Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાવનગર, જમ્મુ-કાશ્મીર, પહલગામ, ઉગ્રવાદી હુમલો, હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

22 એપ્રિલ 2025, 19:40 IST

અપડેટેડ 4 મિનિટ પહેલા

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મુસાફરો પર હુમલો થયો છે. આ હુમલો બેસરન વિસ્તારમાં થયો છે, જેમાં ગુજરાતના ભાવનગરની એક વ્યક્તિ સહિત કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. જોકે, અત્યાર સુધી ઈજાગ્રસ્તો વિશે કોઈ આધિકારિક જાણકારી સામે નથી આવી.

જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને પહલગામમાં થયેલા ‘આતંકવાદી હુમલા’ને વખોડતાં તેમાં મૃત્યુ પામનારાના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

હજુ હુમલામાં જાનહાનિ મામલે કોઈ આધિકારિક જાણકારી નથી મળી.

મંગળવારે થયેલા આ હુમલા બાદ તરત સુરક્ષાબળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. ઘટનાસ્થળે મેડિકલ ટીમ પણ પહોંચી ગઈ છે.

બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીર પ્રમાણે કેટલાક ઈજાગ્રસ્તોને અનંતનાગની સરકારી મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરનાં સ્વાસ્થ્યમંત્રી સકીના ઇટૂએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અનંતનાગ મેડિકલ કૉલેજમાં કેટલાક ઈજાગ્રસ્તોને દાખલ કરાયા છે. ત્રણ લોકોની સ્થિતિ હાલ ઠીક છે. જ્યારે એકની હાલત ગંભીર છે. તેમણે વધુ ત્રણ ઈજાગ્રસ્તો અંગે જાણકારી આપી અને કહ્યું કે તે પૈકી એકને શ્રીનગરમાં દાખલ કરાયા છે.

જોકે ભાવનગરના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે આ મામલે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું : “હાલ મળી રહેલી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના પહલગામ જિલ્લામાં એક હુમલો થયો છે. જેમાં ભાવનગરની વિનુભાઈ ડાભી નામની વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થઈ છે. આ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી અમે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર (એસઇઓસી)માંથી મેળવી રહ્યા છીએ.”

તેમણે આગળ કહ્યું કે વિનુભાઈ ડાભી જમ્મુ-કાશ્મીર કેવી રીતે ગયા હતા એ અંગેની વિગતો મેળવવાની બાકી છે. તેઓ જમ્મુ-કાશ્મીરના ટચમાં હોવાનું કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, “ભાવનગર ડિસ્ટ્રિક્ટની ડિઝાસ્ટર ટીમ રાજ્યના એસઈઓસી સાથે સંપર્કમાં છે અને આગળ ગુજરાતનું એસઈઓસી જમ્મુ-કાશ્મીરના એસઇઓસી સાથે સંપર્કમાં છે.”

ડૉ. મનીષકુમારે આ ઘટના ક્યારે બની એ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, “મને અડધા કલાક પહેલાં જ માહિતી મળી છે કે ત્યાં લગભગ પાંચેક વાગ્યે એક હુમલો થયો છે. ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવવાની બાકી છે.”

ભાવનગરથી કેટલા લોકો ગયા હતા

ભાવનગરના વિનુભાઈ ડાભીના ઈજાગ્રસ્ત થવાની પુષ્ટિ થઈ છે.

ઇમેજ સ્રોત, Alpesh Dabhi

ભાવનગરથી બીબીસી ગુજરાતીના સહયોગી અલ્પેશ ડાભીએ જણાવ્યું કે ભાવનગર અને પાલીતાણાથી આશરે 20 લોકો પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે ભાવનગરથી સુરેન્દ્રનગર અને ત્યાંથી ટ્રેનથી 16 એપ્રિલે મોરારીબાપુની કથા સાંભળવા જમ્મુ કાશ્મીર ગયા હતા અને 29 એપ્રિલના દિવસે પાછા આવવાના હતા.

ભાવનગરના વિનુભાઈ ડાભીના ઈજાગ્રસ્ત થવાની પુષ્ટિ થઈ છે. મળતી માહિતી અનુસાર વિનુભાઈ ડાભીને હાથના ભાગે ઈજા પહોંચતા સારવારમાં હૉસ્પિટલ ખસેડાયા હતા.

વિનુભાઈ ડાભીના પુત્ર અને ભાવનગરના રહેવાસી અશ્વિન ડાભીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “મારા પિતા અને અન્ય લોકો 16 એપ્રિલે 15 દિવસના પ્રવાસે જમ્મુ-કાશ્મીર ગયા હતા. ત્યાં મોરારિબાપુની સપ્તાહ હતી ત્યાં એ લોકો થોડા દિવસ રોકાવાના હતા અને પાછા આવતા વૈષ્ણો દેવી, પંજાબ અને રાજસ્થાન થઈને 30 તારીખે પાછા ભાવનગર આવવાના હતા.”

“એ લોકો પહલગામ ગયા હતા ત્યાં અચાનકથી હુમલો થયો અને એમાં મારા પિતાને હાથે વાગ્યું છે અને તેઓ હૉસ્પિટલમાં દાખલ છે. તેની તબિયત સ્થિર છે. મારાં મમ્મી સાથે વાત થઈ છે, એ લોકો પાછા આવી રહ્યા છે અને મારા પિતા હજુ હૉસ્પિટલમાં રહેશે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “એડિશનલ કલેક્ટરનો ફોન આવ્યો છે અને કહ્યું છે કે કોઈ ચિંતાની જરૂર નથી. અમને આશા રાખીએ છીએ કે એ લોકો જલદી આવી જાય.”

તેમણે કહ્યું કે, “મારા પિતા સાથે 20 લોકોનું ગ્રૂપ હતું, 19 લોકો વ્યવસ્થિત છે, એકથી બે લોકોને ઈજા પહોંચી છે.”

અશ્વિન ડાભીનું કહેવું છે કે, “ભાવનગર અને પાલીતાણાના 30 જેટલા લોકો ગયા હતા અને સિનિયર સિટિઝનના ગ્રૂપમાં 20 લોકો હતા. ચારથી પાંચ યુવાનો લોકો હતો. વહીવટીતંત્રે વાત કરી છે કે તબિયત સારી છે.”

વડા પ્રધાન મોદીએ પીડિતોના પરિવારજનોને સાંત્વના પાઠવી

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાવનગર, જમ્મુ-કાશ્મીર, પહલગામ, ઉગ્રવાદી હુમલો, હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “હું જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડું છું. આ હુમલામાં જીવ ગુમાવનારના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એ માટે પ્રાર્થના કરું છું. આ હુમલામાં અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પહોંચાડાઈ રહી છે.”

“આ ઘૃણાસ્પદ કાર્યવાહી માટે જવાબદારને સજા કરાશે. તેમને નહીં છોડવામાં આવે! તેમનો દુષ્ટ એજન્ડા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે ઝઝૂમવાનો અમારો નિશ્ચય અડગ છે અને એ હજુ મજબૂત બનશે.”

પર્યટકો પર થયેલા ગોળીબાર અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે, “પહલગામમાં પર્યટકો પર થયેલા ઉગ્રવાદી હુમલાથી દુ:ખી છું. મારી સંવેદનાઓ લોકોના પરિવારજનો સાથે છે.”

અમિત શાહે કહ્યું કે આ ઘટનાના જવાબદારોને નહીં છોડવામાં આવે અને તેમને પૂરી તાકત સાથે જવાબ અપાશે.

અમિત શાહે કહ્યું, “આ ઘટના અંગે મેં વડા પ્રધાન મોદીને જાણકારી આપી છે અને સંબંધિત અધિકારીઓ સાથે તેમની વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે મિટિંગ થઈ છે.”

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આ હુમલાની નિંદા કરતાં કહ્યું છે કે હુમલાખોરોને નહીં છોડવામાં આવે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું કે, “હું પહલગામમાં ટુરિસ્ટો પર થયેલા બીકણ આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરું છું. આ ઘૃણાસ્પદ હુમલાને અંજામ આપનારાને છોડવામાં નહીં આવે. મેં ડીજીપી અને સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી છે. આર્મી અને પોલીસદળે આ વિસ્તારને ઘેરી લીધો છ અને ઑપરેશન ચલાવાઈ રહ્યું છે.”

આ ઉપરાંત ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું હતું :

“આ કિસ્સામાં ગુજરાતીઓ સહિતના અંગે જે કાંઈ પણ માહિતી મળી છે, તે રાજ્યના ગૃહમંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રાલય સાથે સંકલન સાધીને એકઠી કરાઈ છે. જેથી સંબંધીઓને તાત્કાલિક મદદ મળી શકે. અમે આ મામલે થોડી વારમાં આધિકારિક જાણકારી આપીશું.”

જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, “હું આ ઘટનાથી આશ્ચર્યચકિત છું. આના પર વિશ્વાસ નથી કરી શકતો. આપણા મુસાફરો પર હુમલા નિંદનીય છે.”

અન્ય એક પોસ્ટમાં ઉમર અબ્દુલ્લાહે લખ્યું છે કે હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અંગે માહિતી મેળવવામાં આવી રહી છે, આ હાલનાં વર્ષોમાં સામાન્ય નાગરિકો પર થયેલા હુમલાઓ પૈકી સૌથી મોટો હુમલો છે.

બીજી તરફ પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ આ હુમલાની નિંદા કરતાં એક્સ પર લખ્યું કે, “હું પહલગૈામમાં થયેલા આ ડરપોક આંતકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરું છું. આ પ્રકારની હિંસા બિલકુલ મંજૂર નથી. ઐતિહાસિકપણે કાશ્મીર પર્યટકોનું ઉમળકાભેર સ્વાગત કરે છે. તેથી હુમલાની દુર્લભ ઘટના ખૂબ ચિંતા જન્માવનારી છે.”

જમ્મુ-કાશ્મીર પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ વિંદીકુમારે બીબીસી હિંદીને ફોન મારફતે જણાવ્યું કે, “પહલગામનાં ઉપરી મેદાની વિસ્તારોથી ફાયરિંગના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી મામલાની પૂરી જાણકારી નથી. જે જગ્યાએથી ફાયરિંગના સમાચાર આવ્યા છે, ત્યાં સુધી વાહન નથી પહોંચી શકતું.”

તેમનું કહેવું છે કે, “અમારી ટીમ ત્યાં પહોંચી ચૂકી છે. ત્યાં શું થયું છે, એનો ખ્યાલ સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ લાગી શકે છે.”

દેશ અને વિશ્વમાંથી આવતા મુસાફરો પહલગામની વાદીઓમાં પહોંચે છે. પહલગામના રસ્તેથી જ અમરનાથ ગુફા સુધીનો રસ્તો પણ જાય છે. શ્રીનગરથી પહલગામ 100 કિમી દૂર છે.

બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીર આ હુમલા વિશે ગુજરાતના એક પર્યટક સાથે વાત કરી, જેઓ એ જ ગ્રૂપમાં હતા, જેમના પર હુમલો થયો.

પર્યટકે જણાવ્યું કે અચાનક થયેલી ફાયરિંગના કારણે અફરાતફરી મચી ગઈ અને બધાએ રોકકળ કરી મૂકી અને આમતેમ ભાગવા લાગ્યા.

અન્ય રાજનેતાઓએ પણ હુમલાને વખોડ્યો

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાવનગર, જમ્મુ-કાશ્મીર, પહલગામ, ઉગ્રવાદી હુમલો, હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

વાયનાડથી કૉંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. પરિવારો અને જે મુસાફરોન વેઠવું પડ્યું છે તેમની સાથે મારી સંવેદના છે. સરકારે કડક પગલાં લેવાં જોઈએ.”

જમ્મુ-કાશ્મીર વિધાનસભાના વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સુનીલ શર્માએ આ હુમલા વિશે કહ્યું કે, “પાછલા એક વર્ષથી, પાકિસ્તાન ભારતમાં તણાવ સર્જવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટમાં એક મહિલા કહેતાં સંભળાય છે કે આતંકવાદીઓએ હુમલો કરતા પહેલાં લોકોનાં નામ પૂછ્યાં હતાં. આવી રીતે તેમણે સમાજના એક વર્ગના લોકોને ટાર્ગેટ કર્યા. અમને અમારી એજન્સીઓ પર પૂરો ભરોસો છે, આતંકવાદીઓને નહીં છોડવામાં આવે.”

આ સિવાય પહલગામ હુમલા અંગે સમાચાર એજન્સી એએનઆઇને પ્રતિક્રિયા આપતાં કૉંગ્રેસનેતા દીપેન્દરસિંહ હુડ્ડાએ કહ્યું, “અમે આ આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડીએ છીએ. તેમજ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એ માટે હું પ્રાર્થના કરું છું. ભગવાનને પ્રાર્થના કે કોઈ જીવન ગુમાવે. પાછલાં અમુક વર્ષોથી જમ્મુ પાસે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. સરકારે આનો યોગ્ય જવાબ આપવો જોઈએ.”

તેમણે કહ્યું કે, “આ શરમજનક ઘટનામાં સામેલ હોય એ આપણા મિત્ર ન હોઈ શકે… ટુરિઝમ પર નભતા જમ્મુ-કાશ્મીરના લોકો ક્યાં જશે…? અહીં મહેમાન તરીકે આવનાર પર હુમલો થાય એ અમારી પરંપરા નથી. આ શરમજનક છે…”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS