Home તાજા સમાચાર gujrati દેશભરમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધપ્રદર્શનો યથાવત્, અત્યાર સુધીમાં શું-શું થયું?

દેશભરમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધપ્રદર્શનો યથાવત્, અત્યાર સુધીમાં શું-શું થયું?

5
0

Source : BBC NEWS

દિલ્હીમાં ચોથી ઑક્ટોબરે થયેલા વિરોધપ્રદર્શનની એક તસવીર

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે વિરોધપ્રદર્શન સતત ત્રણ દિવસથી ચાલી રહ્યાં છે. આજે વિરોધનો ચોથો દિવસ છે.

આજે પણ દિલ્હીના જંતરમંતર પર એનએસયુઆઈએ વિરોધપ્રદર્શનનું એલાન કર્યું છે.

એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડે કહ્યું છે કે તેઓ મતદારોના અધિકારો અને બંધારણની રક્ષા કરવા આ લડાઈ લડી રહ્યા છે.

તેમનો સવાલ છે કે જંતર-મંતર પર સરકાર વિરોધપ્રદર્શન કેમ કરવા દેતી નથી.

ગઈ કાલે પણ દિલ્હીમાં ઘણા લેફ્ટ સંગઠનો, ઇન્ડિયન યૂથ કૉંગ્રેસ અને અન્ય સામાજિક સંગઠનોએ વિરોધપ્રદર્શનો કર્યાં હતાં અને પોલીસ તથા યુવાનો વચ્ચે ભારે ઘર્ષણ પણ થયું હતું.

આમ, ગાંધીજયંતીથી ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે શરૂ થયેલા વિરોધપ્રદર્શનો હજુ પણ યથાવત્ છે.

ગઈ કાલે ચોથી ઑક્ટોબરે દિવસભર પ્રદર્શનો થયાં

દિલ્હીમાં પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ

ગઈ કાલે રવિવારે દિલ્હીમાં સામાન્ય લોકો, સામાજિક કાર્યકરો અને ઘણાં વિદ્યાર્થી સંગઠનોએ ઇન્ડિયા ગેટથી જંતર-મંતર સુધી ‘સિટીઝન્સ માર્ચ’નું એલાન આપ્યું હતું.

આ પ્રદર્શનોમાં સામેલ થવા પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.

માર્ચ દરમિયાના આઇસાનાં અધ્યક્ષ નેહા બોરા સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

નેહા બોરાએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ તેમને જે ગાડીમાં ઉઠાવીને લઈ ગઈ તેમાં કોઈ મહિલા પોલીસકર્મી નહોતાં.

એ વખતે યુવાનો અને પોલીસ વચ્ચે પણ ભારે ઘર્ષણ થયું હતું.

અનેક નેતાઓએ સિટીઝન્સ માર્ચ વખતે દિલ્હી પોલીસ પર ખરાબ વ્યવહારના, ગેરવર્તણૂકના ગંભીર આરોપો લગાવ્યા હતા.

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ મુંબઈમાં ગઈકાલે રેલીનું આયોજન કર્યું હતું

આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજે પોતાનો વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે તેમને દિલ્હી પોલીસ ઊંધા લટકાવી રાખ્યા હતા, જેથી કરીને તેમનો ચહેરો કૅમેરામાં ન દેખાય.

સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે, “આ ફક્ત એક દિવસ માટે પ્રતીકાત્મક વિરોધ નથી, પરંતુ પ્રદર્શનોની શ્રેણી છે જે જ્ઞાનેશકુમાર પદ છોડે ત્યાં સુધી ચાલુ રહેશે.”

એ પછી સાંજ યૂથ કૉંગ્રેસે પણ જ્ઞાનેશકુમારનો વિરોધ કરતાં કૂચ કાઢી હતી.

ગઈ કાલે સવારે જ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ મુંબઈમાં જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે ‘ગર્જના મોરચા’નું આયોજન કર્યું હતું. આ રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા.

ત્રીજી ઑક્ટોબરના રોજ શું થયું હતું?

એનએસયુઆઈના અધ્યક્ષ વિનોદ જાખડને લઈ જતી પોલીસ

ત્રીજી ઑક્ટોબર શનિવારે પણ સામાજિક કાર્યકરોએ દિલ્હીના જંતર-મંતર પર પહોંચવાની કોશિશ કરી હતી.

તેમને દિલ્હી પોલીસે કેરળ હાઉસ નજીકથી અટકાયતમાં લીધા હતા.

2 ઑક્ટોબરના રોજ થયેલા વિરોધપ્રદર્શન પછી આઇસા દ્વારા શનિવારે પણ જંતર-મંતર પહોંચવાનો કોલ આપવામાં આવ્યો હતો.

આ પ્રદર્શનકારીઓમાં આઇસા કાર્યકરો ઉપરાંત, સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવ, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને પ્રશાંત ભૂષણ જેવા લોકો પણ હાજર હતા, જેમને અન્ય લોકો સાથે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

આઇસી પ્રમુખ નેહા બોરાની પણ અટકાયત કરવામાં આવી હતી અને તેમણે એક મહિલા પોલીસ અધિકારી પર કોણી મારીને નખ વડે ઇજા પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

શનિવારે વિરોધપ્રદર્શન દરમિયાન, બે મહિલા પત્રકારો અને એક યુવાન વિરોધ કરતી મહિલાએ એક પોલીસ અધિકારી અને પોલીસકર્મીઓ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.

એક મહિલા પત્રકારે આરોપ લગાવ્યો છે કે જ્યારે આઇસા પ્રમુખ નેહા બોરાને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યાં હતાં ત્યારે એસીપી વિવેક ભગતે તેમની છાતી પર હાથ માર માર્યો અને તેમને ધક્કો મારીને દૂર ધકેલી દીધાં.

એક વરિષ્ઠ મહિલા પત્રકાર અને એક વિરોધ કરતી છોકરીએ દિલ્હી પોલીસ કર્મચારીઓ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો.

આ પછી હજુ સુધી દિલ્હીના સંસદમાર્ગ પોલીસસ્ટેશનની બહાર પત્રકારોના ધરણા શરૂ છે.

ગાંધીજયંતીના દિવસથી શરૂ થયો વ્યાપક વિરોધ

મુંબઈમાં બીજી તારીખે થયેલા વિરોધપ્રદર્શનની એક તસવીર

અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના ચૂંટણીપંચ અંગેના અહેવાલ બાદ કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ શુક્રવાર, 2 ઑક્ટોબરના રોજ મુંબઈમાં વિરોધપ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.

તે જ સમયે, આઇસા અને કેટલાક સામાજિક કાર્યકરોએ દિલ્હીના જંતર-મંતર પર વિરોધપ્રદર્શન કરવાની પરવાનગી પણ માગી હતી.

મુંબઈમાં કૉક્રોચ જનતા પાર્ટીના આહ્વાન પર શિવાજી પાર્ક ખાતે મોટી ભીડ એકઠી થઈ હતી. પોલીસે પ્રદર્શન માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પ્રદર્શનકારીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા અને જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરી હતી.

બોલીવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ, શબાના આઝમી અને ગાયક-સંગીતકાર વિશાલ દદલાણી પણ વિરોધપ્રદર્શનમાં જોડાવા માટે મુંબઈ પહોંચ્યાં હતાં.

શિવસેના ઉદ્ધવ જૂથે પણ આ પ્રદર્શનને ટેકો આપ્યો હતો.

દિલ્હીમાં પોલીસે જંતર-મંતર પર વિરોધપ્રદર્શનને મંજૂરી આપી ન હતી અને દિલ્હી મેટ્રોએ પણ 10થી વધુ મેટ્રો સ્ટેશનો બંધ કરાવ્યા હતા.

આ પછી પણ, મોટી સંખ્યામાં વિરોધીઓ પ્રદર્શન માટે જંતર-મંતર પહોંચવાનો પ્રયાસ કરતા રહ્યા અને પોલીસે તેમની અટકાયત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS