Home તાજા સમાચાર gujrati નાગાલૅન્ડથી ઑસ્કરના માર્ગ સુધી : વૈશ્વિક સિનેમામાં ભાગ્યે જ જોવા મળતી દુનિયાને...

નાગાલૅન્ડથી ઑસ્કરના માર્ગ સુધી : વૈશ્વિક સિનેમામાં ભાગ્યે જ જોવા મળતી દુનિયાને રજૂ કરતી ભારતીય ફિલ્મ

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

‘અંગ’ની વાત જ કંઈક એવી છે, જે અણધારી હોવા છતાં ગમે એવી લાગે છે.

આ ફિલ્મ ભારતના ઉત્તર-પૂર્વ છેડે આવેલા 20 લાખથી પણ ઓછી વસ્તી ધરાવતા પહાડી રાજ્ય નાગાલૅન્ડમાંથી આવે છે. ફિલ્મની ભાષા કોન્યાક છે. આ એક આદિવાસી ભાષા, જે વિદેશના દર્શકોની તો વાત છોડો, ભારતના મોટા ભાગના લોકો માટે પણ અજાણી છે.

દિગ્દર્શક તેજા રિયો માટે આ પહેલી ફીચર ફિલ્મ હતી અને ફિલ્મના મોટા ભાગના કલાકારોએ પહેલી વાર કૅમેરાનો સામનો કર્યો હતો.

અને છતાં, આ મહિને ટોરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફૅસ્ટિવલમાં આ શાંત ફિલ્મે પ્લૅટફૉર્મ પ્રાઇઝ જીતી લીધું. આ એક મોટો જ્યૂરી ઍવૉર્ડ છે.

આ પુરસ્કાર એવી ફિલ્મોને આપવામાં આવે છે, જેમાં દિગ્દર્શકની આગવી અને વિશિષ્ટ શૈલી જોવા મળે. જ્યૂરીએ રિયોના ‘તાજગીભર્યા દૃષ્ટિકોણ’ની અને આંતરરાષ્ટ્રીય પડદા પર ભાગ્યે જ જોવા મળતી દુનિયાને ફિલ્મમાં રજૂ કરવા બદલ પ્રશંસા કરી.

આ જીતને કારણે ‘અંગ’ માટે 2027ના ઑસ્કર સુધી પહોંચવાનો એક અસામાન્ય માર્ગ પણ ખૂલ્યો છે. નવા નિયમો મુજબ, છ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફૅસ્ટિવલમાં નિર્ધારિત પુરસ્કાર જીતનારી ફિલ્મો ‘ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ’ કૅટેગરીમાં વિચારણા માટે પાત્ર બની શકે છે. આ માટે તે ફિલ્મને તેમના દેશ તરફથી સત્તાવાર રીતે ઑસ્કર માટે મોકલવામાં આવેલી હોય એ જરૂરી નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે ભારતનાં સૌથી નાનાં રાજ્યોમાંના એક નાગાલૅન્ડમાંથી આવેલી કોન્યાક ભાષાની ફિલ્મ હવે વૈશ્વિક ચર્ચામાં સામેલ થઈ ગઈ છે. આવી વાર્તાઓ અત્યાર સુધી વૈશ્વિક સ્તરે લગભગ ગેરહાજર રહી છે.

રિયોને પોતાને પણ આ બધું હજી થોડું અણધાર્યું લાગે છે. અમે દિલ્હીમાં વાત કરીએ છીએ ત્યારે તેની જીતને માંડ 72 કલાક થયા છે. ટોરોન્ટો, ફ્લાઇટ્સ, ઇન્ટરવ્યૂ અને તેના પછી ફરી ઇન્ટરવ્યૂ-આ બધાની વચ્ચે તેને શ્વાસ લેવાનો પણ માંડ સમય મળ્યો છે.

તેઓ કહે છે, “સ્પર્ધામાં ઘણી સારી ફિલ્મો હતી.” તેમાં તેના કરતાં ઘણો વધારે અનુભવ ધરાવતા દિગ્દર્શકોની ફિલ્મો પણ હતી. તેના નિર્માતાઓને જોકે, પૂરો વિશ્વાસ હતો.

“તેમને લાગતું હતું કે અમે જીતીશું. મને નહોતું લાગતું.”

‘અંગ’ ફિલ્મને જોઈને જે ગંભીરતા મનમાં ઊભી થાય છે, રિયો પોતે તેનાથી સાવ અલગ અને હળવો લાગે છે.

સિનેમામાં આવતા પહેલાં તેઓ રૅપર બનવા માગતા હતા. તેઓ કહે છે, “નાગાલૅન્ડના બાળકને બદલે કૉમ્પટનના બાળક બનવું હતું.” અમેરિકન હિપ-હૉપ ગ્રૂપ ‘ધ રૂટ્સ’ના મુખ્ય રૅપર બ્લૅક થૉટથી લઈને તેના પ્રિય ફિલ્મકાર, ઈરાની દિગ્દર્શક અબ્બાસ કિયારોસ્તામી સુધી તેની પસંદગીનો વ્યાપ હજી પણ ઘણો મોટો છે.

પરંતુ પહેલી ફીચર ફિલ્મ માટે તેમણે પોતાના ઘરની નજીકની દુનિયા પસંદ કરી.

1960ના દાયકાની શરૂઆતના સમયની પૃષ્ઠભૂમિ પર બનેલી ‘અંગ’માં કોન્યાક ગામના વયોવૃદ્ધ વંશપરંપરાગત વડા અંગબા અને તેના યુવાન પુત્રની વાર્તા છે. તેમની આસપાસની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે.

કોન્યાક નાગાલૅન્ડની 17 મુખ્ય આદિવાસી જાતિઓમાંની એક છે. તેઓ મુખ્યત્વે રાજ્યના પૂર્વ ભાગમાં આવેલા મોન જિલ્લામાં વસે છે. અહીં આવા વંશપરંપરાગત વડાઓને ‘અંગ’ કહેવામાં આવે છે.

આજે પણ કેટલાક વૃદ્ધ કોન્યાક પુરુષોના ચહેરા પર છૂંદણાં જોવા મળે છે. આ છૂંદણાં કોન્યાક લોકોમાં ઐતિહાસિક રીતે પ્રચલિત રહેલી શિરચ્છેદની પ્રથા સાથે જોડાયેલા છે.

થોડાં વર્ષ પહેલાં આવ્યો ફિલ્મનો વિચાર

અંગબા અને તેમના પુત્ર તેમના વિસ્તારમાં પોતાના પૂર્વજોના ધર્મને વળગી રહેલા છેલ્લા કેટલાક લોકોમાંના છે. એ વખતે ખ્રિસ્તી ધર્મ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

પછી એક અમેરિકન મિશનરીની ભૂમિકામાં સ્કૉટિશ અભિનેતા ડગ્લસ હેન્શૉલ ત્યાં આવે છે. પિતા તેમનો વિરોધ કરે છે, પરંતુ પુત્ર હવે તેમના વિશે જાણવા ઉત્સુક છે.

રિયો કહે છે કે આ ફિલ્મનો વિચાર થોડાં વર્ષો પહેલાં આવ્યો હતો. ત્યારે તેઓ બીજા એક પ્રોજેક્ટ માટે મોન ગયા હતા. ત્યાં એક વાત તેના ખાસ ધ્યાનમાં આવી. જુદી જુદી પેઢીઓ જાણે એકબીજાની સાથે ખૂબ નજીકથી રહેતી હોય એવું લાગતું હતું.

તેઓ કહે છે કે એક જ પરિવારમાં દાદા ક્યારેક શત્રુઓનો શિરચ્છેદ કરનારા ભૂતપૂર્વ યોદ્ધા હોઈ શકે, જેના ચહેરા પર હજુ પણ છૂંદણાં હોય. અને તેમની બે પેઢી પછીનો પૌત્ર કદાચ રોક બૅન્ડમાં ગિટાર વગાડતો હોય.

રિયો કહે છે, “એમ લાગે કે જાણે તમે ટાઇમ મશીનમાં બેસી ગયા હો. ભૂતકાળ અને વર્તમાન જાણે એકસાથે અસ્તિત્વ ધરાવે છે.”

ફિલ્મમાં દર્શાવેલું વર્ષ પણ મહત્ત્વનું છે. નાગાલૅન્ડ અગાઉ આસામ રાજ્યનો ભાગ હતું. ડિસેમ્બર 1963માં તે સત્તાવાર રીતે ભારતનું એક અલગ રાજ્ય બન્યું. એ સમયગાળો રાજકીય અને સામાજિક સ્તરે મોટાં પરિવર્તનોનો હતો.

ત્યાં સુધીમાં નાગા સમુદાયોમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો શરૂ થયાને અનેક દાયકા થઈ ચૂક્યા હતા. તેનાથી માત્ર ધાર્મિક માન્યતાઓ જ નહોતી બદલાઈ. રીતરિવાજો, ધાર્મિક વિધિઓ અને રોજિંદા જીવનમાં પણ ફેરફારો આવ્યા હતા.

‘ઘણી પ્રથા નામશેષ બની’

બીબીસી ગુજરાતી

કોન્યાક સમાજના અભ્યાસુ ડૉ. બી. આમો કોન્યાક કહે છે કે આ સમયગાળા દરમિયાન આવેલા ફેરફારો જાણે લગભગ બધું જ ભૂંસાઈ ગયું હોય એવા હતા.

કેટલીક પ્રથાઓ લુપ્ત થઈ ગઈ, જ્યારે કેટલીકના અંશો જ બચ્યા- વડીલોની યાદોમાં અને પરિવારની વારસાગત ચીજવસ્તુઓમાં. જે બાબતો ક્યારેક રોજિંદા જીવનનો હિસ્સો હતી, તે હવે વારસો બની ગઈ હતી.

પરંતુ ડૉ. કોન્યાક કહે છે એવું નથી કે સંસ્કૃતિ સાવ અટકી ગઈ છે. લોકો તેનો કેટલોક હિસ્સો નવા ધાર્મિક અને સામાજિક જીવનમાં પોતાની સાથે લઈ ગયા. પરંપરાઓ ટકી રહી, પરંતુ તેમનું સ્વરૂપ બદલાયું તેમ તેનો અર્થ પણ બદલાતો ગયો.

રિયો આ જ પરિવર્તનના સમયગાળાને ફિલ્મમાં પકડવા માગતા હતા.

તેઓ કહે છે, “છેલ્લાં 50-60 વર્ષમાં અસાધારણ પરિવર્તનો આવ્યા છે.” તેના કારણે જુદી જુદી પેઢીઓ વચ્ચેનું અંતર પણ વધ્યું છે.

‘અંગ’માં તેઓ આ વાતને પિતા અને પુત્રના સંબંધ દ્વારા રજૂ કરે છે. બંને “એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને એકબીજાની ખૂબ કાળજી રાખે છે”, છતાં ધીમે ધીમે તેમની દુનિયા એકબીજાથી અલગ થવા લાગે છે.

ફિલ્મના આ પાસાથી સમીક્ષક સિદ્ધાંત અડલખા પણ પ્રભાવિત થયા છે. તેઓ કહે છે, “પ્રગતિ અને પરંપરા વચ્ચેનો સંબંધ હંમેશાં સીધો કે એકબીજાના વિરોધમાં હોય એવું નથી. બંને એકબીજા સાથે ગૂંથાયેલા પણ હોઈ શકે છે.”

‘મુલાકાતીની નજરે રજૂ કરાયેલી કહાણી’

બીબીસી ગુજરાતી

ફિલ્મ હજુ મોટા દર્શકવર્ગ સુધી પહોંચી નથી, પરંતુ તેના ટૂંકા ટ્રેલરમાંથી રિયોએ આ દુનિયાને શી રીતે ઊભી કરી છે તેની ઝલક મળે છે. લીલીછમ ઊંચી ટેકરીઓ પર ધુમ્મસ છવાયેલું છે. જંગલો અને ગામના રસ્તાઓ પરથી લોકો પસાર થાય છે. અંધકાર વચ્ચે આગ અને દીવાના પ્રકાશમાં ચહેરા દેખાય છે.

અહીંનું કુદરતી દૃશ્ય સુંદર છે, પણ એ માત્ર સુંદરતા પૂરતું નથી. વિધિ-પરંપરા, પરિવાર અને જમીન સાથે જોડાયેલી આ નાનકડી દુનિયામાં તેની બહારની કોઈ મોટી દુનિયા ધીમે ધીમે પ્રવેશી રહી છે.

સમીક્ષક અડલખા ફિલ્મના મુખ્ય પાત્ર અંગબાની ભૂમિકા ભજવનાર, પહેલી વાર અભિનય કરનાર અંગલોંગ કોન્યાકના શાંત ક્લોઝ-અપ્સને ખાસ નોંધે છે. રિયોએ તેના “દબાયેલા ગુસ્સા”ને જે “નજાકત”થી રજૂ કર્યો છે, તેની પણ તેઓ પ્રશંસા કરે છે.

કૅમેરાએ શું જોયું એના જેટલું જ મહત્ત્વનું હતું કે તેણે કઈ જગ્યાએથી અને કોના દૃષ્ટિકોણથી જોયું.

કોન્યાક લોકો લાંબા સમયથી બહારના લોકોની નજરે જોવાતા આવ્યા છે.

ડૉ. કોન્યાક કહે છે કે કોન્યાક લોકો તરફ સંશોધકો, સંસ્થાનવાદી અધિકારીઓ, મિશનરીઓ અને ફોટોગ્રાફરોનું ધ્યાન ખેંચાતું રહ્યું હતું. ખાસ કરીને તેમના ચહેરા પરનાં છૂંદણાં, ઘરેણાં, હથિયારો અને શિરચ્છેદની પ્રથા તેમને આકર્ષતી હતી, પરંતુ આ બધાની પાછળનું લોકોનું રોજિંદું જીવન ઘણી વાર નજરથી ઓઝલ થઈ જતું હતું.

બીબીસી ગુજરાતી

રિયો આ વારસાથી વાકેફ હતા.

તેઓ કહે છે, “નાગાલૅન્ડ વિશે ઘણી ફિલ્મો અને ડૉક્યુમેન્ટરી બની છે, પરંતુ આવી ફિલ્મોમાં ઘણી વાર જે લોકોની વાત કરવામાં આવે છે તેમની નજરને બદલે સંશોધકની નજર જોવા મળે છે.”

‘અંગ’ દ્વારા તેઓ આ દૃષ્ટિકોણ બદલવા માગતા હતા. તેઓ દર્શકોને “આ પાત્રોની જગ્યાએ પોતાને મૂકીને જોવા” કહેવા માગતા હતા.

આ ફેરફાર નાનો લાગે, પરંતુ તેની અસર મોટી છે. કોન્યાક લોકો હવે ભૂતકાળમાં રહી ગયેલા કોઈ વિચિત્ર કે અજાણ્યા સમુદાય તરીકે નહીં, પરંતુ ડૉ. કોન્યાક કહે છે તેમ “પ્રેમ, દુઃખ, સંઘર્ષ, આસ્થા, અનિશ્ચિતતા અને પેઢી દર પેઢી આવતા ફેરફારોમાંથી પસાર થઈ રહેલા લોકો” તરીકે જોવા મળે છે.

કોન્યાક સમાજના સલાહકારોએ ફિલ્મના સંવાદ, પોશાક અને સેટની રચનામાં મદદ કરી હતી. ફિલ્મના મોટા ભાગના કલાકારો પણ પહેલી વાર અભિનય કરનારા કોન્યાક લોકો છે.

ફિલ્મમાં દેખાતું જંગલ પણ એમાંથી પસાર થતા લોકોનું જ છે. અડલખા કહે છે કે રિયો જંગલને “માત્ર ફિલ્મનું સ્થળ નહીં, પરંતુ ઇતિહાસ ધરાવતા ઘર તરીકે” રજૂ કરે છે. તેઓ કહે છે કે શહેરમાં ફિલ્મ બનાવતો કોઈ દિગ્દર્શક મુંબઈ કે ન્યૂ યૉર્કને જે રીતે રજૂ કરે, કંઈક એવું જ અહીં કરવામાં આવ્યું છે.

રિયોએ સિનેમેટોગ્રાફર ઍડમ પીટકિવિઝ સાથે મળીને ‘અંગ’નું શૂટિંગ 16 મિમી ફિલ્મ પર કર્યું હતું. આ માટે તેમણે 1950 અને 1960ના દાયકામાં મિશનરીઓ અને નાગા સમુદાયોના બનેલા ફોટોગ્રાફ્સ અને વીડિયોનો આધાર લીધો હતો.

આર્કાઇવમાં સચવાયેલાં એ દૃશ્યોની જૂની ફિલ્મ જેવી દાણાદાર અસર, રચના અને વાતાવરણ ઊભું કરવાનો તેમનો હેતુ હતો. સાથે જ દૃષ્ટિકોણ બહારના માણસનો નહીં, પરંતુ જે લોકોની વાત થઈ રહી છે તેમનો રાખવાનો હતો.

આ પસંદગી રસપ્રદ હતી, પરંતુ તેનાથી કામ પણ મુશ્કેલ બન્યું.

ડિજિટલ કૅમેરાથી બનેલા ફૂટેજની જેમ શૂટિંગ વખતે જ ફિલ્મ જોઈ શકાતી નહોતી. દર ચાર-પાંચ દિવસે ફિલ્મની રીલ મુંબઈ મોકલીને તેનું પ્રોસેસિંગ કરાવવું પડતું હતું. ત્યાં સુધીમાં ટીમ શૂટિંગ ચાલુ રાખતી અને તેમણે ખરેખર શું શૂટ કર્યું છે તેની ચોક્કસ ખબર નહોતી પડતી.

‘એ ઘણી મુશ્કેલ રાત હતી’

બીબીસી ગુજરાતી

આ સિવાય રોજિંદા વ્યવહારની કેટલીક મુશ્કેલીઓ પણ હતી.

હેન્શૉલ સાથે રાત્રે શૂટિંગ ચાલી રહ્યું હતું. એ વખતે દૃશ્યમાં બીજા વિશ્વયુદ્ધના સમયની એક જૂની જીપને ચલાવીને લાવવાની હતી. રિહર્સલ વખતે જીપ બરાબર ચાલી હતી, પરંતુ કૅમેરા ચાલુ થતાં જ તેનું એન્જિન શરૂ થતું નહોતું.

ઘણી વાર પ્રયત્ન કર્યા પછી ટીમ જીપને દૃશ્યમાં પ્રવેશતી હોય એવો માત્ર એક જ ટેક લઈ શકી.

રિયો કહે છે, “એ રાત ઘણી મુશ્કેલ હતી.”

‘અંગ’ રિયોની પહેલી ફીચર ફિલ્મ છે, પરંતુ તેની સફર ભારતીય સિનેમાના, ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારતના, વિસ્તરતા નકશામાં તેને એક સ્થાન આપે છે.

આસામનાં રિમા દાસ અને મેઘાલયના ડોમિનિક સંગમા જેવા ફિલ્મકારો તરફ અડલખા ધ્યાન દોરે છે. તેમના મતે, આ ફિલ્મકારોનું કામ “ભારતીય સિનેમાનો વિચાર કેટલો જટિલ અને અનેક પાસાં ધરાવતો છે” એ બતાવે છે.

રિયોના મતે નાગાલૅન્ડ હજી પણ ભારતીય સિનેમાના આ પરિદૃશ્યમાં બહુ પાછળ છે. તેમના શબ્દોમાં, ત્યાંનો ફિલ્મઉદ્યોગ “હજી ખૂબ જ શરૂઆતના તબક્કામાં છે” અને ભારતનાં સ્થાપિત ફિલ્મનિર્માણ કેન્દ્રો જેટલી વ્યાપકતા ત્યાંના ફિલ્મઉદ્યોગને મળતી નથી.

પરંતુ ‘અંગ’ને મળી રહેલા આ ધ્યાનથી નાગાલૅન્ડના ફિલ્મકારોને પણ પ્રોત્સાહન મળે એવી તેને આશા છે.

તેઓ કહે છે, “અહીં ઘણા પ્રતિભાશાળી ફિલ્મકારો છે અને તેમની પાસે કહેવાની હોય એવી કેટલીય સુંદર વાર્તાઓ છે.”

હાલ પૂરતું તો રિયો કંઈક વધુ સામાન્ય બાબતની રાહ જોઈ રહ્યા છે- એ છે નાગાલૅન્ડ પાછા ફરવાની.

“મારે મારા મિત્રો સાથે ફૂટબૉલ રમવો છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS