Source : BBC NEWS
અપડેટેડ 29 મિનિટ પહેલા
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ પર ‘હશ-મની’ મામલે શુક્રવારે થનારી સજા પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો.
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપરિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો હતો કે તે પોતાના પર થનારી સજા પર રોક લગાવી શકે છે કે નહીં?
જેના પર સુપ્રીમ કોર્ટના જજોએ 5-4થી આ ચુકાદો સંભળાવતા ટ્રમ્પની અપીલને ફગાવી દીધી.
ટ્રમ્પ પર વર્ષ 2016માં ઍડલ્ટ ફિલ્મસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે એક લાખ ત્રીસ હજાર ડૉલર આપ્યા હતા. જેને છુપાવવા માટે ટ્રમ્પના રેકૉર્ડમાં હેરાફેરી માલુમ પડી હતી. આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ જુઆન મર્ચને સંકેત આપ્યા છે કે તેઓ ટ્રમ્પને જેલની સજા આપવા પર વિચાર નહીં કરે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ટ્રમ્પે ગુરુવારે સાંજે પત્રકારોને કહ્યું કે આ ‘અપમાનજનક’ હતું પરંતુ એક ‘યોગ્ય ચુકાદો’ હતો.
લૉસ એન્જલસની આગ હવે નવા વિસ્તારોમાં પણ ફેલાઈ, મૃત્યુઆંક પણ વધ્યો
અમેરિકાના લૉસ એન્જલસનાં જંગલોમાં લાગેલી આગ વધારે વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહી છે.
આગને કારણે મરનારાની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે.
લૉસ એન્જલસનાં મેયર કરેન બૅસે જણાવ્યું કે પશ્ચિમ વિસ્તારમાં આવેલા પહાડોમાં નવી આગ લાગી છે. ઝડપથી ફૂકાતા પવનને કારણે આ આગ વધારે પ્રમાણમાં ફેલાઈ શકે છે.
તેમણે લોકોને સુરક્ષિત જગ્યાઓ પર જતા રહેવાની અપીલ કરી છે.
લૉસ એન્જલસના ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ ક્રિસ્ટન ક્રૉલીએ જણાવ્યું કે પેલિસેડ્સમાં લાગેલી આગને કારણે વધુ બે વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે આગને કારણે કેટલા લોકોનાં મૃત્યુ થયાં તેની ચોક્કસ જાણકારી નથી.
આ પહેલાં ઇટનમાં લાગેલી આગને કારણે પાંચનાં મોત થયાં હતાં.
ક્રૉલીએ કહ્યું કે પેલિસેડ્સની આગ 19 હજાર એકરથી વધારે જમીનમાં ફેલાઈ છે જેને કારણે 53,00 ઇમારતો નષ્ટ થઈ ગઈ છે.
તેમણે એમ પણ કહ્યું કે વેંચુરા કાઉન્ટીમાં પણ આગ લાગી છે. અહીં 50 એકર જમીન પર આગ વિસ્તરી છે. જેેને બુઝાવવા માટે 60 ફાયર ફાઇટર્સ મોકલવામાં આવ્યા છે.
દિલ્હી: ભયંકર ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઓછી થઈ
દિલ્હી અને તેની આસપાસના એનસીઆર વિસ્તારમાં સવારે ભયંકર ધુમ્મસ જોવા મળ્યું. જેને કારણે ગાડીઓ સ્લો ચાલતી જોવા મળી. ગુરુવારે હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે આજે મોટાભાગના વિસ્તારોમાં સ્મૉગ કે મધ્યમ ધુમ્મસ છવાયેલું રહેશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે શુક્રવારે રાત્રે પણ સ્મૉગ અથવા હળવાથી મધ્યમ ધુમ્મસ છવાયેલું રહેવાની સંભાવના છે.
શુક્રવારે મહત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે જ્યારે કે ન્યૂનતમ તાપમાન છ ડિગ્રી સુધી જશે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધુમ્મસને કારણે ટ્રેનો મોડી ચાલી રહી છે તથા ફ્લાઇટ્સ પણ મોડી થઈ રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS