Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, અમેરિકા, ભારત, મધ્યપૂર્વ

ઇમેજ સ્રોત, Getty Images

36 મિનિટ પહેલા

વિશ્વમાં સૌથી પ્રભાવશાળી મનાતા દેશના રાષ્ટ્રપતિનો કાર્યકાળ ન માત્ર એ દેશની નીતિઓને પ્રભાવિત કરે છે, બલકે તેની વૈશ્વિક સ્તરે પણ દૂરગામી અસર થાય છે.

આ પ્રભાવ આર્થિક નીતિઓથી માંડીને રાજદ્વારી નિર્ણયો સુધી પ્રસરેલો હોય છે.

20 જાન્યુઆરીના રોજ એટલે કે આજે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે પોતાના બીજા કાર્યકાળની શરૂઆત કરશે. આ વખત ઉપ રાષ્ટ્રપતિ તરીકે જે. ડી. વાંસ કાર્યભાર સંભાળશે.

ટ્રમ્પને ઘણી વાર ‘કળી ન શકાય એવી વ્યક્તિ’ ગણાવવામાં આવે છે, એટલે કે કોઈ પણ મુદ્દે તેમનું વલણ શું હશે, તેનો અંદાજ અગાઉથી નથી લગાવી શકાતો. કેટલાક લોકો આ વાતને તેમની તાકત માને છે, તો કેટલાક કમજોરી.

હવે જ્યારે ટ્રમ્પ પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે તેમના પ્રથમ કાર્યકાળ કરતાં વિશ્વ ઘણું બદલાઈ ચૂક્યું છે અને નવા પડકારો સામે આવી ચૂક્યા છે.

ત્યારે ટ્રમ્પના આ કાર્યકાળમાં શું સંભાવનાઓ હોઈ શકે છે?

શું ભારતે અમેરિકા સામાનની નિકાસ કરવા માટે વધુ ટૅક્સ ચૂકવવો પડશે? અમેરિકા અને ચીનના સંબંધમાં શો બદલાવ આવશે? ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલ સંઘર્ષવિરામનું જે સમાધાન થયું છે, એ મધ્યપૂર્વમાં કેટલી સ્થાયી શાંતિ લાવી શકશે?

રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવવાની શું સંભાવના છે? જળવાયુ પરિવર્તન પર અમેરિકાનું વલણ શું રહેશે? અને દક્ષિણ એશિયામાં ભારતે અમેરિકા પાસેથી કેવી અપેક્ષાઓ રાખવી જોઈએ?

બીબીસીના સાપ્તાહિક કાર્યક્રમ, ‘ધ લેન્સ’માં કલેક્ટિવ ન્યૂઝરૂમના ડાયરેક્ટર ઑફ જર્નાલિઝમ મુકેશ શર્માએ આ તમામ સવાલો પર ચર્ચા કરી.

ઇઝરાયલ માટે કેવો હશે ટ્રમ્પનો બીજો કાર્યકાળ?

બીબીસી ગુજરાતી, અમેરિકા, ભારત, મધ્યપૂર્વ

ઇમેજ સ્રોત, Getty Images

ઇઝરાયલી કૅબિનેટે ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે હમાસ સાથે થયેલા સમાધાનને મંજૂરી આપી દીધી છે. આ સમાધાન રવિવારથી લાગુ પડી ગયું છે.

અમેરિકન ચૂંટણીઅભિયાન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન-રશિયા અને મધ્યપૂર્વમાં સંઘર્ષો અંગે કહ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો યુદ્ધ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ જશે.

તેઓ કાર્યભાર સંભાળે એ પહેલાંથી જ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા યુદ્ધવિરામ સમાધાનને મંજૂરી મળી ગઈ છે.

આવી સ્થિતિમાં સવાલ ઊઠે છે કે આ યુદ્ધવિરામમાં ટ્રમ્પે શું ભૂમિકા ભજવી છે?

આ સવાલ પર જેરુસલેમના વરિષ્ઠ પત્રકાર હરિંદર મિશ્રા જણાવે છે, “સંઘર્ષવિરામની દિશામાં ટ્રમ્પની ભૂમિકા અંગે અહીં એક લેખ પ્રકાશિત થયો હતો, જે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પણ શૅર કર્યો છે.”

તેમના અનુસાર, “આ લેખમાં કહેવાયું છે કે જે કામ બાઇડન પોતાના કાર્યકાળ દરમિયાન ન કરી શક્યા, તે ટ્રમ્પના એક ખાસ દૂતે માત્ર એક મુલાકાતમાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે પૂરું કરી દેખાડ્યું.”

“આ મુલાકાત અંગે કહેવાઈ રહ્યું છે કે એ ખૂબ તણાવપૂર્ણ હતી અને તેમાં નેતન્યાહૂ પર કોઈ પણ સંજોગોમાં સંઘર્ષવિરામનું અને બંધકોની મુક્તિ માટેનું દબાણ કરાયું.”

હરિંદર મિશ્રા અનુસાર, “એવું મનાઈ રહ્યું છે કે ટ્રમ્પે નવા પ્રશાસનમાં તેઓ એ દેશો પર વધુ દબાણ નાખશે જે ઇઝરાયલના વિરોધી છે કે પછી જેમના ઇઝરાયલ સાથે શત્રુતાપૂર્ણ સંબંધ છે.”

ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં ઇઝરાયલ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા ખૂબ સ્પષ્ટ હતી અને તેમણે ઇઝરાયલની સુરક્ષાને પ્રાથમિકતા આપી હતી. હવે તેમના બીજા કાર્યકાળમાં એવી જ આશા વ્યક્ત કરાઈ રહી છે કે તેમનું વલણ પહેલાં જેવું જ રહેશે.

જોકે, હરિંદર મિશ્રાનું એવું પણ કહેવું છે કે “ટ્રમ્પના સંભવિત નિર્ણયનો અંદાજ માંડવો મુશ્કેલ બની રહેશે. આ વાત દરેકને સાવચેત રાખશે કે તેમના વલણ વિશે હાલ કોઈ સ્પષ્ટતા નથી અને આ અનિશ્ચિતતા બની રહેશે.”

તેમણે કહ્યું, “નેતન્યાહૂ અને ટ્રમ્પના સંબંધો પહેલાંથી ખૂબ સારા હતા, પરંતુ ટ્રમ્પનો પ્રથમ કાર્યકાળ સમાપ્ત થયા બાદ અને ચૂંટણીમાં હાર બાદ બંને વચ્ચે સંબંધો રહ્યા નહોતા. હવે નેતન્યાહૂનો પ્રયાસ છે કે એ ટ્રમ્પ સાથેના પોતાના સંબંધો ફરી સુધારે, પરંતુ ટ્રમ્પે અત્યાર સુધી આ અંગે કોઈ સ્પષ્ટ સંકેત નથી આપ્યા. પરંતુ એટલું જરૂર છે કે ઇઝરાયલની સુરક્ષા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા બરકરાર રહેશે.”

રાજદ્વારી મામલાનાં વરિષ્ઠ પત્રકાર ઇંદ્રાણી બાગચીએ ટ્રમ્પની ભૂમિકા પર ટિપ્પણી કરતાં કહ્યું, “ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં ઇઝરાયલ સાથે તેમના સંબંધો ઘનિષ્ઠ હતા. તેમણે અમેરિકન દૂતાવાસને યેરુશલેમ સ્થાળાંતરિત કર્યું અને ‘અબ્રાહમ અકૉર્ડ’ સમાધાનની પ્રક્રિયા શરૂ કરી. મને લાગે છે કે અબ્રાહમ સમાધાનનો પ્રભાવ આ સંઘર્ષ છતાં પણ જળવાયેલો છે, જે એક હકારાત્મક સંકેત છે.”

ઇંદ્રાણીએ આગળ કહ્યું, “એ જોવું પડશે કે આ યુદ્ધવિરામ સમાધાન કેટલી વાર સુધી ટકી રહેશે અને શું એ અંતે એક સ્થાયી શાંતિ સમાધાનમાં પરિણમી શકે કે નહીં.”

તેમણે એવું પણ કહ્યું, “આ સંઘર્ષવિરામ સમાધાન 30 મેના રોજ થયું હતું, પરંતુ તેને લાગુ નહોતું કરી શકાયું. હવે જોવાનું એ હશે કે આ નવો પ્રયાસ કેટલી દૂર સુધી જાય છે.”

સાઉદી અરેબિયા પાસેથી શું ઇચ્છે છે ટ્રમ્પ?

બીબીસી ગુજરાતી, અમેરિકા, ભારત, મધ્યપૂર્વ

ઇમેજ સ્રોત, Getty Images

અબ્રાહમ સમજૂતી અંતર્ગત ઇઝરાયલને સંયુક્ત આરબ અમીરાત, મોરક્કો, સુદાન અને બહરીનથી માન્યતા મળી અને તેના માટે અમેરિકાએ ઘણા દેશોને પ્રસ્તાવો આપ્યા.

અમેરિકાનું લક્ષ્ય એ છે કે સાઉદી અરેબિયા, જે આ ક્ષેત્રનો પ્રમુખ દેશ છે, એ પણ આ સમાધાનમાં સામેલ થાય કારણ કે એનાથી સ્થિતિમાં મોટો બદલાવ આવી શકે છે.

અત્યાર સુધી, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આ સમાધાનથી સંપૂર્ણપણે સંમત નથી. તેમનું કહેવું છે કે પહેલાં પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર દેશનો દરજ્જો મળવો જોઈએ અને તેમને તેમની જમીન આપવી જોઈએ, તે બાદ જ બીજી બાબતો પર વાત થઈ શકે.

સવાલ એ છે કે શું ટ્રમ્પ પ્રશાસન આ અબ્રાહમ સમજૂતીને એટલી આગળ વધારી શકશે કે ઇઝરાયલ પેલેસ્ટાઇનને માન્યતા આપે?

આ વાત પર કૂટનીતિના વિશ્લેષક રાજીવ નયને ટ્રમ્પના બીજા કાર્યકાળના સંદર્ભમાં સાઉદી અરેબિયા અને અન્ય આરબ દેશોના ભવિષ્યના વલણ મામલે ચર્ચા કરતાં કહ્યું, “અમારું માનવું છે કે આ ક્ષેત્રમાં પેલેસ્ટાઇન અને આરબ દેશોના પક્ષમાં ખૂબ મોટું પરિવર્તન થવાની સંભાવના નથી. જ્યાં અમેરિકાનું વર્ચસ્વ છે, ત્યાં ઇઝરાયલનું પણ વર્ચસ્વ રહેશે.”

તેમણે કહ્યું, “સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશો, જે પહેલાં ‘ઓપેક પ્લસ’ના રાજકારણમાં સક્રિય હતા અને રશિયા અને ચીન તરફ પણ જઈ રહ્યા હતા, અમેરિકા સાથે પોતાના સંબંધો સંતુલિત કરવાની કોશિશ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં અમેરિકા નહીં ઇચ્છે કે આ દેશો લાભનો સોદો કરે.”

રાજીવ નયને રશિયાની સ્થિતિ પર પણ ટિપ્પણી કરતાં કહ્યું કે, “રશિયા, જે સીરિયામાં અસરકારકપણે કંઈ ન કરી શક્યું, કારણ કે એ પોતે યુક્રેન સંકટમાં ફસાયેલું છે, તેની ક્ષમતા હાલ સીમિત છે. હાલ રશિયાની સ્થિતિ એટલી મજબૂત નથી કે એ સીરિયામાં સક્રિયપણે હસ્તક્ષેપ કરી શકે.”

તેમણે કહ્યું, “જો ટ્રમ્પ અને પુતિન વચ્ચે સારા સંબંધો બને તો નિશ્ચિતપણે સાઉદી અરેબિયા, યુએઈ અને અન્ય આરબ દેશો પર દબાણ વધશે.”

રાજીવ નયને કહ્યું, “આ દેશો માટે એ વાત રાજકીય પડકાર છે કે તેઓ પોતાના વૈકલ્પિક રાજકીય દૃષ્ટિકોણ અંગે ઇઝરાયલ પર વધુ દબાણ નહીં બનાવી શકે, કારણ કે આ દેશોની શક્તિ અને તેમને કોનું પીઠબળ છે એ વાત પર પણ ઘણું બધું આધારિત છે.”

રશિયા-યુક્રેન સંઘર્ષ મામલામાં કેવું હશે ટ્રમ્પનું વલણ?

બીબીસી ગુજરાતી, અમેરિકા, ભારત, મધ્યપૂર્વ

ઇમેજ સ્રોત, Getty Images

મધ્યપૂર્વના સંઘર્ષ બાદ, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પણ એક મહત્ત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દો બની ગયો છે. એવી ચર્ચા થઈ રહી છે કે જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે, તો તેઓ રશિયા પર દબાણ કરીને એક સમાધાનની સ્થિતિ પેદા કરી શકશે.

આવી સ્થિતિમાં સવાલ એ ઊઠે છે કે ટ્રમ્પ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને આખરે કેવી રીતે રોકી શકે?

વરિષ્ઠ પત્રકાર ઇંદ્રાણી બાગચીએ ટ્રમ્પની ભૂમિકા પર ચર્ચા કરતા કહ્યું, “આ આશંકા એટલા માટે વ્યક્ત કરાઈ રહી છે, કારણ કે ટ્રમ્પ-પુતિન વચ્ચે એક જૂના સંબંધની ચર્ચા છે.”

તેમણે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “મને નથી લાગતું કે ટ્રમ્પ યુક્રેનને કહેશે કે તમે યથાસ્થિતિમાં રહો, કારણ કે જે શાંતિ સમજૂતીની આશા હશે, એ યુરોપિયન દૃષ્ટિકોણવાળી હશે. એવું નથી કે રશિયાએ કબજે કરેલ ક્ષેત્રને વાજબી ઠેરવાશે. કારણ કે રશિયાએ જે કંઈ પણ કર્યું છે એને ગમે એ દૃષ્ટિકોણથી જુઓ એ આંતરરાષ્ટ્રીય કાયદાની વિપરીત છે.”

ઇંદ્રાણી બાગચીએ કહ્યું કે, “મને નથી લાગતું કે ટ્રમ્પ આ પ્રકારના સમાધાન માટે આવી રહ્યા છે.”

આ અંગે રાજીવ નયને કહ્યું, “બાઇડન અને ટ્રમ્પના નેતૃત્વમાં ફરક છે. બાઇડને સંપૂર્ણપણે યુક્રેનનું સમર્થન કર્યું છે, જ્યારે ટ્રમ્પની સ્થિતિ તેના કરતાં અલગ હોઈ શકે છે.”

તેમણે આગળ કહ્યું, “વર્તમાન સ્થિતિમાં અમેરિકન જનમાનસ યુક્રેન સાથે ખડું છે અને જો ટ્રમ્પ તેને બદલવાની કોશિશ કરે, તો તેમણે અમેરિકન જનમાનસને આના માટે તૈયાર કરવાનું રહેશે.”

રાજીવ નયને આગળ કહ્યું કે, “ટ્રમ્પમાં વાતચીત મારફતે આનું સમાધાન કાઢવાની ક્ષમતા ખરી. એવું બની શકે કે તમને એક-બે દિવસમાં કોઈ રસ્તો નીકળતો ન દેખાય, પરંતુ પાંચ-છ મહિનામાં તમને આમૂલ પરિવર્તન દેખાશે.”

શું ભારતને ટેરિફ વૉરમાં ફસાવી દેશે ટ્રમ્પ?

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ભારત અને અમેરિકાના વેપાર સંબંધોમાં એક નવી દિશા જોવા મળી શકે છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ પર જોર આપે છે, જેનો ભારતને સામનો કરવો પડી શકે છે.

આવામાં સવાલ એ ઊઠે છે કે ભારત આ સ્થિતિને ડિપ્લોમેટિક રીતે કેવી રીતે સંભાળશે.

આ અંગે ઇંદ્રાણી બાગચી જણાવે છે કે “પોતાના પ્રથમ કાર્યકાળમાં પણ ટ્રમ્પે ભારતના સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર ટેરિફ લાદી હતી.અને અમુક અઠવાડિયાં પહેલાં પણ તેમણે ટેરિફ અંગે વાત કરી હતી.”

તેમણે કહ્યું, “જોવાનું રહેશે કે મોદી સરકાર આ વખત પોતાના ત્રીજા કાર્યકાળમાં અમેરિકા સાથે સમાધાન અંગે કેવો વ્યૂહરચનાત્મક દૃષ્ટિકોણ અપનાવશે અને આ વાત એવી હોવી જોઈએ જે ન માત્ર ભારત પરંતુ અમેરિકા માટે પણ લાભકારી હોય.”

બીબીસી ગુજરાતી, અમેરિકા, ભારત, મધ્યપૂર્વ

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે આગળ કહ્યું, “જો આપણે કહીએ કે ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે, તેથી કોઈ આપણી સાથે એવી કોઈ સમજૂતી નહીં કરે. આપણે એ જોવું જોઈએ કે આપણે આપણી જાતને ક્યાં મજબૂત કરી શકીએ છીએ.”

ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંતુલન સાધવું એ અમેરિકન વ્યૂહરચના બાબતે મહત્ત્વપૂર્ણ છે. આ ત્રણ દેશોના પોતપોતાના સંદર્ભમાં અમેરિકા સાથે ગાઢ સંબંધ છે અને દક્ષિણ એશિયાની અમેરિકન વ્યૂહરચનામાં આ દેશોની ભૂમિકા ખૂબ મહત્ત્વપૂર્ણ રહેશે.

દક્ષિણ એશિયામાં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને માલદીવ આવે છે. વિશ્વ બૅન્કનું અનુમાન છે કે આ વિસ્તારમાં 1.94 અબજ લોકો રહે છે. દક્ષિણ એશિયામાં ભારત એક તીવ્ર ગતિથી વૃદ્ધિ પામતું અર્થતંત્ર છે.

આ દેશોમાં ભારતે પાછલાં અમુક વર્ષોમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊઠે છે કે શું ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પણ ભારતની સ્થિતિ આવી જ જળવાઈ રહેશે?

આ અંગે ઇંદ્રાણી બાગચીએ કહ્યું, “અમેરિકા સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંબંધોમાં ઘણા બદલાવ આવી ચૂક્યા છે.”

તેમણે કહ્યું, “પાછલાં ઘણાં અઠવાડિયાંમાં અમેરિકાએ પાકિસ્તાનની મિસાઇલ સંસ્થાઓ પર પ્રતિબંધ લાદ્યા છે. અમેરિકાનું કહેવું છે કે પાકિસ્તાન એક લાંબા અંતરવાળી મિસાઇલ બનાવી રહ્યું છે. અમેરિકાએ વિચાર્યું છે કે આ મિસાઇલ તેના વિરુદ્ધ જઈ શકે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS