આયોજન અંગેની વિગતવાર માહિતી માગવામાં આવી હતી.
બીજા તબક્કામાં 1,580 ઉમેદવારોની અરજીઓનું વિસ્તારથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાંથી આશરે 111 ઉમેદવારોને કેટલાક દિવસો સુધી ચાલેલી ઑનલાઇન વાતચીત માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ તબક્કામાં ઉમેદવારોનું મૂલ્યાંકન તેમની પ્રત્યાયનકુશળતા, વ્યાવસાયિક અનુભવ, દૃષ્ટિકોણ, વ્યક્તિત્વ, નેતૃત્વક્ષમતા અને ટૅક્નિકલ સમજના આધારે કરવામાં આવ્યું હતું.
ત્રીજા તબક્કામાં ઑનલાઇન મૂલ્યાંકન પછી 16 ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે અયોધ્યા બોલાવવા પસંદ કરવામાં આવ્યા હતા. આ ઉમેદવારો સંરક્ષણ, અમલદારશાહી, કૉર્પોરેટ અને ઔદ્યોગિક ક્ષેત્ર, શિક્ષણ તથા માહિતીપ્રૌદ્યોગિકી જેવાં મહત્ત્વનાં ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા હતા.
અંતિમ તબક્કામાં પહોંચેલા તમામ 16 ઉમેદવારો પોતપોતાનાં ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનારા અનુભવી વ્યાવસાયિકો છે.
ટ્રસ્ટના નિવેદનમાં જણાવાયું છે કે સર્ચ કમિટી હવે અંતિમ ઉમેદવારોના મૂલ્યાંકનની આગામી પ્રક્રિયા હાથ ધરશે અને યોગ્ય સમયે ત્રણ નામની પૅનલ શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રને સોંપશે. અંતિમ જાહેરાત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.
પૂર્વ આઇપીએસ અમિતાભ ઠાકુરને ઇન્ટરવ્યૂ માટે કહેણ આવ્યું નથી
ઇમેજ સ્રોત, Getty Images/BBC
આ પદ માટે પોતે કરેલી અરજીનો પૂર્વ આઈ.પી.એસ. અધિકારી અમિતાભ ઠાકુરને કોઈ જવાબ મળ્યો નથી. તેમણે પસંદગીપ્રક્રિયા અને તેનાં માપદંડોમાં પારદર્શકતા રાખવાની માગ કરી છે. સાથે જ તેમણે ટ્રસ્ટને ઇન્ટરવ્યૂ માટે પસંદ કરાયેલા ઉમેદવારોનાં નામ જાહેર કરવા કહ્યું છે.
ઠાકુરે કહ્યું, “આજે મેં અયોધ્યા સ્થિત રામમંદિર ટ્રસ્ટને એક પત્ર મોકલ્યો છે. મેં ટ્રસ્ટના સી.ઈ.ઓ.પદ માટે અરજી કરી હતી, પરંતુ આજ સુધી મને કશી માહિતી મળી નથી. મીડિયાના અહેવાલો પરથી જાણવા મળ્યું કે આશરે 5,200 અરજીઓમાંથી 16 લોકોને અયોધ્યામાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા. ઇન્ટરવ્યૂ માટે મને ન બોલાવાયા હોવાની કોઈ વ્યક્તિગત ફરિયાદ નથી, પણ આટલા મોટા પ્રમાણમાં અરજીઓ આવી હોય ત્યારે ટ્રસ્ટે ઇન્ટરવ્યૂ માટે પસંદ કરાયેલા ઉમેદવારોનાં નામ જાહેર કરવાં જોઈએ.”
તેમણે વધુમાં કહ્યું, “સાથોસાથ પસંદગી માટેનાં માપદંડ પણ જણાવવા જોઈએ અને અરજદારોને તેમની પસંદગી થઈ છે કે અરજી નકારી કાઢવામાં આવી છે તેની સત્તાવાર જાણ કરવી જોઈએ. મારું માનવું છે કે સમગ્ર પ્રક્રિયામાં પારદર્શકતા જળવાવી જોઈએ.”
રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અગાઉ જ કહી ચૂક્યા છે કે વિશ્વની સૌથી વધુ ‘ચર્ચાસ્પદ મંદિર પરિયોજના’માં વ્યાવસાયિક વહીવટ અને પારદર્શકતા જળવાઈ રહે તે માટે પૂર્ણકાલીન સી.ઈ.ઓ.ની નિમણૂક અત્યંત જરૂરી છે.
ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે આ નિમણૂક સંપૂર્ણપણે સ્વાયત્ત રહેશે. સી.ઈ.ઓ.ની સત્તાઓ ટ્રસ્ટ નક્કી કરશે અને તેમાં સરકારની કોઈ દખલગીરી રહેશે નહીં. સી.ઈ.ઓ. સીધા ટ્રસ્ટના મહામંત્રીને જવાબદાર રહેશે.
ટ્રસ્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ સી.ઈ.ઓ.લાંબા ગાળાની યોજનાઓ પણ તૈયાર કરશે, જેથી ટ્રસ્ટડીડમાં નિર્ધારિત હેતુઓ પૂર્ણ કરી શકાય.
ટ્રસ્ટના સી.ઈ.ઓ. તરીકે નિયુક્ત થનાર વ્યક્તિ સંસ્થાની તમામ કાયદાકીય, વહીવટી અને નાણાકીય જવાબદારીઓ સંભાળશે.
ટ્રસ્ટના જણાવ્યા અનુસાર,સંસ્થાના સ્વરૂપ અને કદને અનુરૂપ વ્યવસ્થાઓ, પ્રક્રિયાઓ અને કામગીરીની પદ્ધતિઓ વિકસાવવાની જવાબદારી સી.ઈ.ઓ.ની રહેશે. સાથે જ સંસ્થાનાં હેતુ, સ્વરૂપ અને કદને અનુરૂપ સંગઠનાત્મક માળખાને તે મજબૂત અને વિકસીત કરશે.
અન્ય જવાબદારીઓમાં, સંસ્થાના અધિકારીઓ, હોદ્દેદારો, કર્મચારીઓ અને સ્ટાફ માટે સર્વોચ્ચ કાર્યકારી સત્તા તરીકે સી.ઈ.ઓ. કામ કરશે.
ટ્રસ્ટની વર્તમાન પ્રવૃત્તિઓ અને ભાવિ વિકાસનું અસરકારક સંચાલન સી.ઈ.ઓ. સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત તમામ કાયદાકીય, નિયમનકારી અને ટ્રસ્ટ ડીડને લગતી આવશ્યકતાઓનું પાલન થાય તે પણ સુનિશ્ચિત કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




