Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતીઓ સાથે થેપલાં જે રીતે સંકળાઈ ગયાં છે તે જોતાં, અત્યારે ગુજરાતનો રાજ્ય-ધ્વજ બનાવવાનો હોય તો થેપલાંને તેમાં બરાબર વચ્ચે સ્થાન આપવું પડે. ફક્ત ગુજરાતીઓ જ નહીં, બિનગુજરાતીઓ પણ થેપલાં વિશે જાણે છે, તેને માણે છે ને ક્યારેક ઘેલછાની હદે પહોંચતો ગુજરાતીઓનો થેપલાં-પ્રેમ ક્યારેક તેમના દિમાગની નસ પણ તાણે છે. દેશવિદેશમાં પ્રવાસ કરતા ગુજરાતીઓ પાસે થેપલાં ન હોય એવું ભાગ્યે જ બને. હવે તો કોઈની સાથે પરદેશ મોકલાવેલાં અને ત્રણ-ચાર દિવસમાં બગડી જાય એવાં ઢેબરાં ત્યાં રહેનારા લોકો ફ્રીઝરમાં મુકીને, રોજ એક-એક કાઢીને, માઇક્રોવેવમાં ગરમ કરીને મઝાથી ખાય છે ને મોકલનારની સાથે ઢેબરાંના પણ ગુણ ગાય છે.
સંસારને મિથ્યા માનનાર આપણી પરંપરામાં આખેઆખા મહાનુભાવો તવારીખમાંથી ભૂંસાઈ જતા હોય, તો થેપલાંની શી વિસાત? સાથોસાથ, આપણું બીજું સુખ તે દરેક બાબતને પ્રાચીન પરંપરામાં ગણાવી દેવાની. એટલે, ઘણાને એવું જ હશે કે ગુજરાત આદિકાળથી થેપલાં ખાતું આવ્યું હતું ને અનાદિકાળ સુધી ખાતું રહેશે. પણ શાંતિથી તપાસ કરતાં વાત એટલી સાદી નથી.
નામરૂપ જૂજવાં
ઇમેજ સ્રોત, Getty Images
સૌથી પહેલો મુદ્દો આવે નામનો. અત્યારે સૌથી પ્રચલિત નામ ભલે ‘થેપલાં’ હોય, પણ તેનાં બીજાં ઘણાં નામ છે અને બનાવવાની રીત પ્રમાણે નામ બદલાય એવું કોઈ સર્વસ્વીકૃત ધોરણ નથી. તેમાં કૌટુંબિક કે પ્રાદેશિક પરંપરા ઉપરાંત સૌ સૌની અંગત માન્યતાઓ હોય છે.
એક વાત નક્કી છે કે ‘થેપલાં’ શબ્દ થેપીને બનાવેલી ચીજ માટે આવ્યો. તે ‘થપોલું’ પણ કહેવાતું હતું આ ઉપરાંત ‘ઢેબરાં’ તો ખરાં જ. જોકે, આ શબ્દ બોલચાલમાં ‘ડાઉનમાર્કેટ’ લાગતો હોવાથી, ઘણાં વર્ષો સુધી ઢેબરાંને અમુક વર્ગના લોકો સ્ટાઇલમાં ‘થેપલાં’ કહેતાં હશે એવી શંકા જતી હતી. એ સિવાય મેથીની ભાજીની મોસમ ન હોય અને દૂધીનાં ઢેબરાં બનાવવાં ન હોય ત્યારે, બાજરીના લોટમાં દહીં-ગોળ-મસાલો નાખીને જે બને, તેને મારા ઘરે ‘ઢેબરાં’ નહીં, પણ ‘ચાનકી’ કહેતા હતા.
વર્ષો પછી ખ્યાલ આવ્યો કે સૌરાષ્ટ્રમાં નાની ભાખરી કે નાનો રોટલો ‘ચાનકી’ તરીકે ઓળખાય છે. ભગવદ્ગોમંડળ કોશ પ્રમાણે, ચાનકી શબ્દ ‘ચાંદ’ પરથી બન્યો છે. મોટો એટલે ચાંદ ને નાની એટલે ચાંદકી-ચાનકી. (નાનું કદ બતાવવા માટે ‘કી’ પ્રત્યયનો વપરાશ સામાન્ય છે. જેમ કે, ઢોલકું-ઢોલકી, વાટકો-વાટકી) આ ઉપરાંત, ક્યારેક વધેલા ભાતનાં ઢેબરાં પણ બનતાં હતાં, જેની સાથે ખાવા માટે રાબ જેવું ગળ્યું ગરમાણું બનાવાતું હતું.
થેપલાં-ઢેબરાં ઉપરાંત તે પોતૈયાં, અડ્ડાળા જેવાં નામે પણ ઓળખાતાં રહ્યાં છે. દાયકાઓથી વાલોડ (દક્ષિણ ગુજરાત)માં રહેતાં ગાંધીવાદી કાર્યકર તરલાબહેન શાહને જુવારના લોટમાંથી બનતાં અડ્ડાળાં યાદ છે, જે આદુ, લીલાં મરચાં, લસણ અને દહીંથી બનતાં હતાં.
ઉત્તર ગુજરાતના શેરથામાં બાળપણ વીતાવનારા અને છેલ્લા ચારેક દાયકાથી બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં કામ કરતા હસમુખભાઈ પટેલે સાતેક દાયકા પહેલાં થેપલાં કે ઢેબરાં વિશે સાંભળ્યું ન હતું. ત્યાંની કથિત ઉજળિયાત જ્ઞાતિઓમાં ‘પોતૈયાં’નું ચલણ હતું, જે રોજેરોજ નહીં, પણ યાત્રાપ્રવાસે કે કાણમોંકાણે જવાનું હોય ત્યારે જથ્થાબંધ બનતાં. તેની સાથે આથેલાં મરચાં કે છોંડિયાં (કેરીનું ગામઠી અથાણું) અને બરણી ભરીને વલોણાની છાશ રાખવામાં આવતી હતી. એ પોતૈયાં ઘણુંખરું તેલ ચડાવેલી સહેજ જાડી મસાલા રોટલી જેવાં રહેતાં.
જૈન પરંપરાનું અનુસંધાન
ઇમેજ સ્રોત, Getty Images
વીરમગામમાં ઉછરેલા પત્રકાર-સંપાદક કેતન રૂપેરાના મનમાં થેપલાંનું સીધું જોડાણ ધર્મ સાથે ઊભરે છે. તેમના વિસ્તારમાં થેપલાં ‘ચોવડાં’ તરીકે પણ ઓળખાતાં હતાં અને મહારાજસાહેબને વળાવવા માટે સંઘ સાથે જાય ત્યારે થેપલાં અને ખીર ખાઈને સૌ છૂટાં પડે, એવી પરંપરા હતી. એવી જ રીતે, બાળપણમાં એકાસણું (જૈન વિધિવિધાન સાથેનું એકટાણું) કરવાનું હોય ત્યારે કોઈ શ્રેષ્ઠી બધાને જમાડવાની જાહેરાત કરે, તેમાં બાળકોને થેપલાં-ખીરના એકાસણાનું વિશેષ આકર્ષણ રહેતું હતું.
સુરતમાં જન્મેલાં અને લગ્ન પછી મુંબઈમાં સ્થાયી પત્રકાર-લેખક પિંકી દલાલના મનમાં પણ થેપલાંનો જૂનો સંબંધ ધર્મ સાથેનો છે. જૈનોમાં આઠમ અને ચૌદશની તિથિએ શાક-લીલોતરી ન ખવાય. ત્યારે થેપલાં જ પહેલો વિકલ્પ હોય. તેમની સાંભરણ પ્રમાણે, સુરતમાં શિયાળામાં બાજરીના લોટનાં જે બને તે ‘ઢેબરાં’ કહેવાતાં અને ઉનાળા-ચોમાસામાં ‘થેપલાં’. એ સિવાય મુંબઈમાં તેમને ‘પોતૈયાં’ વિશે પણ જાણવા મળ્યું.
થેપલાંને ‘શાશ્વતાં થેપલાં’ ગણતાં પિંકીબહેન થેપલાં, પોતૈયાં અને ઢેબરાના પ્રકારભેદ આ પ્રમાણે પાડે છેઃ થેપલાં મુખ્યત્વે ઘઉંના ઝીણા લોટમાંથી બને. તેમાં સ્વાદ માટે મસાલા ઉપરાંત, લીલી મેથી દૂધી કે કોથમીર ઉમેરવામાં આવે છે. મોણ માટે દહીં અને તેલ ઉમેરાય છે. તેને પાતળાં વણીને, તવા પર થોડું તેલ મૂકીને શેકવામાં આવે છે. થેપલાંની એકદમ પ્રાથમિક આવૃત્તિ એટલે પોતૈયાં. તેમાં મેથી, દૂધી કે કોથમીર હોતાં નથી. તેનો લોટ પાતળી છાશ કે પાણીથી બાંધીને ખૂબ પાતળાં વણવામાં આવે છે.
ઢેબરાંનો મામલો અલગ છે. તે બાજરીના લોટમાંથી બને છે, પણ તેમાં થોડો ઘઉંનો લોટ હોય ખરો. ઉપરથી આદુમરચાં, કોથમીર, મેથીની ભાજી ને તલ આવે. લોટ બાંધવામાં ગોળનું પાણી વપરાય છે. થેપલાં કરતાં તે થોડાં જાડાં થાય છે અને ઘણા લોકો તેને વણવાને બદલે હાથેથી થાપીને પણ બનાવે છે. જૈનેતર લોકો સ્વાદની અનુકૂળતા પ્રમાણે તેમાં લસણ પણ નાખે છે.
ભૂજમાં રહેતાં નિવૃત્ત અધ્યાપક દર્શનાબહેન ધોળકિયાએ થેપલાંના ત્રણ પેટાપ્રકાર ગણાવ્યાઃ મીઠાં, મોળાં અને ખારાં. નાનપણમાં તેમને પણ થેપલાંનો બહુ ખ્યાલ નથી. ત્યાર પછી પણ મહેમાનો આવે ત્યારે જ થેપલાં બનતાં. કચ્છમાં માગશર મહિનાના ચારે શનિવાર ખારાં (ચણાનો લોટ ભેળવેલાં)-મીઠાં થેપલાં અને એ સિવાય શીતળાસાતમ વખતે પણ થેપલાં બનતાં હોવાનું તેમણે કહ્યું. તેમની જ્ઞાતિમાં તે નાસ્તા કરતાં જમવામાં વધુ વપરાતાં હોવાનો તેમનો ખ્યાલ છે.
સમાજ પ્રમાણે ચલણ
ઇમેજ સ્રોત, Urvish Kothari
દાયકાઓ સુધી ગુજરાતના અમુક વર્ગોમાં ને પ્રદેશોમાં નાસ્તામાં કે જમવામાં થેપલાં બનાવવાનું ચલણ રહ્યું, તો ઘણા સમુદાયો માટે થેપલાં સાવ અજાણ્યાં પણ રહ્યાં. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકાર નરેશ મકવાણાએ 2009માં અમદાવાદ આવતાં પહેલાં થેપલાંનું નામ સાંભળ્યું ન હતું. અમદાવાદમાં પણ સૌરાષ્ટ્રના પટેલ સમાજનાં કેટલાંક મિત્રો થેપલાં સાથે સૂકી ભાજીનું શાક કે અથાણું ખાતાં હતાં. થેપલાં સાથે રાખવામાં ઘરના પેટભર ભોજન અને સ્વાદ ઉપરાંત ઘણી વાર એક ખ્યાલ એવો પણ રહેતો કે “બહારનું ખાવાનું કોણે (કઈ જ્ઞાતિના માણસે) બનાવ્યું હોય, કોને ખબર?” એટલે અમુક સંપ્રદાયોમાં કે જ્ઞાતિવાદી રૂઢિચુસ્તતામાં માનતા લોકોને તે ખાસ અનુકૂળ આવતાં હતાં.
દલિત સમાજની જેમ જ આદિવાસી સમુદાયમાં થેપલાંનું ચલણ ન હતું. દાયકાઓથી આદિવાસી વિસ્તારમાં કામ કરતા હસમુખભાઈએ આજ સુધી ત્યાં થેપલાં-ઢેબરાં-પોતૈયાં કશું જોયું નથી. તે વિસ્તારમાં રહેતા આદિવાસીઓ અને બીજા પછાત વર્ગોએ પહેલાં મકાઈ અને બાજરી પછી છેલ્લા થોડા સમયથી ઘઉંનું વાવેતર શરૂ કર્યું છે, પણ એ લોકો હજુ થેપલાં સુધી પહોંચ્યા નથી. આમ, ગુજરાતની ઓળખ ગણાતાં થેપલાં ગુજરાતીઓના એક નોંધપાત્ર હિસ્સામાં પ્રચલિત નથી એ પણ હકીકત છે.
થેપલાંનો ઉલ્લેખ અંગત સંગ્રહમાં રહેલી 70-80 વર્ષ જૂની બે રેસિપી બુકમાં મળે છે. ‘પકવાન તથા વ્યંજન સંગ્રહ’ નામના એક પુસ્તકમાં બીજી વિગત ધરાવતાં પાનાં નથી, પણ તેના કર્તા ગીરનારા મુખિયાજી કાલીદાસ કામેશ્વર અને સાંચોરા મુખિયાજી લીલાધાર નાથુભાઈ હતા. પ્રસ્તાવનામાં લખ્યા પ્રમાણે તેમણે ‘…આપણા ગુજરાતી તેમજ વૈષ્ણવ ભાઈઓને બહુ ઉપયોગી થઈ પડે એવી આશાથી’ પુસ્તક તૈયાર કર્યું હતું. તેમાં બાજરાનાં ઢેબરાં અને બાજરાના લોટ તથા મુરા (મૂળા)ના ઢેબરાંની રેસિપી આપી હતી. તેનો એક નમૂનો “બાજરાનાં ઢેબરાં…(માપ લખ્યા પછી) લોટમાં હીંગ લુણ મરીનો ભુકો નાખી બાંધવો. મસલીને પાતળો કરવો અને લોઢી પર તેલ મુકી સડસડાવવાં. તાપ મજાનો રાખવો.” એવી રીતે, મુંબઈથી 1959માં પ્રકાશિત પુસ્તક ‘તૃપ્તિ’માં નાસ્તાના વિભાગમાં ભાજીનાં અને મસાલાનાં થેપલાંની રેસિપી આપવામાં આવી હતી. પરંતુ તે સમયે થેપલાં ઘરગથ્થુ વાનગી હતાં. તે બહાર વેચાતાં મળે કે વેચી શકાય એવો ખ્યાલ બહુ મોડેથી દાખલ થયો.
બજાર અને પરિવાર
પત્રકાર-લેખક બકુલ ટેલર મુંબઈ છોડીને 1990માં સુરત આવ્યા ત્યારે ત્યાં થેપલાં વેચાતાં હોય એવું તેમના ધ્યાનમાં આવ્યું ન હતું. તેમના મતે, સુરતમાં વરાછા રોડ પર વસતા સૌરાષ્ટ્રના લોકો ધીમે ધીમે તળ સુરતીઓના વિસ્તારોમાં રહેતા થયા. ત્યારે કુટુંબની મહિલાઓએ ઘરે નાનો વ્યવસાય શરૂ કર્યો. સુરતી મહિલાઓ કાપડને લગતું કામ કરતી હતી, પણ સૌરાષ્ટ્રની મહિલાઓએ ખાખરા અને પછી થેપલાં બનાવવાનું શરૂ કર્યું. ઘરની ગૃહિણીઓ માટે સામાન્ય રીતે એ કામ શ્રમભર્યું અને કંટાળાજનક હતું. ઢેબરાં માટે ‘બનાવવાં’ને બદલે ‘ટીપવાં’ એવો શબ્દ પણ ક્યારેક એ જ ભાવથી વપરાતો હતો, પણ પછી થેપલાં સ્વરોજગારનું પ્રતીક બન્યાં..
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




