Source : BBC NEWS
ઇમેજ સ્રોત, @rajushetti
વાંચવાનો સમય: 5 મિનિટ
કોલ્હાપુરના નાંદણી ગામની માધુરી નામની હાથણી આખરે શુક્રવારે રાત્રે પરત આવી છે. અહીં પંચક્રોશી વિસ્તારના ગામલોકોએ ઢોલ-નગારાંના નાદ સાથે પોતાની લાડકી માધુરીનું સ્વાગત કર્યું છે.
ઉચ્ચાધિકાર સમિતિ (એચપીસી)ના નિર્દેશ મુજબ, માધુરીને 30 જુલાઈ, 2025ના રોજ જામનગર ખાતેના વનતારા કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. ત્યાર પછી મુંબઈ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ માધુરીને વનતારા કેન્દ્રમાં લઈ જવાના નિર્ણયને મંજૂરી આપી હતી.
એ પછી માધુરીને પરત લાવવા માટે વિવિધ સ્તરે મોટી લડાઈ લડવામાં આવી. સરકાર સમક્ષ પણ આ માટે માગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સંબંધિત પક્ષોને પોતપોતાની રજૂઆત ઉચ્ચાધિકાર સમિતિ સમક્ષ કરવાની સૂચના આપી હતી. આ પ્રક્રિયા આટલા દિવસોથી ચાલી રહી હતી.
આખરે ઉચ્ચાધિકાર સમિતિએ તમામ પક્ષોની રજૂઆતો સાંભળી અને અહેવાલો મંગાવ્યા. નાંદણી ખાતેની સુવિધાની પણ તપાસ કરવામાં આવી. આ બધું કર્યા પછી સમિતિએ 9 સપ્ટેમ્બર, 2026ના રોજ આ અંગે વિગતવાર આદેશ આપ્યો હતો. આ આદેશ મુજબ, કેટલીક કડક શરતો સાથે માધુરીને કોલ્હાપુર પરત ફરવાની મંજૂરી આપવામાં આવી.
શરતો અનુસાર, માધુરીનો સરઘસ કે અન્ય કોઈ પણ કારણસર ઉપયોગ કરી શકાશે નહીં. ચોવીસ કલાક તેની સંભાળ રાખવી ફરજિયાત રહેશે અને દર પખવાડિયે તેની તબીબી તપાસ કરાવવી પડશે.
દરમિયાન, સતત પશુતબીબી સારવારને કારણે માધુરીની તબિયત સ્થિર થઈ છે. જોકે, તેની લાંબા ગાળાની આરોગ્યસંબંધિત સમસ્યાઓ હજુ પણ યથાવત્ છે. વનતારાએ જણાવ્યું છે કે તેના માટે યોગ્ય સારવાર, જરૂરી સહાય અને નિયમિત પશુતબીબી દેખરેખ જરૂરી છે.
એએનઆઈના અહેવાલ અનુસાર, માધુરી કોલ્હાપુર પરત ફર્યા પછી પણ વનતારા તેના આરોગ્યની જવાબદારી નિભાવશે.
આ ઉપરાંત, તેના માટે યોગ્ય નિવાસવ્યવસ્થા, પશુતબીબી સુવિધાઓ, તબીબી ઉપકરણો, દવાઓ અને અન્ય સામગ્રી પણ વનતારા તરફથી ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
વાત ‘મહાદેવી’ની
આ વાત છે શિરોળ તાલુકાના નાંદણી ગામની અને આ ગામની ‘મહાદેવી’ નામની હાથણીની. કેટલાક તેને ‘માધુરી’ પણ કહેતા. વર્ષ 1992થી તે આ ગામના જૈન સમાજના મઠમાં રહેતી હતી.
પરંતુ એક મોટા વિવાદ બાદ કાનૂની સંઘર્ષ શરૂ થયો. તેને પગલે મહાદેવી 33 વર્ષથી જે નાંદણી ગામમાં રહેતી હતી, એ છોડીને તેને ગુજરાત જવું પડ્યું.
વન્ય જીવો માટેની વિશેષાધિકાર સમિતિ, હાઇકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટ સુધી આ મામલે સુનવણી ચાલી. આખરે 28 જુલાઈએ સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો આપ્યો.
ચુકાદા અનુસાર, આ હાથણીને ગુજરાતના જામનગરમાં આવેલી અંબાણીના ‘રિલાયન્સ ફાઉન્ડેશન’ના ‘વનતારા’ સંભાળ કેન્દ્રમાં મોકલવી પડી.
કોલ્હાપુરના નાંદણીથી વન વિભાગના અને ‘વનતારા’ના કર્મચારીઓ તેને તરત જ જામનગર લઈ ગયા. ત્યાં તેને ‘વનતારા’ના જ ભાગ એવા ‘રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ’ની દેખરેખ હેઠળ સોંપવામાં આવી.
નાંદણીના ગામલોકોએ પોતાના પરિવારની સભ્ય જેવી આ હાથણીને ગામમાં જ રાખવા માટે કોઈ કસર છોડી નહોતી.
ક્યારેક તેમણે રસ્તે ઊતરીને આંદોલન કર્યાં, ક્યારેક સરકારી તંત્ર સામે લડત આપી અને અંતે દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજા પણ ખટખટાવ્યા. પરંતુ 33 વર્ષના આ સંબંધનો અંત આવ્યો અને આખરે તેમણે વિખૂટા પડવાનો વારો આવ્યો.
કાયદાકીય લડત અને ‘વનતારા’નો પ્રવેશ
‘મહાદેવી’ ઉર્ફે ‘માધુરી’ હાથણી નાંદણીના મઠમાં રહેતી હતી. તેને ગુજરાત લઈ જવા માટેનો સંઘર્ષ 2020ની આસપાસ શરૂ થયો હતો.
વન્ય પ્રાણીઓની સંભાળ અને તેમના અધિકારો માટે કામ કરતી ‘પેટા’ (People for the Ethical Treatment of Animals) સંસ્થાના કાર્યકરોએ ફરિયાદ કરી હતી કે મઠમાં આ હાથણીની યોગ્ય સંભાળ રાખવામાં આવતી નથી. આ ફરિયાદ વન્ય પ્રાણીઓની સંભાળ અને સ્થળાંતર માટેની દિલ્હીની ‘ઉચ્ચાધિકાર સમિતિ’ સમક્ષ કરવામાં આવી હતી.
મઠે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યા મુજબ, “ડિસેમ્બર 2023માં ઉચ્ચાધિકાર સમિતિએ આ ફરિયાદની નોંધ લીધી હતી. ત્યાર પછી તેણે મહારાષ્ટ્રના મુખ્ય વન્ય જીવ સંરક્ષકને એક ભલામણ કરી હતી. એ મુજબ, આ હાથણીને ગુજરાતના ‘વનતારા’ના જ ભાગ એવા ‘રાધેકૃષ્ણ ટેમ્પલ ઍલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ’ને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
એપ્રિલ, 2024માં નાંદણીના મઠે ઉચ્ચાધિકાર સમિતિના આદેશની સામે મુંબઈ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો. કોર્ટે તેમની અરજી સ્વીકારી અને હાથણીને ગુજરાત લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો.
ત્યાર પછી હાઇકોર્ટના નિર્દેશ અનુસાર, લાંબા સમય સુધી નિષ્ણાત સમિતિ અને પશુચિકિત્સા અધિકારીઓ દ્વારા હાથણીની તપાસ કરવામાં આવી. આ દરમિયાન તેમણે સ્થળની પણ મુલાકાત લીધી. મઠના દાવા મુજબ આ દરમિયાન પશુચિકિત્સા અધિકારીઓએ આપેલા અહેવાલોમાં હાથણીની તબિયત સુધરી રહી હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત, સમયાંતરે ‘હેલ્થ સર્ટિફિકેટ’ પણ સમિતિ અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં.
જોકે, 3 જૂન 2025ના રોજ ઉચ્ચાધિકાર સમિતિએ હાથણીને ગુજરાત લઈ જવાના પોતાના નિર્ણયને યથાવત્ રાખ્યો. ત્યાર પછી 16 જુલાઈએ હાઇકોર્ટે નાંદણીના મઠના ટ્રસ્ટની અરજી બાબતે ચુકાદો આપ્યો.
ઉચ્ચાધિકાર સમિતિએ ‘મહાદેવી’ને ‘વનતારા’નો જ ભાગ એવા ‘રાધેકૃષ્ણ ટેમ્પલ ઍલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ’ને સોંપવાનો આદેશ પણ આપ્યો હતો.
‘સ્વસ્તિશ્રી જિનસેન ભટ્ટારક પટ્ટાચાર્ય મહાસ્વામી સંસ્થાન મઠ’ના ટ્રસ્ટે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. પરંતુ ત્યાં પણ તેમને સફળતા મળી નહીં.
28 જુલાઈએ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો. ત્યાર પછી માત્ર થોડા કલાકોમાં જ ‘મહાદેવી’ હાથણીને ગુજરાતમાં અંબાણીના ‘વનતારા’ ખાતે લઈ જવામાં આવી.
‘મહાદેવી’ ઉર્ફે ‘માધુરી’નો નાંદણી સાથેનો સંબંધ
ઇમેજ સ્રોત, VIDEO GRAB
શિરોળ તાલુકાના નાંદણી ગામમાં અનેક સદીઓથી જૈન સમાજનો ‘સ્વસ્તિશ્રી જિનસેન ભટ્ટારક પટ્ટાચાર્ય મહાસ્વામી સંસ્થાન મઠ’ આવેલો છે.
મુખ્યત્વે મહારાષ્ટ્ર અને કર્ણાટકના સરહદી વિસ્તારોનાં 743 ગામોના શ્રદ્ધાળુઓ આ મઠ સાથે સંકળાયેલા છે. તેઓ મઠના મુખ્ય સ્વામીમાં શ્રદ્ધા ધરાવે છે.
આ હાથણીની સંભાળની જવાબદારી મઠની હતી. મઠે આ મામલે અરજીકર્તા તરીકે સુપ્રીમ કોર્ટ સુધીની કાનૂની લડત લડી હતી. મઠનું કહેવું છે કે અહીંની અનેક ધાર્મિક પરંપરાઓમાં વર્ષોથી હાથણીની ભૂમિકા રહી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં મઠે જણાવ્યું હતું કે, “લગભગ 1300 વર્ષ જૂના આ મઠમાં અગાઉથી જ હાથણી રાખવાની પરંપરા છે. અહીં એક હાથણી હંમેશાં રહે છે અને તેની યોગ્ય સંભાળ પણ રાખવામાં આવે છે.”
આ પરંપરા અનુસાર, હાલ ચર્ચામાં રહેલી આ હાથણીને 1992માં અહીં લાવવામાં આવી હતી અને તેનું નામ ‘મહાદેવી’ રાખવામાં આવ્યું હતું. તેને અહીં ‘માધુરી’ નામથી પણ બોલાવવામાં આવતી હતી. મઠના અને ગામલોકોના જણાવ્યા મુજબ, તે ગામલોકોમાં હળીભળી ગઈ હતી.
અહીં યોજાતી તમામ ધાર્મિક વિધિઓ અને સરઘસોમાં ‘મહાદેવી’ને સામેલ કરવામાં આવતી હતી. પંચક્રોશી વિસ્તાર માટે તે નાંદણી ગામની ઓળખ બની ગઈ હતી.
મઠે સદીઓથી જીવંત રાખેલી એક પરંપરાની વર્તમાન પ્રતિનિધિ તરીકે તો તેનું મહત્ત્વ હતું જ. પરંતુ બાકીના સમયે પણ ગામલોકો તેને પોતાના ગામની જ એક સભ્ય માનતા હતા.
ઇમેજ સ્રોત, UGC
‘મહાદેવી’ને વિદાય આપવાનો સમય આવ્યો, ત્યારે તેની સાથે જોડાયેલી લોકોની લાગણીઓ વધુ તીવ્ર બનીને બહાર આવી હતી.
તેની વિદાયના કાર્યક્રમ દરમિયાન અહીં એક સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેને ગામમાં જ રાખવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષને કારણે લોકોની લાગણીઓ વધુ ઉગ્ર બની હતી. આ લાગણીઓ કાબૂ બહાર જતાં વિદાય સમયે સ્થાનિક પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
આવું માત્ર વિદાય સમયે જ બન્યું નહોતું. તેના થોડા દિવસ પહેલાં, 16 જુલાઈએ હાઇકોર્ટે મઠની અરજી વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો, ત્યારે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. આ હાથણીને તરત જ ગુજરાત લઈ જવામાં આવી રહી છે એવી વાત ફેલાતાં આસપાસનાં ગામોના સેંકડો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.
તેઓ ‘મહાદેવી’ને લઈ જતા વાહનનો રસ્તો રોકવા માગતા હતા. આ હાથણી સાથે જોડાયેલી પ્રેમની અને એમાંથી જન્મેલી રોષની આ લાગણી હતી.
વાતાવરણ એટલું તંગ બન્યું કે રાજકીય નેતાઓએ પણ તેમાં દરમિયાનગીરી કરવી પડી. કેટલાક નેતાઓએ જોકે મૌન રહેવાનું પસંદ કર્યું.
હવે માધુરી ફરી નાંદણી પરત ફરી છે. શુક્રવારે રાત્રે ગામલોકોએ ભારે ઉત્સાહ સાથે તેનું સ્વાગત કર્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




