Source : BBC NEWS
અપડેટેડ 22 મિનિટ પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિપદની શપથ લેવા પહેલાં વૉશિંગ્ટન ડીસીમાં એક રેલી કરી. જેમાં તેમણે અનેક વાયદાઓ કર્યા.
ટ્રમ્પે આ રેલીમાં ઉપસ્થિત પોતાના હજારો સમર્થકો વચ્ચે ચૂંટણીમાં જીતની ઉજવણી કરી. તેમણે કહ્યું, “હું ઐતિહાસિક ગતિ અને તાકત સાથે કામ કરીશ. આપણા દેશ સામે આવનારા તમામ સંકટનો હલ લાવીશ.”
તેમણે એમ પણ કહ્યું, “હું રાષ્ટ્રપતિપદની શપથ લઈને પહેલા બાઇડન પ્રશાસનના તમામ કટ્ટરપંથી અને મૂર્ખતાભર્યા આદેશોને નિરસ્ત કરીશ.”
ટ્રમ્પે વાયદો કર્યો કે તેઓ ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર જારી કરશે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રાધાન્ય મળશે.
તેમણે ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્મેન્ટ એફઇશિયન્સી એટલે કે સરકારી કાર્યદક્ષતા વિભાગના પ્રમુખ બનાવવાનો વાયદો પણ કર્યો.
ઇઝરાયલે ત્રણ બંધકોના બદલે 90 પેલેસ્ટિનિયન કેદીઓને છોડ્યા
ગાઝામાં ઇઝરાયલના ત્રણ બંધકોને છોડવામાં આવ્યા બાદ લાગુ થયેલા યુદ્ધવિરામ પછી ઇઝરાયલે 90 પેલેસ્ટિનિયન કેદીઓને પણ છોડ્યા છે.
હમાસે આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે આ 90 લોકોમાં 69 મહિલાઓ અને 21 કિશોર છે.
રૉયટર્સ ન્યૂઝ એજન્સી અનુસાર જેમાં મોટાભાગના કેદીઓને હમણા જ પકડી લેવામાં આવ્યા હતા. જેના પર કોઈ કેસ નહોતા ચલાવવામાં આવતા અને તેમને કોઈ મામલે દોષિત નહોતા ઠેરવાયા હતા.
સમજૂતિ અંતર્ગત પહેલા તબક્કામાં ઇઝરાયલે 1900 કેદીઓને છોડવાના રહેશે. હમાસ તેના બદલે 33 ઇઝરાયલી બંધકોને આઝાદ કરશે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેની આ સમજૂતી ત્રણ તબક્કામાં લાગુ થવાની છે. પહેલા ચરણમાં ઇઝરાયલની જેલોમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓના બદલે હમાસના કબજામાં રહેલા ઇઝરાયલી બંધકોને છોડવામાં આવશે.
પછી ગાઝાથી ઇઝરાયલી સેના ધીરે-ધીરે પાછી હઠશે અને આખરી ચરણમાં ગાઝાનું પુનર્નિર્માણ થશે.
ડોનાલ્ડ ટ્રમ્પના આશ્વાસન બાદ ટિક-ટૉકે ઉઠાવ્યું આ પગલું
ડોનાલ્ડ ટ્રમ્પના આશ્વાસન બાદ સોશિયલ મીડિયા ઍપ ટિક-ટૉક અમેરિકામાં પોતાની સેવા ફરી શરૂ કરી રહી છે.
ટિક-ટૉકએ આ પગલું નવનિર્વાચિત ડોનાલ્ડ ટ્રમ્પના એ આશ્વાસન બાદ ઉઠાવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિપદ સંભાળ્યા બાદ ઍપને પ્રતિબંધથી રાહત આપવા માટે એક કાર્યકારી આદેશ જારી કરશે.
ટિક-ટૉકે અમેરિકામાં પોતાની ગતિવિધિઓ બંધ કરી દીધી હતી.
ટિક-ટૉકે આ પગલું અમેરિકાના એ કાયદાને કારણે ઉઠાવવું પડ્યું હતું જેમાં રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને ઍપ પર પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી હતી.
ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેઓ ટિક-ટૉકને પ્રતિબંધ થતું રોકવા 90 દિવસની છૂટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટિક-ટૉક પર પ્રતિબંધ લગાવવાના કાયદાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રતિબંધ લાગુ થાય તે પહેલાં ટિક-ટૉકે પોતાની ગતિવિધિઓ બંધ કરી હતી.
અગાઉ ટ્રમ્પ ટિક-ટૉકના પ્રતિબંધની વકીલાત કરતા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS