Home તાજા સમાચાર gujrati નેપાળ : 100 મીટર ઊંચી પાણીની દીવાલ અને ક્ષણવારમાં નષ્ટ થઈ ગયાં...

નેપાળ : 100 મીટર ઊંચી પાણીની દીવાલ અને ક્ષણવારમાં નષ્ટ થઈ ગયાં બે શહેરો, કૈલાસ માનસરોવર યાત્રાનો મુખ્ય પડાવ જ પૂરમાં તણાયો

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

નેપાળમાં બુધવારે અચાનક આવેલા વિનાશકારી પૂરએ તિબેટને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે.

આમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 162 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને મોટી સંખ્યામાં લોકો ગુમ છે.

પૂરમાં થયેલા નુકસાનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બેત્રાવતી બજાર અને તિમુરે નગર સંપૂર્ણપણે તણાઈ ગયાં. તિમુરેથી મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ ગુમ છે કારણ કે માનસરોવર યાત્રા માટે પરમિટ લેવા લોકો તિમુરેમાં જ રોકાતા હતા.

બેત્રાવતીથી 15 કિલોમીટર દૂર આવેલા જિબજિબે ગામના રહેવાસી દીપક દેવકોટા કહે છે કે બેત્રાવતી બજાર તો સંપૂર્ણપણે તણાઈ ગયું.

દેવકોટાએ બીબીસી હિન્દીને જણાવ્યું, “અહીંની વસ્તી લગભગ 1000 હતી. જો તેમાંના લોકો સમયસર ભાગી ગયા હશે તો તેમનો જીવ બચ્યો હશે. જ્યારે આખું બજાર જ તણાઈ ગયું, ત્યારે જે લોકો ભાગવામાં સફળ ન થયા હોય, તેમના માટે જીવ બચાવવો ખૂબ મુશ્કેલ રહ્યો હશે.”

દીપક દેવકોટા કહે છે, “તિબેટ બૉર્ડરથી તેનું અંતર લગભગ 45 કિલોમીટર છે અને તિમુરેથી 40 કિલોમીટર. આ પૂરે આ વિસ્તારોને પોતાની અંદર સમાવી લીધા છે. તિમુરેમાં વિદેશી પ્રવાસીઓ રોકાતા હતા. અહીંથી જ તેઓ માનસરોવર માટે રવાના થતા હતા. તેથી મારો અંદાજ છે કે અહીં સ્થાનિકો કરતાં વધુ વિદેશી પ્રવાસીઓ ગુમ હશે.”

જોતજોતાંમાં તણાઈ ગયાં બે શહેર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડેનમાર્કમાં નેપાળના રાજદૂત રહી ચૂકેલા વિજયકાંત કર્ણ કહે છે કે બેત્રાવતી એક ઐતિહાસિક સ્થળ છે કારણ કે તિબેટ-નેપાળ યુદ્ધ પછી અહીં જ 1792માં સંધિ થઈ હતી, જેને બેત્રાવતી સંધિ તરીકે ઓળખવામાં આવે છે.

વિજયકાંત કર્ણ કહે છે, “કંઈ પણ બચ્યું નથી. જે બીમાર અને વડીલો હતા, તેઓ ક્યાં ભાગત? અહીં એક પણ ઘર બચ્યું નથી. થોડા દિવસો પછી જ ખબર પડશે કે કેટલા લોકો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા.”

કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, પૂર સૌથી પહેલાં ચીનની સરહદ નજીક રસુવાગઢી પાસે આવેલા તિમુરેમાં પહોંચ્યું. સેંકડો લોકોની વસ્તી ધરાવતા આ વિસ્તારનો મોટો ભાગ તણાઈ ગયો અને ત્યારબાદ પૂરનું પાણી ઝડપથી નીચેની તરફ આગળ વધ્યું.

વિસ્તારમાં વરસાદની કોઈ માહિતી ન હતી, તેથી લોકોને આ આપત્તિ અંગે કોઈ ચેતવણી મળી ન હતી. પૂર આવ્યું ત્યારે લોકો પોતાના રોજિંદા કામોમાં વ્યસ્ત હતા. રસુવાના મુખ્ય કસ્ટમ્સ અધિકારી રાજેન્દ્ર ઢુંગાનાએ કાઠમંડુ પોસ્ટને જણાવ્યું કે બુધવારની સવારે જ્યારે તેમને જમીન ધ્રૂજતી હોવાનું લાગ્યું ત્યારે તેમને શરૂઆતમાં લાગ્યું કે ભૂકંપ આવ્યો છે.

ઢુંગાનાએ કાઠમંડુ પોસ્ટને કહ્યું, “જ્યારે હું દોડ્યો ત્યારે ઉપરથી ખૂબ જ ઝડપથી આવતી પાણીની એક વિશાળ દીવાલ દેખાઈ.”

“તેની સાથે ધુમાડાના ગોટા જેવી વસ્તુ પણ દેખાઈ રહી હતી અને પાણી તિમુરે બજાર તરફ ઝડપથી આગળ વધી રહ્યું હતું.”

“આ પૂર હતું, જે લગભગ 100 મીટર ઊંચી લહેરની જેમ ઊભું થયું અને બજારને પોતાની સાથે વહાવી ગયું. થોડી જ પળોમાં આખું બજાર નષ્ટ થઈ ગયું.”

નેપાળના માર્ગ વિભાગના જણાવ્યા અનુસાર, બેત્રાવતીથી રસુવાગઢી સરહદી ચોકી સુધી જતો માર્ગનો લગભગ 42 કિલોમીટરનો ભાગ પૂરમાં સંપૂર્ણપણે તણાઈ ગયો છે. આ માર્ગ પર આવેલા અનેક પુલો પણ પૂરમાં તણાઈ ગયા.

માર્ગ વિભાગના ઉપમહાનિર્દેશક અને પ્રવક્તા શુભરાજ ન્યૌપાનેએ મુખ્ય નેપાળી અખબાર કાંતિપુરને જણાવ્યું કે નુકસાનની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અધિકારીઓ વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે.

આ નુકસાનની અસર માત્ર સ્થાનિક સંપર્ક પર જ નહીં પડે, પરંતુ બેત્રાવતી-સ્યાફ્રુબેસી-રસુવાગઢી માર્ગ મધ્ય નેપાળને ચીનની સરહદ સાથે જોડતો વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ કૉરિડોર છે.

તેના મોટા ભાગના નષ્ટ થવાથી અવરજવર, માલસામાનની સપ્લાય, પર્યટન અને રસુવાગઢી/કેરુંગ માર્ગે નેપાળ-ચીન વેપાર પર પણ ગંભીર અસર પડી શકે છે.

બેત્રાવતી ક્યાં આવેલું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બેત્રાવતીને ઉત્તરગયા નામથી પણ ઓળખવામાં આવે છે. તે નેપાળના બાગમતી પ્રાંતના રસુવા જિલ્લામાં આવેલી ઉત્તરગયા ગ્રામીણ નગરપાલિકામાં આવેલું છે.

નુવાકોટ અને રસુવા જિલ્લાઓની સરહદ પર ત્રિશૂલી અને ફલાંખુ નદીઓ વહે છે.

તે કાઠમંડુથી 58 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં આવેલું છે. તેને રસુવા જિલ્લો અને રસુવાગઢી સરહદ સુધી પહોંચવાનું મુખ્ય પ્રવેશદ્વાર તથા એકમાત્ર વાહનયોગ્ય માર્ગ જોડાણ પણ માનવામાં આવે છે.

રાઇઝિંગ નેપાળ ડેઇલીએ પોતાના અહેવાલમાં લખ્યું છે, “બેત્રાવતી નેપાળના આધુનિક ઇતિહાસમાં પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું સ્થળ છે. સમયાંતરે નેપાળ અને તિબેટ વચ્ચે યુદ્ધો થતાં રહ્યાં છે. પ્રાચીન સમયથી જ નેપાળ અને તિબેટ વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે.”

“મલ્લ કાળમાં વેપાર સંબંધિત મુદ્દાઓને લઈને વિવાદો થયા હતા, જે આધુનિક રાણા શાસન સુધી ચાલુ રહ્યા. ખાસ કરીને 1788-1792નું ચીન-નેપાળ યુદ્ધ નેપાળના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ છે.”

રાઇઝિંગ નેપાળ ડેઇલીએ પોતાના અહેવાલમાં લખ્યું છે, “નેપાળના મુખ્ય હિંદુ તીર્થસ્થળોમાં સામેલ ઉત્તરગયા પોતાના પવિત્ર ત્રિશૂલી અને ફલાંખુ ગંગા ઘાટો સાથે રામમંદિર, કૃષ્ણમંદિર, ગણેશમંદિર, નીલકંઠેશ્વરમંદિર, સીતાદેવીમંદિર, વનદેવી (સરસ્વતી) મંદિર અને સુગત મુનિ મઠ જેવાં પવિત્ર મંદિરો અને ધાર્મિક સ્થળો માટે જાણીતું છે. અહીં હિંદુઓ પોતાના પૂર્વજોને પિંડદાન પણ કરે છે.”

તિમુરે શા માટે જાણીતું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

નેપાળના રસુવા જિલ્લામાં તિમુરે એક નાનું પરંતુ મહત્ત્વપૂર્ણ નગર છે. તે રસુવાગઢી સરહદ, એટલે કે નેપાળ-ચીન સરહદથી થોડા કિલોમીટર પહેલાં આવેલું છે.

ઐતિહાસિક રીતે તિબેટ જતાં મુસાફરો માટે તેને નેપાળમાં અંતિમ પડાવ અને પુરવઠા કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું હતું.

હાલમાં તિમુરેનો ઉપયોગ માત્ર વેપાર માટે જ નહીં, પરંતુ નેપાળ માર્ગે રસ્તા દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા પર જતા યાત્રાળુઓના પડાવ તરીકે પણ થાય છે.

સામાન્ય રીતે યાત્રાળુઓ અહીં રોકાઈને ભોજન કરે છે, મૂળભૂત સુવિધાઓ મેળવે છે અને સરહદ તરફ જવા પહેલાં જરૂરી સામાન ખરીદે છે.

તે ઉપરાંત, રસુવાગઢી ઇમિગ્રેશન ઑફિસ પણ અહીં જ આવેલી છે. આ સરહદ પરથી નેપાળની બહાર જવા અથવા નેપાળમાં પ્રવેશ કરતા પહેલાં યાત્રાળુઓએ ઇમિગ્રેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

તેથી રસ્તા દ્વારા કૈલાશ યાત્રા પર જતા યાત્રાળુઓ માટે તિમુરે ખાસ મહત્ત્વ ધરાવે છે.

દીપક દેવકોટા કહે છે કે, “તિમુરે સુધી પહોંચવું થોડું પડકારજનક હોઈ શકે છે, કારણ કે માર્ગ નિર્માણને કારણે રસ્તાના કેટલાક ભાગો કાચા હતા.”

“આ માર્ગ ત્રિશૂલી બજાર, ધુંચે અને સ્યાફ્રુબેસીમાંથી પસાર થાય છે અને અંતે તિમુરે પહોંચે છે.”

“ત્રિશૂલી હાઇવે પરથી લગભગ 124 કિલોમીટરની આ મુસાફરી પૂર્ણ કરવામાં સામાન્ય રીતે 6 થી 8 કલાક લાગે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS