Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty/Reuters
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ
રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિતના વિપક્ષી નેતાઓ આજે પોલીસને થાપ આપીને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં તેમણે જ્ઞાનેશકુમાર અને ચૂંટણીપંચ સામે પિટિશન ફાઇલ કરી છે.
મહત્ત્વની વાત એ છે કે આ અરજીમાં વિપક્ષના 11 નેતાઓ ખુદ અરજદાર બન્યા છે.
આ 11 નેતાઓમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કૉંગ્રેસના નેતા સૌગત રોય, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, આરજેડીના નેતા તેજસ્વી યાદવ, શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉત, ડાબેરી પક્ષોના નેતા એમ.એ.બેબી અને ડી.રાજા, ઝારખંડ મુક્તિ મોરચાના નેતા મહુઆ માઝી, એનસીપી(એસપી)ના નેતા સુપ્રિયા સુલે અને આઇયુએમએલના નેતા મોહમ્મદ બશીર સામેલ છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતે તેમને મળવાની ના પાડ્યા બાદ પણ વિપક્ષોએ સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરી હતી અને પિટિશન ફાઇલ કરી હતી.
દિલ્હીના રસ્તાઓ પર ભારે ભીડ ઉમટી
ઇમેજ સ્રોત, Reuters
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને આઇસાનાં વિદ્યાર્થી નેતા નેહા બોરા સહિત વિપક્ષના અનેક નેતાઓએ સુપ્રીમ કોર્ટ સુધી વિરોધ માર્ચ કાઢ્યો હતો.
સમાચાર એજન્સી રૉયટર્સે જાહેર કરેલા માર્ચના વીડિયોમાં મંડી હાઉસ અને સુપ્રીમ કોર્ટ વચ્ચેના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયેલા જોવા મળ્યા હતા.
પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક ખુલ્લી ગાડીમાં જોવા મળ્યાં હતાં. તેમની સાથે વિપક્ષના અનેક અન્ય નેતાઓ પણ હાજર હતા.
સ્થળ પર હાજર બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા દિવસથી પ્રદર્શનકારીઓ એકઠા થવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સોમવારે કનોટ પ્લૅસ નજીક બારાખંભા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
તેમના જણાવ્યા મુજબ, માર્ચ શરૂ થાય તે પહેલાં જ મોટી સંખ્યામાં વિપક્ષી પક્ષોના કાર્યકરો, પ્રદર્શનકારીઓ, વિદ્યાર્થીઓ, વકીલો તથા વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ત્યાં હાજર હતા.
જોકે, તેમને સુપ્રીમ કોર્ટમાં ઍન્ટ્રી આપવામાં આવી નહોતી.
પોલીસને થાપ આપીને વિપક્ષી નેતાઓ પહોંચ્યા
ઇમેજ સ્રોત, Reuters
ત્યારબાદ વિપક્ષી નેતાઓ ભારે સુરક્ષા વ્યવસ્થા છતાં પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યા હતા અને પછી તિલક માર્ગથી સુપ્રીમ કોર્ટના ગેટ- બી પહોંચ્યા હતા.
બીબીસી સંવાદદાતા દિગવલ્લી પવનના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીની ટીમે જણાવ્યું હતું કે ઇન્ડિયા બ્લૉકના સભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.ૉ
અગાઉ, પ્રદર્શનકારીઓએ ભગવાનદાસ માર્ગ થઈને સુપ્રીમ કોર્ટ પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ત્યાં ધક્કામુક્કી અને ઘર્ષણ પણ થયું હતું.
કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે પોલીસે તેમને ઇન્ડિયા ગેટ સર્કલ પર રોકાવા દીધા ન હતા. ત્યારબાદ કાફલો બીજા રૂટ પર આગળ વધ્યો. પછી બધા નેતાઓ સુપ્રીમ કોર્ટના ગેટ બી પર પહોંચી ગયા હતા.
આ પહેલા સુપ્રીમ કોર્ટ જઈ રહેલા વિપક્ષી નેતાઓને પોલીસે મંડી હાઉસ પાસે અટકાવ્યા હતા.
બીબીસી સંવાદદાતા વિષ્ણુકાંત તિવારીના જણાવ્યા અનુસાર, થોડો સમય રસ્તા પર બેઠા રહ્યા પછી, વિરોધપક્ષના નેતાઓ સાંજે છ વાગ્યાની આસપાસ પાછા ફરવા લાગ્યા હતા અને ઇન્ડિયા ગેટ તરફ વળ્યા.
અગાઉ, જ્યારે તેમને રોકવામાં આવ્યા, ત્યારે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ અને પોલીસે તેમને પાછળ ધકેલવાનો પ્રયાસ કર્યો.
ત્યારબાદ 11 વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટના ગેટ-બીથી અંદર જઈને અરજી દાખલ કરી હતી.
રાહુલ ગાંધીએ માર્ચ પહેલાં કરી હતી પ્રેસ કૉન્ફરન્સ
આ માર્ચ પહેલાં રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી અને ચૂંટણીપંચના મુખ્ય કમિશનર જ્ઞાનેશકુમાર પર સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે તેમને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી છે.
સોમવારે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, “અમે એ જ સવાલ ઉઠાવી રહ્યા છીએ જે બે ચૂંટણી કમિશનરોએ ઉઠાવ્યો હતો. જ્ઞાનેશકુમાર રાજીનામું કેમ નથી આપતા?”
“જ્ઞાનેશકુમારજી, અમે જાણીએ છીએ કે તમારી હાલત કેવી છે, તમને ઊંઘ આવતી નથી. અમે તમને છોડવાના નથી, તમે બચી નહીં શકો.”
“અમને તમારા ભૂતકાળ અને તમારા ભ્રષ્ટાચાર વિશે જાણ છે. અમે માત્ર રાહ જોઈ રહ્યા છીએ.”
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ સામે થઈ રહેલી પોલીસ કાર્યવાહીને લઈને તેમણે કહ્યું કે સરકાર ખૂબ મોટી ભૂલ કરી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું, “દિલ્હીમાં ઘણા દિવસોથી મતચોરીના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યાં છે. સવાલ એ છે કે દિલ્હીને કેમ જેલમાં બદલી નખાઈ?”
“બધી જગ્યાએ પોલીસ જોવા મળી રહી છે. લોકોને શહેરમાં આવતાં રોકવામાં આવી રહ્યા છે. ટ્રેનો અને બસોમાં તેમને અટકાવવામાં આવી રહ્યા છે.”
તેમણે વધુમાં કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે 20-25 હજાર પોલીસવાળા રસ્તા પર હોય, પણ સરકાર ખૂબ મોટી ભૂલ કરી રહી છે, કારણ કે અમે દેશને બતાવવા માગીએ છીએ કે મોદીજી જ્ઞાનેશકુમારને બચાવી રહ્યા છે.”
“તેમને જેટલી વધુ સુરક્ષા આપવામાં આવશે, એટલી જ સરળતાથી અમે અંતે તેમનાં નિયંત્રકો સુધી પહોંચી શકીશું.”
“અમને એવી માહિતી મળી રહી છે કે પોલીસકર્મીઓ પરેશાન છે, કારણ કે તેમને યુવાનોને મારપીટ કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે, જ્યારે આરએસએસના સભ્યોને ખુલ્લી છૂટ આપવાના નિર્દેશ આપવામાં આવી રહ્યા છે.”
મુખ્ય ન્યાયાધીશે કર્યો હતો મળવાનો ઇનકાર
ઇમેજ સ્રોત, Getty Images
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે વિરોધ પક્ષોના સાંસદો સાથે મુલાકાત કરવાનો ઇનકાર કર્યો હતો અને મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સોમવારે કહ્યું હતું, “મને ગઈકાલે તેમનો (વિપક્ષનો) પત્ર મળ્યો હતો. મેં ગઈ રાત્રે જ તેનો જવાબ આપી દીધો છે. મેં કેટલાંક કારણો આપ્યાં છે, જેના આધારે મેં મારી અસમર્થતા વ્યક્ત કરી છે કે હું મળી શકીશ નહીં.”
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને વન નેશન-વન ઇલેકશન અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની સુપ્રીમ કોર્ટની મુલાકાત રદ કરવામાં આવી હોવા અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
તેના જવાબમાં તેમણે કહ્યું હતું, “તે મામલામાં (વન નેશન-વન ઇલેકશન જેપીસીની બેઠક) અદાલતમાં હિતોના ટકરાવની સ્થિતિ ઊભી થવાની સંભાવના હતી. આ જ કારણસર અમે વહીવટી સ્તરે તેના પર ચર્ચા કરી હતી. મારા વરિષ્ઠ ન્યાયિક સહયોગીઓ અને મારું માનવું હતું કે આપણે હિતોના કોઈપણ ટકરાવથી બચવું જોઈએ.”
સૂર્યકાંતે પત્રમાં લખ્યું કે સુપ્રીમ કોર્ટ દરેક નાગરિકના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને કોઈ પણ નાગરિક પોતાના અધિકારોના રક્ષણ માટે કાયદાકીય પ્રક્રિયા અનુસાર કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.
તેમણે વિપક્ષી નેતાઓને સલાહ આપી કે તેઓ વહીવટી સ્તરે રજૂઆત કરવા કરતાં ન્યાયિક પ્રક્રિયાનો માર્ગ અપનાવે અને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરે.
ભાજપે લગાવ્યો અરાજકતા ફેલાવવાનો આરોપ
ઇમેજ સ્રોત, BJP/X
ભાજપના નેતા અનુરાગ ઠાકુરે વિપક્ષોની માર્ચ દરમિયાન પ્રેસ કૉન્ફરન્સ યોજીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર હુમલો કર્યો અને તેમના પર અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
વિપક્ષી કૂચ દરમિયાન, ભાજપના નેતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, “રાહુલ ગાંધી અને કૉંગ્રેસનો એજન્ડા સ્પષ્ટ છે, જો તમને સત્તા ન મળે તો અરાજકતા ફેલાવો. દેશના લોકોને કોર્ટ સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.”
તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને પણ પોતાના વિચારો વ્યક્ત કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પોતાને “બંધારણીય સંસ્થા સિવાયની સંસ્થા” માને છે.
અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પોતાને કાયદાથી ઉપર માને છે.
તેમણે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પર બંધારણને કચડી નાખવાનો પણ આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું, “જેઓ પોતે ગોટાળા કરીને ચૂંટણી જીત્યા હતા તેઓ જ આજે ચૂંટણીમાં ગોટાળાની વાત કરી રહ્યા છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




