Source : BBC NEWS

ઇમેજ સ્રોત, ANI
કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે આગામી વસ્તીગણતરીમાં જાતિઓની પણ ગણતરી કરવામાં આવશે.
બુધવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજકીય બાબતોની કૅબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા સરકારના નિર્ણયની માહિતી આપતાં કહ્યું કે વસ્તીગણતરી સાથે જાતિઓની ગણતરી પણ કરવામાં આવશે.
વૈષ્ણવે કહ્યું કે વસ્તીગણતરી એક કેન્દ્રનો વિષય છે અને અત્યાર સુધી કેટલાંક રાજ્યોમાં કરવામાં આવેલાં જાતિ સર્વેક્ષણો પારદર્શક નહોતાં.
સવાલ એ છે કે અત્યાર સુધી જાતિગત વસ્તીગણતરીનો વિરોધ કરતી મોદી સરકાર શા માટે તેના માટે સંમત થઈ?
અચાનક જાતિ આધારિત વસ્તીગણતરીનો નિર્ણય કેમ લેવાયો?
કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ સહિત ઘણા વિપક્ષો દેશમાં જાતિગત વસ્તીગણતરીની સતત માંગ કરી રહ્યાં છે.
ગયા મહિને ગુજરાતમાં બે દિવસીય કૉંગ્રેસ સંમેલન દરમિયાન કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસ્તીગણતરીનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું, “દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે દેશમાં કેટલા દલિત, પછાત, આદિવાસી, લઘુમતી અને ગરીબ સામાન્ય વર્ગના લોકો છે. ત્યારે જ ખબર પડશે કે દેશનાં સંસાધનોમાં તેમની કેટલી હિસ્સેદારી છે.”
જોકે, વસતીગણતરીમાં દલિતો અને આદિવાસીઓની ગણતરી થાય છે.

ઇમેજ સ્રોત, @INCIndia
મોદી સરકારના જાતિ આધારિત વસ્તીગણતરીના નિર્ણય બાદ રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના ભૂતપૂર્વ ઉપમુખ્ય મંત્રી તેજસ્વી યાદવે કહ્યું, “વિરોધ પક્ષોની માંગ હોવા છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે જાતિગત વસ્તીગણતરી કરવાનો ઇન્કાર કર્યો હતો.”
તેમણે કહ્યું કે, “મોદી સરકારના મંત્રીઓ સંસદમાં આ વાતનો ઇન્કાર કરી રહ્યા હતા, પરંતુ હવે સરકારે અમારો મુદ્દો સ્વીકારવો પડ્યો છે. હવે જ્યારે પરિણામો આવશે, ત્યારે અમારી માંગણી એ રહેશે કે દેશભરમાં વિધાનસભા ચૂંટણીમાં પછાત અને અત્યંત પછાત વર્ગો માટે બેઠકો અનામત રાખવામાં આવે. જેટલી વસ્તી હોય એટલી ભાગીદારી હોવી જોઈએ. હવે અમારી આગળની લડાઈ આ જ હશે.”
જાતિગત વસ્તીગણતરી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પછી કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદ કરીને વિપક્ષોને આનો શ્રેય આપ્યો હતો.
તેમણે કહ્યું કે, “અમે સંસદમાં કહ્યું હતું કે અમે જાતિગત વસ્તીગણતરી કરાવવાના જ છીએ. સાથે-સાથે અનામતમાં પણ 50 ટકાની મર્યાદાને તોડી દઈશું.”

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું કે, “અગાઉ નરેન્દ્ર મોદી કહેતા હતા કે માત્ર ચાર જાતિઓ છે. પરંતુ અચાનક તેમણે જાતિગત વસ્તીગણતરી કરાવવાની જાહેરાત કરી દીધી. અમે સરકારના આ નિર્ણયને સંપૂર્ણ ટેકો આપીએ છીએ. પરંતુ સરકારે તેની ટાઇમલાઈન આપવી પડશે કે જાતિ આધારિત વસ્તીગણતરીનું કામ ક્યારે પૂરું થશે.”
આ દરમિયાન રાજકીય વર્તુળોમાં સવાલ પૂછાઈ રહ્યો છે કે જે મોદી સરકારે જાતિગત વસ્તીગણતરીનો ઇન્કાર કર્યો હતો, તેની સામે એવી કેવી મજબૂરી આવી ગઈ કે તે વસ્તીગણતરીમાં જાતિઓની ગણતરી કરવા માટે તૈયાર થઈ ગઈ.
આ સવાલ પર રાજકીય વિશ્લેષક ડીએમ દિવાકરે બીબીસીને જણાવ્યું, “જ્યારે મોદી સરકારે જાતિગત વસ્તીગણતરી કરાવવાનો ઇન્કાર કર્યો, ત્યારે મહાગઠબંધન (વિપક્ષ) એ તેને દેશભરમાં મુદ્દો બનાવ્યો.”
“આ દરમિયાન, બિહાર અને કર્ણાટકે પોતાની રીતે જાતિ સર્વેક્ષણો કર્યાં અને જાણવા મળ્યું કે પછાત અને અત્યંત પછાત જાતિઓની વસ્તી કેટલી છે અને તે મુજબ તેઓ રાજકારણમાં કેટલો હિસ્સો મેળવી શકે છે. હવે, મોદી સરકારે પણ મજબૂરીથી જાતિ આધારિત વસ્તીગણતરી કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.”
શું બિહારની ચૂંટણીમાં લાભ લેવાનો ઇરાદો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં 1931માં જાતિગત વસ્તીગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ દેશમાં થયેલી વસ્તીગણતરીમાં જાતિઓની ગણતરી કરવામાં આવી ન હતી.
વસ્ ગણતરીમાં દલિતો અને આદિવાસીઓની સંખ્યા ગણવામાં આવે છે અને તેમને રાજકીય અનામત પણ મળે છે.
પરંતુ પછાત અને અતિ પછાત (ઓબીસી અને ઈબીસી) જાતિના કેટલા લોકો છે તેની ગણતરી નથી થતી.
એવું માનવામાં આવે છે કે દેશમાં 52 ટકા લોકો પછાત અને અતિ પછાત જાતિના છે. ઓબીસી સમુદાયના લોકોનું માનવું છે કે આ હિસાબે તેમની રાજકીય હિસ્સેદારી બહુ ઓછી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે રાજકીય દળો આ સમુદાયોનો ટેકો મેળવવા માટે જાતિ આધારિત વસ્તીગણતરીને ટેકો આપે છે.
તેમનું કહેવું છે કે ભાજપ અત્યાર સુધી જાતિગત વસ્તીગણતરીનો શા માટે વિરોધ કરતો હતો તે સમજવું મુશ્કેલ છે. ભાજપે ઉત્તર પ્રદેશ સહિત તમામ રાજ્યોમાં પછાત જાતિઓ અને દલિતોનો ટેકો મેળવીને સત્તાની સફર આસાન બનાવી છે.
એવું કહેવાય છે કે ભાજપ આ સમુદાયોના મત તો મેળવે છે, પરંતુ તેમની સંખ્યા જણાવવા નથી માંગતો.
કારણ કે આમ કરવાથી રાજકારણ અને બ્યૂરોક્રેસીમાં પછાત અને અતિ પછાત જાતિની હિસ્સેદારી કેટલી ઓછી છે તે જાહેર થઈ જશે.
તો સવાલ થાય છે કે શું ભાજપને આ ડર નથી રહ્યો, કે પછી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે આ પગલું લીધું છે.
શું ભાજપને બિહારની ચૂંટણીમાં ફાયદો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીના આ સવાલના જવાબમાં વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શરદ ગુપ્તાએ જણાવ્યું કે, ભાજપ આના વિરોધમાં હતો. તેમણે જાતિગત વસ્તીગણતરીને દેશને વિભાજિત કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. પરંતુ એનડીએમાં સામેલ ભાજપના મોટા ભાગના સાથી પક્ષો તેની તરફેણમાં છે. બિહારમાં ભાજપના સહયોગી જનતાદળ યુનાઇટેડ અને આરજેડીએ 2023માં જાતિ સર્વે કરાવ્યો હતો. કર્ણાટકમાં કૉંગ્રેસ સરકારે પણ સર્વે કરાવ્યો છે.
જેડીયુ અને એલજેપી (રામવિલાસ)એ પણ જાતિ આધારિત વસ્તીગણતરીની માંગ કરી છે. સંસદની ઓબીસી કલ્યાણ સમિતિમાં જેડીયુએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
તે વખતે ભાજપે જાતિ આધારિત વસ્તીગણતરીનો વિરોધ નહોતો કર્યો અને કોઈ ટિપ્પણી પણ નહોતી કરી.
શરદ ગુપ્તા કહે છે કે સહયોગી દળો અને વિપક્ષ બંનેનું સરકાર પર દબાણ છે. સરકારે જોયું કે ઘણાં રાજ્યો જાતિ આધારિત સર્વે કરાવી ચૂક્યા છે, તેથી તે પણ જાતિ ગણતરી કરાવી શકે છે. યુપીમાં યોગી આદિત્યનાથ સરકાર કહેતી હતી કે તે જાતિ ગણતરી નહીં કરાવે, પરંતુ હવે કેન્દ્ર સરકાર આના માટે તૈયાર છે ત્યારે તેઓ શું કરશે.”
શરદ ગુપ્તાનું માનવું છે કે જાતિગત ગણતરીના આંકડા 2026 અથવા 2027ના અંતમાં આવશે અને ત્યાં સુધીમાં બિહાર અને યુપીની ચૂંટણી થઈ ગઈ હશે. તેથી તેનો ચૂંટણીમાં લાભ લેવાની વાત ખરી નથી.
તેમણે કહ્યું કે ભાજપે તાજેતરનાં વર્ષોમાં પછાત અને દલિત સમુદાયને પોતાની સાથે જોડવામાં સફળતા મેળવી છે. ભાજપ આ જાતિગત ગણતરીથી દેખાડવા માંગે છે કે પછાત વર્ગને એકાદ સમુદાય તેને છોડી દે તો પણ ઓબીસી સમુદાયનો મોટો હિસ્સો તેની સાથે છે. તે ઓબીસી સમુદાયને પોતાની સાથે જોડવાના પ્રયાસો પર સ્વીકૃતિની મહોર ગણાશે.
શું સંઘના ઇશારે આ નિર્ણય લેવાયો છે?

ઇમેજ સ્રોત, YouTube/RSS
જાતિ આધારિત વસ્તીગણતરી વિશે મોદી સરકારના વલણમાં ફેરફાર કેમ આવ્યો છે?
બીબીસીએ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય નિષ્ણાત અદિતી ફડનીસ સાથે આ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, “આરએસએસનું વલણ બહાર આવ્યા પછી મોદી સરકારે જાતિ ગણતરીની નીતિમાં ફેરફાર કર્યો છે.”
સપ્ટેમ્બર 2024માં આરએસએસની બેઠક પછી કહેવામાં આવ્યું હતું કે જાતિ આધારિત વસ્તીગણતરી વિશે તેને વાંધો નથી. પરંતુ તેનો રાજકીય લાભ લેવાવો ન જોઈએ. જોકે, રાજકીય દળો નિશ્ચિત રીતે તેનો ફાયદો ઉઠાવવા માંગે છે.
સપ્ટેમ્બર 2024માં આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે એક નિવેદનમાં તેને સમર્થન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે “આ સંવેદનશીલ મામલો છે અને તેનો ઉપયોગ રાજકીય કે ચૂંટણીનાં હેતુથી થવો ન જોઈએ.”
તેમણે કહ્યું કે પાછળ રહી ગયેલાં સમુદાયો અને જાતિઓના કલ્યાણ માટે તેનો ઉપયોગ થવો જોઈએ.
તેમણે કહ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉપવર્ગીકરણની દિશામાં કોઈ પણ સર્વસહમતી વગર પગલાં લેવા ન જોઈએ.
આરએસએસનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને જાતિ આધારિત વસ્તીગણતરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો.
આઝાદી પછી જાતિ આધારિત વસ્તીગણતરી કેમ ન થઈ?

ઇમેજ સ્રોત, ANI
ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન વર્ષ 1872માં વસ્તીગણતરી થઈ હતી. અંગ્રેજોએ 1931 સુધી જેટલી વખત ભારતમાં વસ્તીગણતરી કરાવી, તેમાં જાતિને લગતી માહિતી પણ નોંધવામાં આવી હતી.
આઝાદી પછી ભારતે 1951માં પહેલી વખત વસ્તીગણતરી કરી હતી. તે વખતે માત્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકોની જાતિનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
ત્યાર પછી ભારતે એક નીતિ વિષયક નિર્ણય હેઠળ જાતિ આધારિત વસ્તીગણતરી બંધ કરી. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે કહ્યું કે કાયદા પ્રમાણે જાતિ આધારિત વસ્તીગણતરી કરી શકાય નહીં, કારણ કે બંધારણ જનસંખ્યાને માને છે, જાતિ કે ધર્મને નહીં.
પરંતુ 1980માં કેટલાક પ્રાદેશિક રાજકીય પક્ષોનો ઉદય થયો જેમનું રાજકારણ જાતિ આધારિત હતું. ત્યારથી સ્થિતિ બદલાવા લાગી.
આ પક્ષોએ કહેવાથી ઊંચી જાતિઓના વર્ચસ્વને પડકાર ફેંક્યો. સાથે-સાથે કથિત નીચલી જાતિઓને શિક્ષણ અને નોકરીઓમાં અનામત આપવા માટે અભિયાન શરૂ કર્યું.
વર્ષ 1979માં ભારત સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓને અનામત આપવા માટે મંડલ પંચની રચના કરી.
મંડલ પંચે ઓબીસી શ્રેણીના લોકોને અનામત આપવાની ભલામણ કરી. પરંતુ તેનો અમલ છેક 1990માં થઈ શક્યો. ત્યાર પછી દેશભરમાં સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર પ્રદર્શનો કરવામાં આવ્યાં.
જાતિ વિષયક વસ્તીગણતરીનો મામલો અનામત સાથે સંકળાયેલો હતો, તેથી સમયાંતરે રાજકીય દળો તેની માંગણી કરવાં લાગ્યાં.
અંતે 2010માં મોટી સંખ્યામાં સાંસદોએ જાતિગત વસ્તીગણતરીની માંગણી કરી. તેથી તત્કાલીન કૉંગ્રેસ સરકારે તેના માટે તૈયાર થવું પડ્યું.
2011માં સામાજિક આર્થિક વસ્તીગણતરી કરાવવામાં આવી, પરંતુ તેમાં જાતિને લગતા આંકડા ક્યારેય જાહેર કરવામાં ન આવ્યા.
દિલ્હી યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના પ્રોફેસર સતીશ દેશપાંડેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત વસ્તીગણતરી વહેલી કે મોડી થવાની જ છે. પરંતુ પ્રશ્ન એ છે કે આને કેટલા સમય સુધી રોકી શકાય? રાજ્યો ઘણી અપેક્ષાઓ સાથે આ જાતિ વસ્તીગણતરી કરી રહ્યાં છે. કેટલીક વખત તેમની રાજકીય અપેક્ષાઓ પૂરી નથી થતી. કેટલીક વખત આવી ગણતરીના આંકડા જાહેર કરવામાં નથી આવતા.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS