Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
વાંચવાનો સમય: 5 મિનિટ
ફરી એક વાર દુનિયાના લોકોને સૂર્યગ્રહણનો નજારો જોવા મળશે. 12 ઑગસ્ટ, 2026ના રોજ આ સૂર્યગ્રહણ જોવા મળશે.
પશ્ચિમના દેશોના લોકોને અંદાજે ત્રણ દાયકામાં સૌથી સારું સૂર્યગ્રહણ જોવા મળશે એવું માનવામાં આવે છે. એટલે કે એ દિવસે સૂરજનો 95 ટકા ભાગ સૂર્યની પાછળ છુપાઈ જશે.
ઉત્તરી ગોળાર્ધમાં તે દિવસે ઘણાં અન્ય સ્થળોએ આંશિક સૂર્યગ્રહણનો અનુભવ થશે, જેમ કે ઉત્તરી યુએસ (અલાસ્કાથી ઉત્તર કેરોલિના સુધી), મોટા ભાગના કૅનેડા, યુરોપનો મોટો ભાગ અને ઉત્તર-પશ્ચિમ આફ્રિકામાં જોવા મળશે.
ગ્રહણ હંમેશાં મનુષ્યને જેટલી નવાઈ પમાડે એટલું જ ડરાવતું પણ રહ્યું છે. આ ગ્રહણો સાથે આખી દુનિયામાં કેટલીક માન્યતાઓ પણ રહેલી હોય છે.
સૂર્યગ્રહણ ક્યાં ક્યાં જોવા મળશે?
ઇમેજ સ્રોત, Getty Images
સૂર્યગ્રહણની વાત નીકળે એટલે એવી પણ ચર્ચા થાય કે તે ભારતમાં જોવા મળશે કે નહીં. જોકે આ સૂર્યગ્રહણ માત્ર પશ્ચિમના દેશોમાં કેટલાક ભાગોમાં જોવા મળશે, ભારતમાં જોવા નહીં મળે.
આ સૂર્યગ્રહણ ગ્રીનલૅન્ડ, આઇસલૅન્ડ, ઉત્તરી રશિયા, ઍટલાન્ટિક મહાસાગર, સ્પેન અને પોર્ટુગલના એક નાના ખૂણામાં દેખાશે.
આ દુર્લભ ખગોળીય ઘટના 1999 બાદ યુકેમાં દેખાનારું સૌથી શાનદાર સૂર્યગ્રહણ હશે, જેને જોવા માટે યુકેમાં કૉર્નવાલ, ડેવોન, સમરસેટ અને બ્રિસ્ટલ સૌથી સારી જગ્યા માનવામાં આવે છે.
ખાસ કરીને બ્રિસ્ટલ, સમરસેટ, ગ્લોસ્ટરશાયર અને વિલ્ટશાયરના લોકોને સૂરજનો અંદાજે 90 ટકા ભાગ ઢંકાયેલો જોવા મળે તેવી આશા છે, જ્યારે કૉર્નવાલ અને આઇલ્સ ઑફ સિલીમાં પણ સારો નજારો જોવા મળશે.
જોકે યુકેમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા નહીં મળે, પરંતુ ઍસ્ટ્રોનૉમર્સનું કહેવું છે કે 1999 પછી બ્રિટનમાં દેખાનારું આ સૌથી શાનદાર સૂર્યગ્રહણ હશે.
હોલ્બેચેએ (ચૅર ઑફ બાથ ઍસ્ટ્રોનૉમર્સ) કહે છે કે “આ એક શાનદાર નજારો હશે, કેમ કે આ ગ્રહણ સાંજનું છે અને ગ્રહણ દરમિયાન સૂરજ-ચંદ્ર ક્ષિતિજે વધુ પાસપાસે હશે.”
સૂર્યગ્રહણ એટલે શું?
ઇમેજ સ્રોત, ANI
સૂર્યગ્રહણ વારંવાર બનતી ખગોળશાસ્ત્રની અજાયબીભરી ઘટના છે. સૌરપરિવારમાં ગ્રહો સૂર્યની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં ભ્રમણ કરે છે અને ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે.
પૃથ્વી સૂર્યને ફરતે ચક્કર લગાવે છે, જ્યારે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે.
આ પ્રક્રિયા દરમિયાન જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય ત્યારે ગ્રહણ સર્જાય છે.
આ ગ્રહણ અમાસના દિવસે થાય તો એ સૂર્યગ્રહણ બને છે અને તે પૂનમના દિવસે થાય તો ચંદ્રગ્રહણ બને છે.
પૃથ્વીના ચોક્કસ વિસ્તારમાં રહેતા લોકો સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યને આંશિક રીતે નિહાળી શકે છે અથવા પૂર્ણતઃ નિહાળી શકતા નથી.
ચંદ્ર સૂર્યની તુલનામાં પૃથ્વી કરતા 400 ગણો વધારે નજીક છે પરંતુ ચંદ્ર આકારમાં સૂર્ય કરતા 400 ગણો નાનો પણ છે.
સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી સંપૂર્ણ રીતે એક સાથે હોય છે.
ચંદ્ર સૂર્યના પ્રકાશને અવરોધે છે અને પૃથ્વી પર પડછાયો પાડે છે. આ પડછાયામાં કોઈપણ વ્યક્તિ ગ્રહણ જોઈ શકે છે.
સૂર્યગ્રહણના કેટલા પ્રકાર છે?
ઇમેજ સ્રોત, Getty Images
પૂર્ણ સૂર્યગ્રહણ:
સૂર્યગ્રહણનો પહેલો પ્રકાર પૂર્ણ સૂર્યગ્રહણ છે. આ એ સમયે હોય છે જ્યારે ચંદ્રમા પૃથ્વીની પાસે રહે છે અને સૂર્યની વચ્ચે આવે છે.
ચંદ્ર પૂરી રીતે પૃથ્વીને પોતાની છાયામાં લઈને ફળસ્વરૂપ સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોચાડતો નથી.
પૃથ્વી પર અંધકારની સ્થિતિ સર્જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે પૃથ્વી પર સૂર્ય જોવા મળતો નથી. આ પ્રકારનું ગ્રહણ પૂર્ણ સૂર્યગ્રહણ કહેવાય છે.
આંશિક સૂર્યગ્રહણ:
સૂર્યગ્રહણનો અન્ય પ્રકાર આંશિક સૂર્યગ્રહણ હોય છે. આ ગ્રહણમાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એ રીતે આવે છે કે સૂર્યનો કેટલોક ભાગ પૃથ્વીથી દેખાતો નથી.
એટલે કે ચંદ્ર, સૂર્યના ફક્ત કેટલાક ભાગ જ દેખાય છે અને તેને તે પોતાની છાયામાં લઈ લે છે. તેનાથી સૂર્યનો કેટલોક ભાગ ગ્રહણ ગ્રાસમાં ગ્રહણના પ્રભાવમાં આવતો નથી. પૃથ્વીના એ ભાગ વિશેષમાં લાગેલું ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ કહેવાય છે.
વલયાકાર સૂર્યગ્રહણ:
આ સૂર્યગ્રહણનો ત્રીજો પ્રકાર છે. તેમાં ચંદ્ર પૃથ્વીથી દૂર રહે છે અને પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે. એટલે કે સૂર્યને આ પ્રકારે ઢાંકે છે કે સૂર્યનો ફક્ત મધ્ય ભાગ જ છાયા ક્ષેત્રમાં આવે છે અને પૃથ્વીથી જોતાં ચદ્રમા પર સૂર્ય પૂરી રીતે ઢંકાયેલો દેખાતો નથી.
સૂર્યના બહારના વિસ્તારને પ્રકાશિત થવાના કારણે બંગડી કે વલયના રૂપમાં ચમકતો દેખાય છે આથી સૂર્યગ્રહણને વલયાકાર સૂર્યગ્રહણ કહેવાય છે.
ગ્રહણને જોતી વખતે શું સાવધાની જરૂરી છે?
લોકોએ ખુલ્લી આંખે સૂર્યગ્રહણ ક્યારેય જોવું ન જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.
સૂર્યગ્રહણને થોડા સમય માટે પણ ખુલ્લી આંખે ન જોવું જોઈએ. નિષ્ણાતો કહે છે કે ચંદ્રમા સૂર્યના મોટા ભાગના હિસ્સાને ઢાંકી દે ત્યારે પણ ખુલ્લી આંખે ન જુઓ, કારણ કે તેનાથી આંખને કાયમી નુકસાન પહોંચી શકે છે, અંધાપો પણ આવી શકે છે.
સૂર્યગ્રહણ જોવું હોય તો કાળા પૉલિમર કે ટેલિસ્કૉપના માધ્યમથી સફેદ પટ્ટા પર સૂર્યના છાયાનું પ્રક્ષેપણ કરીને તેને જોઈ શકો છો.
ગ્રહણ વિશે કેવી કેવી માન્યતા હોય છે?
ઇમેજ સ્રોત, Getty Images
ગ્રહણ એ માનવી માટે હંમેશાંથી એક રહસ્યમય ઘટના રહી છે અને ઘણા લોકો તેને જોખમનું પ્રતીક માને છે. એવું માનવામાં આવે છે કે દુનિયાના ખતમ થવાની કે પછી ભયંકર ઘટનાઓની ચેતવણી ગ્રહણ દ્વારા મળે છે.
હિંદુ પૌરાણિક કથાઓમાં ગ્રહણને અમૃતમંથન અને રાહુ-કેતુ નામક દૈત્યોની કહાણી સાથે સાંકળવામાં આવે છે.
ખગોળશાસ્ત્રી અને વૅસ્ટર્ન કૅપ યુનિવર્સિટીના પ્રોફેસર જરિટા હૉલબ્રુક કહે છે, “ગ્રહણ વિશે વિભિન્ન સભ્યતાની માન્યતા એ વાત પર નિર્ભર કરે છે કે ત્યાં પ્રકૃતિ કેટલી હદે ઉદાર છે. જ્યાં જીવન મુશ્કેલ છે, ત્યાં દેવીદેવતાઓ પણ ક્રૂર અને બિહામણા હોવાની કલ્પના કરવામાં આવી છે, એટલે ગ્રહણથી જોડાયેલી કહાણીઓ પણ બિહામણી હોય છે.”
તેઓ કહે છે, “જ્યાં જીવન સરળ હોય છે, ભરપૂર ભોજન પાણી હોય છે ત્યાં ઈશ્વર અને પરાશક્તિઓ સાથે મનુષ્યનો સંબંધ અતિપ્રેમપૂર્ણ હોય છે અને તેમનાં મિથક પણ એવાં જ હોય છે.”
પશ્ચિમી એશિયામાં એવી માન્યતા હતી કે ગ્રહણ દરમિયાન ડ્રૅગન સૂર્યને ગળી જવાનો પ્રયત્ન કરે છે અને એટલે ત્યાં ડ્રૅગનને ભગાડવા માટે ઢોલ-નગારાં વગાડવામાં આવતાં.
ચીનમાં એવી માન્યતા હતી કે સૂર્યને ગળવાનો પ્રયત્ન કરનાર ખરેખર સ્વર્ગનો એક શ્વાન છે. પેરુના લોકો માનતા હતા કે આ વિશાળ પ્યૂમા હતું અને વાઇકિંગ માનતા હતા કે ગ્રહણના સમયે આસમાની વરુઓની જોડી સૂર્ય પર હુમલો કરે છે.
મધ્યકાલીન યુરોપમાં લોકો પ્લેગ અને યુદ્ધોથી ત્રસ્ત રહેતા હતા, એવામાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ તેમને બાઇબલમાં પ્રલયના વર્ણનની યાદ અપાવતું હતું.
પ્રોફેસર ક્રિસ ફ્રેન્ચ કહે છે, લોકો ગ્રહણને પ્રલય સાથે કેમ જોડે છે, આ સમજવું મુશ્કેલ નથી.
બાઇબલમાં ઉલ્લેખ છે કે કયામતના દિવસે સૂર્ય બિલકુલ કાળો થઈ જશે અને ચંદ્ર લાલ રંગનો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




