Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Facebook
-
- લેેખક, જાફર રિઝવી
- પદ, પત્રકાર, લંડન
-
11 ડિસેમ્બર 2025
અપડેટેડ એક કલાક પહેલા
“મારશો નહીં… કશું ખોટું કરશો નહીં… જે પણ કેસ તમારી પાસે છે, તે (અદાલતમાં) રજૂ કરો. ઍન્કાઉન્ટરો ન કરો,” રહમાન ડકૈત (ડકૈત -ડાકુ)ને કસ્ટડીમાં લઈ રહેલા પોલીસ અધિકારી ચૌધરી અસલમને આસિફ ઝરદારીએ આ શબ્દો કહ્યા હતા.
ઇસ્લામાબાદ જ નહીં પણ રાવલપિંડી સુધી પહોંચ ધરાવતા એક રાજકારણીએ પાકિસ્તાન બહાર થયેલી એક મુલાકાતમાં મને રહમાન ડકૈતની કહાણી સંભળાવી રહ્યા હતા.
તમે તેને પીપલ્સ શાંતિ કમિટીનો સ્થાપક સરદાર અબ્દુલ રહમાન બલોચ કહો કે પછી કરાચીની અંધારી આલમનો રહમાન ડકૈત… આ વાત છે એક એવા પાત્રની, જેનો જન્મ શહેરના પછાત વિસ્તારમાં થયો હતો, પણ લ્યારી ગૅંગવૉરના આ ‘ક્રાઇમ લૉર્ડ’ની પહોંચ પોલીસ અને લશ્કરની જાસૂસી સંસ્થાઓના ટોચના અધિકારીઓ સુધી જ સીમિત ન રહેતા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સુધી હતી.
જે રાજકીય નેતાઓએ મને આ વાત કરી, તેઓ સ્વયં વિભિન્ન સરકારોનો ભાગ રહી ચૂક્યા છે અને નવાઈની વાત એ છે કે કરાચીની અંધારી આલમ વિશે તેઓ ઘણી જાણકારી ધરાવે છે.
ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્નાએ આ રહમાન ડકૈતની ભૂમિકા ભજવી છે, જે હાલમાં ચર્ચામાં છે.
18મી જૂન, 2008ના રોજ ક્વેટાથી તેની અંતિમ (પણ કદી સત્તાવાર રીતે પ્રગટ ન કરવામાં આવેલી) ‘જીવિત સ્થિતિમાં’ ધરપકડ થયા બાદ રહમાન બલોચે સ્વયં તપાસકર્તા અધિકારીઓ સમક્ષ તેની માતાની હત્યા સહિત 79 ઘટનામાં તેની સંડોવણી વિશે સનસનીખેજ ખુલાસા કર્યા હતા.
બીબીસીએ મેળવેલો રહમાન બલોચનો આ તપાસાત્મક અહેવાલ ટૉપ-સિક્રેટ સરકારી દસ્તાવેજ છે, જે તેના ગુનાઓ પરથી પડદો ઉઠાવે છે અને તેની સાથે-સાથે રાજકારણ અને અપરાધ વચ્ચેની સાઠગાંઠ પણ છતી કરે છે.
ઇમેજ સ્રોત, JIO/YT/TRAILER GRAB
આ અહેવાલમાં 13 વર્ષની કુમળી વયે અપરાધ આચરવાનું શરૂ કરનાર અને અન્ડરવર્લ્ડ ડૉન બનવા સુધીની સફર પૂરી કરનાર રહમાન બલોચનાં પ્રાંતીય અને રાષ્ટ્રીય વિધાનસભાઓ, રાષ્ટ્રવાદી સંગઠનો, રાજકીય પક્ષો તથા અગ્રણી વ્યવસાયી હસ્તીઓ સાથેનાં જોડાણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કરાચી બંદર પર બે અલગ દુનિયા વસે છે, એક તરફ મૌલવી તમીઝુદ્દીન ખાન રોડ આવેલો છે અને બીજી તરફ એમએ ઝીણા રોડ છે. મૌલવી તમીઝુદ્દીન ખાન રોડ પાર કરતાં શહેરની અતિધનાઢ્ય વસ્તી અને મોંઘાંદાટ મનોરંજનનાં સ્થળો છે. પણ તે જ બંદરની બીજી બાજુએ એમએ ઝીણા રોડની પાછળ લ્યારી વસેલું છે. તેને ગરીબી અને બેકારીનાં બીજમાંથી જન્મેલો ‘અપરાધોનો અડ્ડો’ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી.
કરાચીની દક્ષિણથી લઈને પશ્ચિમ સુધી ફેલાયેલો સૌથી જૂના, પણ સૌથી ગરીબ વિસ્તારોનો આ લાંબો પટ્ટો એક વિશાળ અપરાધિક સામ્રાજ્ય પણ ધરાવે છે.
આ લ્યારીથી નીકળીને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને તેમનાં પુત્રી બેનઝીર ભુટ્ટો વડા પ્રધાનની ઑફિસ સુધી પહોંચ્યાં, પણ બીજી તરફ બાબુ ડકૈત અને રહમાન બલોચ અપરાધની દુનિયામાં ટોપ પર પહોંચ્યા.
રહમાન ડકૈતનો પરિવાર કોણ હતો?
ઇમેજ સ્રોત, Screen Grab
પાકિસ્તાન સરકારના સત્તાવાર દસ્તાવેજો પ્રમાણે, અબ્દુલ રહમાન (અથવા તો રહમાન ડકૈત)નો જન્મ 1976માં દાદ મોહમ્મદ ઉર્ફે દાદલના ઘરે થયો હતો. રહમાનના પિતા ઈરાનના સિસ્તાન પ્રાંતના બલોચની બહુમતી ધરાવતા વિસ્તારમાંથી આવતા હતા. રહમાનનાં માતા દાદલની બીજી પત્ની હતાં.
રહમાનના એક પિતરાઈ ભાઈએ મને જણાવ્યું કે, ‘રહમાનના પિતાને કુલ ચાર ભાઈ હતા. દાદ મુહમ્મદ (દાદલ), શેર મુહમ્મદ (શેરો), બેક મુહમ્મદ (બેકલ) અને તાજ મુહમ્મદ.’
તેમણે કહ્યું કે, “દાદલે લ્યારીમાં ઘણાં કલ્યાણકારી કાર્યો પણ કર્યાં હતાં. બાળકો માટે એક પુસ્તકાલય, વૃદ્ધો માટે ઈદગાહ, મહિલાઓ માટે સિલાઈ અને ઍમ્બ્રૉઇડરી સેન્ટર તથા યુવાનો માટે બૉક્સિંગ ક્લબ બનાવ્યાં હતાં.
જોકે દસ્તાવેજો અને પોલીસ, સૈન્ય અને જાસૂસી સંસ્થાના અધિકારીઓ અલગ જ વાત જણાવે છે.
કરાચી પોલીસના પૂર્વ વડાએ મને કહ્યું હતું કે, “દાદલ અને તેનો ભાઈ શેરો, બંને નશીલાં દ્રવ્યોના વેપારમાં સંડોવાયેલા હતા. પોલીસ રેકર્ડ અનુસાર, શેરો હિસ્ટ્રી-શીટર પણ હતો.
જોકે, શેરો દાદલની ગૅંગ લ્યારીમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી કે અન્ય ગુનાઓ કરતી એકમાત્ર ગૅંગ નહોતી. ઈકબાલ ઉર્ફે બાબુ ડકૈતની ગૅંગ પણ પાસેના કાલરીમાં નશીલા પદાર્થોનું વિશાળ નેટવર્ક ચલાવતી હતી અને ત્રીજી હતી હાજી લાલુની ગૅંગ, જે જહાનાબાદ, શેરશાહ કબ્રસ્તાન અને જૂના ગોલીમાર જેવા વિસ્તારોમાં પથ્થર કાપવાના, ડ્રગ્ઝ અને રૂશવતખોરીનો ધંધો ચલાવતો હતો.
લ્યારીના ભૂતપૂર્વ એસપી ફૈયાઝ ખાન જણાવે છે, “સમાન ધંધો કરતા હોવાથી આ જૂથો વચ્ચે ધંધાકીય દુશ્મનાવટ અને વિસ્તારોને લઈને વિવાદો ચાલતા રહેતા હતા. જૂથો વચ્ચેના આ મતભેદો લોહિયાળ અથડામણોનું નિમિત્ત પણ બન્યા અને આવી જ એક અથડામણમાં વિરોધી જૂથના બાબુ ડકૈતે રહમાન બલોચના કાકા, તાજ મુહમ્મદની કરપીણ હત્યા કરી હતી.”
રહમાનની વાત કરી રહેલા રાજકારણીએ જણાવ્યું હતું, “એ પછી રહમાન રઉફ નઝીમ અને આરીફ નઝીમ નામના બે ભાઈનો દોસ્ત બન્યો. રઉફ અને આરીફનો પિતા હસન પણ ડ્રગ્સનો ધંધો કરતો હતો. ગુનાખોરીનો ઇતિહાસ ધરાવતા પરિવારમાંથી આવતી આ ત્રિપુટીએ ધીમે-ધીમે પોતાની ગૅંગ બનાવી. આરીફ નઝીમ તેનો લીડર હતો. પછીથી રહમાને ગૅંગનો દોરીસંચાર પોતાના હાથમાં લીધો.”
ડ્રગ્સના ધંધામાંથી શરૂઆત
કરાચી પોલીસના દસ્તાવેજ પ્રમાણે 13 વર્ષના રહમાને 6 નવેમ્બર, 1989ના રોજ મુહમ્મદ બક્ષ નામની વ્યક્તિ પર ચાકુ હુલાવી દીધું હતું, કારણ કે તેણે કાલાકોટમાં હાજી પિક્ચર રોડ પર આવેલી ગુલામ હુસૈનની દુકાન નજીક ફટાકડા ફોડવાની ના પાડી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે હિંસક ગુનાહિતની દિશામાં રહમાનનું આ પ્રથમ ડગલું હતું.
પોલીસ અનુસાર, 1992માં રહમાનને ડ્રગ્સના વેપારને લઈને નદીમ અમીન તથા તેના સાગરિત નાનુ નામના બે ડ્રગ સપ્લાયરો સાથે તકરાર થઈ. નદીમ અમીન ડ્રગ ડીલર હતો. અને તેની વિરુદ્ધ 30 જેટલા કેસ પડતર હતા. રહમાન અને આરીફે નદીમ અને નાનુ બંનેની ગોળી મારીને હત્યા કરાઈ હતી. રહમાને કરેલી આ પ્રથમ હત્યા હતી.
રહમાનના પિતરાઈ ભાઈએ મને કહ્યું હતું કે, 1988માં રશીદ મીન્હાસ રોડ પાસે આવેલા દાલમિયા વિસ્તારમાં જમીનના વિખવાદ પર રહમાનના પિતરાઈ ફતેહ-એ-મુહમ્મદ બલોચની હત્યા થઈ અને હત્યાનો આરોપ લ્યારીની સાંગો લેનના સુલેમાન બ્રોહીના પુત્ર ગફૂર પર લગાવવામાં આવ્યો.
કેટલાક પોલીસ અધિકારી અનુસાર, સુલેમાન બ્રોહી સિંધના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જામ સાદિક અલીનો બિઝનેસ પાર્ટનર હતો, પરંતુ રહમાને 1998માં ઉત્તર નઝીમાબાદમાં ડીસી સેન્ટ્રલ ઑફિસ નજીક સુલેમાન બ્રોહીને મારી નાંખ્યો. આ હત્યા પછી રહમાનને લ્યારીની હિંસક દુનિયામાં વર્ચસ્વ સ્થાપિત કરવાના રસ્તે લાવી દીધો.
હાજી લાલુ ડૉનથી સંરક્ષણ મળ્યું
ઇમેજ સ્રોત, facebook
રહમાનના પિતરાઈ ભાઈએ કહ્યું હતું, “આ વેર વાળવા બદલ લાલુના પરિવારે રહમાનના કુટુંબને ઘણો ટેકો આપ્યો. મારા સંશોધન મુજબ, જ્યારે બાબુ ડકૈતે રહમાનના કાકા તાજ મુહમ્મદની હત્યા કરી, ત્યારે લાલુએ રહમાનને તેની છત્રછાયા હેઠળ લઈ લીધો.
હાજી લાલુ અંધારી આલમનો ડૉન હતો. લ્યારી અને ટ્રાન્સ-લ્યારીમાં કોઈ પણ ગુના લાલુની મરજી વિના થતા નહીં. રહમાને જે કંઈ કર્યું, તેમાં લાલુએ પેલા સંરક્ષણનો મોટો હાથ હતો.
એ અનુસાર, “લાલુએ રહમાનને રક્ષણ પૂરું પાડ્યું, કારણ કે ગુનાખોરીના ધંધામાં બાબુ લાલુનો દુશ્મન હતો અને લાલુને બાબુ સામે ઝીંક ઝીલવા માટે કોઈ યુવાન અને નીડર સાગરિતની જરૂર હતી.”
પોલીસ રેકૉર્ડ પ્રમાણે, આ તક 18મી ફેબ્રુઆરી, 1995ના રોજ મળી, જ્યારે આરીફ અને રહમાન તેના સાગરિતો મુહમ્મદ શરીફ કેચો તથા નઝીર સાથે કાલાકોટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઓસ્માનાબાદ મિલ્સના વિસ્તારમાં પાક પાઇપ મિલ્સની એક ખાલી ઇમારતમાં એકઠા થયા હતા, ત્યારે પોલીસે ચારેતરફથી તેમને ઘેરી લીધા અને તેમને કતારમાં ઊભા રાખ્યા. પોલીસની ગોળીથી આરીફ માર્યો ગયો, પણ રહમાન દીવાલ ઠેકીને નાસી છૂટ્યો. સત્તાવાર અહેવાલમાં રહમાને પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી.
માતાની પણ હત્યા
ઇમેજ સ્રોત, FB/JIOSTUDIO
આ બનાવના થોડા મહિનાઓ પછી રહમાને 18મી મે, 1995ના રોજ કાલાકોટ પોલીસ સ્ટેશનની હદમાં તેની માતા ખદીજાબીબીની હત્યા કરી નાંખી.
રહમાને અધિકારીઓને જણાવ્યું કે, તેણે તેના ઘરમાં જ પિસ્તોલથી માતાની હત્યા કરી નાંખી હતી. પોલીસ અનુસાર, તેને શંકા હતી કે તેની માતા પોલીસની બાતમીદાર બની ગઈ હતી.
આ અહેવાલથી વિપરિત, મારાં સૂત્રો જણાવે છે કે, રહમાનને વાસ્તમવાં તેની ‘માતાના ચારિત્ર્ય પર શંકા ગઈ હતી’ અને તેની માતાના હરીફ ગૅંગના એક સભ્ય સાથેના ‘સંબંધો’ને કારણે તેણે માતાની હત્યા કરી હતી.
સરકારી રેકૉર્ડ્ઝ અનુસાર, અર્ધલશ્કરી બળ રેન્જર્સે ગેરકાયદે શસ્ત્રો અને ડ્રગ્સ રાખવાના આરોપસર રહમાનની ધરપકડ કરી. આ કેસમાં રહમાને અઢી વર્ષનો જેલવાસ ભોગવ્યો.
સરકારી અહેવાલો પ્રમાણે, 10મી જૂન, 1997ના રોજ રહમાન બલોચને કરાચી સેન્ટ્રલ જેલમાંથી લ્યારી નજીકની સિટી કોર્ટમાં લઈ જવાયો. પણ નજર ચૂકવીને તે બલૂચિસ્તાનના હબ વિસ્તારમાં ભાગી ગયો.
સત્તાવાર દસ્તાવેજો પ્રમાણે, રહમાનને ત્રણ પત્ની હતીઃ ફરઝાના, શહેનાઝ અને સાયરાબાનો, જેમના થકી તે કુલ 13 બાળકનો પિતા બન્યો. 2006 સુધીમાં રહમાન કરાચી તથા બલૂચિસ્તાનના જુદા-જુદા ભાગોમાં 34 દુકાનો, 33 મકાનો, 12 પ્લૉટ્સ અને 150 એકર ખેતીની જમીનનો માલિક બની ગયો હતો. આ ઉપરાંત તેણે ઈરાનમાં પણ કેટલીક મિલકતો ખરીદી હતી. અન્ય સૂત્રો પ્રમાણે, 2006 પછી તેની પાસે ઘણી વધારે સંપત્તિ હતી.
આ સમય દરમિયાન રહમાનના ટોચના પોલીસ અધિકારીઓ તેમજ અન્ય સંસ્થાઓના અધિકારીઓ સાથે સંબંધો કેળવ્યા.
લ્યારી ગૅંગવૉરની કહાણી

પૂછપરછ દરમિયાન રહમાને કહ્યું હતું કે, તેણે પોલીસની ‘મંજૂરી’થી જુગારનો અડ્ડો પણ શરૂ કર્યો હતો અને અફીણ (જેને લ્યારીના લોકો ત્રિયાક કહે છે) તથા હશીશ જેવા નશીલા પદાર્થોનો ધંધો પણ ‘ઉપરવાળા’ની ભરપૂર મદદ અને મંજૂરીથી ચાલતો રહ્યો હતો.
લ્યારીના પૂર્વ એસપી ફૈયાઝ ખાને કહ્યું હતું કે, આ સમય દરમિયાન રહમાન, હાજી લાલુ અને તેના પુત્રોએ સાથે મળીને ડ્રગ્સ અને અપરાધોના ધંધાને ચરમસીમાએ પહોંચાડી દીધો હતો.
ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, રહમાન પામી ગયો કે લાલુના પ્રભાવમાં રહીને તે અપરાધની દુનિયામાં પોતાનું વર્ચસ્વ જમાવી શકશે નહીં, આથી એક દિવસ લાલુ અને તેના પુત્રો સાથે તેને તકરાર થઈ.
આ તરકાર ‘ખૂની જંગ’માં બદલાઈ, જેની શરૂઆત રહમાન બલોચના ખાસ માણસ મામા ફૈઝ મુહમ્મદ ઉર્ફે ફૈઝુનાં અપહરણ અને હત્યાથી થઈ.
ફૈઝ મુહમ્મદ રહમાનનો સંબંધી પણ હતો અને ઉઝૈર બલોચનો પિતા પણ. એ જ ઉઝૈર બલોચ, જે બાદમાં રહમાનની જગ્યાએ લ્યારી અન્ડરવર્લ્ડનો ડૉન બન્યો.
ફૈઝુની હત્યાથી એક એવી લડાઈ શરૂ થઈ, જે ‘લ્યારી ગૅંગવોર’ તરીકે ઓળખાય છે.
મીડિયો અહેવાલો સૂચવે છે કે, રહમાન અને પપ્પુ વચ્ચેની લ્યારી ગૅંગવૉરમાં એટલી હત્યાઓ અને તબાહી થઈ કે આ વિસ્તારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી.
સંશોધક અને પત્રકાર અઝીઝ સંઘવાર પણ લ્યારીમાં રહે છે. તેઓ કહે છે કે, વર્ષો સુધી ચાલેલી લ્યારી ગૅંગવૉરમાં તમામ ગૅંગના કુલ 3,500 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા.
રહમાનના આતંક પર અંકુશના પ્રયાસો

લ્યારી ગૅંગવૉરે સેંકડો જીવોનો ભોગ લીધો, ત્યારે આ વિસ્તારના અગ્રણી લોકોએ આ હિંસા અને હત્યાને રોકવાની કોશિશ કરી. અનેક સ્થાનિક નેતાઓએ લ્યારી સીટનું પ્રતિનિધિત્વ કરનાર પીપીપીના નેતા પ્રમુખ આસિફ ઝરદારીને મળ્યા હતા.
ઝરદારીના એક પરિચિતે કહ્યું કે, લાલુ સાથે વાત કરીને તેને સમજાવી શકે છે કે, તેની તરફથી રહમાન પર કોઈ કાર્યવાહી કે હુમલા કરવામાં આવશે નહીં, પણ રહમાનની ગૅંરટી કોણ લેશે?
આ સ્થિતિમાં બલોચ એકતા આંદોલનાન નેતા અનવર ભાઈજાનને મધ્યસ્થ બનીને બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરાવવાની વિનંતી કરી.
અનવર ભાઈજાન લાલુના દીકરા પપ્પુની પત્નીના મામા હતા અને લ્યારીમાં તેમનું ઘણું માન હતું. જોકે, આ બધું નક્કી થતું હતું ત્યાં રહમાને અનવર ભાઈજાનનો જીવ લીધો.
રહેમાને તપાસકર્તા અધિકારીઓને જણાવ્યું હતું કે, 8મી જાન્યુઆરી, 2005ના રોજ અનવર ભાઈજાન એક દફનવિધિમાં હાજરી આપવા માટે મેવા શાહ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રહમાને કહ્યું હતું, “અનવર ભાઈજાન પપ્પુના સંબંધી હોવાથી તેઓ લાલુ ગૅંગ પ્રત્યે પક્ષપાત ધરાવતા હતા અને તેમની મધ્યસ્થી તટસ્થ નહોતી.”
આ હત્યાકાંડ બાદ મધ્યસ્થીના પ્રયાસો તાકીદના ધોરણે અટકાવી દેવામાં આવ્યા. આસિફ ઝરદારી પણ એમ કહીને ખસી ગયા કે રહમાને ખુદ મધ્યસ્થીની હત્યા કરી નાખી.
પોલીસ અધિકારીઓ અનુસાર, રહમાન શહેરના ઘણા મહત્ત્વના વ્યાવસાયિક વિસ્તારોનો લાંચખોરી માટે આવકના સ્રોત તરીકે ઉપયોગ કરતો હતો. ઉદાહરણ તરીકે, કરાચી બંદરમાંથી રવાના થતું અને કિમારીથી પસાર થનારું દરેક કન્ટેનર રહમાનના નેટવર્કને પૈસા ચૂકવ્યા વિના પસાર થઈ શકતું નહોતું.
આવકનો અન્ય એક સ્રોત હતો, ‘ગુટખા.’ રહમાનની ગૅંગે મોટા ભાગના ગુટખા ઉત્પાદકોને લ્યારીમાં ગેરકાયદે કારખાનાં ખોલવાં દીધાં અને આ ધંધા માટે પોલીસ સામે રક્ષણ પૂરું પાડવાના બદલામાં તેમની પાસેથી નાણાં વસૂલવાનું શરૂ કરી દીધું. એ પછી તો ગુટખા ડ્રગ્સ કરતાંયે વધારે નફાકારક ધંધો બની ગયો.
રહમાનની રૉબિનહૂડની છબિ
ઇમેજ સ્રોત, SMVP
ઘણા રાજકીય અને સરકારી લોકો સાથે વાત કરવાથી માલૂમ પડે છે કે, રહમાન એક તરફ શહેરના અન્ય વિસ્તારોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યો હતો, અને બીજી તરફ તે લ્યારીનો બેતાજ બાદશાહ બની ચૂક્યો હતો.
2002માં સુધીમાં લ્યારી અને આસપાસના વિસ્તારોમાં રહમાનનો પ્રભાવ એટલો વધી ગયો હતો કે, આ વિસ્તારોમાંથી પ્રાંતીય કે નૅશનલ ઍસૅમ્બ્લીનું સભ્ય કોણ બનશે અને કોણ ટાઉન નઝીમ બનશે, તેનો નિર્ણય તે લેતો હતો.
હવે તે પિપલ્સ શાંતિ કમિટીનો વડો હોવાથી ‘સરદાર અબ્દુલ રહમાન બલોચ’ તરીકે ઓળખાતો હતો.
ત્યાં સુધીમાં રહમાન લ્યારીનાં અમુક વર્તુળો માટે રૉબિનહૂડ જેવી પ્રતિભા બની ચૂક્યો હતો. હવે તેણે શાળા ખોલવી, હૉસ્પિટલનું નિર્માણ કરવું, વગેરે જેવાં રાજકીય દૃષ્ટિએ નફાકારક કાર્યો કરવાનું શરૂ કરી દીધું હતું.
રાજ્ય મંત્રીમંડળ સંબંધિત એક અમલદાર અનુસાર, જ્યારે રહમાને મલીર, બર્ન્સ રોડ, ગુલિસ્તાન-એ-જૌહર અને અન્ય આસપાસના ભાગોમાં શાંતિ કમિટીઓની સ્થાપના કરી, ત્યારે એમક્યુએમે આ પગલાને રાજકીય પડકાર તરીકે જોયું.
તો એમક્યુએમની સરકાર રહમાનને કચડવા માટે સક્રિય થઈ અને પાર્ટીમાં એ વિચાર પેદા થયો કે રહમાનને રોકવામાં આવે, જેથી રાજકીય ખતરો ટાળી શકાય.
સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, “પીપીપી નેતા અને તે સમયે આસિફ ઝરદારીના નિકટના સાથીએ સમગ્ર શહેરમાં સક્રિય થવાના રહમાનના પ્રયાસને ભાવિ રાજકીય લાભ તરીકે જોયો અને તેમણે તેને છૂપું સમર્થન આપવા માંડ્યું.”
આ અધિકારીઓ કહે છે કે, જ્યારે રહમાન એમક્યુએમનો રાજકીય ટાર્ગેટ બન્યો, ત્યારે એમક્યુએમે અજીબો-ગરીબ ચાલ અજમાવી અને તેની લશ્કરી પાંખે રહમાનના જૂના દુશ્મન અરશદ પપ્પુને ટેકો આપવાનું શરૂ કર્યું.
જોકે, એમક્યુએમ લંડન કો-ઑર્ડિનેશન કમિટીના કન્વીનર તથા લાંબા સમયથી અલ્તાફ હુસ્સૈનના જમણા હાથ રહેલા મુસ્તફા અઝીઝાબાદી લ્યારી ગૅંગવૉર કે રહમાન બલોચના મામલામાં એમક્યુએમની કોઈ પણ પ્રકારની સંડોવણીને રદિયો આપતા આવ્યા છે.
આ મામલે તેમણે કહ્યું હતું, “પાકિસ્તાનની રચના થઈ, તે પહેલાંથી આ ડ્રગ ડીલરો વચ્ચે પેઢીઓથી ચાલી આવતી દુશ્મનાવટ હતી. તેની સાથે અમારે કશી લેવા-દેવા નથી.”
પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના એક અધિકારીએ જણાવ્યું, “અરશદ પપ્પુએ રાજકીય સહાયથી સત્તા હાંસલ કરી અને રાજકીય બળોમાં અસંતોષ વ્યાપ્યો, તે સાથે લ્યારીમાં રહમાનનું સ્થાન ફરી એક વાર મજબૂત બની ગયું. પછી રહમાનને બલૂચિસ્તાન જવાનું સલામત લાગ્યું, પણ આ વખતે હબ જવાને બદલે તેણે ક્વેટાના સેટેલાઇટ ટાઉનમાં એક છૂપા સ્થળે શરણું લીધું.”
જ્યારે ઝરદારીના ફોને બચાવ્યો
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીને મળેલા અત્યંત ગોપનીય અહેવાલથી ખબર પડે છે કે 18મી જૂન, 2006ના રોજ મળેલી બાતમીના આધારે એસપી ચૌધરી અસલમની આગેવાની હેઠળ લ્યારી ટાસ્ક ફોર્સે ક્વેટાના સેટેલાઇટ ટાઉનમાં રહમાનના છૂપા સ્થળ પર ઓચિંતો છાપો મારી દીધો.
ધૂંરધંર ફિલ્મમાં ચૌધરી અસલમનું રોલ સંજય દત્તે નિભાવ્યો છે.
છાપો મારવા દરમિયાન ધરપકડથી બચવા માટે છાપરાં પરથી કૂદીને નાસવાના પ્રયાસમાં રહમાનનો પગ ભાંગી ગયો હતો.
એક સૂત્રના જણાવ્યા પ્રમાણે, “ઈજાગ્રસ્ત રહમાનની ધરપકડ થઈ, પણ આ ધરપકડ કદીયે સત્તાવાર રેકૉર્ડમાં નોંધવામાં ન આવી.”
રહમાનની વાત કરનાર રાજકારણીએ જણાવ્યું, “બની શકે કે ‘અથડામણ’ની નોબત આવત, પણ ત્યાં જ એક નાટકીય વાત થઈ અને ચૌધરી અસલમના ફોનમાં રિંગ વાગી.
આ માહિતી આપનાર રાજનેતાએ દાવો કર્યો હતો કે ચૌધરી અસલમે સ્વયં તેમની સમક્ષ કબૂલ્યું હતું કે, રહમાન જેવા ખતરનાક ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહીમાં તેઓ કદી તેમનો અંગત ફોન સાથે રાખતા નહોતા, કેમ કે અથડામણની સ્થિતિમાં કૉલર ડેટા રેકૉર્ડિંગ (સીડીઆર) કે જિઓ-ફેન્સિંગથી અદાલતમાં પુરવાર થઈ શકતું હતું કે ચૌધરી અસલમ એ સમયે ક્યાં હતા.
આ રાજનેતાએ જણાવ્યું હતું કે આથી ચૌધરી આવા સમયે એવો ફોન વાપરતા હતા, જેનો નંબર ત્રણ કે ચાર ટોચના અધિકારીઓ સિવાય કોઈની પાસે ન હતો.
તેમના અનુસાર, “ચૌધરી અસલમે રહમાનની (કદીયે જાહેર ન થયેલી) ધરપકડ સમયે તે જ ગુપ્ત ફોનનો ઉપયોગ કર્યો હતો અને તેઓ માત્ર ‘ટોચના’ અધિકારીઓના જ સંપર્કમાં હતા.”
તેમના અનુસાર, “ચૌધરી અસલમે મને કહ્યું હતું કે, તેમણે રહમાનને કસ્ટડીમાં લીધો, તે સાથે જ તેમના પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.”
“ચૌધરી અસલમે ફોન ઉઠાવ્યો, તો સામા છેડે… આસિફ ઝરદારી હતા. તેમને નવાઈ લાગી કે તેમનો આ ગુપ્ત નંબર ઝરદારીસાહેબને કેવી રીતે મળ્યો?”
ચૌધરી અસલમ અને આસિફ ઝરદારી વચ્ચેની વાતચીતના સાક્ષી રહેલા એક નેતાએ દાવો કર્યો હતો કે, “ઝરદારીસાહેબે ચૌધરી અસલમને કહ્યું હતું કે, “મારશો નહીં… કશું ખોટું ન કરશો… તમારી પાસે જે પણ કેસ હોય, તેને (કોર્ટમાં) રજૂ કરો… ઍન્કાઉન્ટર્સ ન કરશો.”
સિંધમાં તહેનાત એક ટોચના સરકારી અધિકારીનું કહેવું હતું, “આ સ્થિતિને પહોંચી વળવા માટે તાકીદે એવો નિર્ણય લેવાયો કે પોલીસ ગોળી નહીં છોડે અને રહમાનની ધરપકડ ચોપડામાં નોંધવામાં નહીં આવે. તેને કરાચી ખસેડવામાં આવશે, પણ તેની ધરપકડની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે નહીં.”
અન્ય એક ગોપનીય સરકારી દસ્તાવેજ પ્રમાણે, “આ પૂછપરછ પછી રહમાનને હવે ક્યાં રાખવો, એ મૂંઝવણ થઈ, કારણ કે તેની ધરપકડની જાહેરાત હજી સુધી કરવામાં આવી નહોતી. એ પછી, ચૌધરી અસલમની સલાહને પગલે ઉચ્ચ અધિકારીઓએ નક્કી કર્યું કે, રહમાનને થોડા દિવસ માટે લ્યારી ટાસ્ક ફોર્સના અધિકારી ઇન્સ્પેક્ટર નસીરૂલ હસનના ગાર્ડન પોલીસ લાઇન્સમાં આવેલા ઘરે રાખવો અને એ પછી તેને તત્કાલીન એસએચઓ કાલરી બહાઉદ્દીન બાબરના મેટ્રોવિલે વિસ્તારમાં આવેલા રહેઠાણના સ્થળે રાખવો.”
ઇન્સ્પેક્ટર નસીરના ઘરે રાખવામાં આવ્યા બાદ રહમાનને ઇન્સ્પેક્ટર બાબરના ઘરે લઈ જવાયો, પણ તે ઇન્સ્પેક્ટર બાબરના ઘરેથી હાથતાળી દઈને નાટ્યાત્મક રીતે નાસી છૂટ્યો. ગુપ્ત અહેવાલમાં રહમાન 20મી ઑગસ્ટ, 2006ના રોજ નાસી છૂટ્યો હોવાની નોંધ છે.
20મી ઑગસ્ટ, 2006ના રોજ રાતે પાંચ હથિયારધારી લોકોએ હુમલો કરીને રહમાનને છોડાવી લીધો.
રહમાનના ભાગી છૂટવાથી પોલીસ અને અન્ય સંસ્થાઓનાં ઉચ્ચ વર્તુળોમાં હડકંપ મચી ગયો. રહમાન ફરાર થતા એ વાત ફેલાવાઈ કે તે ‘પૈસા આપીને નાસી છૂટ્યો છે.’
ઇમેજ સ્રોત, AFP
રહમાનની કથાથી વાકેફ રાજકારણીઓ અને કેટલાક પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, “લશ્કરી અધિકારીઓને એવી આશંકા હતી કે, રહમાનના નાસી છૂટવામાં બાબરની મિલીભગત હોવી જોઈએ. જોકે, 31મી ડિસેમ્બર, 2013ના રોજ થયેલા એક હુમલામાં ઇન્સ્પેક્ટર બાબરે જાન ગુમાવતાં તેમની ભૂમિકા અંગે કોઈ ફોડ પાડી ન શકાયો.
નાસી છૂટ્યા પછી રહમાને ફરીથી લ્યારી પહોંચીને હત્યાઓ અને હિંસાનું બજાર ગરમ કરી દીધું. હવે રહમાન પીપીપી માટે પણ માથાનો દુખાવો બનવા માંડ્યો હતો.
મીડિયાના સંશોધન પરથી એ સ્પષ્ટ થાય છે કે, એક સમય એવો આવ્યો કે પીપીપીના ઉમેદવાર મલિક મુહમ્મદ ખાન તેમના રાજકીય ગઢ ગણાતા લ્યારીમાં ટાઉન નઝીમની ચૂંટણી હારી ગયા અને રહમાનનું પીઠબળ ધરાવતો અપક્ષ ઉમેદવાર જીતી ગયો.
2008માં પીપીપી સરકાર સત્તા પર આવી અને આસિફ ઝરદારી પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે રહમાનના પ્રભાવવાળા સ્થાનિક નેતાઓ અને પીપુલ્સ પાર્ટી વચ્ચે ખટપટ શરૂ થઈ, જેનાથી પીપુલ્સ પાર્ટી અને રહમાન વચ્ચે વિવાદ થયો.
રહમાન પ્રત્યેની પીપીપીની આ આખરી નારાજગી સમગ્ર ‘સિસ્ટમ’માં નોંધાઈ ગઈ. પછી એક દિવસ સિંધના તત્કાલીન પ્રાંતીય ગૃહમંત્રી અને આસિફ ઝરદારીના નિકટવર્તી ઝુલ્ફીકાર મિર્ઝાએ સિંધના ગવર્નર ડૉક્ટર ઈશરતુલ ઈબાદનો સંપર્ક સાધ્યો.
ડૉક્ટર ઈશરત-ઉલ-ઈબાદે કહ્યું કે, ઝુલ્ફીકાર મિર્ઝાએ કહ્યું હતું કે, લ્યારીનો મામલો હવે ગંભીર થઈ ગયો છે, હત્યાઓ અને તોડફોડ વધી રહ્યાં છે અને સરકારે પોલીસને લ્યારીનાં લડાઈ કરી રહેલાં જૂથો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપવો જોઈએ.”
ભૂતપૂર્વ ગવર્નરે જણાવ્યું હતું, “મેં ડૉક્ટરસાહેબને કહ્યું કે, તમે પ્રાંતીય ગૃહમંત્રી છો. તમારે આદેશ જારી કરવો જોઈએ. તેના આધારે જ પોલીસને તાકીદ કરી શકાશે. બાદમાં ઝુલ્ફીકાર મિર્ઝા દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો કે માત્ર લ્યારીમાં જ નહીં, બલકે સમગ્ર પ્રાંતમાં કાયદો અને વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવામાં આવે અને કાર્યવાહી ઝડપી કરવામાં આવે.”
પોલીસે રહમાનને કેવી રીતે પકડ્યો?
ઇમેજ સ્રોત, Getty Images
હવે રહમાન પર ત્રણેય બાજુથી ઘેરાઈ ગયો. એક તરફ એમક્યુએમ ‘રંગદારી ભથ્થાં’ અને રાજકીય પકડથી નારાજ હતી. બીજી તરફ પીપુલ્સ પાર્ટી પણ નારાજ હતી.
ત્રીજી બાજુ રહમાનના નાસી છૂટવાથી અને ભાગવા માટે તેણે પોલીસને પૈસા ચૂકવ્યા હોવાની કરેલી જાહેરાતથી, ખાસ કરીને ચૌધરી અસલમ અને સમગ્ર પોલીસ બેડામાં રોષ હતો.
તમામ બાજુએથી ભભૂકી રહેલા આ ક્રોધની રહમાને ઘણી આકરી કિંમત ચૂકવવી પડી.
નેતાએ કહ્યું હતું કે જોખમીના આવા સમયે ઘરે જવાની અદમ્ય ઇચ્છા વચ્ચે 8મી ઑગસ્ટ, 2009ના રોજ રહમાને તેના નજીકના અને વિશ્વાસુ સાથીઓને બોલાવીને કહ્યું કે, હાલમાં આવનજાવન થોડા સમય માટે સીમિત કરી દેવી પડશે અને ‘અત્યંત જરૂર હોય, તો આવવા-જવા માટે કારને બદલે મોટરસાઇકલ જેવા વાહનનો ઉપયોગ કરવો.’
“આ બાજુ રહમાનની શોધમાં સક્રિય ચૌધરી અસલમ એક બાતમીદાર સુધી પહોંચ્યા. નવમી ઑગસ્ટ, 2009ના રોજ રહમાને બલૂચિસ્તાન જવાની કોશિશ કરી તો ચૌધરી અસલમના બાતમીદાર પાસેથી રહમાન કરાચીથી નીકળવાની તૈયારીની ખબર પડી.”
આ નેતા અનુસાર, રહમાન અને તેના ત્રણ અંગત સાથીદારો અકીલ બલોચ, નઝીર બલોચ અને ઔરંગઝેબ બલોચ મોટરસાઇકલ પર પુરાના ગોલીબાર પહોંચ્યા, જ્યાંથી એક ગાડીમાં બધા બલૂચિસ્તાનના મંદ વિસ્તાર તરફ રવાના થયા.
રાજકારણીના દાવા પ્રમાણે, “ચૌધરી અસલમને બાતમીદાર પાસેથી માહિતી મળી, ત્યાં સુધીમાં રહમાન કરાચીની સરહદ વટાવી ગયો હતો. હવે અસલમ અને તેમની ટીમના સભ્યો રહમાનની શોધમાં નીકળી પડ્યા.”
જોકે રહમાન તેના સાગરિતો સાથે ઘણો આગળ નીકળી ગયો હોવાથી અસલમને ગુપ્તચર સંસ્થાઓ પરત ફરી જવાની સલાહ આપી. ચૌધરી અસલમ અને તેમની ટીમ પરત ફરતી વખતે ગદાની અને વિંદરની વચ્ચે પહોંચી, ત્યારે રહમાન અને તેના સાગરિતો ફરી એક વખત કવરેજ એરિયામાં આવ્યા અને ફોન મનિટરે તેમને ટ્રેક કર્યા.
બન્યું એવું કે રહમાનના સાથી નઝીર બલોચે પોતે ઘરે આવી રહ્યો હોવાની જાણ કરવા તેની પત્નીને ફોન કર્યો હતો અને પોતાનું મનપસંદ ભોજન બનાવવા કહ્યું હતું. તેની આ ફરમાઇશ મુસીબત નોતરનારી બની રહી.
નઝીર બલોચની પત્નીએ રહમાન સાથે કારમાં આવી રહેલા એક સાથીની પત્નીને પણ ફોન કરીને કહ્યું, “મહેમાન (રહમાન અને તેના સાથીઓ) આવી રહ્યા છે અને તેમણે તેમનું મનપસંદ ભોજન આરોગવાની ઇચ્છા વ્યક્ત કરી છે.”
રાજકારણીએ જણાવ્યા પ્રમાણે, ચૌધરી અસલમને જાણ કરવામાં આવી કે રહમાન અને તેના સાથીઓ આવી રહ્યા છે અને તેમનો પીછો કરવો જોઈએ.
ચૌધરી અને તેની ટીમ ઝીરો પૉઇન્ટ તરીકે ઓળખાતા સ્થળે પહોંચી, જ્યાંથી એક રોડ ગ્વાદર કોસ્ટલ હાઈવે તરફ જાય છે અને બીજો ક્વેટા તરફ ફંટાય છે.
ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ ત્રિભેટે ઊભી રહી, જેથી રહમાન અને તેના સાથીઓ કોઈ પણ સ્થળેથી આવે, તો પણ તેમનો ભેટો થઈ જાય, અને આવું જ થયું.
આખરે, રહમાન અને તેના સાથીઓ કાળી ટોયોટામાં આવતા દેખાયા.
રાજકારણીએ મને જણાવ્યું હતું, “ત્યાં સુધીમાં અસલમની ટીમના કેટલાક સભ્યોએ પોલીસનાં યુનિફૉર્મ્સને બદલે કોસ્ટ ગાર્ડ્ઝનાં યુનિફૉર્મ્સ ધારણ કરી લીધાં હતાં, જેથી રહમાન અને તેના સાથીઓ કરાચી પોલીસને જોઈને હરકતમાં ન આવી જાય અને અણધાર્યા જ ઝડપાઈ જાય.”
ચૌધરી રહમાન તો જોઈ રહ્યા હતા કે રહમાન આવી ગયો છે, પણ રહમાનને અંદાજ ન આવ્યો કે પોતે અસલમની ટીમથી ઘેરાઈ ગયો છે. જ્યારે ગાડી રોકવામાં આવી તો રહમાનના સાથીઓ કોઈ વિરોધ પણ ન કર્યો.
તેમનાં ઓળખપત્રો માગવામાં આવ્યાં, ત્યારે રહમાને જે નકલી ઓળખકાર્ડ બતાવ્યું, તેમાં તેનું નામ શોએબ લખ્યું હતું, પણ ત્યાં કોસ્ટ ગાર્ડના યુનિફૉર્મમાં સજ્જ પોલીસ અધિકારીઓએ રહમાનને કારમાં બેઠેલા કર્નલ પાસે જઈને તેનું કાર્ડ બતાવવા કહ્યું.
કારમાં ચૌધરી અસલમ હતા અને રહમાને જેવો રંગીન વિગોનો દરવાજો ખોલ્યો, તે સાથે તેની સામે ચૌધરી અસલમ હતા. રહમાનના દિમાગમાં ત્યાંથી ભાગી છૂટવાનો વિચાર આવે, તે પહેલાં તેની પાછળ ઊભેલા પોલીસ અધિકારી મલિક આદિલે તેને કારમાં ધકેલી દીધો અને પોતે પણ ગાડીમાં બેસી ગયા.
રાજકારણીના જણાવ્યા પ્રમાણે, સંભવિત પોલીસ ઍૅન્કાઉન્ટરની સ્થિતિમાં નજર સામે મોત દેખાતાં રહમાને અસલમને ઑફર કરી કે કંઈ લેવડદેવડથી કામ પતી જશે. જોકે અસલમે કહ્યું કે, “કશું ન લીધું હોવા છતાં મને એટલો બદનામ કર્યો કે મારે ગુપ્તચર સંસ્થાઓ દ્વારા તપાસનો સામનો કરવો પડ્યો, તો હવે જો હું કશું લઈશ, તો શું કરશે.”
રાજનેતાએ દાવો કર્યો હતો, “ઝીરો પૉઇન્ટથી તે તમામને નૅશનલ હાઈવે સ્ટીલ ટાઉન લઈ જવાયા અને નૉર્ધર્ન બાયપાસથી કાફલો તેમને લઈને લિંક રોડ પહોંચ્યો. ત્યાં પોલીસ ઍન્કાઉન્ટરમાં રહમાન અને તેના ત્રણ સાગરિતોને ઠાર કરવામાં આવ્યા.”
તેમના આ દાવાની ખાનગી વાતચીતમાં ઘણા અધિકારીઓએ પુષ્ટિ કરી હતી, પણ ઑન રેકૉર્ડ રહમાન ડકૈતના મોત અંગે કરાચી પોલીસની સત્તાવાર જાહેરાત 10મી ઑગસ્ટ, 2009ના રોજ તમામ અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
અંગ્રેજી અખબાર ‘ડૉન’ અને ‘ધી નેશને’ સત્તાવાર નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે, કરાચી પોલીસે જણાવ્યું હતું કે, રહમાન ડકૈત અને તેના ત્રણ સાગરિતોનાં પોલીસ અથડામણમાં માર્યા ગયા છે.
સત્તાવાર નિવેદન અનુસાર, પોલીસે રહમાન ડકૈતની કારને અટકાવવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે શકમંદો ભાગવા લાગ્યા, ત્યારે પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી.
પોલીસ ઍન્કાઉન્ટર પર સવાલ

પ્રેસ રિલીઝ અનુસાર, “રહમાન ખંડણી માટે અપહરણ તથા હત્યાના 80 કરતાં વધુ કેસોમાં વૉન્ટેડ હતો.”
કરાચી પોલીસના વડા વસીમ અહમદે પણ પત્રકારોને જણાવ્યું હતું કે, તેનું મોત કરાચી પોલીસ માટે મોટી સિદ્ધિ સમાન હતું.
સિંધના ભૂતપૂર્વ ગવર્નર ડૉક્ટર ઈશરત-ઉલ ઈબાદે પણ કહ્યું હતું કે, આ એક ‘અસલી’ પોલીસ ઍન્કાઉન્ટર હતું.
“જોકે આ ઑપરેશન ચૌધરી અસલમે પાર પાડ્યું હોવાથી કેટલાક ભાગ શંકા ઉપજાવનારા હોઈ શકે છે, પણ આ ચોક્કસ કેસમાં નકલી ઍન્કાઉન્ટર થયું હોવાનું ન કહી શકાય. આ કિસ્સામાં સંભવ નથી કે તેને ઘરમાંથી બહાર કાઢીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોય.”
અદાલતમાં આ પોલીસ ઍન્કાઉન્ટરને પડકારવામાં આવ્યું. ‘ડૉને’ 14મી ઑક્ટોબર, 2009ના તેના અંકમાં નોંધ્યું કે, રહમાનની વિધવા ફરઝાનાએ તેના વકીલો અબ્દુલ મુજીબ પીરઝાદા તથા સૈયદ ખાલીદ શાહ મારફત સિંધ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સરમદ જલાલ ઉસ્માનીની અદાલતમાં એવી અરજી દાખલ કરી હતી કે, તેના પતિની નકલી ઍન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવી હતી.
અદાલતે કરાચી પ્રાંતીય આંતરિક સચિવ, કરાચી પોલીસ અને સિંધ પોલીસના વડાઓને કોર્ટમાં હાજર થવા સમન બજાવ્યું, પણ રહમાનના પરિવારના નિકટના સૂત્રોનું કહેવું છે કે, તેઓ હજુયે કેસનો ચુકાદો આવવાની રાહ જોઈ રહ્યા છે.
એવું લાગે છે કે રહમાન ડકૈત રાજકીય વિરોધ અને સિસ્ટમની નારાજગીને કારણે માર્યો ગયો તો સિસ્ટમ તેની સામે કેમ નારાજ હતી?
લ્યારીમાં ઉર્દૂ આર્ટ્સ યુનિવર્સિટી ખાતે પત્રકારત્વ વિભાગના ભૂતપૂર્વ હેડ પ્રોફેસર (નિવૃત્ત) તૌસીફ અહેમદ જણાવે છે, “લ્યારી ગૅંગવૉર પાછળનું સત્ય અલગ જ હતું. લ્યારીમાં જે હત્યાઓ થઈ, તેનો ઉકેલ અહીં નહીં મળે. તેનો ઉકેલ શોધવા માટે તમારે બલૂચિસ્તાન જવું પડશે.”
પ્રોફેસર તૌસીફ અહમદ એવો તર્ક રજૂ કરે છે કે, બલૂચિસ્તાન રાષ્ટ્રવાદી ચળવળને લ્યારીથી અળગી રાખવા માટે રાજ્ય અને તેની સંસ્થાઓએ આ પ્રદેશમાંથી ગુનાખોરી દૂર કરવાને બદલે હંમેશાં અપરાધને રાજકારણ પર હાવી થવા દીધો છે.
તેઓ આગળ જણાવે છે, “જ્યારે 1973માં બલૂચિસ્તાનમાં લશ્કરી કાર્યવાહી શરૂ થઈ, ત્યારે એવો ભય સતાવી રહ્યો હતો કે, લ્યારી બલોચ પ્રતિકાર આંદોલનનું કેન્દ્ર બની જશે. આથી, લ્યારીને અળગું રાખવા માટે રાજ્યના અમલદારોએ તેને ગુનાખોરીનો અડ્ડો બનાવી દીધું.”
પ્રોફેસરના જણાવ્યા પ્રમાણે, “આર્મીએ લ્યારીને ગૅંગવૉરના ખપ્પરમાં હોમાઈ જવા દીધું અને પીપીપીએ પણ તેમાં ભાગ લીધો હતો. પીપીપી લ્યારીનું રાજનૈતિક વારસદાર હતું. તેમણે સંઘર્ષનો માર્ગ ન અપનાવ્યો. તેમણે સરળ માર્ગ અપનાવ્યો. તેમણે જુદા-જુદા તબક્કે અહીંના ગૅંગસ્ટરોને રક્ષણ પૂરું પાડ્યું.”
જે પણ હોય, ચાહે સરદાર અબ્દુલ રહમાન બલોચ હોય કે પછી રહમાન ડકૈત હોય, એક વાત નક્કી છે કે, તેનો જનાજો લ્યારીના ઇતિહાસની સૌથી મોટી અંતિમ ક્રિયાઓ પૈકીનો એક હતો.
રહમાન ડકૈતને મારી નાખવામાં આવ્યો અને તેના પાંચ વર્ષ પછી જાન્યુઆરી, 2014માં ચૌધરી અસલમ ખુદ પણ આતંકવાદનો શિકાર બની ગયા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







