Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

21 જાન્યુઆરી 2025, 21:24 IST

અપડેટેડ 2 કલાક પહેલા

અમેરિકાના રાષ્ટ્રપતિપદની કમાન સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને ઓવલ ઑફિસમાં એક પત્રકારે પૂછ્યું, આપણે નાટો (નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન)ના એ સભ્ય દેશો અંગે શું આશા રાખીએ જે ખૂબ ઓછો ખર્ચ કરે છે. જેમ કે સ્પેનનું નાટોના બજેટમાં પાંચ ટકા કરતાં પણ ઓછું છે.

ટ્રમ્પે આ સવાલના જવાબમાં કહ્યું, સ્પેન ખૂબ ઓછો ખર્ચ કરે છે. શું એ બ્રિક્સનો સભ્ય છે?

રિપોર્ટે જવાબમાં કહ્યું – શું?

ટ્રમ્પે કહ્યું – એ બ્રિક્સના સભ્ય છે. સ્પેન. શું તમને ખબર છે કે બ્રિક્સનો સભ્ય દેશ શું છે? તમે જાણકારી મેળવજો. બ્રિક્સના દેશોએ જો ડૉલર સિવાય અન્ય કોઈ કરન્સી લાવવાની કોશિશ કરી તો અમેરિકા સાથેના કારોબારમાં 100 ટકા ટૅક્સ લાગશે.

સ્પષ્ટ છે કે સ્પેન બ્રિક્સનો સભ્ય દેશ નથી. બ્રિક્સમાં એસ સાઉથ આફ્રિકા માટે છે, જે વર્ષ 2010માં સામેલ થયું હતું. એ પહેલાં એ બ્રિક હતું – જેમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચીન હતા.

ટ્રમ્પે ભલે સ્પેનને બ્રિક્સનો સભ્ય દેશ ગણાવ્યો, પરંતુ બ્રિક્સ દેશો અંગે તેઓ પહેલાં જ ટેરિફ લગાડવાની ધમકી આપી ચૂક્યા છે.

બ્રિક્સ દેશો વચ્ચે અમેરિકન ચલણ ડૉલરના સ્થાને અન્ય કોઈ ચલણમાં વેપારની વાત ઊઠતી રહી છે. ટ્રમ્પને લાગે છે કે બ્રિક્સ દેશ ડૉલરને કમજોર કરવામાં લાગેલા છે.

ટ્રમ્પની ધમકી

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ડિસેમ્બરમાં ટ્રમ્પે ઍક્સ પર લખેલી એક પોસ્ટમાં કહ્યું હતું, “બ્રિક્સ દેશો પાસેથી અમારે એવો વાયદો જોઈએ કે ના તો તેઓ નવું ચલણ બનાવી શકે અને ન ડૉલરની તાકને કમજોર કરવા માટે અન્ય કોઈ ચલણને સમર્થન જાહેર કરી શકે. જો તેઓ આવું કરે તો તેમણે 100 ટકા ટેરિફનો સામનો કરવો પડશે. આ દેશોએ અમેરિકાના શાનદાર અર્થતંત્રથી બહાર થવું પડશે.”

સમગ્ર વિશ્વમાં ડૉલર પરથી નિર્ભરતા ઘટાડવાની વાત થતી રહે છે. ઘણા દેશોને એ ચિંતા થાય છે કે અમેરિકાના દબદબાવાળી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા પર આધાર રાખવાની વાત એ ભવિષ્યમાં સંકટ નોતરી શકે છે.

રશિયાને અમેરિકાએ વર્લ્ડવાઇડ ઇન્ટરબૅન્ક ફાઇનાન્સિયલ ટેલિકૉમ્યુનિકેશન એટલ કે સ્વિફ્ટથી બહાર કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય લેવડદેવડ મામલે સ્વિફ્ટ ઘણું મહત્ત્વપૂર્ણ છે.

ઈરાનને પણ અમેરિકાએ સ્વિફ્ટમાંથી 2012માં જ અલગ કરી દીધું હતું. એ બાદ 2015માં ઈરાન અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર થયું હતું. 2018માં જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ફરીથી ઈરાન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીદો ને સ્વિફ્ટમાંથી તેને સસ્પેન્ડ કરી દેવાયું.

વર્ષ 2023માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટ યોજાઈ હતી. આ સમિટમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ ડા સિલ્વાએ કહ્યું હતું કે, “બ્રિક્સનું નવું ચલણ બનવાથી ચુકવણી માટે નવા વિકલ્પ મળશે અને મુશ્કેલી સમયે અમારા માટે સરળતા રહેશે.”

ગત વર્ષે ઑક્ટોબરમાં રસિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ યોજાઈ હતી. આ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “ડૉલરનો ઉપયોગ એક હથિયાર તરીકે થઈ રહ્યો છે. આપણે ખરેખર આવું જ બનતા જોઈ રહ્યા છીએ. મને લાગે છે કે જે કોઈ આવું કરી રહ્યું છે, તેઓ ભારે ભૂલ કરી રહ્યા છે.”

ભારત પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્થાનિક ચલણને પ્રોત્સાહન આપવાની વાત કરી રહ્યું છે, જેથી ડૉલર પરથી નિર્ભરતા ઘટી શકે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રશિયા સાથે વેપારમાં રૂપિયાની ચુકવણીની પરવાનગી પણ આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે ભારત બ્રિક્સ દેશો વચ્ચે નાણાકીય એકીકરણનું સમર્થન કરે છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે સ્થાનિક ચલણમાં વેપારથી આર્થિક સહયોગને તાકત મળશે.

ઑક્ટોબર 2024માં ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે અમેરિકન નીતિઓથી ઘણી વખત અમુક દેશોના કારોબાર જટિલ બની જાય છે. એસ જયશંકર પ્રમાણે ભારત પોતાનાં કારોબારી હિતોની વાત કરી રહ્યું છે અને તેનો હેતુ ડૉલરને ટાર્ગેટ કરવાનો નથી.

ટ્રમ્પના આગમનની ભારત પર કોઈ અસર થશે ખરી?

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રમ્પે શપથ લીધા બાદ ભાષણ આપ્યું અને એમાં તેમણે કહ્યું કે તેમની દિશા શું રહેશે?

ટ્રમ્પે શપથ પહેલાં ઘણા દેશો પર ટેરિફ લગાડવાની ચેતવણી આપી હતી, પરંતુ શપથ બાદના ભાષણમાં તેમણે કોઈ પણ દેશનું નામ ન લીધું. ટ્રમ્પે પોતાના ભાષણમાં ગલ્ફ ઑફ મૅક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઑફ અમેરિકા રાખવાની જાહેરાત કરી દીધી.

પાછલા બે દાયકામાં અમેરિકા સાથે ભારતના સંબંધ મજબૂત થયા છે, પરંતુ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિથી પરેશાનીમાં વધારો થઈ શકે છે. ટ્રમ્પ આ વખત અમેરિકા ફર્સ્ટ નીતિ અંગે વધુ આક્રમક છે. એવું મનાઈ રહ્યું છે કે ભારતને ઇમિગ્રેશન અને વેપાર મામલે ટ્રમ્પ પ્રશાસનથી પડકાર મળશે.

થિંક ટૅન્ક રેંડ કૉર્પોરેશનમાં ઇન્ડો પેસિફિક ઍનાલિસ્ટ ડેરેક ગ્રૉસમૅને લખ્યું છે કે ટ્રમ્પની ઇન્ડો-પેસિફિક નીતિ બાઇડનની સરખામણીએ ઝાઝી અલગ નહીં હોય.

ડેરેકે લખ્યું છે કે, “ટ્રમ્પે જેડી વાંસને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા છે અને વાંસ ચીન અંગે ધણા આક્રમક રહે છે. પરંતુ ટ્રમ્પે ગત અઠવાડિયે કહ્યું હતું કે તાઇવાને પોતાની સુરક્ષા માટે માટે આપણને ચુકવણી કરવી જોઈએ. ટ્રમ્પ કંઈ પણ એવું કરવાથી બચશે જેમાં અમેરિકાનો લાભ ન હોય. ટ્રમ્પના સત્તામાં આગમન બાદ યુરોપ પણ ગભરાયેલું છે, કારણ કે તેમણે યુક્રેનની મદદ પર પણ સવાલ ઉઠાવ્યા છે.”

ટ્રમ્પ ભૂતકાળમાં ઘણી વાર ભારતની ટીકા કરી ચૂક્યા છે. ખાસ કરીને અમેરિકામાં બેરોજગારી અંગે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ડોનાલ્ડ ટ્રમ્પ મિત્ર ગણાવે છે.

ગ્રૉસમૅને લખ્યું છે, “ચીન સાથે પૂર્વ લદ્દાખમાં 2020માં જ્યારે ભારતીય સૈનિકોનું ઘર્ષણ થયું હતું, ત્યારે અમેરિકાએ ભારતને ગુપ્તપણે મદદ કરી હતી. ટ્રમ્પના બીજા કાર્યકાલમાં પાકિસ્તાનને સૌથી વધુ નુકસાન થશે. ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં પાકિસ્તાનને દગાખોર અને આતંકવાદીઓને શરણ આપનારો દેશ ગણાવ્યો હતો. વર્ષ 2018માં ટ્રમ્પે પાકિસ્તાનને અપાઈ રહેલી સંરક્ષણ મદદ પણ રદ કરી દીધી હતી. ટ્રમ્પના બીજા કાર્યકાલમાં પણ ભારત સાથે સંબંધ મજબૂત થશે અને પાકિસ્તાન સાથે અંતર વધશે.”

ચીન અંગે ટ્રમ્પની નીતિ ભારતની ચિંતામાં વધારો કરશે?

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સલાહકારોને કહ્યું છે કે તેઓ શપથગ્રહણ બાદ ચીન જવા માગે છે.

અખબાર પ્રમાણે ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવા માગે છે. આ પહેલાં ટ્રમ્પે ચૂંટણી જીત્યા બાદ ચીન વિરુદ્ધ ટેરિફ લગાડવાની ધમકી આપી હતી.

ટ્રમ્પ પોતાના પ્રથમ કાર્યકાળમાં એક વર્ષની અંદર જ 2017માં ચીનની મુલાકાતે ગયા હતા. ડબ્લ્યૂએસજેએ લખ્યું છે કે ટ્રમ્પ દેશના શાસનની ધુરા સંભાળ્યા બાદના પ્રથમ 100 દિવસમાં જ ચીન જવા માગે છે.

નવેમ્બરમાં ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પે શુક્રવારે પ્રથમ વખત શી જિનપિંગ સાથે વાત કરી હતી. ટ્રમ્પે શી જિનપિંગ સાથે વાતચીત બાદ કહ્યું હતું કે બંને દેશો સાથે મળીને ઘણી સમસ્યાઓનાં સમાધાન શોધી શકે છે. ટ્રમ્પે પોતાના શપથગ્રહણસમારોહમાં શી જિનપિંગને આમંત્રિત કર્યા હતા, પરંતુ ચીને પોતાના ઉપરાષ્ટ્રપતિને મોકલ્યા.

રાજદ્વારી મામલાના વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીએ લખ્યું છે કે ચીનના તાનાશાહ પ્રત્યે ટ્રમ્પની વધતી જતી ઉદારતાની અસર અમેરિકાના ભારત અને જાપાન સાથેના સંબંધો પર પડશે.

ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં ચીન પ્રત્યે નરમ વલણ અખત્યાર કર્યું છે. ટ્રમ્પે ટિક ટૉક પરના પ્રતિબંધને પણ ટાળી દીધો છે. પૂર્વ ડિપ્લોમેટ જયંતપ્રસાદે કતારના ન્યૂઝ નેટવર્ક અલ-જઝીરાને કહ્યું, “ટ્રમ્પની આ પ્રવૃત્તિ રહી છે કે દુશ્મનોની આવકારો અને દોસ્તોને બેચેન કરો.”

ટ્રમ્પે પોતાના ચીનના સ્વામિત્વવાળી સોશિયલ મીડિયા ઍપ ટિક ટૉક પર પ્રતિબંધની વાત કરી હતી, પરંતુ હવે તેઓ તેને બચાવી રહ્યા છે. ટ્રમ્પે શી જિનપિંગને શપથગ્રહણસમારોહમાં આવવાનું આમંત્રણ આપ્યું.

ચીને ન તો એનો આધિકારિકપણે સ્વીકાર કર્યો ન તેને નકાર્યું. આ સમારોહમાં ભારતના વડા પ્રધાનને આવવાનું કોઈ ઔપચારિક આમંત્રણ નહોતું અપાયું. આ અંગે મોદીવિરોધ સોશિયલ મીડિયામાં ઘણા સક્રિય દેખાય અને સરકાર પર કટાક્ષ કરતા દેખાયા.

યુનિવર્સિટી ઑફ અલ્બનીમાં રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર ક્રિસ્ટોફર ક્લેરીએ અલ-જઝીરાને કહ્યું, “બીજા કાર્યકાળમાં ટ્રમ્પ ભારત માટે બે પ્રકારે ખતરો છે. ટ્રમ્પ અને તેમની ટીમ ભારત અંગે વધુ આક્રમક રહેશે. ખાસ કરીને વેપાર અને રોકાણ મામલે.”

મોદીને આશા છે કે ક્વાડ સમિટમાં ટ્રમ્પ આ વખત ભારત આવશે. ક્વાડમાં અમેરિકા, ભારત, જાપાન અને ઑસ્ટ્રેલિયા છે. બીજી તરફ ચીન આ વર્ષે શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશન એટલે કે એસસીઓ સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. મોદી સમિટમાં સામેલ થવા ચીન જઈ શકે છે.

વર્ષ 2022માં ભારત અને અમેરિકાનો દ્વિપક્ષીય વેપાર 191.8 અબજ ડૉલર હતો. ભારતે 118 અબજ ડૉલરની નિકાસ કરી હતી અને આયાત 73 અબજ ડૉલરની હતી. એટલે કે વર્ષ 2022માં ભારતનો 45.7 અબજ ડૉલર સરપ્લસ વેપાર હતો.

પરંતુ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટ પૉલિસી અંતર્ગત ભારત વિરુદ્ધ ટેરિફ નાખ્યો તો પરિસ્થિતિ બદલાશે. ટ્રમ્પ ઇચ્છે છે કે ટ્રેડ સરપ્લસ અમેરિકાના પક્ષમમાં રહે ના કે ભારતના પક્ષમાં.

1972માં ચીન અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર માત્ર દસ કરોડ ડૉલરનો હતો જે વર્ષ 2022માં 758.4 અબજ ડૉલરનો થયો. કહેવાય છે કે ચીન અને અમેરિકા બંને એકબીજાની જરૂરિયાત છે અને બંને એકબીજાથી અલગ પડીને ન રહી શકે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS