Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ
સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને બે અન્ય ચૂંટણી કમિશનરોને મળેલી અભિયોજનમાંથી છૂટની કાનૂની માન્યતા તથા મુખ્ય ચૂંટણી કમિશનર પર ચૂંટણી સંબંધિત એકતરફી નિર્ણયો લેવાના આક્ષેપોની તપાસ કરવા માટે સહમતિ વ્યક્ત કરી છે.
જોકે, સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને સર્વસંમતિ વિના કોઈ નિર્ણય લેતા રોકવા માટે કોઈ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ચૂંટણીપંચનો કોઈ નિર્ણય કાયદા અનુસાર યોગ્ય ન હોવાનું જણાશે, તો તેને રદ કરવામાં આવશે. એજન્સીના જણાવ્યા પ્રમાણે, મુખ્ય ચૂંટણી કમિશનરને સસ્પેન્ડ કરવાની માગ કરતી અરજી પર કોર્ટે ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે.
કોર્ટે એક અઠવાડિયામાં જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણીપંચના નિર્ણયો સર્વસંમતિથી અથવા બહુમતીના આધારે થવા જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં જ્ઞાનેશકુમાર વિરુદ્ધ એસઆઇટી તપાસની માગ કરવામાં આવી છે. સાથે જ મતદારયાદીઓના દેશવ્યાપી વિશેષ સઘન પુનરીક્ષણ (એસઆઇઆર)ને ગેરકાયદેસર જાહેર કરવાની માગ પણ કરવામાં આવી છે.
આ મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત તેમજ ન્યાયમૂર્તિ જૉયમાલ્યા બાગચી અને વી. મોહનાની ખંડપીઠ કરી રહી છે.
આ અરજીઓ ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ પ્રકાશિત થયા બાદ થોડા દિવસોમાં દાખલ કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવાયું હતું કે ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં મતદારયાદીઓના એસઆઇઆર સંબંધિત નિર્ણયો અને આદેશો અંગે ઓછામાં ઓછા 14 વખત વાંધા નોંધાવ્યા હતા.
ચાલો જાણીએ કે પશ્ચિમ બંગાળની મતદારયાદીમાંથી નામ કાપી નાખવામાં આવેલા લોકોના મામલે સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી શું કહ્યું છે.
“આ તો માત્ર પેટાચૂંટણીઓ છે, બસ એટલી જ વાત છે”
ઇમેજ સ્રોત, ANI
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે 26 સપ્ટેમ્બર, 2026ના રોજ આ શબ્દો સાથે પશ્ચિમ બંગાળની મતદારયાદીમાંથી નામ કાપી નાખવામાં આવ્યું હોવાનો દાવો કરનારા લોકોની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી હતી.
અરજદાર પક્ષના વકીલે કોર્ટને કહ્યું હતું કે નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા વિસ્તારોમાં મતદારયાદીમાંથી બહાર થયેલા લોકો એપ્રિલમાં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદાન કરી શક્યા નહોતા.
વકીલે કહ્યું હતું કે જો તેમની અપીલ પર નિર્ણય નહીં આવે, તો તેઓ 6 ઑક્ટોબરે યોજાનારી પેટાચૂંટણીમાં પણ મતદાન કરી શકશે નહીં.
તેમણે ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠને જણાવ્યું હતું કે 18 હજારથી વધુ અપીલો હજુ બાકી છે. જોકે, ખંડપીઠે મામલાની તાત્કાલિક સુનાવણી કરવાની માગ સ્વીકારી નહોતી.
આ બાબત એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ બની જાય છે કે મુખ્ય વિરોધ પક્ષો સહિત અન્ય વિરોધી દળોએ મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હઠાવવાની માગ સાથે વિરોધપ્રદર્શન શરૂ કર્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




