Home તાજા સમાચાર gujrati ડભોઈ : PM મોદીનો કાફલો પસાર થયો ને સ્ટ્રીટલાઇટ બંધ, નગરપાલિકાનો કર્મચારી...

ડભોઈ : PM મોદીનો કાફલો પસાર થયો ને સ્ટ્રીટલાઇટ બંધ, નગરપાલિકાનો કર્મચારી સસ્પેન્ડ, શું છે મામલો?

7
0

Source : BBC NEWS

સસ્પેન્ડની માહિતી આપતો પત્ર

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતના ડભોઈ નગરપાલિકાના લાઈટ શાખાના એક કર્મચારીને સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાના કારણે 6 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કારણ? આ સ્ટ્રીટલાઈટ ત્યારે બંધ હતી જ્યારે વડા પ્રધાનનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો.

સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થયા બાદ શુક્રવારે ડભોઈ નગરપાલિકાના ચીફ ઑફિસરે આ મામલે સુનવણી હાથ ધરી હતી. જેમાં કથિત બેદરકારી માટે જે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની પાસે સ્પષ્ટતા માગવામાં આવી હતી.

હાલ આ સમગ્ર મુદ્દે ખાતાકિય તપાસ ચાલી રહ્યું હોવાનું કહીને સમગ્ર મામલે ચીફ ઑફિસર અને કર્મચારીએ કોઈ પણ માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?

સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના કારણે અંધારામાં પસાર થતો વડા પ્રધાનનો કાફલો

31 ઑક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી. વડા પ્રધાનનો કાફલો વડોદરા પરત ફરતી વખતે ડભોઈમાંથી પસાર થયો હતો.

કાફલો જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્ચારે શહેરના શિનોર ચોકડીથી સરિતા બ્રીજ સુધીના વિસ્તારની 12 સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હતી અને બીજી અનેક લાઈટો ઝબૂકી રહી હતી. આ ઉપરાંત નાંદોડી ભાગોળ વિસ્તારની બે સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં હતી.

વડા પ્રધાનો કાફલો કેટલીક ક્ષણો માટે અંધારામાંથી પસાર થતાં વહીવટી તંત્રે આ મુદ્દે કાર્યવાહી કરતા લાઈટ શાખાના ઇન્ચાર્જ ક્લાર્ક મહેશ વસાવાને સસ્પેન્ડ કરી દીધા હતા.

બીબીસી ગુજરાતી સહયોગી હાર્દિક દિક્ષીતે જણાવ્યું કે, નગરપાલિકાના ચીફ ઑફિસર વિરાજ શાહે ગુજરાત નગરપાલિકા અધિનીયમ 1963ની કલમ 48 હેઠળ કાર્યવાહી કરી હતી અને મહેશ વસાવાને સસ્પેન્ડ કર્યો છે.

વડા પ્રધાન કાફલો પસાર થવાનો હતો તેના માર્ગમાં બંધ સ્ટ્રીગ લાઈટ

સસ્પેન્શન ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે વીઆઇપીના આગમન અને અવરજવર દરમિયાન નગરપાલિકાએ તેના વિવિધ વિભાગોને “સફાઈ, રખડતા ઢોર પર નિયંત્રણ અને સ્ટ્રીટલાઇટની જાળવણી” સહિતની જવાબદારીઓ કરવાની થાય છે.

જે અનુસંધાને નગરપાલિકા દ્વારા કર્મચારીને વિવિધ વિસ્તારોની લાઈટો રિપેર કરવા જણાવ્યું હતું. લાઇટિંગ વિભાગના ઇન્ચાર્જ ક્લાર્ક તરીકે એમની મુખ્ય ફરજોમાં સ્ટ્રીટલાઇટો યોગ્ય રીતે કાર્યરત રહે તેની ખાતરી કરવી પણ સામેલ હતી.

વડોદરાને સ્ટેચ્યૂ ઑફ યુનિટી સાથે જોડતો હાઇવે દભોઈ શહેરની બહારથી પસાર થાય છે, અને શહેરના અનેક મહત્ત્વના માર્ગો આ હાઇવે સાથે જોડાયેલા છે.

આદેશમાં જણાવ્યું કે, ‘નગરપાલિકા દ્વારા તમને વિવિધ વિસ્તારોની લાઈટો રિપેર કરવા માટે જણાવ્યાં હોવા છતા 14 જેટલી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હતી અને કેટલીક અન્ય ઝબૂકી રહી હતી.પરંતુ કચેરી દ્વારા સૂચના આપી હોવા છતાં તમે જરૂરી મરામત સમયસર કરાવવામાં નિષ્ફળ રહ્યાં. સૂચનાઓ આપવા છતાં કામગીરી યોગ્ય રીતે ન કરવા બદલ તમને સસ્પેન્ડ કરવામાં આવે છે.’

સુનવણીમાં શું થયું?

ડભોઈ નગરપાલિકા કચેરી

આ વિશે શુક્રવારે સુનાવણી રાખવામાં આવી હતી જેમાં મહેશ વસાવાને તેમની કથિત બેદરકારી વિશે પૂછવામાં આવ્યું હતું જેમાં તેમને આ વિશે અધિકારીઓને વિસ્તારમાં માહિતી આપી હતી.

બીબીસી ગુજરાતી સહયોગી હાર્દિક દીક્ષિત અનુસાર મહેશ વાસાવાએ મીટીંગમાં કહ્યું હતું કે, “29 ઑક્ટોબરના રોજ સ્ટ્રીટ લાઈટોમાં તકનીકી ખામી મળી આવી હતી જે વિશે સંબંધિત અધિકારીઓને જાણ પણ કરવામાં આવી હતી.”

વસાવાએ જણાવ્યું કે “નગરપાલિકાના લાઈટ ટેકનિશિયને પણ આ વિશે જાણ કરવામાં આવી હતી અને તેમને તપાસ બાદ આ વિશે ચીફ ઑફિસરને બધી માહિતી પણ આપી હતી. તેમ છતાં કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે અંગે મને કોઈ માહિતી નથી.”

સુનાવણી વિશે પૂછતાં મહેશ વસાવાએ ખૂબ જ ટૂંકમાં વાત કરી હતી. તેમણે બીબીસી સહયોગીને જણાવ્યું કે તેમણે સમગ્ર હકીકત લેખીતમાં ચીફ ઑફિસરને આપી દીધી છે.

બીબીસી સહયોગીએ ચીફ ઑફિસરને કાર્યવાહી અને સુનાવણી વિશે પૂછતાં તેમણે સમગ્ર મામલાને વહીવટી પ્રશ્ન ગણાવ્યો હતો અને કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS