Source : BBC NEWS
ઑસ્ટ્રેલિયા સામેની પાંચ મૅચની ટેસ્ટ શ્રેણીમાં 1-3થી મળેલી કારમી હારથી ભારતીય ક્રિકેટ ચાહકો હજુ પણ દુઃખી છે.
એક સમયે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં પ્રભુત્વ ધરાવતી ભારતીય ટીમે છેલ્લા એક દાયકામાં શક્તિશાળી ઑસ્ટ્રેલિયનો પર ઐતિહાસિક જીત મેળવી હતી. પરંતુ હાલમાં પ્રવાસી ટીમ નિષ્ફળ બની જેના કારણે ઘણાં સમયથી અજેય માનવામાં આવતી ટીમની નબળાઈઓ છતી થઈ ગઈ.
આ શ્રેણીએ બે પ્રશ્નો આપણી સામે મૂક્યા. એક તો ભારતીય બૅટ્સમૅનો ટકી ન શક્યા અને બીજું એ કે જસપ્રીત બુમરાહ એ ઑસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મૂકનાર ભારતના એકમાત્ર બૉલર હતા.
આ હારથી ભારતે માત્ર પ્રતિષ્ઠિત બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી જ નથી ગુમાવવી પડી, સાથે સાથે જ તેમણે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં સ્થાન પણ ગુમાવવું પડ્યું છે. જેના કારણે 2021 અને 2023માં સતત બે વખત ફાઇનલ રમવાનો તેમનો ક્રમ તૂટી ગયો છે.
જોકે, બંને ફાઇનલમાં ભારત અનુક્રમે ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.
ભારત ટીમનું તાજેતરનું ફોર્મ ચિંતાજનક છે. ભારતીય ટીમ છેલ્લી આઠ ટેસ્ટમાંથી છ હારી ગઈ છે. જેમાં ન્યૂઝીલૅન્ડ સામે ઘરઆંગણે 0-3નો શરમજનક વ્હાઇટવોશનો પણ સમાવેશ થાય છે.
આ હારથી ટીમની ઘેરાપણું કૅપ્ટન રોહિત શર્મા અને ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી જેવા મુખ્ય ખેલાડીઓના ભવિષ્ય અને ટીમનું પુનઃનિર્માણ કરવાની તેમની ક્ષમતા પર પ્રશ્નો ઊભા થયા છે.
ભારતીય ટેસ્ટ ક્રિકેટ માટે પડકારોનો સમય
હાલમાં ટીમ પરિવર્તનના તબક્કામાં છે અને દિગ્ગજ ખેલાડીઓ પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે ત્યારે ભારતીય ટેસ્ટ ક્રિકેટ તેના વારસાને ટકાવી રાખવા માટે ભારે પડકારોનો સામનો કરી રહ્યું છે.
જુલાઈથી શરૂ થતી ઇંગ્લૅન્ડમાં પાંચ ટેસ્ટ મૅચની શ્રેણી એ ભારતીય ટીમ માટે રેડ બૉલ ક્રિકેટનો આગામી પડકાર છે. ઇંગ્લૅન્ડની પરિસ્થિતિઓ જે મૅચનાં એક સત્રમાં પણ નાટકીય ફેરફારો માટે જાણીતી છે તે આપણા ખેલાડીઓની ટેકનિક, કુશળતા અને અનુકૂલન સાધવાની ક્ષમતાની કસોટી કરશે.
ભારતે 2007 પછી ઇંગ્લૅન્ડમાં એક પણ ટેસ્ટ શ્રેણી જીતી નથી. અગાઉ ફક્ત બે ટેસ્ટ શ્રેણી (1971, 1986)જીતી મેળવી હતી. આ આંકડા ટીમ સામે કેટલો મોટો પડકાર છે તે દર્શાવે છે. ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની તાજેતરની નિષ્ફળતાઓને કારણે પણ દબાણ વધી ગયું છે.
આ દબાણે પસંદગીકારોને આ મહત્ત્વપૂર્ણ ઝુંબેશ માટે ખેલાડીઓની પસંદગી અને ટીમ બૅલેન્સ પર કઠિન નિર્ણયો લેવા માટે મજબૂર કરી દીધા છે.
ઑસ્ટ્રેલિયામાં અને અગાઉ ન્યૂઝીલૅન્ડ સામે નિરાશાજનક પ્રદર્શન પછી પસંદગીકારો માટે સૌથી મોટો માથાનો દુ:ખાવો બેટિંગના દિગ્ગજ બૅટ્સમૅન શર્મા અને કોહલીનું ફૉર્મ છે.
રોહિત શર્મા ઑસ્ટ્રેલિયામાં ત્રણ ટેસ્ટમાં ફક્ત 31 રન બનાવી શક્યા હતા, તેમના ખરાબ ફૉર્મને કારણે તેઓ અંતિમ રમત માટે મેદાનમાં ઊતર્યા નહોતા. કોહલીએ નવ ઇનિંગ્સમાં 190 રન સાથે થોડો સારો દેખાવ કર્યો હતો, પરંતુ તેમના કુલ 100 રન એક જ ઇનિંગમાં આવ્યા હતા. તેઓ આઉટ થવાના કિસ્સાઓ એક જ પેટર્નને અનુસરતા હતા – સ્લિપમાં અથવા સ્ટમ્પ પાછળ કૅચ – જે સ્પષ્ટપણે ટેકનિકલ ખામી અથવા દબાણ કે માનસિક થાક તરફ ઇશારો કરે છે.
જાન્યુઆરી 2024 થી રોહિત શર્મા 16 ટેસ્ટમાં એક સદી સાથે ફક્ત 619 રન બનાવી શક્યા છે. વિરાટ કોહલીના આંકડા સમય જતાં વધુ ખરાબ થયા છે. તેમણે 2020 થી ટેસ્ટમાં સરેરાશ 32 રન કર્યા છે અને માત્ર બે સદી ફટકારી છે.
એક સમયે મોડેથી ખીલેલા ટેસ્ટ ઓપનર અને ધમાકેદાર મૅચ વિજેતા રહેલા રોહિત શર્મા હવે તેમની બૅટિંગ નંબર શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. એક દાયકાના પ્રભુત્વ બાદ અવાસ્તવિક પતનને કારણે ક્રિકેટના ભૂતપૂર્વ ટાઇટન વિરાટ કોહલીને લાંબા સમયથી સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે.
કોહલી-રોહિત પછી કોણ?
ભારતીય બૅટિંગની મહાનતાના વારસામાં સુનિલ ગાવસ્કરથી લઈને સચીન તેંડુલકર અને કોહલી જેવા ખેલાડીઓ સરળતાથી આપણને મળતા રહ્યા છે. પરંતુ કોહલીનો બાદ કોણ તે હજુ પણ અસ્પષ્ટ છે.
કેએલ રાહુલ પાસે ક્લાસ છે પરંતુ સતત મોટા સ્કોરની ભૂખનો અભાવ છે. ઋષભ પંત એક રોમાંચક ખેલાડી છે કે જે મૅચ જિતાડવા કે હરાવવા માટે સમાન રીતે સક્ષમ છે. આગામી બિગ થિંગ તરીકે ઓળખાતા શુભમન ગિલે વિદેશી પીચ પર સંઘર્ષ કરે છે. તેમને હજુ કાળજીપૂર્વક ઉછેરવાની જરૂર છે.
યુવરાજ સિંહ દ્વારા તૈયાર કરાયેલા પંજાબના યુવા ડાબોડી અભિષેક શર્માને પણ ઉમદા ખેલાડી ગણવામાં આવે છે. જ્યારે નીતીશ કુમાર રેડ્ડીએ ઑસ્ટ્રેલિયામાં ડેબ્યૂ દરમિયાન મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમના નિર્ભીક પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા.
આ શ્રેણીમાં ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર યશસ્વી જયસ્વાલ યુવા બૅટ્સમૅનોમાં નંબર એક રહ્યો છે. ધીરજ, ટેકનિક અને ધરખમ સ્ટ્રોક સાથે તે કોહલીના અનુગામી અથવા તો ટીમ માટે ચમત્કાર બનવા માટે તૈયાર હોય એવું દેખાય છે.
ક્રિકેટનાં વિવિધ ક્ષેત્રોમાં ભારત પાસે ભરપૂર પ્રતિભા છે. ઑસ્ટ્રેલિયા સામે 32 વિકેટ લઈને જસપ્રીત બુમરાહે ફાસ્ટ બોલિંગમાં પોતાનો દરજ્જો મહાનતમમાં એકનો બનાવ્યો છે. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ડઝન જેટલા આશાસ્પદ ઝડપી બોલરોનો ભારત પાસે ભંડાર છે. આ તમામ ફોર્મેટ માટે એક મજબૂત બોલિંગ શસ્ત્રાગાર છે.
તેમ છતાં બુમરાહ પેઢીમાં એક જ વાર જોવા મળતી હોય એવી પ્રતિભા છે. તેમને કાળજીપૂર્વકના વર્કલોડ મૅનેજમેન્ટની જરૂર છે. ઑસ્ટ્રેલિયા શ્રેણીની જેમ તેમના પર વધુ પડતો બોજ નાખવાથી તેમના પર ભાંગી પડવાનો ભય રહે છે. જેનાથી ભારતીય ટીમનું આક્રમણ નબળું પડી જઈ શકે. લાંબા સમય સુધી રિહેબમાં રહ્યા પછી શમીને પણ કાળજીપૂર્વક હેન્ડલિંગની જરૂર છે. આ બંને આધુનિક ક્રિકેટની સૌથી શક્તિશાળી તેજ ગેંદબાજ જોડીમાંની એક છે.
બૉલિંગ સામે પડકારો
રવિચંદ્રન અશ્વિનની અચાનક નિવૃત્તિ અને ઑસ્ટ્રેલિયામાં રવિન્દ્ર જાડેજાના નબળા પ્રદર્શન સાથે ભારતની સ્પિનની હાલત નબળી દેખાઈ રહી છે. જોકે વૉશિંગ્ટન સુંદરે હોમ પિચ પર આશાસ્પદ પ્રદર્શન કર્યું છે. જ્યારે ઑસ્ટ્રેલિયામાં શ્રેણીની મધ્યમાં ટીમમાં જોડાયેલા યુવા સ્પિનરો રવિ બિશ્નોઈ અને તનુષ કોટિયન હજુ ટેસ્ટ ક્રિકેટના દરવાજા ખટખટાવી રહ્યા છે.
ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે તાજેતરમાં થયેલી હારથી વાકેફ થઈ ભારતીય ક્રિકેટ બોર્ડ હવે ઝડપથી પરિવર્તન માટે આગળ વધી રહ્યું છે. પસંદગીકારોને 23 જાન્યુઆરીથી શરૂ થનારી સ્થાનિક રણજી ટ્રૉફીમાંથી સંભવિત ટેસ્ટ ખેલાડીઓને શૉર્ટલિસ્ટ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
શર્મા અને કોહલી સહિત તમામ ખેલાડીઓને સ્થાનિક ક્રિકેટ રમવા માટે કહેવામાં આવે તેવી શક્યતા છે. એક પગલું જે તેમને ફોર્મ પાછું મેળવવામાં મદદ કરી શકે છે.
બદલાતા સમયમાં ટીમનું સંચાલન કરવામાં જટિલ પડકારો ઊભા થાય છે જેમાં ધીરજ, સહાનુભૂતિ અને સ્પષ્ટ દૃષ્ટિકોણની જરૂર પડે છે. ત્વરિત પ્રતિક્રિયાઓ ઉકેલો પૂરા પાડવાને બદલે પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
શર્મા અને કોહલી તેમના સંકટને દૂર કરી શકે છે કે નહીં તે જોવાનું બાકી છે, પરંતુ ક્રિકેટમાં રહેલી પ્રતિભાઓ ભારતીય ક્રિકેટના અંધકારને જરૂરથી દૂર કરી શકે.
અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે 2011 માં ODI વર્લ્ડ કપ જીત્યા પછી ભારતનો ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં 4-0 થી વ્હાઇટવૉશ થયો હતો. ક્રિકેટ સાવ તળિયે પહોંચી ગયું હોય તેવું લાગતું હતું.
પરંતુ થોડા જ મહિનાઓની અંદર કોહલી, શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, જાડેજા, અશ્વિન અને અન્ય યુવા પ્રતિભાઓએ ભારતીય ક્રિકેટમાં પ્રાણ ફૂંક્યા અને પુનરુત્થાનથી ભારત તમામ ફૉર્મેટમાં વિશ્વની ટોચની ટીમ બન્યું. અને તેણે આ સ્થાન લગભગ એક દાયકા સુધી જાળવી રાખ્યું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS