Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
“આવનારા દિવસોમાં જો ગુજરાતમાં માત્ર મજુરો, ગિગ વર્કર અને ડ્રાઇવરો જ પેદા થાય તો નવાઈ ન પામતા, કારણ કે જે રીતે રાજ્યના શિક્ષણનું સ્તર નીચે આવી રહ્યું છે, તેનાથી આવું જ ભવિષ્ય દેખાય છે.”
આ શબ્દો જાણીતા શિક્ષણવિદ અને અર્થશાસ્ત્રી રોહિત શુક્લના છે. હાલમાં જ જાહેર થયેલા Unified District Information System for Education Plus (UDISE+) 2025-26ના અહેવાલના સંદર્ભમાં તેમણે આ પ્રતિક્રિયા બીબીસી ગુજરાતીને આપી હતી.
આ વર્ષેના જુન મહિનામાં રજૂ થયેલા આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતનો ડ્રૉપઆઉટ રેશિયો રાષ્ટ્રીય ડ્રૉપઆઉટ રેશિયો કરતાં વધારે છે.
આ રિપોર્ટ પ્રમાણે માધ્યમિક સ્તરે શાળા છોડવાનો દર ગુજરાતમાં 15.7 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 9.5 ટકા છે.
રોહિત શુક્લ કહે છે “આ સૂચકાંક પ્રમાણે ગુજરાતની સ્થિતિ દેશની સરેરાશ કરતાં નબળી છે. એટલે કે આવનારા દિવસોમાં યુવાનો પાસે અક્ષરજ્ઞાન તો હશે, પરંતુ મોટાભાગના લોકો પાસે ડિગ્રી નહીં હોય.”
તેમનું આવું કહેવાનું એક બીજું એક કારણ રિપોર્ટનો એક બીજો ભાગ પણ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં ધોરણ 12 સુધી વિદ્યાર્થીઓને શિક્ષણમાં જાળવી રાખવાનો દર 54.1 ટકા છે. એનો અર્થ એ થયો કે જો પહેલા ધોરણમાં 100 વિદ્યાર્થીઓ હોય તો માત્ર 54 જેટલાં જ વિદ્યાર્થીઓ જ બારમા ધોરણ સુધી પહોંચે છે.
જોકે, રિપોર્ટમાં એ ચોક્કસ માહિતી નથી કે બાકીના વિદ્યાર્થીઓ ખરેખર પોતાનું ભણતર છોડી દે છે, કે પછી બીજે ભણવા જતા રહે છે… વગેરે.
આ અંગે બીબીસી ગુજરાતીએ રોહિત શુક્લ સહિત અનેક શિક્ષણવિદો, શિક્ષકો અને બાળકો સાથે કામ કરી રહેલા લોકો સાથે વાતચીત કરી. મોટાભાગના લોકોનું માનવું છે કે, ડ્રૉપઆઉટ રેટ કે 12મા ધોરણ સુધી ન પહોંચી શકનાર વિદ્યાર્થીઓ માટે આર્થિક, સામાજિક કે કૌટુંબિક કારણોની સાથે સરકારની ઇચ્છાશક્તિનો અભાવ પણ એક કારણ છે.
ઇમેજ સ્રોત, Getty Images
આ અહેવાલની જમીની સ્તરે કેવી અસર પડી રહી છે, તેને ઊંડાણથી સમજવા માટે બીબીસી ગુજરાતીએ શિક્ષણ ક્ષેત્રે કામ કરતા કેટલાક લોકો સાથે પણ વાતચીત કરી.
ગણતર સંસ્થાના સ્થાપક સુખદેવભાઈ પટેલે જણાવ્યું કે “આ અહેવાલમાં આપવામાં આવેલા આંકડા વિશ્વસનીય અને સચોટ હોવા છતાં, મને હજુ પણ લાગે છે કે શાળાની બહાર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે.”
તેમણે કહ્યું કે, “તાજેતરમાં મેં જોયું છે કે સરકાર આવા શિક્ષણ છોડી ચૂકેલા વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં લાવવા અથવા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ (NIOS) જેવી સંસ્થાઓમાં તેમનું રજિસ્ટ્રેશન કરાવવા માટે પ્રયાસો કરી રહી છે, પરંતુ હજુ સુધી તે પ્રયાસો વધારવાની જરૂર છે.”
જોકે, તેમના મતે, જ્યાં સુધી વિદ્યાર્થીઓએ શાળા કેમ છોડી તેનું ચોક્કસ કારણ જાણી શકાય નહીં, ત્યાં સુધી આ વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં લાવવાના પ્રયાસોને લાંબા સમય સુધી ટકાવી રાખવા મુશ્કેલ રહેશે.
બીબીસી ગુજરાતીએ પોતાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં એક થી વધુ વખત આદિવાસી વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો તેમજ જંગલ વિસ્તારની શાળાઓની પરિસ્થિતિ બતાવવાનો પ્રયાસ કર્યો છે. જેમ કે, તાપી જિલ્લાની એક શાળા, જેમાં એક ઓરડામાં એક થી વધુ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નિષ્ણાંતો માને છે કે, આ પ્રકારની માળખાકીય અસુવિધાઓને કારણે પણ બાળકોની સંખ્યા ઘટતી હોય છે.
આ શાળાના એક શિક્ષકે બીબીસી ગુજરાતી સાથે વાત તો કરી પરંતુ પોતાનું નામ ન આપવાની શરતે. તેઓ કહે છે કે, “વર્ષ 2023માં અમને જમીન મળી છે, હવે તેના પણ બાંધકામ ચાલી રહ્યું છે. તે ઇમારતમાં શાળા શરૂ કરવામાં થોડો સમય લાગશે.”
નિષ્ણાતો માને છે કે, આ પ્રકારની અપુરતી સગવડોને કારણે પણ બાળકો શાળા છોડી દે છે. નોંધપાત્ર વાત એ છે કે ડ્રૉપઆઉટમાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં વધારે છે.
આ શિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે માધ્યમિક શાળા ગામથી થોડે દૂર હોય છે, એટલે સૌથી પહેલા 14 વર્ષથી વધુ ઉંમરની બાળકીઓ શાળાએ જવાનું છોડી દે છે.”
બીબીસી ગુજરાતીએ આ વિશે રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમના ફોન પર તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો, અને તેમને મોકલેલા મૅસેજનો પણ આ ન્યૂઝ લખાય છે ત્યાં સુધી જવાબ આવ્યો ન હતો. તેમનો જવાબ મળતા અહીં ઉમેરી દેવામાં આવશે.
બાળકોનાં અધવચ્ચે શાળા છોડી દેવા પાછળનાં મુખ્ય કારણો કયાં?
ઇમેજ સ્રોત, Education Department, GOI
બીબીસી સાથે વાત કરતાં શિક્ષણવિદ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર રોહિત શુક્લએ જણાવ્યું કે, ગુજરાતમાં આટલા મોટા પાયે વિદ્યાર્થીઓના શાળા છોડવા પાછળનાં અનેક કારણો છે.
તેમના મતે, પ્રથમ કારણ રાજ્ય સરકારની સરકારી શાળાઓને ચાલુ રાખવાની અને શાળાઓમાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા સુચારુ રીતે જાળવી રાખવાની ઇચ્છાશક્તિ સાથે જોડાયેલું છે. ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં મોટાંભાગનાં બાળકો માટે શાળામાં જવા પાછળ મધ્યાહન ભોજન પણ એક મુખ્ય કારણ હોય છે.
પ્રોફેસર શુક્લએ કહ્યું કે, માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. બીજી તરફ, ખાનગી શાળાઓની ફી એટલી વધારે છે કે રાજ્યના ગરીબ પરિવારો માટે તે પરવડે તેમ નથી.
પરિણામે, ગરીબ પરિવારો માટે બાળકોના શિક્ષણ પાછળનો ખર્ચ તેમની પ્રાથમિકતા રહેતો નથી, કારણ કે તેમની પાસે ખર્ચ કરવા માટે અન્ય ઘણી જરૂરી બાબતો હોય છે. માતાપિતાની રોજગારીની તકોમાં ઘટાડો પણ ગુજરાતમાં શાળા છોડવાના વધતા દરનું એક મુખ્ય કારણ છે.
અમદાવાદની એક શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી જાન્હવીએ શાળાએ જવાનું છોડી દીધુ છે. તેમનાં માતા રાજેશ્રીબહેન બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, “અમે છેલ્લા એક વર્ષથી તેની ફી ભરી શક્યાં ન હતાં, માટે પરીક્ષા બાદ પ્રાઇવેટ શાળાએ તેનું પરિણામ અમને ન આપ્યું, અને જ્યાં સુધી સંપૂર્ણ ફી ન ચુકવીએ ત્યાં સુધી લિવિંગ સર્ટિફિકેટ પણ ન આપ્યું. અમારી પાસે આ ફી ભરવાના પૈસા નથી, માટે મારી છોકરીની સ્કૂલ મેં છોડાવી દીધી છે.”
નિષ્ણાતો પ્રમાણે રાજેશ્રીબહેન જેવા અનેક કિસ્સાઓ દરેક જિલ્લામાં જોવા મળી જાય છે, જેઓ બાળકોને પ્રાઇવેટ શાળામાં ભણાવી શકતા નથી.
શાળાઓનું વધતું ખાનગીકરણ, માતાપિતાની ઘટતી આવક અને રાજ્ય સરકારની અનિચ્છા—આ ત્રણેય પરિબળોને કારણે રાજ્યમાં શાળા છોડતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.
વધુ એક શિક્ષણવિદ અને પ્રોફેસર એમ. એન. પટેલે બીબીસીને કહ્યું કે, “એક ચોક્કસ સ્તર સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, જેમ કે ધોરણ 10 પછી, પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે કેટલાક વિદ્યાર્થીઓ કોઈ નાની-મોટી નોકરી કરવા, પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા વેપાર-ધંધા સાથે જોડાવા માગતા હોય છે. તેના કારણે પણ વિદ્યાર્થીઓ શિક્ષણ છોડી દે છે અથવા તેમનું શિક્ષણ અધવચ્ચે અટકી જાય છે.”
એક તરફ અગાઉની સરકારોએ પ્રાથમિક શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો હતો, તો બીજી તરફ આજે સમાજના વંચિત, ગરીબ, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાંથી આવતાં અનેક બાળકોને રાજશ્રીબહેન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રોફેસર શુક્લને આશંકા છે કે જો આ સ્થિતિમાં ફેરફાર નહીં થાય તો આવનારા સમયમાં ગુજરાતમાં સન્માનજનક અને સારી નોકરીઓ મેળવવા માટે જરૂરી શિક્ષણ અને કૌશલ્ય ધરાવતા લોકોની સંખ્યા ઘણી ઓછી રહી જશે.
ગુજરાતમાં પ્રવેશોત્સવના ઇચ્છિત પરિણામો મળ્યાં?
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સાથે વાત કરતાં મોરબીના નિવૃત્ત શિક્ષક નાગજીભાઈ ઘોમલિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આટલા ઊંચા ડ્રૉપઆઉટ રેટ પાછળ વિદ્યાર્થીઓના પરિવારોની આર્થિક સ્થિતિ અને શિક્ષકોમાં જાગૃતિનો અભાવ મુખ્ય કારણોમાંથી એક છે.
તેમણે જણાવ્યું કે, “આવા અનેક કિસ્સા જોવા મળે છે, જ્યાં કેટલાક પરિવારોમાં બાળકોની સંખ્યા વધુ હોય છે અને વાલીઓ પોતાનાં બાળકોને માત્ર પ્રાથમિક સ્તર સુધી જ ભણાવવા માગતા હોય છે. ત્યારબાદ બાળકો કમાણી કરી શકે તેવા કોઈ પણ કામમાં લાગી જાય છે, જેમ કે ખેતરમાં કામ કરવું અથવા ઘરેથી જ કોઈ કામ કરવું.”
ઘોમલિયાએ વિમુક્ત દેવપૂજક સમુદાયનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, “આ સમુદાયમાં સામાન્ય રીતે બાળકો પ્રાથમિક સ્તર સુધી જ અભ્યાસ કરે છે. ત્યારબાદ તેઓ કમાણી કરવા અને માતાપિતાને તેમના કામમાં મદદ કરવા લાગી જાય છે. તેમાં ભંગાર એકઠો કરવો અથવા શાકભાજી વેચવા જેવાં કામનો સમાવેશ થાય છે.”
શું પરિસ્થિતિમાં ફરક પણ પડી રહ્યો છે?
નિષ્ણાતો એ પણ માને છે કે UDISE+ ના અહેવાલમાં હજી બીજી માહિતીઓ હોવી જરૂરી છે.
જાણીતા શિક્ષણવિદ પ્રોફેસર એમ. એન. પટેલે બીબીસી સાથે વાતમાં જણાવ્યું હતું કે, “મારો પ્રથમ અભિપ્રાય એ છે કે આ સંપૂર્ણ અહેવાલ નથી. તેમાં વિદ્યાર્થીઓમાં કુલ નોંધણી ગુણોત્તર (Gross Enrolment Ratio) વિશેની વિગતો પણ હોવી જોઈએ.”
સરકાર પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજીને બાળકોને શાળામાં લાવવાના પ્રયાસો કરે છે. પરંતુ, પ્રોફેસર પટેલના મતે, “મને લાગે છે કે અત્યાર સુધીમાં આ પ્રયાસોનાં ઇચ્છિત પરિણામો મળ્યાં નથી, પણ જો તે સતત ચાલુ રાખવામાં આવશે તો જરૂરથી ફરક પડશે.”
જોકે, તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર પણ એક પડકારજનક બાબત છે, જે ખાસ કરીને પ્રાથમિક સ્તરે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાનું એક કારણ હોઈ શકે છે.
બીજી તરફ, શિક્ષણવિદ પ્રોફેસર જી. પી. વડોદરિયા માને છે કે ધોરણ 12નું શિક્ષણ પૂર્ણ ન કરી શકતા વિદ્યાર્થીઓની આટલી મોટી સંખ્યાના આંકડાને સાવચેતીપૂર્વક જોવો જોઈએ.
તેમણે કહ્યું કે, “એક તરફ શાળા છોડવાનો દર આશરે 15 ટકા છે, જ્યારે ધોરણ 12 સુધી પહોંચતા વિદ્યાર્થીઓનું પ્રમાણ 54 ટકા છે. એટલે કે, ધોરણ 12 પૂર્ણ ન કરી શકતા બાકીના વિદ્યાર્થીઓમાં એવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ હોઈ શકે છે, જેઓ વ્યાવસાયિક અથવા ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ લેતા હોય છે. આવા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સરકારી રેકૉર્ડમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તરીકે નોંધાતા નથી.” આ રીપોર્ટમાં એ સ્પષ્ટ નથી કે જે બાળકો 12મું ધોરણ પાસ નથી કરી શકતા તે શું અભ્યાસ છોડી દે છે કે નહીં.
પ્રોફેસર વડોદરિયાના મતે, “મને લાગે છે કે ધોરણ 12 પૂર્ણ ન કરી શકતા વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ પણ હોઈ શકે છે, જેઓ ડિપ્લોમા, વ્યાવસાયિક અભ્યાસક્રમો વગેરેમાં પ્રવેશ લેતા હોય. તેનો અર્થ એ નથી કે શાળાકીય શિક્ષણની વાત આવે ત્યારે આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ સમસ્યા નથી.”
તેમણે ઉમેર્યું કે, “મને હજુ પણ લાગે છે કે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ વિવિધ સામાજિક અને આર્થિક કારણોસર શિક્ષણ મેળવવાની સરખામણીએ કમાણી તરફ વધુ વળવા માગતા હોય છે. આ સમસ્યાનો શક્ય તેટલો વહેલો ઉકેલ લાવવાની જરૂર છે.”
આ રીપોર્ટમાં બીજું શું કહેવાયું છે?
ઇમેજ સ્રોત, Getty Images
આ રિપોર્ટ પ્રમાણે, શાળા શિક્ષણ વ્યવસ્થામાં એક તરફ ડિજિટલ કનેક્ટિવિટી અને શાળાકીય માળખાની કેટલીક બાબતોમાં રાજ્યની સ્થિતિ રાષ્ટ્રીય સરેરાશ કરતાં સારી છે.
કુલ શાળાઓના પ્રમાણમાં એક-શિક્ષક શાળાઓનો હિસ્સો ગુજરાતમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો છે. ગુજરાતમાં 4.4 ટકા શાળાઓ એક-શિક્ષક ધરાવતી શાળાઓ છે, જ્યારે દેશભરમાં આ પ્રમાણ આશરે 6.9 ટકા છે.
ડિજિટલ માળખાની વાત કરીએ તો ગુજરાતમાં ઇન્ટરનેટની સુવિધા ધરાવતી શાળાઓનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. જોકે, કાર્યરત્ સ્માર્ટ ક્લાસરૂમ ધરાવતી શાળાઓનું પ્રમાણ 28.7 ટકા છે.
જેમ કે, વિદ્યાર્થી-શિક્ષકનો રેશિયો પણ ગુજરાતમાં 29 છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 24 છે. એટલે કે, આ મામલે પણ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં પાછળ છે. એટલે કે રાજ્યમાં દર 29 બાળકોની સામે એક શિક્ષક છે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે દર 24 બાળકોએ એક શિક્ષક છે.
આવી જ રીતે ગુજરાતમાં આશરે 64.3 ટકા શાળાઓમાં શૌચાલય છે, એટલે કે શારીરિક રીતે ચૅલેન્જ્ડ લોકો જે શૌચાલયનો સહેલાઈથી ઉપયોગ કરી શકે તેવાં શૌચાલયો માત્ર આશરે 45.7 ટકા શાળાઓમાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




