Source : BBC NEWS

કનૈયાલાલ મુનશી, ગુજરાત, બીબીસી

ઇમેજ સ્રોત, The Constitution of India

  • લેેખક, વિક્રમ મહેતા
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 1 મે 2025, 13:30 IST

    અપડેટેડ 47 મિનિટ પહેલા

“ગુજરાતને સીમાડા નથી. ગુજરાત એક જીવંત અને જાગ્રત વ્યક્તિ છે જે પોતાને એક કલ્પવામાં પોતાનું અસ્તિત્વ એક દૃઢ સંકલ્પ દ્વારા સર્જવામાં જીવનસાફલ્ય સમજે છે. એ ગુજરાતીઓનું બન્યું છે ખરું પણ એ માત્ર માનવીઓનો સમુદ્ર નથી. જ્યાં ગુજરાતીઓ છે ને રહેશે એવી નિર્ણયાત્મક કલ્પના સેવી એકઠા મળે છે ત્યાં ગુજરાતની હસ્તી છે જ. જ્યાં ગુજરાતીઓ પોતાની ઇચ્છાશક્તિ અને સંકલ્પબળથી એને સર્જે છે ત્યાં ગુજરાત વિસ્તરે છે.”

આ શબ્દો ગુજરાતી લેખક અને સ્વતંત્રતા સેનાની અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના છે. કરાચીમાં આયોજિત ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં તેમણે આ વાત કહી હતી.

વર્ષ 1937માં કનૈયાલાલ મુનશીના અધ્યક્ષસ્થાને કરાચીમાં ગુજરાતીનું સાહિત્ય અધિવેશન યોજવામાં આવ્યું હતું.

આ અધિવેશન ઐતિહાસિક એ રીતે કહી શકાય કે આ જ અધિવેશનમાં કનૈયાલાલ મુનશીએ પહેલીવાર ‘મહાગુજરાત’ શબ્દ પ્રયોજ્યો હતો.

આ સંમેલનમાં ‘જ્યાં જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’નો સૂર વહેતો થયો હતો અને ભૌગોલિક સીમાડાઓને ઓળંગીને ભાષાના માધ્યમથી ગુજરાતીપણાને અનુભવવાની વાત પર આ સંમેલનમાં ભાર મૂકવામાં આવ્યો હતો.

આજે ગુજરાત દિવસે એ સંમેલનની વાત કરીશું જેમાં પહેલીવાર ‘મહાગુજરાત’ શબ્દ પ્રયોજાયો હતો.

કરાચીમાં જ્યારે સંમેલન યોજાયું

કરાંચી, ગુજરાતી, સાહિત્ય, સંમેલન, કનૈયાલાલ મુનશી

ઇમેજ સ્રોત, GETTY

કનૈયાલાલ મુનશી ખુદ સાહિત્યસર્જક, વકીલ, શિક્ષણવિદ્ અને કાબેલ રાજપુરુષની બહુમુખી પ્રતિભા ધરાવતા હતા.

તેમની કલમે ગુજરાતનો ‘વૈભવી ઈતિહાસ’ પણ લખાયો છે.

મુનશીના પચાસમા જન્મદિવસે આ સાહિત્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કરાચીમાં યોજાયેલા આ સંમેલનમાં ચૂંટાયેલા પ્રમુખ કનૈયાલાલ માણેકલાલ મુનશી અને એમનાં પત્ની લીલાવતી મુનશી, મનહરરામ મહેતા, ડૉ. હરિપ્રસાદ વગેરે સાથે રામનારાયણ પાઠક, શામળદાસ ગાંધી, ગોકુળદાસ રાયચુરા વગેરેની પણ હાજરી હતી.

ગુજરાત સાહિત્ય પરિષદના અહેવાલ(1937-1938)માં નોંધ કરવામાં આવી છે એ પ્રમાણે આ આયોજનના ભાગરૂપે ડિસેમ્બરમાં કરાચીમાં ગુજરાતી ઍજ્યુકેશન સોસાયટીના મકાનમાં બેઠક માટે ખાસ મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. પરંતુ વરસાદ પડવાથી પહેલા દિવસનું અધિવેશન પ્રભાત ટૉકીઝમાં ભરવામાં આવ્યું હતું. પ્રારંભમાં સંમેલન માટે ખાસ રચાયેલાં ગીતો ગાવામાં આવ્યાં હતાં.

મુનશીએ જ્યારે ‘મહાગુજરાત’ શબ્દ વાપર્યો

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પરિષદ-પ્રમુખોનાં ભાષણો નામનું પુસ્તક ત્રણ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનના પ્રમુખોનાં ભાષણોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

કરાચી સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે કનૈયાલાલ મુનશીનું ભાષણ પણ આ પુસ્તક શ્રેણીના પ્રથમ ભાગમાં સમાવિષ્ટ છે.

આ પુસ્તક અનુસાર કનૈયાલાલ મુનશીએ આ સંમેલનમાં વકતવ્યમાં કહ્યું હતું કે “કરાચી ‘મહાગુજરાત’નું ગર્વભર્યુ કેન્દ્ર છે. આજે તેત્રીસ વર્ષે પહેલી જ વાર સાહિત્ય સંમેલન મહાગુજરાતમાં ભરાય છે.જ્યારે પરિષદે અહીં આવવાનો સંકલ્પ કર્યો ત્યારે એણે ગુજરાતની સીમાઓને વિસ્તૃત કરી નાખી અને હું આશા રાખું છું કે પરિષદ ભવિષ્યમાં વખત મળે ત્યારે મહાગુજરાતનાં મોટાં મથકોમાં જરૂર સંમેલન ભરાશે.”

કનૈયાલાલ મુનશી આગળ કહે છે, ‘ગુજરાતીઓને સદાય મહાગુજરાત રચતાં આવડ્યું છે. ઇતિહાસકાળની ઉષામાં પણ ગુજરાતીઓએ મિસર, સિંહલ, જાવા ને ચીન ખેડ્યાની કથા કોણે નથી સાંભળી? મધ્યકાળમાં ચોર્યાશી બંદર પર વાવટો ફરકાવતા ગુજરાતની કીર્તિ પણ કોણે નથી સાંભળી? અને આજે ગુજરાતી ક્યાં નથી? કરાચીને કલકત્તા, દિલ્લી અને મદ્રાસનો ગુજરાતીસમૂહ એ તો હિંદી મહાગુજરાતનાં સીમાચિહ્નો છે. પણ ગુજરાતીઓ ક્યાં નથી? ટૉક્યોમાં ક્યાં નથી? પૅરીસમાં ક્યાં નથી? ન્યુયૉર્કમાં ક્યાં નથી? ત્યાં બધે રસાળ ગુર્જરગિરા બોલાય છે, ત્યાં ગરબે રમવાને ગુર્જર ગોરીઓ નિસરે છે, ત્યાં બધે જ ગુજરાતીઓ વસે છે…”

“આ જુદે જુદે સ્થળે વસતા ગુજરાતીઓ આજે શાથી એક બને છે? એમને શું એક બનાવે છે? ગુજરાતીપણું-ગુજરાતીતા- ગુજરાતની અસ્મિતા એટલે શું? એ વધે છે કે ઘટે છે? વધે છે તો કેટલી ને કેવીક વધે છે?”

ગુજરાતની અસ્મિતાનો ‘જયઘોષ’

ગુજરાતની અસ્મિતા શબ્દ હાલ વ્યાપક રીતે ચલણમાં છે. પરંતુ ગુજરાતની અસ્મિતા શબ્દ પ્રયોજવાનો શ્રેય કનૈયાલાલ મુનશીને આપવામાં આવે છે.

કનૈયાલાલ મુનશી અસ્મિતા અંગે ભાષણમાં કહે છે, “આ અસ્મિતા શબ્દ 1913-1914માં હું ‘યોગસૂત્ર’માંથી પ્રયોજ્યો હતો. ગુજરાતની અસ્મિતા શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે ક્યા અને કેવા ગુજરાતની કલ્પના સેવીએ છીએ? ને ક્યાં ગુજરાતને હસ્તીમાં આણવાનો સંકલ્પ કરીએ છીએ?”

તેઓ આગળ ભાષણમાં કહેે છે, “એક સમય એવો હતો કે જોધપુરની આસપાસની ભૂમિ ગુજરાત-ગુજરત્રા કહેવાતી, અને અમદાવાદ ગુજરાતની બહાર ગણાતું. એકવાર સાબરમતીની ઉત્તરે ગુજરાત ગણાતું. પણ આજે તો દક્ષિણે મુંબઈ સુધઈ વિસ્તરે છે. એક વાર શ્રીમાલ, ઝાલોર, વાંસવાડા ને નંદરબાર ગુજરાતનાં મથકો હતાં; આજે તે ગુજરાતની ભૂગોળની બહાર છે, આજે ઉત્તર થાણા અને પશ્ચિમ ખાનદેશમાં ગુજરાતીઓ વસે છે. છતાં તેને કોઈ ગુજરાત ગણતું નથી. આશ્ચર્યની વાત એ છે કે કાઠિયાવાડ અને કચ્છને ય ગુજરાત બહાર ગણાવનારા કેટલાક છે. કરાચી ને કલકત્તામાં હજારો ગુજરાતીઓ વસે છે અન તો ય તે ગુજરાતમાં છે, એમ માનવા મથે છે.”

“એટલે સ્થળની ગુજરાતની સીમાઓ બાંધવી એ અયોગ્ય છે. હું તો માનું છું અને કહું છું કે જ્યાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ગુર્જર રાષ્ટ્રકવિની કેવળ કલ્પના નથી, પણ વાસ્તવિક અને વ્યવ્હારિક સત્ય છે.”

ગુજરાતી સાહિત્ય પરિષદના અહેવાલમાં નોંધ છે એ પ્રમાણે પ્રમુખ મુનશીના ભાષણ ઉપરાંત વિભાગીય પ્રમુખોનાં ભાષણોમાં રામનારાયણ પાઠકનું અને શામળદાસ ગાંધીનું ભાષણ પહેલે દિવસે યોજાયું હતું. જેમાં શામળદાસ ગાંધીએ પત્રકારોની મુશ્કેલીઓ રજૂ કરી હતી. રવિશંકર રાવળ, કિશોરીલાલ મશરૂવાળા, નાનાભાઈ ભટ્ટનાં ભાષણો પણ અસરકારક રહ્યાં હતાં.

પ્રવાસલેખક તરીકે જાણીતા ડુંગરશી ધરમશીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, ‘બૃહદ ગુજરાત એ ઘણો વિશાળ પ્રદેશ છે એની સીમાની મર્યાદા અર્બુદાચળથી તાપી સુધીની નથી. પરંતુ કચ્છ, કાઠિયાવાડ પણ એના ભાગો છે’

આ જ સાહિત્ય પરિષદમાં ડુંગરશી ધરમશીએ ગુજરાતી જ્ઞાનકોશની જરૂરિયાત પર પણ ભાર મુક્યો હતો જેના અનુસંધાને ગોંડલમાં મહારાજા ભગવતસિંહજી દ્વારા તૈયાર થઈ રહેલા જ્ઞાનકોશની પણ યાદી થઈ હતી.

આ સંમેલનની ટીકા કેમ થઈ હતી?

ગુજરાતી સાહિત્ય પરિષદના અહેવાલમાં નોંધ કરવામાં આવી છે કે આ સંમેલનમાં સંગીત વિભાગના પ્રમુખ તરીકે ઓમકારનાથ ઠાકુરે પણ આ સાહિત્ય સંમેલનમાં હાજરી આપી હતી અને લોકોને મંત્રમુગ્ધ કરી નાખનારું પ્રવચન આપ્યું હતું.

આ સંમેલનમાં રાત્રે પ્રેમાનંદ રચિત મામેરું અને ઇન્દુલાલ ગાંધી રચિત પૂર્ણિમા નાટક કાત્રક હૉલમાં ભજવવામાં આવ્યાં હતાં. બંને નાટકોમાં શિક્ષિત ગુજરાતી, સિંધી કલાકારોએ ભાગ લીધો હતો.

કરાચીમાં ડિસેમ્બરમાં પુષ્કળ ઠંડી અને વરસાદ પણ હોય છે તેમ છતાં સંમેલન યોજવા બદલ કનૈયાલાલ મુનશીની ટીકા પણ થઈ હતી. મુનશીની જન્મતારીખે સંમેલન ગોઠવીને ખોટી ઋતુમાં સંમેલન યોજવાનો ટીકાત્મક સૂર ઉઠ્યો હતો. પ્રાંતિય અસ્મિતાથી દેશની રાષ્ટ્રીયતાને હાનિ થવાનો કોઈ સંભવ છે ખરો? જેવા પ્રશ્નો પણ આ સંમેલનમાં ઉઠ્યા હતા.

જોકે મહાગુજરાત શબ્દને જન્મ આપનારું આ સંમેલન ઐતિહાસિક રીતે મહત્ત્વનું બની રહે છે કારણ કે આ પછી જ 1952ના સાહિત્ય પરિષદે પણ ‘મહાગુજરાત’ની માગને ટેકો આપ્યો હતો.

‘એક દિવસ ત્રણેય રાજ્યો એકછત્ર નીચે આવશે’

ઇન્દુલાલ યાજ્ઞિક, મહાગુજરાત, બીબીસી

ઇમેજ સ્રોત, ‘Aatmakatha’: Indulal Yagnik

અલબત 1937માં ગુજરાતીઓ જ્યાં વસે ત્યાં ગુજરાત એ અર્થમાં મહાગુજરાત શબ્દ મુનશીએ પ્રયોજ્યો પણ 1920થી ગુજરાતમાં ભૌગોલિક રીતે ત્રણ એકમો સ્પષ્ટ હતાં.

‘ધ શેપિંગ ઑફ મોર્ડન ગુજરાત’માં અચ્યુત યાજ્ઞિક લખે છે એ પ્રમાણે, “1920માં ગાંધીજીએ ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છ માટે અલગ પ્રાંતીય કૉંગ્રેસ બૉડી રચી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કર્યું ત્યારે એક દિવસ ત્રણેય રાજ્યોનું તંત્ર એક છત્ર નીચે આવશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.”

વર્ષ 1920માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે ભાષાવાર પ્રાંત રચનાનો ઠરાવ પહેલીવાર પસાર કર્યો ત્યારે એના વિશે વિવાદ ઉભો થયો હતો.

1928માં મોતીલાલ નહેરુ સમિતીએ પ્રાદેશિક પુન: રચનાનો અહેવાલ આપ્યો હતો.

કમિટી ઍન્ડ કમિશન ઑફ ઇન્ડિયા પુસ્તકની નોંધ પ્રમાણે 1947માં ભારતની સ્વતંત્રતા પછી ભાષાવાર રાજ્યોની માંગણી સામે આવી.

1 જૂન, 1948 દિવસે, રાજેન્દ્રપ્રસાદે રાજ્યોની પુન:રચના ભાષા પ્રમાણે કરવી જોઇએ કે નહી તે નક્કી કરવા માટેની સમિતિ રચી. આ સમિતિમાં એસ.કે. ધાર (અલ્હાબાદ હાઇકોર્ટના નિવૃત ન્યાયાધીશ), જે.એન. લાલ (વકીલ) અને પન્ના લાલ (નિવૃત ભારતીય સનદી અધિકારી) હતા, એટલે તેને ધાર કમિશન કહેવાયું. આ સમિતિએ ભાષાવાર રાજ્યોની પુન: રચના યોગ્ય નથી એવું મંતવ્ય આપ્યું.

‘લેકે રહેંગે, મહાગુજરાત’

રવિશંકર મહારાજ, ગુજરાત, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ- ‘આઝાદી પહેલાં અને પછી’ પુસ્તકમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે એપ્રિલ 1948માં કનૈયાલાલ મુનશીના પ્રમુખપદે મહાગુજરાત સંમેલન યોજાયું અને એમાં ગુજરાતનો આર્થિક-સાંસ્કૃતિક વિકાસ રૂંધાશે એવી લાગણી વ્યક્ત થઈ હતી.

1952માં ભાઈલાલભાઈ પટેલના પ્રયાસોથી પહેલી મહાગુજરાત પરિષદ ધારાશાસ્ત્રી હિંમતલાલ શુક્લના પ્રમુખપદે મળી. પ્રદેશ કૉંગ્રેસ સમિતિએ આ પરિષદમાં ભાગ લીધો ન હતો અને ઉતર પ્રદેશના તત્કાલીન રાજ્યપાલ કનૈયાલાલ મુનશીએ પણ પરિષદની સાથે અસહમતી બતાવી.

1952 સુધીમાં મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષાની બહુમતી ધરાવતા પ્રદેશોનું અલગ આંધ્ર રાજ્ય અલગ કરવાની ચળવળ જાગી. 1953માં આંધ્ર પ્રદેશની સ્થાપના કરવામાં આવી. આને લીધો સમગ્ર દેશમાં ભાષાકીય અલગ રાજ્યોની માંગણીએ વેગ પકડ્યો.

ગુજરાત વિશ્વકોશની નોંધ પ્રમાણે 1953માં ફઝલઅલીના અધ્યક્ષપદે રાજ્ય પુન:રચના પંચ નીમવામાં આવ્યું. આ પંચે બૃહદ મુંબઈની અગત્યને લક્ષમાં રાખીને મરાઠાવાડ, સૌરાષ્ટ્ર, કચ્છ અને જૂના મુંબઈ રાજ્યના પ્રદેશોને સમાવી બૃહદ મુંબઈ રાજ્ય રચવાની ભલામણ કરી હતી અને પંચે મહાગુજરાતની માગણીને નકારી કાઢી હતી.

સંસદે 6 ઑગસ્ટ 1956ના રોજ મહારાષ્ટ્ર, મુંબઈ, કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિતના દ્વિભાષી મુંબઈ રાજ્યની રચનાની જાહેરાત કરી. ગુજરાત માટે આ નિર્ણય આઘાતજનક હતો. ગુજરાતની પ્રજાએ તેનો સખત વિરોધ કર્યો. વર્તમાનપત્રોએ પણ સરકારના આ પગલાંની કડક શબ્દોમાં આલોચના કરી’

આ આક્રોશ આગળ જતા એક લોકલડતનો રંગ ધારણ કરવાનો હતો. એવામાં ગુજરાતમાં બનેલી એક ઘટનાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું.

જન આંદોલન મહાગુજરાત પુસ્તકમાં મહાગુજરાત આંદોલનના અગ્રણી હરિહર ખંભોળજા લખે છે, “તારીખ 7 ઑગષ્ટ,1956ના દિવસે ગુજરાતની પ્રજાના અલગ રાજ્યના જંગની માંડણી થઈ. વિદ્યાર્થી આગેવાનોએ કૉંગ્રેસ નેતાઓ સાથે ચર્ચા કરીને સરઘસ કાઢ્યું. આ સરઘસ રાયપુર ચકલા ખાતે રાષ્ટ્રીય વિદ્યાર્થીમંડળની ઑફીસ પાસે વિખેરાવાનું હતું. બ્રહ્મકુમાર ભટ્ટના ટૂંકા પ્રવચન બાદ સરઘસ વિખેરાયું. બીજા દિવસે વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ ગુજરાત કૉંગ્રેસના અગ્રણીઓને મળવા ભદ્રના કૉંગ્રેસ હાઉસ ખાતે એકઠા થયા ત્યારે એમના પર ગોળીબારી થઈ”

”રાજ્યમાં કૉંગ્રેસ વિરુદ્ધ આક્રોશ ભડકી ઉઠ્યો. અમદાવાદમાં ‘લે કે રહેગે, મહાગુજરાત’, ‘શહીદો અમર રહો’ના નારાઓ ગુંજી ઉઠ્યા. આ લોકલડતમાંથી ગુજરાતની નવી નેતાગીરીનો પણ ઉદય થયો ”

તારીખ 9 સપ્ટેમ્બર, 1956ના રોજ અમદાવાદના ખાડિયામાં એક સભામાં ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ નીમાયા.

ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લેતા આંદોલને વેગ પકડ્યો.

ઇન્દુલાલ યાજ્ઞિકના સુકાનવાળા મહાગુજરાતના આંદોલનની લોકલડતમાં વિદ્યાર્થીઓ, મહિલાઓએ પણ સક્રિયતા દાખવી હતી.

આખરે આ લાંબી લડાઈના સંઘર્ષને પરિણામે અને લોહીયાળ સંઘર્ષના પરિણામે તારીખ 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના થઈ.

મહાગુજરાત શબ્દ પ્રયોજ્યો, પણ આંદોલનમાં ભાગ ન લીધો

ઇન્દુલાલ યાજ્ઞિક, આત્મકથા

ઇમેજ સ્રોત, MANOHAR

ઇતિહાસમાં ક્યારેક વિચિત્ર વિરોધાભાસ સર્જતો હોય છે. મહાગુજરાત શબ્દ જેમણે આપ્યો એ કનૈયાલાલ મુનશી મહાગુજરાત આંદોલનથી અળગા રહ્યા હતા. જ્યારે મહાગુજરાત આંદોલનના હીરો બની ગયેલા ઇન્દુલાલ યાજ્ઞિક સાથે મુનશીને ગાઢ મિત્રતા હતી.

બંનેએ 1910 આસપાસ નવજીવન અને સત્ય નામનું સામાયિક પણ શરૂ કર્યું હતું. યાજ્ઞિક અને મુનશીની મિત્રતા વિશે ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથામાં વિસ્તૃત નોંધ મળે છે.

‘હોમલેસ ઇન ગુજરાત ઍન્ડ ઇન્ડિયા: ઑન ધ ક્યુરીયસ લવ ઑફ ઇન્દુલાલ યાજ્ઞિક’માં અજય સ્કારીયા નોંધે છે, “1930ના દાયકામાં, જ્યારે યાજ્ઞિક, કૉંગ્રેસ છોડીને, કિસાન અને ટ્રેડ યુનિયન પ્રવૃત્તિઓમાં સક્રિય હતા ત્યારે મુનશી બૉમ્બેમાં કોંગ્રેસ સરકારમાં જોડાયા. ગૃહમંત્રી તરીકે, તેઓ ટ્રેડ યુનિયનવાદીઓ દ્વારા કરવામાં આવતી હડતાળને ડામવાના પ્રયાસોમાં મોખરે હતા. 1940ના દાયકામાં, મુનશી સરદાર વલ્લભબાઈ પટેલના મુખ્ય સહાયક બન્યા, અને નિઝામના વિરોધ છતાં હૈદરાબાદ ભારતીય રાજ્યનો ભાગ બન્યું તેઓ ‘પોલીસ’ કામગીરીનું નિર્દેશન કરતા હતા. આ સમયની આસપાસ, યાજ્ઞિક રજવાડાઓ અને જમીનદારો સામે ખેડૂતોને સંગઠિત કરવામાં સામેલ હતા”

“જ્યારે ગુજરાતના અલગ રાજ્ય માટે ચળવળ શરૂ થઈ, ત્યારે મુનશી અલગ રહ્યા; તેનાથી વિપરીત, યાજ્ઞિક મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા હતા.”

કનૈયાલાલ મુનશીનો સહયોગ આંદોલનમાં ન મળ્યાનો અફસોસ ઇન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં પણ વ્યક્ત કર્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS