Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, ગાંધીનગરે તાજેતરમાં ધો. 12 સાયન્સ, કૉમર્સ અને વિનયન પ્રવાહ ઉપરાંત ગુજસેટની પરીક્ષાનાં પરિણામ જાહેર કર્યાં છે.
આ સાથે જ અલગ-અલગ શૈક્ષણિક પ્રવાહોમાં પ્રવેશ માટે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. ભાવિ કૅરિયર અંગે ન કેવળ વિદ્યાર્થીઓ, પરંતુ વાલીઓ પણ ચિંતિત જણાતા હોય છે.

ધો. 12 પછી વિદ્યાર્થીઓ સામાન્ય રીતે કૉલેજમાં પ્રવેશ મેળવે છે અને ત્રણ વર્ષ બાદ સ્નાતકની ડિગ્રી મેળવે છે.
જોકે, ઝડપભેર બદલાતી જતી ટેકનૉલૉજી અને બજારની માગમાં વિદ્યાર્થી માત્ર પાઠ્યક્રમનું શિક્ષણ મેળવે તે પૂરતું નથી, પરંતુ તેની સાથે-સાથે આનુષંગિક વિષયોમાં કૌશલ્ય કેળવે તો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રોજગારની તકો વધી જતી હોય છે.
અહીં ધો. 12 સામાન્ય પ્રવાહ પછી કેવા કોર્સ થઈ શકે છે, તેના વિકલ્પો ઉપર પ્રકાશ પાડ્યો છે.

જામનગરસ્થિત ડૉ. ભરતેશ શાહ છેલ્લા ત્રણ દાયકાથી શિક્ષણ તથા કૅરિયર કાઉન્સેલિંગ સાથે જોડાયેલા છે. તેમના જણાવ્યા પ્રમાણે, “ધો. 12 કૉમર્સ પછી થતાં અલગ-અલગ કોર્સને મહદંશે જૂના અને નવા એમ બે ભાગમાં વહેંચી શકાય. પરંપરાગત અભ્યાસક્રમોમાં બી.કૉમ., બી.બી.એ. અને બી.સી.એ.નો સમાવેશ થાય છે.”
“છેલ્લાં કેટલાંક વર્ષથી આઈએમબીએ તથા આઈએલએલબી જેવા વિકલ્પ મળે છે. આ પ્રકારના ઇન્ટિગ્રૅટેડ કોર્સ પૂર્ણ કર્યે વિદ્યાર્થીને સીધી જ એમબીએ કે એલએલબીની ડિગ્રી મળે છે.”
વિદ્યાર્થી માત્ર પરંપરાગત કોર્સ કરીને બજારને અનુરૂપ બની ન શકે, આની સાથે તેણે બીજા કોર્સ કે સર્ટિફિકેશન કરવા જોઈએ એવી સલાહ ડૉ. ભરતેશ શાહ આપે છે. તેઓ કહે છે :
“કૉમર્સના વિદ્યાર્થી પોતાના નિયમિત અભ્યાસની સાથે સી.એ. (ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ) કે સી.એસ.નો (કંપની સેક્રેટરી) અભ્યાસ કરી શકે છે. આ સિવાય બી.કૉમ. કરનાર વિદ્યાર્થીને એકાઉન્ટ્સનું જ્ઞાન તો મળશે,પરંતુ સાથે-સાથે કમ્પ્યૂટર, હ્યુમન રિસૉર્સ, મૅનેજમેન્ટ કે ટેલીના સર્ટિફિકેશન કોર્સ કરી લેવા જોઈએ.”
“મૅનેજમેન્ટના વિદ્યાર્થીએ નિયમિત અભ્યાસની સાથે કમ્પ્યૂટર, હ્યુમન રિસૉર્સ, ટેલી કે ઍકાઉન્ટનું જ્ઞાન લેવું જોઈએ. સામાન્ય ઉમેદવારની સરખામણીમાં મલ્ટી ટાસ્કર અને મલ્ટી ટૅલેન્ટેડ કૅન્ડિડેટને પ્રાથમિકતા મળે છે.”
ડૉ. ભરતેશ શાહ ઉમેરે છે, “છેલ્લાં કેટલાંક વર્ષોથી એસીસીએ, સીએફએ તથા બી.વોક. જેવા કોર્સ પ્રત્યે વિદ્યાર્થીઓનું આકર્ષણ વધ્યું છે. જે વિદ્યાર્થીને અભ્યાસ બાદ તરત જ નોકરીની જરૂર હોય તેવા વિદ્યાર્થીઓ બી.વોક. પસંદ કરે છે.”
આ સિવાય બી.સી.એ કરવાનો વિકલ્પ પણ વિદ્યાર્થી પાસે રહે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાની વિઝાનીતિ કે એ.આઈ.ને કારણે આ ક્ષેત્રની સંભાવનાઓ ઝાંખી થઈ છે. એવામાં વિદ્યાર્થી ત્રણ કે પાંચ વર્ષ પછી બહાર નીકળે, ત્યારે બજારમાં સંભાવનાઓ કેવી રહે ?
આ સવાલના જવાબમાં ડૉ. ભરતેશ શાહ કહે છે, “જો અમેરિકામાં કૅરિયર બનાવવાની ગણતરીથી કોઈ વિદ્યાર્થી આઈટીનો અભ્યાસ કરે, તો હતાશા થવાની શક્યતા રહે, પરંતુ જો તેમની પુના-બેંગ્લુરુ કે હૈદરાબાદ જવાની તૈયારી હોય તો તે ભારતમાં જ સારી કારકિર્દી ઘડી શકે છે.”
“વિદ્યાર્થીએ અભ્યાસકાળથી જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ કે ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવા વિકસતા જતા ક્ષેત્રે કૌશલ્ય કેળવવું જોઈએ. વિશ્વનાં મોટાં અર્થતંત્રોમાં ભારત સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે અને ભારતમાં એ.આઈ. ક્ષેત્રની હજુ શરૂઆત જ થઈ રહી છે.”

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરીની તકો અને જરૂરિયાત અથવા તો રૂઢિગત માન્યતાને કારણે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અભ્યાસક્રમની પસંદગીમાં તફાવત જોવા મળે છે.
ડૉ. ભરતેશ શાહ કહે છે, “વિજ્ઞાન પ્રવાહમાં ‘A’ ગ્રૂપ પ્રત્યે વિદ્યાર્થિનીઓમાં ઓછું આકર્ષણ હોય છે એવું મહદંશે સામાન્ય પ્રવાહમાં નથી. આમ છતાં ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કે ડાયમંડ ડિઝાઇનિંગ જેવા સર્જનાત્મક ક્ષેત્રે વિદ્યાર્થિનીઓમાં આકર્ષણ જોવા મળે છે. આ સિવાય કૉર્પોરેટ જોબલક્ષી આઈટી કોર્સો પણ વિદ્યાર્થિનીઓ પસંદ કરે છે.”
ડૉ. ભરતેશ શાહ ઉમેરે છે કે અમુક કોર્સના સૂચન રૂપરેખારૂપ છે અને અલગ-અલગ યુનિવર્સિટીમાં જુદાં-જુદાં નામોથી ઑફર થતાં હોય એવું બની શકે.

અમદાવાદસ્થિત કૅરિયર કાઉન્સેલર ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાયના કહેવા પ્રમાણે, “અભ્યાસક્રમ પસંદ કરતી વખતે વિદ્યાર્થીઓએ પોતાના રસ અને ક્ષમતાને પણ ધ્યાને લેવા જોઈએ. જો અભ્યાસક્રમ ખર્ચાળ હોય તો માતા-પિતાની આર્થિકક્ષમતા પણ મહત્ત્વપૂર્ણ બની જતી હોય છે.”
“હોટલ મૅનેજમેન્ટ, લૉજિસ્ટિક્સ, ઇન્ટરનૅશનલ બિઝનેસ, બિઝનેસ ઍનાલિટિક્સ, રિટેઇલ મૅનેજમેન્ટ, ફાઇનાન્સિયલ સર્વિસ, સ્પૉર્ટ્સ મૅનેજમેન્ટ, ઇવેન્ટ મૅનેજમેન્ટ, હૉસ્પિટલ મૅનેજમેન્ટ તથા સપ્લાય ચેઇન મૅનેજમેન્ટ જેવા વિષયની સાથે બી.બી.એ. કરવા અંગે વિચાર કરી શકે છે.”
“કૉમર્સ સ્ટ્રીમનો વિદ્યાર્થી સી.એ. કે સી.એસ. જેવા અભ્યાસક્રમની પસંદગી કરે ત્યારે તેણે અભ્યાસ દરમિયાન અને પછી પણ સતત મહેનત કરવાની તૈયારી રાખવી પડે. સમયાંતરે બદલાતા કાયદા, નીતિ નિયમો અને બજાર વિશે માહિતી રાખવી જરૂરી નહીં, પરંતુ અનિવાર્ય બની રહે.”
“બેચલર્સ ઉપરાંત કોઈ સ્પેશિયલ સબજેક્ટ સાથે આઠ સેમેસ્ટરનું ઑનર્સ પણ કરી શકે છે.”
12 કૉમર્સ પછી માત્ર સ્નાતક જ નહીં પરંતુ ઑનલાઇન, હાઇબ્રીડ, સર્ટિફિકેટ કે ડિપ્લોમા કોર્સ અંગે પણ વિદ્યાર્થી વિચાર કરી શકે છે.
ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય કહે છે, “સ્નાતક સિવાય રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટી કે ઓપન યુનિવર્સિટીના ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ કરવા અંગે પણ વિદ્યાર્થી વિચારી શકે છે.”
” NCVT કે GCVTની પેટર્ન પર ITIના રોજગારલક્ષી અભ્યાસક્રમો ; જાણીતી ઇન્સ્ટિટ્યૂટ્સના ઑનલાઇન કે હાઇબ્રીડ (જેમાં ઑનલાઇનની સાથે અમુક વર્ગ રૂબરૂમાં લેવાય છે) અભ્યાસક્રમોને ધ્યાને લઈ શકે છે.”
ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય સમય સાથે તાલ મિલાવતા બી.એસસી. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઍન્ડ મશીન લર્નિંગ), બી.એસસી. (સાયબર સિક્યૉરિટી), બી.એસસી. (ડેટા સાયન્સ), બી.એસસી. (ફૉરેન્સિક સાયન્સ), બી.એ. (ફૉરેન લૅંગ્વેજ), બી.એ. (સિક્યૉરિટી મૅનેજમેન્ટ) તથા બેચરલ ઑફ જર્નાલિઝમ ઍન્ડ માસ કૉમ્યુનિકેશન જેવા વિકલ્પો પણ સૂચવે છે.

ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય અખબારોમાં આવતી ઍડ્મિશનની જાહેરાતો તથા તેને લગતા સમાચારોને વાચવાની અને જો કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવાની ઇચ્છા હોય તો તેની વેબસાઇટની નિયમિત મુલાકાત લેવાની ; ઍડ્મિશન પ્રક્રિયા માટે જરૂરી સર્ટિફિકેટ્સ તથા ડૉક્યુમેન્ટ્સના ઑરિજિનલ, નકલ તથા સૉફ્ટ કૉપી તૈયાર રાખવાની ભલામણ કરે છે.
ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય કોર્સ પસંદ કર્યા બાદ અને કૉલેજમાં પ્રવેશ મેળવતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની ભલામણ કરે છે, જેમ કે :
- કૉલેજની વૅબસાઇટ વિઝિટ કરીને તથા અન્યત્રથી તેના વિશે શક્ય તમામ માહિતી મેળવો
- જે કૉલેજમાં ઍડ્મિશન મળ્યું હોય અથવા પ્રવેશ મળે તેમ હોય તેની રૂબરૂ મુલાકાત લો
- જો વ્યવહારુ કારણોસર રૂબરૂ મુલાકાત શક્ય ન હોય તો ત્યાંથી અભ્યાસ કરનારા પૂર્વ વિદ્યાર્થીઓનો સંપર્ક કરો તથા શિક્ષકોનું માર્ગદર્શન લો
- કૉલેજ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ, ટ્રાન્સપૉર્ટેશન કૅન્ટિન અને ફી સહિતની માહિતી મેળવી લો
- જો નજીકની સારી કૉલેજમાં ઍડમિશન મળે તો તે વધુ સારું, જેથી કરીને ઘરે રહીને અભ્યાસ થઈ શકે. તેનાથી સમય અને નાણાની બચત થશે
ડૉ. ઉપાધ્યાય ઉમેરે છે કે ઉપરોક્ત સૂચનો કૉમર્સ જ નહીં, તમામ પ્રવાહના વિદ્યાર્થીઓએ ધ્યાને લેવા જોઈએ.


તા. 27મી ફેબ્રુઆરીથી 17મી માર્ચ દરમિયાન ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ લેવાઈ હતી, જેનું 93.07 ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત બોર્ડ દ્વારા ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી, ઉર્દૂ ઉપરાંત ઉડિયા ભાષામાં સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવે છે. સામાન્યતઃ સૌથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાં હોય છે. સંખ્યાની દૃષ્ટિએ એ પછી અનુક્રમે અંગ્રેજી, હિંદી, મરાઠી, ઉર્દૂ અને ઉડિયા માધ્યમના વિદ્યાર્થીઓ હોય છે.
સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના જ્ઞાનને પર્સેન્ટાઇલ રૅન્કથી મૂલવવામાં આવે છે. જે મુજબ 99.98, 96, 94, 92, 90, 85, 80, 75, 70, 65, 60, 50, 40, 30, 20 અને 00 એમ અલગ-અલગ સમૂહમાં વિભાજિત કરવામાં આવે છે.
વર્ષ 2025ના પરિણામો દરમિયાન ત્રણ હજાર 924 વિદ્યાર્થીઓને 99.01 કે તેથી વધુ પર્સેન્ટાઇલ રૅન્ક મળ્યા હતા.

વિદ્યાર્થીએ કુલ જેટલા માર્ક્સ મેળવ્યા હોય, તેનો વિષયની સંખ્યા વડે ભાગાકાર કરવાથી જે આંક આવે તે ‘ટકાવારી’ અને આ રીતે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું. જોકે, પર્સેન્ટાઇલ રેન્કિંગમાં વિદ્યાર્થીઓને સાપેક્ષ મૂલવણી થાય છે.
આ સાપેક્ષતા વિદ્યાર્થીઓના મોટા સમૂહની જુદા-જુદા સમયકાળ દરમિયાન સરખામણી કરવાનું વ્યાજબી સાધન બની રહે છે.
ગુજરાત સરકારની પરિણામ પુસ્તિકામાં પર્સેન્ટાઇલ માટેની ફૉર્મ્યુલા આપવામાં આવી છે. કોઈ મૂલ્યાંકનમાં ‘X’ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી આખા સમૂહમાં અન્ય વિદ્યાર્થીઓ કરતાં કેટલો આગળ છે, તેની સરખામણી 100ના સ્કેલ ઉપર કરવામાં આવે છે. તેની ફૉર્મ્યુલા: L/N x 100 છે.
જે મુજબ, જે વિદ્યાર્થીઓ પર ગુણસંખ્યા કાઢવાની હોય તે X છે. L= શૂન્યથી લઈને વિદ્યાર્થીએ મેળવેલા ગુણ કરતાં એક ઓછો માર્ક મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા તથા N = કુલ વિદ્યાર્થીની સંખ્યા છે.
ગુજરાતમાં કુલ ત્રણ લાખ 62 હજાર 506 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ત્રણ લાખ 37 હજાર 387 ઉત્તીર્ણય થયા હતા. આમ 93.07 ટકા પરિણામ આવ્યું છે, ગત વર્ષે 91.93 ટકા વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા. રાજ્યમાં 90.78 ટકા છોકરા અને 95.23 ટકા છોકરીઓ પાસ થઈ છે.
ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને પરિણામસુધારની તક મળે તે માટે પૂરક પરીક્ષા યોજાશે અને ‘બેસ્ટ ઑફ ટુ’નો (બે માંથી જે પરિણામ શ્રેષ્ઠ હોય) લાભ મળશે.
સપ્રેડા, વાંગધ્રા, ચંદ્રાલા, છાલા, લિંબોદ્રા તથા મીઠાપુર કેન્દ્રનું પરિણામ 100 ટકા આવ્યું છે. ગત વર્ષે છાલા કેન્દ્ર (99.61 ટકા) સૌથી વધુ પરિણામ મેળવનારું કેન્દ્ર હતું.
સૌથી ઓછું પરિણામ ખાવડા કેન્દ્ર (52.56 ટકા) આવ્યું છે. ગત વર્ષે પણ ખાવડા કેન્દ્રનું (51.11 ટકા) પરિણામ સૌથી નીચું રહ્યું હતું.
રાજ્યની 2005 શાળાઓનું પરિણામ 100 ટકા રહ્યું હતું, જ્યારે 21 શાળામાં 10 ટકા કરતાં ઓછા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS