Home તાજા સમાચાર gujrati ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ ક્રિપ્ટોથી એક અબજ ડૉલરથી વધુ કમાણી કરી

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ ક્રિપ્ટોથી એક અબજ ડૉલરથી વધુ કમાણી કરી

4
0

Source : BBC NEWS

ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ક્રિપ્ટોકરન્સીમાં વ્યાવસાયિક વ્યવહારોમાંથી એક અબજ ડૉલરથી વધુની કમાણી કરી હોવાનું તેમના 2025ના મેન્ડેટરી ફાઇનાન્સિઅલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

927 પાનાંના આ રિપોર્ટમાં તેમણે ‘ટ્રમ્પ મીમ કૉઈન’માંથી 635 મિલિયન ડૉલર રૉયલ્ટી તરીકે મળ્યા હોવાનું જણાવ્યું છે. તેમણે પ્રમુખપદ સંભાળ્યાના થોડા દિવસ પહેલાં લૉન્ચ કરવામાં આવેલા આ કોઈનની કિંમતમાં મોટો ઘટાડો થયો છે.

તેમણે વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિઅલમાંથી પણ 500 મિલિયન ડૉલરથી વધુ કમાણી કરી હતી.

વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિઅલ નામની આ ક્રિપ્ટોકરન્સી કંપની ટ્રમ્પના દીકરાઓ અને તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોકનાં સંતાનોએ શરૂ કરી હતી.

તેમણે રિઅલ ઍસ્ટેટ અને ટ્રમ્પ-થીમ સામાનમાંથી પણ લાખો ડૉલરની કમાણી કરી હતી, પરંતુ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખપદનો લાભ લઈને કમાણી કરી રહ્યા હોવાનો વ્હાઇટ હાઉસે ઇનકાર કર્યો છે.

તેમના તાજેતરના રિપોર્ટમાં દર્શાવવામાં આવેલી કમાણી 2024ના રિપોર્ટ કરતાં ઘણી વધારે છે. ટ્રમ્પે 2024માં 600 મિલિયન ડૉલરથી વધુની કમાણીની જાણકારી આપી હતી.

અલબત, વ્હાઇટ હાઉસે વધુ એકવાર હિતોના ટકરાવ (કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ)નો ઇનકાર કર્યો હતો.

ટ્રમ્પે તેમનો બિઝનેસ એક ટ્રસ્ટને સોંપી દીધો છે અને તેનું સંચાલન તેમના પુત્રો કરે છે, એ વ્હાઇટ હાઉસ વારંવાર ભારપૂર્વક જણાવતું રહ્યું છે.

વ્હાઇટ હાઉસનાં ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી એના કેલીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ ગર્વ સાથે અમેરિકાને “વિશ્વની ક્રિપ્ટો રાજધાની” બનાવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે બિટકઇનને “કૌભાંડ” ગણાવ્યું હતું

2008માં બિટકૉઇન નામની એક ક્રિપ્ટોકરન્સી બની હતી

ઇમેજ સ્રોત, Getty Images

એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે “રાષ્ટ્રપ્રમુખ કે તેમના પરિવારે કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટની સ્થિતિમાં ક્યારેય કામ કર્યું નથી અને તેઓ ક્યારેય એવું કરશે પણ નહીં.”

તેમણે એમ પણ જણાવ્યું હતું કે “રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને તેમનું વહીવટીતંત્ર અમેરિકાના તમામ લોકોની ભલાઈ માટે પગલાં લે છે અને જે કથિત સંવાદદાતાઓ તેનાથી વિપરીત વાતો ફેલાવી રહ્યા છે, તેઓ એ જૂની તેમજ ખોટી વાતોનો પુનરોચ્ચાર કરી રહ્યા છે, જેને ડેમોક્રેટ્સ અને પરંપરાગત મીડિયા છેલ્લા એક દાયકાથી ફેલાવતું રહ્યું છે.”

ખુદ રાષ્ટ્રપ્રમુખે ભારપૂર્વક જણાવ્યું છે કે કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ સંબંધી સંઘીય કાયદાઓ તેમને લાગુ પડતા નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે એક વખત ક્રિપ્ટોકરન્સીની ટીકા કરી હતી અને બિટકોઇનને “કૌભાંડ” તથા “તોળાઈ રહેલી મુસીબત” ગણાવ્યા હતા.

ટ્રમ્પ બ્રાન્ડનાં બાઇબલ, ઘડિયાળો અને પરફ્યૂમ

ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની બ્રાન્ડ નામવાળાં જૂતાં સાથે

ઇમેજ સ્રોત, Getty Images

અલબત, મંગળવારે બહાર આવેલી માહિતી દર્શાવે છે કે ટ્રમ્પને ક્રિપ્ટોકરન્સીથી થયેલી કમાણી, તેમના રિઅલ એસ્ટેટ બિઝનેસમાંથી થયેલી કમાણી કરતાં ઘણી વધારે છે. ટ્રમ્પને આ રિઅલ એસ્ટેટ બિઝનેસે જ ખ્યાતિ અપાવી હતી.

તેમણે તેમની માર-એ-લાગો ક્લબમાંથી લગભગ 77 મિલિયન ડૉલરની અને ફ્લોરિડાના ડોરાલ સ્થિત ગોલ્ફ ક્લબમાંથી 122 મિલિયન ડૉલરની કમાણી કરી હતી.

તેમણે બેડમિંસ્ટર (ન્યૂ જર્સી), જ્યુપિટર (ફ્લોરિડા) અને ટર્નબેરી (સ્કોટલેન્ડ) સ્થિત પ્રત્યેક ગોલ્ફ ક્લબમાંથી 30-30 મિલિયન ડૉલરથી વધુની કમાણી કરી હતી.

નાણાકીય જાણકારી અનુસાર, ટ્રમ્પે અન્ય બિઝનેસ સાહસોમાંથી પણ લાખો ડૉલરની કમાણી કરી છે.

તેમાં ટ્રમ્પ-બ્રાન્ડેડ ઘડિયાળો, બાઈબલ, ફ્રેગ્રેન્સીસ અને ગિટારના વેચાણમાંથી મળેલી 4.7 મિલિયન ડૉલરની રૉયલ્ટીનો પણ સમાવેશ થાય છે.

ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે પણ 2025માં તેમણે કરેલી કમાણીના વિગત આ જાણકારીમાં આપી છે. તેમને ગયા વર્ષે રિલીઝ થયેલા તેમની ડૉક્યુમેન્ટરી ‘લાઇસન્સ એગ્રીમેન્ટ’માંથી 10.7 મિલિયન ડૉલરની કમાણી થઈ હતી.

એનએફટી એટલે કે ઑનલાઇન વેચવામાં આવતી ડિજિટલ ઇમેજના વેચાણમાંથી પણ તેમને 6 મિલિયન ડૉલરની કમાણી થઈ હતી.

અલગ-અલગ કાયદાકીય મામલાઓના સેટલમેન્ટમાંથી મળેલા લાખો ડૉલરનો ઉલ્લેખ પણ ટ્રમ્પે કર્યો છે.

તેમાં એબીસી વિરુદ્ધના કેસમાંથી 16 મિલિયન ડૉલર, સીબીએસ બ્રૉડકાસ્ટિંગ તથા સીબીએસ ઇન્ટરએક્ટિવ સામેના કેસમાંથી મળેલા 16 મિલિયન ડૉલર, મેટા સામેના કેસમાંથી મળેલા 24 મિલિયન ડૉલર, યુટ્યૂબ સામેના કેસમાંથી મળેલા 22 મિલિયન ડૉલર અને ઍક્સ સામેના કેસમાંથી મળેલા 8 મિલિયન ડૉલરનો સમાવેશ થાય છે.

જોકે, વ્હાઇટ હાઉસનું કહેવું છે કે આ પૈકીના મોટાભાગના નાણાં ટ્રમ્પના ફ્યુચર પ્રેસિડેન્ટ્સ લાયબ્રેરી અથવા વૉશિંગ્ટન ડીસી વિસ્તારમાં પાર્ક સાઇટ્સની દેખરેખ રાખતી એક સ્વયંસેવી સંસ્થાને આપી દેવામાં આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ફોર્બ્સ સામયિકની વિશ્વના સૌથી શ્રીમંત લોકોની યાદી અનુસાર, ટ્રમ્પની કુલ સંપત્તિ 6 અબજ ડૉલર હોવાનો અંદાજ છે. તે 2024માં 2.3 અબજ ડૉલર હતી.

બ્લુમબર્ગના બિલિયનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પની નેટવર્થ 7.6 અબજ ડોલર છે.

વ્હાઇટ હાઉસમાં વાપસી પછી ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિપ્ટો ઉદ્યોગ પ્રત્યે મૈત્રીપૂર્ણ અભિગમ અપનાવ્યો છે. તેમના પરિવાર સાથે સંકળાયેલી કંપનીઓએ ડિજિટલ ટોકન પણ બહાર પાડ્યાં છે.

ટ્રમ્પ દ્વારા નિયુક્ત નાણાકીય ક્ષેત્રના નિયમનકર્તા સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ કમિશનના પ્રમુખને પણ ક્રિપ્ટો ઉદ્યોગના સહયોગી માનવામાં આવે છે.

એપ્રિલ 2025માં પદભાર સંભાળ્યા બાદ પોલ એટકિન્સે કમિશનનો અભિગમ ઢીલો કર્યો છે. તેમના પુરોગામીના સમયમાં કમિશનનું વલણ સખત હતું અને તેઓ કાયદાના પાલન વડે નિયમન કરતા હતા.

“અમેરિકાને ડિજિટલ સંપત્તિમાં નિર્વિવાદ નેતા બનાવવા” માટેના જીનિયસ કાયદા પર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ગયા જુલાઈમાં હસ્તાક્ષર કર્યા હતા.

900થી વધારે પાનાની ટ્રમ્પની આ વાર્ષિક ફાઇલિંગ તેમના પુરોગામીઓની સરખામણીએ બહુ લાંબી છે. દાખલા તરીકે, ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડનના આખા વર્ષનો નાણાકીય રિપોર્ટ માત્ર 11 પાનાનો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS