Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Sachin Pithva
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગરના તરણેતરમાં દર વર્ષે યોજાતો ગુજરાતનો સૌથી જાણીતો લોકમેળો છે. પોતાની ભાતીગળ સંસ્કૃતિના કારણે આ મેળો વિશ્વવિખ્યાત છે.
તરણેતર મેળાની સાથે યોજાતી અનોખી લાડુ સ્પર્ધાએ આ વખતે પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. તરણેતરની ગ્રામીણ ઑલિમ્પિક્સમાં યોજાયેલી આ સ્પર્ધામાં 25થી 75 વર્ષની વયના કુલ 28 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ મેળામાં દર વર્ષે અનેક લોકો ભાગ લે છે, લોકો દૂર દૂરથી મેળાને માણવા માટે આવે છે.
ઇમેજ સ્રોત, Sachin Pithva
30 મિનિટમાં દાળ સાથે બેસનના ખાંડવાળા લાડુ ખાવાની આ સ્પર્ધામાં શરૂઆતની 15 મિનિટમાં મોટા ભાગના સ્પર્ધકો સરેરાશ 15 લાડુ ખાઈને બહાર થઈ ગયા હતા.
જોકે, અંતિમ તબક્કામાં પાંચ સ્પર્ધકો વચ્ચે પ્રથમ સ્થાન માટે ભારે રસાકસી જોવા મળી હતી.
લાડુ સ્પર્ધામાં વીંછિયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણીએ 30 મિનિટમાં 28 લાડુ ખાઈ સતત બીજા વર્ષે વિજેતા બન્યા હતા. વિજેતા બળવંતભાઈને 2000 રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરાયો હતો.
ઇમેજ સ્રોત, Sachin Pithva
ઇમેજ સ્રોત, Sachin Pithva
લાડુ સ્પર્ધા નિહાળવા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી અને તરણેતર ગ્રામપંચાયતના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
ઇમેજ સ્રોત, Sachin Pithva
રંગબેરંગી પોષાકો સાથે લોકનૃત્ય, લોકગીતોની સાથે તરણેતરના મેળાની ઉજવણી થાય છે. દેશ-વિદેશથી આ મેળો નિહાળવા લોકો તરણેતર આવે છે.
ઇમેજ સ્રોત, Sachin Pithva
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના થાન ખાતે આ મેળો યોજાય છે. લોકમેળાના કેન્દ્રમાં ત્રણ નેત્રવાળા ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે, જેમના નામ પરથી આ વિસ્તાર અને મેળાનાં નામ ઊતરી આવ્યાં છે.
જાણકારોના કહેવા મુજબ છેલ્લાં લગભગ 200-250 વર્ષથી મેળો યોજાતો હોવાનું મનાય છે, પરંતુ તેના વિશે ચોક્કસ તારીખ કે માહિતી નથી મળતી.
ઇમેજ સ્રોત, Sachin Pithva
સ્થાનિકોમાં ભાદરવા સુદ પાંચમના દિવસે અહીંના કુંડમાં સ્નાન કરવાની તથા પૂર્વજો માટે વિધિ કરવાની માન્યતા રહેલી છે.
ચોટીલાથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા તરણેતરનો મેળો ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિ અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજથી છઠ દરમિયાન આ મેળો યોજાય છે.
ઇમેજ સ્રોત, Sachin Pithva
તરણેતરના મેળામાં અલગ-અલગ સમાજનાં યુવક-યુવતીઓ તેમના સમાજનો પરંપરાગત પહેરવેશ પહેરીને સામેલ થાય છે.
તરણેતરના મેળામાં સામેલ થવા માટે યુવકો સોળ સળિયાવાળી છત્રીને આભલાં, બટનિયાં, ભરત, ટિક્કી, રૂમાલ, લટકણિયાંથી શણગારે છે. છત્રીની ટોચ ઉપર પોપટ, ગાય, વૃક્ષ, મોર, હાથી, ઘોડા વગેરે જેવાં આકર્ષણો પણ ઉમેરે છે.
ઇમેજ સ્રોત, Sachin Pithva
ઇમેજ સ્રોત, Sachin Pithva
આ મેળામાં વેશભૂષા, છત્રી સજાવટ, પરંપરાગત ભરતગૂંથણ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા-છંદ, ડાક-ડમરુ સાથે ગાયન, વાંસળી, પાવો, જોડિયા પાવા, રાવણહથ્થા સાથે ગાયન, ભવાઈ, બહુરૂપી, લાકડી ફેરવવી, હૂડો, લોકનૃત્ય, મોરલી, શરણાઈ અને ઢોલ જેવી અલગ-અલગ 24 પ્રકારની પારંપરિક સ્પર્ધાઓ યોજવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




