Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, નેપાળ, રાજાશાહી, હિંદુ રાષ્ટ્રની માગ, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

20 એપ્રિલ 2025, 07:10 IST

અપડેટેડ 5 કલાક પહેલા

નેપાળના પાટનગર કાઠમાંડુમાં રાજાશાહીની બહાલીના સમર્થનમાં રવિવારે પ્રદર્શન થયાં છે.

આ પ્રદર્શનોને જોતાં સરકારી ઇમારતોની આસપાસ ભારે સંખ્યામાં સુરક્ષાબળના જવાનોને તહેનાત કરાયા છે.

પોલીસે રાજાશાહી સમર્થક રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી)ના ઘણા પ્રમુખ સભ્યોની સુરક્ષા માટે લગાવાયેલા બૅરિકેડ તોડ્યા બાદ ધરપકડ કરી હતી, જેમાં તેના નેતા રાજેન્દ્ર લિંગદેન પણ સામેલ છે.

આ પહેલાં નેપાળના ગૃહમંત્રાલયે કાયદાની અવહેલના કરવા વિરુદ્ધ ચેતવણી આપી હતી.

નેપાળમાં વર્ષ 2001માં દરબાર હત્યાકાંડમાં રાજા બીરેન્દ્ર બીર વિક્રમસિંહ શાહ દેવની સાથે રાજપરિવારના મોટા ભાગના સભ્યોની હત્યા થઈ ગઈ હતી.

તે બાદ જ્ઞાનેન્દ્ર શાહને રાજા બનાવાયા હતા. બંધારણીય રાજાશાહી બાદ વર્ષ 2005માં રાજા જ્ઞાનેન્દ્ર શાહે સરકારને હઠાવીને સંપૂર્ણ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી.

તેમનું કહેવું હતું કે માઓવાદીઓને સંપૂર્ણપણે ખતમ કરવા માટે આ ખૂબ જરૂરી છે.

એ બાદ રાજા વિરુદ્ધ મોટાં પ્રદર્શન થયાં અને અંતે વર્ષ 2008માં નેપાળી સંસદે રાજાશાહી સમાપ્ત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. આવી જ રીતે નેપાળ એક હિંદુ રાષ્ટ્ર માંથી એક ધર્મનિરપેક્ષ ગણતંત્ર બની ગયું.

પરંતુ હાલમાં જ થયેલી રાજકીય અસ્થિરતાના કારણે નેપાળમાં ફરી એક વાર રાજાશાહી માટે સમર્થન વધ્યું છે ને દેશને ફરી એક વાર હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માગ થઈ રહી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુદ્ધવિરામ વચ્ચે રશિયા વિશે શું કહ્યું?

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુદ્ધવિરામ વચ્ચે રશિયા વિશે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો છે કે રશિયા ‘યુદ્ધવિરામનો દેખાડો’ કરી રહ્યું છે અને તેણે યુક્રેનના કેટલાક વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહી યથાવત્ રાખી છે.

ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાની સેનાએ 387 વખત ગોળાબારી, 19 હુમલાઓ અને 290 વખત ડ્રૉનનો ઉપયોગ કર્યો.

જોકે, બીબીસી સ્વતંત્ર પ્રકારે આ રિપોર્ટની પુષ્ટિ નથી કરી શક્યું.

કેટલાક કલાકો પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઇસ્ટરને ધ્યાનમાં રાખીને યુદ્ધવિરામની ઘોષણા કરી છે.

આ યુદ્ધવિરામ શનિવારે મૉસ્કો સમયાનુસાર સાંજે છ વાગ્યાથી ઇસ્ટર રવિવાર બાદ મધ્યરાત્રિ સુધી રહેશે.

ગોંડલમાં બહુચર્ચિત હની ટ્રૅપ પ્રકરણમાં પદ્મિનીબા વાળા સહિત ચારની ધરપકડ

ગોંડલમાં બહુચર્ચિત હની ટ્રૅપ પ્રકરણમાં પદ્મિનીબા વાળા સહિત ચારની ધરપકડ- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

રાજકોટ ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી બિપીન ટંકારિયાએ જણાવ્યું છે કે 60 વર્ષીય વ્યક્તિને હની ટ્રૅપમાં ફસાવવાના અને રૂપિયા મેળવવા માટે ધમકી આપવાની ફરિયાદને આધારે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વખતે ચર્ચામાં રહેલાં પદ્મિનીબા વાળાની ગોંડલ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે.

આ કેસમાં કુલ પાંચ આરોપી છે. પોલીસે ચારની ધરપકડ કરી છે જ્યારે કે એક આરોપી કે જે મહિલા છે તેની ધરપકડ બાકી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને બીજી ત્રણ વ્યક્તિ સહિત કુલ પાંચ લોકો સામે એક 60 વર્ષીય વ્યક્તિને હની ટ્રૅપમાં ફસાવવાની અને રૂપિયા મેળવવા માટે ધમકાવવાની પોલીસ ફરિયાદ થઈ હતી.

ગોંડલની 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આરોપ મૂક્યો હતો કે “એક અજાણી યુવતીએ તેમનો ફોન નંબર લઈને વાતચીત શરૂ કરી હતી, વીડિયો-કૉલ કરીને વાંધાજનક સ્થિતિમાં તેમની સાથે વાત કરી હતી અને પછી રૂપિયા મેળવવાની યોજના સાથે આ યુવતીએ તેમને ધમકાવ્યાં હતાં, જેમાં પદ્મિનીબા અને તેમના સાથીદારો પણ સામેલ હતાં.”

આ મામલે પદ્મિનીબા વાળાએ આરોપો નકારી કાઢ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પદ્મિનીબાએ બચાવમાં શું કહ્યું હતું?

આ ઘટના વિશે બીબીસી ગુજરાતીએ પદ્મિનીબા વાળાનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો ફોન સતત સ્વિચ ઑફ આવતો હતો.

જોકે, તેમણે ગોંડલમાં રાજકોટ રૂરલ પોલીસ સ્ટેશન બહાર ઊભા રહીને એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેમણે દાવો કર્યો હતો કે આ શખસનો (ફરિયાદી)નો ઇરાદો યુવતીનું શોષણ કરવાનો હતો અને તેને ખુલ્લો પાડવા માટે અમે ગોંડલ આવ્યાં હતાં.

તેમણે આ વીડિયોમાં દાવો કર્યો, “આ શખસ અને તેના પરિવારજને માફી પણ માંગી પણ અમે તેમને ન્યૂઝમાં આવીને માફી માંગવા કહ્યું હતું. આટલી જ વાત હતી. અમારા જેવા આગેવાનોને પરેશાન કરવામાં આવ્યા.”

તેમણે એ પણ દાવો કર્યો હતો કે તેમણે કોઈની સાથે મારામારી નથી કરી.

પદ્મિનીબાએ એમ પણ કહ્યું હતું કે “હું એક સામાજિક આગેવાન તરીકે કોઈના ઘરે ન જઈ શકું? શાંતિથી વાત ચર્ચા ન કરી શકું? અમે કેટલાં તો સમાધાન કરાવેલાં છે.”

તેમણે એ પણ દાવો કર્યો હતો કે “અમે રૂપિયાની માંગણી કરેલી નથી. આના કોઈ પૂરાવા હોય તો આપો. આની પાછળ બીજાં તત્ત્વો કામ કરી રહ્યાં છે. હવે અમે લડી લેવાના છીએ.”

ગોધરા: ‘વકફ કાયદાનું સમર્થન કરનાર’ દાઉદી વોહરા સમાજના બહિષ્કારનાં બૅનરો લાગ્યાં

ગોધરા, વક્ફ કાયદો, દાઉદી વોહરા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, DAXESH SHAH

ગોધરાના અમુક વિસ્તારોમાં વક્ફ કાયદાને અનુલક્ષીને દાઉદી વોહરા સમાજના ધંધાકીય તથા અન્ય રીતે બહિષ્કાર કરવાની માગ કરતાં પોસ્ટરો લાગ્યાં છે.

ગોધરાના જહુર્પુરા, ગુહ્યા મહોલ્લા તેમજ પોલન બજાર વિસ્તારમાં આ પોસ્ટરો લાગ્યાં છે.

પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, “વક્ફ સંશોધન બિલનું સમર્થન કરનાર અને શરિયત વિરોધી દાઉદી વોહરા સમાજનો ગોધરા મુસ્લિમ સમાજ સખત વિરોધ કરે છે. વોહરા સમાજની દુકાનોમાંથી કોઈપણ વસ્તુની ખરીદી ન કરવી જોઈએ.”

અન્ય એક પોસ્ટરમાં ‘બૉયકોટ દાઉદી વોહરા બિઝનેસ’ એમ પણ લખવામાં આવ્યું છે.

ગોધરાથી બીબીસી સહયોગી દક્ષેશ શાહે આપેલી માહિતી અનુસાર, આ પોસ્ટરો ગઈકાલે રાત્રે લગાવવામાં આવ્યા હતા અને હાલમાં તેને ઉતારી લેવામાં આવ્યા છે. પોસ્ટર લગાવનાર લોકો તથા દાઉદી વોહરા સમાજના લોકોએ આ બાબતે કંઈપણ વાત કરવાની ના પાડી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીના નિવાસસ્થાને દાઉદી વોહરા સમાજના સભ્યોએ મુલાકાત કરીને વક્ફ કાયદા માટે તેમનો આભાર માન્યો હતો અને આ કાયદાનું સમર્થન કર્યું હતું.

નિશિકાંત દુબેના નિવેદન બાદ મહુઆ મોઇત્રા શું બોલ્યાં?

નિશિકાંત દુબેના નિવેદન બાદ મહુઆ મોઇત્રા શું બોલ્યાં? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સંજીવ ખન્ના પર આપેલા નિવેદન બાદ તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાની પ્રતિક્રિયા સામે આવી છે.

મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે સારું છે કે આખો દેશ જોઈ રહ્યો છે કે ભાજપ ન્યાયપાલિકા પર કેવી રીતે પ્રૉક્સી હુમલો કરે છે.

તેમણે કહ્યું કે આ ન્યાયપાલિકાને ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ છે. જોકે, તેમણે તેમની પોસ્ટમાં સીધું નામ નિશિકાંત દુબેનું નથી લીધું.

નિશિકાંત દુબેએ શું કહ્યું હતું?

ઝારખંડના ગોડ્ડાથી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું, “દેશમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે સુપ્રીમ કોર્ટ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટ પોતાની હદ બહાર જઈ રહી છે. જો તમામ મામલે સુપ્રીમ કોર્ટ જવાનું હોય તો પછી સંસદ અને વિધાનસભાની શી જરૂર છે, તેને બંધ કરી દેવી જોઈએ.”

તેમણે કહ્યું હતું, “આ દેશમાં જેટલાં ગૃહયુદ્ધો થઈ રહ્યાં છે તેના માટે જવાબદાર માત્ર ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સંજીવ ખન્ના સાહેબ છે.”

અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે ફરી વિરોધપ્રદર્શન

અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે ફરી વિરોધપ્રદર્શન – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

શનિવારે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સામે વ્યાપક પ્રમાણમાં વિરોધપ્રદર્શનો થયાં હતાં. પ્રદર્શનકારીઓએ આ પ્રદર્શનોને “50501” નામ આપ્યું હતું. જેનો અર્થ થાય છે “50 પ્રદર્શનો, 50 રાજ્યો, 1 ચળવળ.”

વ્હાઇટ હાઉસની બહાર અને ટેસ્લાની ડિલરશિપની બહાર સેંકડો શહેરોમાં આ પ્રકારનાં વિરોધપ્રદર્શનો આયોજીત કરવામાં આવ્યાં હતાં.

અગાઉ પણ ટ્રમ્પની સામે અમેરિકામાં વિવિધ જગ્યાએ પ્રદર્શનો થયાં હતાં.

આ પ્રદર્શનકારીઓએ સામાજીક અને આર્થિક મામલા સહિત અનેક મુદ્દે ટ્રમ્પના એજેન્ડા પર નારાજગી વ્યક્ત કરી હતી. દુનિયાભરમાં ઘણા દેશો પર ટેરિફ લગાવ્યા બાદ અમેરિકાની બહાર પણ તેમના વિરોધમાં પ્રદર્શનો થયાં હતાં. જેમાં લંડન, પેરિસ અને બર્લિન જેવાં શહેરો પણ સામેલ હતાં.

ઈરાન-અમેરિકા વાતચીત : ઓમાને કહ્યું કે બંને પક્ષ ફરી વાતચીત કરવા સંમત

ઈરાન-અમેરિકા વાતચીત : ઓમાને કહ્યું કે બંને પક્ષ ફરી વાતચીત કરવા સંમત – ન્યૂઝ અપડેટ
બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, ગુજરાત, ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

પરમાણુ સમજૂતીને લઈને ઈરાન અને અમેરિકા વચ્ચે થઈ રહેલી વાતચીત હવે આગલા ચરણમાં આગળ વધી શકે છે. બંને પક્ષ તેને માટે સંમત થઈ ગયા છે. આ જાણકારી ઓમાનના વિદેશ વિભાગના એક પ્રવક્તાએ આપી હતી.

શનિવારે રોમમાં ઓમાનના વિદેશ મંત્રી હમ્માદ અલ-બુસૈદીની મધ્યસ્થતામાં અમેરિકા અને ઈરાનનાં પ્રતિનિધિમંડળો વચ્ચે બીજા તબક્કાની વાતચીત થઈ.

ઓમાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાની જાણકારી પ્રમાણે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ આ વાતચીતને હવે પછીના ચરણમાં લઈ જવા માટે સંમત થયા છે.

ત્યાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું છે કે બીજા તબક્કાની વાતચીત “રચનાત્મક અને પ્રગતિશીલ” રહી. તેમણે કહ્યું, “અમે ઘણા સિદ્ધાંતો અને ઉદ્દેશો પર સારી સમજ સુધી પહોંચી ગયા છીએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS