Home તાજા સમાચાર gujrati નેપાળમાં અજાણ્યા મૃતદેહોને યુનિક નંબર આપીને કેમ દફનાવાઈ રહ્યા છે?

નેપાળમાં અજાણ્યા મૃતદેહોને યુનિક નંબર આપીને કેમ દફનાવાઈ રહ્યા છે?

4
0

Source : BBC NEWS

ચિતવન જિલ્લાના દેવઘાટ ફૉરેસ્ટમાં વહીવટીતંત્ર બધા મૃતદેહોને લઈને આવે છે અને દફનાવે છે

ઇમેજ સ્રોત, Reuters

નેપાળમાં ગત બુધવારે (26 ઑગસ્ટ) આવેલા વિનાશક પૂર બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને અનેક લોકો તેમના ગુમ થયેલા સ્વજનોને શોધી રહ્યા છે.

નેપાળ પોલીસની વેબસાઇટ અનુસાર મંગળવાર સાંજ સુધીમાં પૂરથી 1,127 મૃતદેહો મળી આવ્યા છે. મૃત્યુઆંક હજુ વધુ વધી શકે છે.

સેંકડો લોકોનો હજુ પણ ગુમ છે. નેપાળ પોલીસની વેબસાઇટ અનુસાર 4,858 લોકો ગુમ છે અને તેમની શોધખોળ ચાલુ છે.

વડા પ્રધાન બાલેન શાહે જણાવ્યું છે કે સરકાર હવે શોધખોળ, બચાવ કામગીરી અને રાહત સામગ્રીના વિતરણ બાદ અસરગ્રસ્ત લોકોના પુનર્વસન તરફ આગળ વધી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે શોધ અભિયાન હજુ પણ ચાલુ છે. એવી આશંકા છે કે ગુમ થયેલા ઘણા લોકો હજુ પણ જળવિદ્યુત પરિયોજનાઓની સુરંગોમાં ફસાયેલા હોઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી વિદેશી ટીમો પણ આ અભિયાનમાં મદદ કરી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે નદીમાંથી મળેલા અજાણ્યા મૃતદેહોને રાખવા માટે અસ્થાયી વ્યવસ્થા કરાઈ છે. અત્યાર સુધી મળેલા મૃતદેહોમાંથી માત્ર થોડાકની જ ઓળખ થઈ શકી છે.

પોલીસે જણાવ્યું છે કે જો ગુમ થયેલા નેપાળી અથવા વિદેશી નાગરિકોના નજીકના રક્તસંબંધીઓ ડીએનએ તપાસની માગ કરે, તો તેમના તાજા લોહીના નમૂનાઓ લેવામાં આવી શકે છે.

ભારતીય વિદેશ મંત્રાલયે પહેલી સપ્ટેમ્બરે આપેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 163 ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. વિદેશ મંત્રાલયે મંગળવારે સાંજે 7:30 વાગ્યા સુધીની સ્થિતિને આધારે આ માહિતી આપી હતી.

મંત્રાલય અનુસાર, મંગળવારે 151 ભારતીય નાગરિક ચીનથી રવાના થયા છે, જ્યારે નેપાળના ચિલિમે વિસ્તારમાં હાઇડ્રોપાવર સુરંગમાં ફસાયેલા લોકોને કાઢવા માટે ભારતીય સુરંગ રૅસ્ક્યૂ ટીમનું અભિયાન પણ ચાલુ છે.

તો નેપાળમાં આવેલી આ આફત બાદ ભારત સતત રાહત સામગ્રી મોકલી રહ્યું છે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર માહિતી આપી કે ભારતનું પાંચમું વિમાન રાહત સામગ્રી લઈને નેપાળ રવાના થયું છે.

અજાણ્યા મૃતદેહોની દફનવિધિનું કેન્દ્ર

ચિતવન જિલ્લાના ભરતપુર ટાઉનમાં મોટી સંખ્યામાં અજાણ્યા મૃતદેહોને લવાઈ રહ્યા છે

નેપાળનું ચિતવન આમ તો વિનાશનું કેન્દ્ર નથી, છતાં અહીંની પરિસ્થિતિ પણ એટલી જ ભયાનક છે.

ઉલ્લેખનીય છે કે નેપાળના ચિતવનમાં વહેતી નદીમાં અંદાજે 300 મૃતદેહો મળી આવ્યા છે. નેપાળમાં આટલી મોટી સંખ્યામાં મૃતદેહો મળ્યા નથી.

બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત હાલમાં નેપાળમાં છે અને તેઓ ચિતવન જિલ્લાના ભરતપુર ટાઉનમાં પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત

જુગલ પુરોહિતના જણાવ્યા અનુસાર, ડિકમ્પોસ્ટ બૉડીની દુર્ગંધ આખા વિસ્તારમાં પ્રસરી રહી છે. સતત અહીં ફિનાઇલ નાખવામાં આવી રહ્યું છે, પણ દુર્ગંધ ઓછી થઈ રહી નથી. પીપીએ કિટ પહેરેલા લોકો અનેક વાહનો લઈને આવે છે, જેમાં મૃતદેહો રાખેલા છે.

ચિતવનમાં એક સ્થળે મૃતદેહોને લવાઈ રહ્યા છે. અજાણ્યા મૃતદેહના ફોટો લોકોને દેખાડાઈ રહ્યા છે, જેથી મૃતકના પરિવારજનો તેમની ઓળખ કરી શકે. 30 ઑગસ્ટ સુધીમાં માત્ર 10 મૃતદેહોની ઓળખ થઈ હતી.

હજુ પણ અનેક લોકો તેમના સ્વજનોના મૃતદેહની ઓળખ થાય એની રાહ જોઈ રહ્યા છે.

જુગલ પુરોહિત કહે છે, અહીં આવેલા દેવઘાટ ફૉરેસ્ટમાં વહીવટી તંત્ર બધા મૃતદેહોને લઈને આવે છે. અહીં મૃતદેહ જે દાટેલા છે, તેને એક યુનિક નંબર કે ટેગ આપે છે, આથી જ્યારે પણ કોઈ સ્વજનનો ડીએનએ ટેસ્ટ મૅચ થાય તો તેઓ મૃતદેહને લઈ જઈ શકે છે.

900થી વધુ લોકો સુરંગમાં ફસાયા

નેપાળમાં ગયા બુધવારે આવેલા અચાનક પૂરના કારણે અસરગ્રસ્ત 11 જળવિદ્યુત (હાઇડ્રોપાવર) પ્રોજેક્ટ્સના 900થી વધુ કર્મચારી હજુ પણ ગુમ છે

ઇમેજ સ્રોત, Shriram Neupane

નેપાળમાં ગયા બુધવારે આવેલા અચાનક પૂરના કારણે અસરગ્રસ્ત 11 જળવિદ્યુત (હાઇડ્રોપાવર) પ્રોજેક્ટ્સના 900થી વધુ કર્મચારી હજુ પણ ગુમ છે.

જોકે, હાલમાં સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ પ્રોજેક્ટ્સની સુરંગોની અંદર ફસાયેલા લોકોની સંખ્યા ખરેખર કેટલી છે.

નેપાળી સેનાના પ્રવક્તા રાજારામ બસનેતે બીબીસી નેપાળીને જણાવ્યું હતું કે સોમવાર સાંજ સુધી રસુવાગઢી, લાંગટાંગ, ચિલિમે, અપર ત્રિશૂલી 3A અને અપર ત્રિશૂલી 3B વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલુ હતી.

ભારત અને ચીનના નિષ્ણાતોની સહાયથી હાલ બચાવ કામગીરી ખાસ કરીને તે સુરંગો પર કેન્દ્રિત કરવામાં આવી રહી છે, જ્યાં લોકો ફસાયેલા હોવાની આશંકા છે.

બચાવકર્મીઓ અપર ત્રિશૂલી-1, ત્રિશૂલી-3A અને ત્રિશૂલી-3B જળવિદ્યુત પ્રોજેક્ટ્સની સુરંગોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

આ પ્રોજેક્ટ્સ નેપાળમાં વીજળી ઉત્પાદનના મુખ્ય સ્રોતોમાંથી એક છે. આમાંથી કેટલાક પ્રોજેક્ટ્સની સુરંગો એકબીજા સાથે જોડાયેલી હોવાના કારણે બચાવ કામગીરી વધુ જટિલ બની ગઈ છે.

અપર ત્રિશૂલી ‘3A’ પ્રોજેક્ટની મુખ્ય સુરંગ છે, જ્યાં હાલ બચાવ કામગીરી ચાલી રહી છે, તે સુરંગ જમીનની સપાટીથી અંદાજે 15 મીટર નીચે આવેલી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટના પાવરહાઉસ સુધી પહોંચવા માટે એક ભૂગર્ભ સુરંગ (અંડરગ્રાઉન્ડ ટનલ)નો ઉપયોગ કરવો પડે છે. આ મુખ્ય સુરંગની લંબાઈ અંદાજે 170 મીટર છે.

બચાવ દળો હાલમાં આ જ વિસ્તાર અને તેની સાથે જોડાયેલી સુરંગોમાં ફસાયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે, પાણીનો ભરાવો, કાટમાળ અને ભૂગર્ભ માળખાની જટિલતાને કારણે બચાવ કામગીરી અત્યંત પડકારજનક બની રહી છે.

નેપાળમાં હાલમાં શું ચાલી રહ્યું છે?

નિષ્ણાતોનું કહેવું છે કે નેપાળમાં સામાન્ય રીતે સુરંગો બનાવવા માટે વિસ્ફોટકોની મદદથી 'ડ્રિલ ઍન્ડ બ્લાસ્ટ' પદ્ધતિનો ઉપયોગ કરાય છે

ઇમેજ સ્રોત, Nepal Army

નેપાળી સેનાના પ્રવક્તા રાજારામ બસનેતે બીબીસી નેપાળીને જણાવ્યું હતું કે રસુવાગઢી હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં સુરંગનો બંધ થયેલો ભાગ અંદાજે 250 મીટર અંદર જતાં મળી આવ્યો હતો, પરંતુ “ત્યાં હજુ સુધી કોઈ વ્યક્તિ મળી આવી નથી.”

પ્રવક્તા બસનેતે કહ્યું, “લાંગટાંગ વિસ્તારમાં સુરંગમાં અંદાજે 65 મીટર અંદર ગયા બાદ મોટા પથ્થરો મળ્યા છે. વિદેશી ટીમો સેનાની સાથે ચિલિમે અને અપર ત્રિશૂલી જંગલ વિસ્તારમાં કામ કરી રહી છે, પરંતુ હજી સુધી કોઈ સફળતા મળી નથી. ત્યાં સમગ્ર સુરંગને ખોલવાની કામગીરી ચાલી રહી છે.”

સેનાના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે અપર ત્રિશૂલી 3B પ્રોજેક્ટમાં સુરંગનું પ્રવેશદ્વાર શોધવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે ત્રિશૂલી 3A પ્રોજેક્ટની સુરંગમાંથી પંપની મદદથી પાણી બહાર કાઢવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

જોકે, નેપાળ ઇલેક્ટ્રિસિટી ઑથૉરિટી હેલિકૉપ્ટર મારફતે જરૂરી પુરવઠો પહોંચાડી રહી છે, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે પહેલેથી જ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરવું ખૂબ પડકારજનક સાબિત થઈ રહ્યું છે.

સુરંગ ઇજનેર ઘિમિરે કહે છે, “એવું નથી કે સુરંગની અંદર રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી. ત્યાં પાવર હાઉસ કૅબિન છે, ઑફિસો છે અને વાતચીત માટે વૉકી-ટૉકીની સુવિધા પણ છે, પરંતુ તે સમયે સંબંધિત પ્રોજેક્ટ દ્વારા કઈ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ હતી, તે અલગ બાબત હોઈ શકે છે.”

નેપાળમાં સુરંગોની માયાજાળ

નિષ્ણાતોનું કહેવું છે કે નેપાળમાં સામાન્ય રીતે સુરંગો બનાવવા માટે વિસ્ફોટકોની મદદથી ‘ડ્રિલ ઍન્ડ બ્લાસ્ટ’ પદ્ધતિનો ઉપયોગ કરાય છે. દેશમાં આવેલા જળવિદ્યુત (હાઇડ્રોપાવર) પ્રોજેક્ટ્સમાં સુરંગોની લંબાઈ 100 મીટરથી લઈને લગભગ 9 કિલોમીટર સુધીની જોવા મળે છે.

ઉપરાંત સનકોશી-મરીન સિંચાઈ પ્રોજેક્ટની ડાયવર્ઝન સુરંગ આશરે 13 કિલોમીટર લાંબી છે, જ્યારે મેલમચી ડ્રિંકિંગ વૉટર પ્રોજેક્ટની સુરંગની લંબાઈ લગભગ 26 કિલોમીટર છે.

નાગઢુંગા સુરંગ, જે હાઈવે પર ઉપયોગમાં લેવામાં આવે છે અને કાઠમંડુને જોડે છે, આ સુરંગની લંબાઈ લગભગ 2.69 કિલોમીટર છે.

જ્યારે સિદ્ધબાબા સુરંગની લંબાઈ અંદાજે 1.1 કિલોમીટર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS