Source : BBC NEWS
- લેેખક, એના લામ્ચે
- પદ, બીબીસી ન્યૂઝ
-
21 જાન્યુઆરી 2025, 06:56 IST
અપડેટેડ 2 કલાક પહેલા
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટના પહેલા જ દિવસે પરવાનગી વગર અમેરિકામાં રહેતા વિદેશી વસાહતીઓને અટકાયતમાં લેવા અને તેમને દેશનિકાલ કરવા માટે દરોડા પાડવાનું શરૂ થઈ જશે. બીબીસીના યુએસ પાર્ટનર સીબીએસને સૂત્રોએ આમ જણાવ્યું છે.
ટ્રમ્પના “બૉર્ડર ઝાર”(સરહદના સમ્રાટ) ટૉમ હૉમન દ્વારા આ પ્રકારની ધમકી આપવામાં આવી છે પરંતુ તેઓ આ કામગીરી કઈ જગ્યાએથી શરૂ થશે તે હજુ સ્પષ્ટ નથી.
અગાઉના અહેવાલો સૂચવે છે કે શિકાગોમાં આ કામગીરીની શરૂઆત થશે જ્યાં મોટા પ્રમાણમાં વિદેશી વસાહતીઓ(પરવાનગી વગર) રહે છે.
પરંતુ હૉમને શનિવારે વૉશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે સ્થળનું નામ લીક થવાના કારણે હવે ટ્રમ્પ વહીવટી તંત્ર આ અંગે પુનર્વિચાર કરી રહ્યું છે.
યુએસ ઇતિહાસના સૌથી મોટા દેશનિકાલ કાર્યક્રમની દોરવણીની ટ્રમ્પે પ્રતિજ્ઞા લીધી છે અને હૉમને કહ્યું છે કે આ દરોડામાં ગુનેગારો અને ગૅંગના સભ્યોને પ્રાથમિકતા આપીને તેમને પહેલા દેશનિકાલ કરવામાં આવશે.
આ કાર્યવાહીની શરૂઆત ક્યાંથી થશે?
હૉમને વૉશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે વહીવટીતંત્રના આ કાર્યક્રમનાં અમલીકરણનાં ધ્યેયો શિકાગો કરતાં ઘણો વધુ વ્યાપક છે.
તેમણે જણાવ્યું, “ICE પહેલા જ દિવસથી જાહેર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરૂપ લોકોને પકડવાનું શરૂ કરશે.”
તેમણે વધુમાં કહ્યું, “અમે દેશભરમાં એ લોકોની ધરપકડ કરીશું જે લોકો વહીવટી માર્ગદર્શનનું પાલન કર્યા વગર વસાહતી બન્યા છે. આ માટે શિકાગોનો જ ખાસ ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો તેની મને ખબર નથી.”
આ અઠવાડિયે ફૉક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં ‘બૉર્ડર ઝારે’ (સરહદના સમ્રાટ) દેશભરમાં મોટા દરોડા પાડવાની વાત કહી હતી. તેમણે અગાઉ કહ્યું હતું કે શિકાગો આ સામૂહિક દેશનિકાલ માટેનું “ગ્રાઉન્ડ ઝીરો”(પ્રથમ સ્થળ) હશે.
હૉમેને સપ્તાહના અંતે ફૉક્સ ન્યૂઝ પર આ વહીવટની યોજનાઓને વિસ્તારથી સમજાવતા કહ્યું હતું કે આ દેશનિકાલ “દરોડાઓ” નહીં પરંતુ જે તે વિસ્તારમાં લક્ષ્ય સાથે કરવામાં આવેલી અમલીકરણની કામગીરી હશે.
તેમણે તેમના આ પ્રયાસોને “સુનિયોજીત” ગણાવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું, “જ્યારે ICE જમીન પર ઊતરશે ત્યારે તેમને ખ્યાલ આવશે કે તે તેઓ કોને શોધી રહ્યા છે અને તેઓ તેમને ક્યાં મળશે.”
તેમણે કહ્યું કે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યાના પહેલા અઠવાડિયામાં જ દેશનિકાલ માટે ફ્લાઇટ્સ રવાના થશે. અને તેઓ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન જેવાં સંગઠનો તરફથી દેશનિકાલના પ્રયાસો રોકવા માટે રોજ થનાર કેસોની પણ અપેક્ષા રાખે છે.
તેમણે કહ્યું, “મને ખાતરી છે કે અમારી પર કેસ કરવામાં આવશે, થવા દો કેસ.”
ટ્રમ્પની સરહદ સંબંધી નીતિઓ તેમની જીત પાછળનું કારણ મનાય છે
રિપબ્લિકન ટ્રમ્પે 2017માં તેમના પ્રથમ રાષ્ટ્રપતિ કાર્યકાળમાં પણ સામૂહિક દેશનિકાલનું વચન આપ્યું હતું. જોકે તેઓ ડેમૉક્રેટ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા તેમના પ્રથમ ચાર વર્ષમાં દેશનિકાલ કરેલા લોકો કરતા લગભગ અડધા જ વસાહતીઓને દૂર કરવામાં સફળ થયા હતા.
તેમની સરહદ નીતિઓનું વ્યાપક સમર્થન કરનારા લોકોએ તેમને 47મા રાષ્ટ્રપતિ તરીકેની સત્તા સોંપી છે. શનિવારે પ્રકાશિત થયેલા ન્યૂ યૉર્ક ટાઇમ્સ અને ઇપ્સોસ પોલમાં જાણવા મળ્યું છે કે 55% અમેરિકનો આવા સામૂહિક દેશનિકાલને મજબૂત અથવા તો આંશિક સમર્થન આપે છે.
ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (ICE) એજન્સી હંમેશા ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરે જ છે.
જોકે સોમવારે ટ્રમ્પના ઉદ્ઘાટન પછી શરૂ થનારી કાર્યવાહીમાં આવા સ્થળાંતરવાસીઓનાં કહેવાતાં “અભયારણ્ય” શહેરોને નિશાન બનાવવાની અપેક્ષા છે.
સીબીએસના જણાવ્યા અનુસાર શિકાગો વિસ્તારના ICE અધિકારીઓએ હાલમાં જ એજન્ટોને વૉશિંગ્ટન ડીસીમાં એજન્સીના વડાઓને જાણ કર્યા વિના આ અઠવાડિયે થનાર દરોડામાં જોડાવા કહ્યું હતું.
વૉલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે ન્યૂ યૉર્ક, લૉસ એંજસલ, ડેનવર અને મિયામીમાં પણ દરોડા પાડવામાં આવશે. આ યોજનાઓથી પરિચિત નનામી સ્ત્રોતોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે.
કેટલાક અહેવાલો સૂચવે છે કે ટ્રમ્પ લાંબા સમયથી ચાલતી નીતિને પણ દૂર કરી શકે છે. જે મુજબ ICE ધરપકડ માટે ચર્ચમાં પ્રતિબંધિત છે.
શિકાગોના મોટાભાગે લેટિનો વિસ્તારના એક ચર્ચમાં શ્રદ્ધાળુઓએ BBC સાથે તેમની ચિંતાઓ વ્યક્ત કરી હતી.
ગેરકાયદેસર રીતે રહેતા વસાહતીઓમાં ગભરાટ
મૅક્સિકોના 21 વર્ષીય કાયદેસરના નિવાસી ડી કામાચો પિલ્સન વિસ્તારમાં આવેલા લિંકન યુનાઇટેડ મૅથોડિસ્ટ ચર્ચમાં રવિવારે કાર્યરત હતા.
તેમણે કહ્યું, “મને ડર લાગે છે. પરંતુ કાગળો વિનાના લોકો શું અનુભવી રહ્યા હશે તેની હું કલ્પના પણ કરી શકતો નથી.”
રૅવરન્ડ એમ્મા લૉઝાનોએ કહ્યું, “જો પાંચ બાળકો ધરાવતી કોઈ વ્યક્તિની ધરપકડ થાય તો તેમનાં બાળકોનું શું અને આ રીતે પરિવારો તો વિભાજિત થશે?”
પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના શાસનકાળના નિયમો એવા હતા કે ICE સામાન્ય રીતે એવા ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની ધરપકડ કરતા હતા કે જેઓ ગંભીર ગુનેગાર હતા. અને તાજેતરમાં જ સરહદ પાર કરીને આવ્યા હોય અથવા તો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ હોય.
ટ્રમ્પની ટીમે સંકેત આપ્યો છે કે તેઓ પહેલા ગુનાઓ કરનારાઓથી શરૂઆત કરશે. પરંતુ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ જેમાં ઘણાં વર્ષોથી યુ.એસ.માં રહેતા કામ કરતા અને ગુનાહીત ઇતિહાસ નથી તેવા લોકોની પણ ધરપકડ તથા દેશનિકાલો થશે તેવી પણ શક્યતા સેવાઇ રહી છે.
સીબીએસ અનુસાર બાઇડન વહીવટીતંત્ર દ્વારા બંધ કર્યા પછી બાંધકામ સ્થળોએ જ્યાં દસ્તાવેજ વગર સ્થળાંતર કરનારાઓ ઘણીવાર કામ કરતા હોય છે ત્યાં પણ ઇમિગ્રેશન દરોડા ફરી શરૂ થવાની અપેક્ષા છે.
જોકે આ કામગીરી અધિકારીઓ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે કારણ કે અટકાયતીઓને રાખવા માટેની પૂરતી જગ્યાનો તેમની પાસે અભાવ છે.
લૅકન રિલે ઍક્ટ(ખરડો) આગામી અઠવાડિયે કૉંગ્રેસ દ્વારા ગૃહમાં પસાર થવાની અપેક્ષા છે.
ગયા વર્ષે જ્યૉર્જિયામાં વેનેઝુએલાના ગેરકાયદેસર સ્થળાંતર કરનાર દ્વારા જેની હત્યા થઇ તેવા કૉલેજના વિદ્યાર્થી લૅકનના નામ પરથી આ ખરડાનું નામ આપવામાં આવ્યું છે.
પ્રસ્તાવિત કાયદો ફેડરલ સરકાર યુ.એસ.માં ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરનારાઓ અને જેના પર ક્રાઇમની શંકાસ્પદ હલનચલન હોય તેને અટકાયતમાં લેવાની ફરજ પાડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS