Source : BBC NEWS

બીબીસી ગુજરાતી પહલગામ જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાન ભારત હુમલો ગુપ્તચર ઇઝરાયલ હમાસ પર્યટક

ઇમેજ સ્રોત, Getty Images

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ચરમપંથી હુમલામાં 26 લોકો માર્યા ગયા. ત્યાર પછી ઘણા વીડિયો બહાર આવ્યા જેમાંથી એક વીડિયો ગુજરાતના શીતલ કળથિયાનો હતો. શીતલનાં 44 વર્ષીય પતિ શૈલેષભાઈ કળથિયાનું હુમલામાં મોત થયું હતું.

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સુરતમાં શીતલના પરિવારને મળવા ગયા, ત્યારે શીતલ કળથિયા પોતાના આક્રોશ પર કાબૂ રાખી ન શક્યાં.

શીતલે કહ્યું, “તમારી પાસે વીઆઈપી ગાડીઓ છે. પરંતુ ટૅક્સ ચૂકવનાર વ્યક્તિ માટે શું છે. ત્યાં કોઈ સૈનિક ન હતા કે મેડિકલ ટીમ પણ ન હતી.”

અંગ્રેજી અખબાર ‘ધ હિંદુ’એ મહારાષ્ટ્રના પારસ જૈન સાથે વાત કરી હતી, જેઓ આ હુમલામાં બચી ગયા છે. તેમણે કહ્યું કે આ હુમલો 25થી 30 મિનિટ સુધી ચાલ્યો હતો. તેમનો દાવો છે કે ત્યાં કોઈ પોલીસ કર્મચારી કે આર્મીના જવાન પણ ન હતા.

રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે ઘટનાસ્થળથી સીઆરપીએફનો કૅમ્પ સાત કિમી દૂર હતો જ્યારે રાષ્ટ્રીય રાઇફલ્સનો કૅમ્પ માત્ર પાંચ કિમી દૂર હતો.

મૃતકોના પરિવારજનો આ હુમલાના આઘાતમાંથી બહાર આવવાની કોશિશ કરે છે ત્યારે ઘણા બધા સવાલો પેદા થયા છે.

તેમાંથી કેટલાય સવાલોના કોઈ જવાબ નથી મળ્યા.

સૌથી મોટો સવાલ એ છે કે આ લોકપ્રિય પર્યટન સ્થળ બૈસરાનમાં સુરક્ષા બંદોબસ્ત કેમ ન હતો.

બીબીસીએ જમ્મુ કાશ્મીર અને સુરક્ષાના નિષ્ણાતો સાથે વાત કરીને આ સવાલોના જવાબ મેળવવા પ્રયાસ કર્યો.

નિષ્ણાતો શું કહે છે તે જાણીએ.

બેસરાનમાં સુરક્ષા કેમ ન હતી?

બીબીસી ગુજરાતી પહલગામ જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાન ભારત હુમલો ગુપ્તચર ઇઝરાયલ હમાસ પર્યટક

ઇમેજ સ્રોત, ANI

પહલગામ હુમલા પછી એક સવાલ વારંવાર ઊઠી રહ્યો છે કે લોકપ્રિય પર્યટનસ્થળ પર સુરક્ષાની વ્યવસ્થા કેમ ન હતી.

પત્રકાર અને કાશ્મીર મામલાનાં જાણકાર અનુરાધા ભસીન કહે છે કે તેમને યાદ છે ત્યાં સુધી તેમણે જમ્મુ-કાશ્મીરમાં હંમેશાં મોટા પ્રમાણમાં સેના ગોઠવાયેલી જોઈ છે.

ભસીન કહે છે, “1990ના દાયકાથી જ મને એવી કોઈ જાહેર જગ્યા યાદ નથી જ્યાં સુરક્ષા ન હોય. દરેક જગ્યાએ કોઈને કોઈ સુરક્ષાકર્મી જોવા મળશે. તેથી આ વિસ્તારમાં કોઈ સુરક્ષા ન હતી તે ચોંકાવનારી વાત છે.”

તેમણે બીજા કેટલાક સવાલો પણ ઉઠાવ્યા. તેમણે પૂછ્યું કે થોડા જ કલાકોમાં હુમલાખોરોને નામ કેવી રીતે જાહેર થઈ ગયાં? પીડિતો અને તેમના પરિવારજનોની હચમચાવી દેતી તસવીરો કેમ જાહેર કરવામાં આવી?

તેઓ કહે છે, “સુરક્ષાદળોને ત્યાં પહોંચવામાં સમય લાગ્યો. પરંતુ અમુક કલાકમાં જ તેમની પાસે હુમલાખોરોની તસવીરો હતો. તેઓ આ નિર્ણય પર કેવી રીતે પહોંચ્યા? આ તપાસ બહુ વિશ્વસનીય નથી લાગતી. આવી ઘટનાઓનો ઇતિહાસ રહ્યો છે જેની તપાસ પર સવાલ પેદા થયા છે. આ સવાલો મારા મનમાં ચાલે છે.”

તેઓ કહે છે કે 2019માં કલમ 370 હટાવાયા પછી પણ કાશ્મીરમાં આવી ઘટનાઓ બનતી રહે છે, ભલે તે બહુ મોટી ન હોય. આ ઘટના વિશ્વમાં સૈનિકોની સૌથી વધુ હાજરી ધરાવતી જગ્યાએ બની તેના કારણે ગંભીર સવાલો પેદા થાય છે.

અનુરાધા ભસીન કહે છે કે, “છેલ્લા પાંચ વર્ષમાં કેટલીક ઘટનાઓ બની તેના પરથી એવું ન કહી શકાય કે મિલિટન્સી ખતમ થઈ ગઈ છે. સુરક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ પણ વાત કરતી વખતે ‘નિયંત્રિત’ શબ્દનો ઉપયોગ કરે છે. તેઓ મિલિટન્સીના ‘ખાત્મા’ જેવો શબ્દ નથી વાપરતા. મિલિટન્સી ખતમ થઈ ગઈ છે એમ કહેવું એ રાજકીય નેરેટિવ જેવું વધારે છે. પાછલાં પાંચ વર્ષમાં જે શાંતિ સ્થપાઈ તે વધારે સૈન્ય નિયંત્રણના કારણે છે.”

પ્રોફેસર અમિતાભ મટ્ટુ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં ભણાવે છે. તેઓ આંતરરાષ્ટ્રીય સંઘર્ષ અને સુરક્ષાના નિષ્ણાત છે.

બીબીસી ગુજરાતી પહલગામ જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાન ભારત હુમલો ગુપ્તચર ઇઝરાયલ હમાસ પર્યટક

ઇમેજ સ્રોત, Getty Images

ભસીનના સવાલોના જવાબમાં તેઓ કહે છે, “છેલ્લાં કેટલાંક વર્ષોથી પર્યટન સ્થળે મોટા પાયે સુરક્ષાદળો ન ગોઠવવાનું વલણ રહ્યું છે.”

તેઓ કહે છે કે, “એવી રણનીતિ અપનાવાઈ જે અસરકારક તો હોય પરંતુ બહુ ખુલ્લા સ્વરૂપે દેખાય નહીં. કોઈ પણ સ્થિતિમાં આ સુરક્ષાની મોટી ચૂક હતી.”

બીબીસીએ જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી એસ પી વૈદ સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે પર્યટકોને દૂરના અંતરિયાળ વિસ્તારમાં લઈ જવાયા હતા, તેથી ત્યાં પોલીસ કર્મચારીઓની હાજરી હોવી જરૂરી હતી.

વૈદ્ય કહે છે, “મને લાગે છે કે ત્યાં હથિયારધારી પોલીસની હાજરી હોવી જોઈતી હતી. પોલીસ કે અર્ધલશ્કરી દળો ત્યાં હોવાં જોઈતાં હતાં. જો તેઓ ત્યાં હોત, તો તેઓ આતંકવાદીઓનો સામનો કરી શક્યા હોત. એ પણ સાચું છે કે પોલીસ કર્મચારીઓ દરેક જગ્યાએ ન હોઈ શકે. સંસાધનો મર્યાદિત છે. પર્યટકો દૂરના વિસ્તારમાં જતા હોય તો ત્યાં કેટલાક પોલીસકર્મી હોવા જરૂરી હતા.”

લેફ્ટનન્ટ જનરલ (રિટાયર) સતીષ દુઆ લાંબા સમયથી જમ્મુ કાશ્મીરમાં તહેનાત રહ્યા છે.

તેઓ કહે છે કે, “સેના અને રાષ્ટ્રીય રાઇફલ્સ દરેક અંતરિયાળ વિસ્તારમાં ન હોઈ શકે. તેઓ સરહદે આતંકવાદીઓનો સામનો કરવા માટે હોય છે. પોલીસની વાત કરીએ તો કાશ્મીર ખીણ 120 કિમી લાંબી અને 38 કિમી પહોળી છે. દરેક જગ્યાએ પોલીસ કર્મચારી ગોઠવવા શક્ય નથી.”

સામાન્ય લોકોને કેમ નિશાન બનાવાયા?

બીબીસી ગુજરાતી પહલગામ જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાન ભારત હુમલો ગુપ્તચર ઇઝરાયલ હમાસ પર્યટક

ઇમેજ સ્રોત, Getty Images

પહલગામમાં સામાન્ય લોકોને નિશાન બનાવવા અંગે પણ સવાલ ઉઠ્યા છે. આ હુમલામાં કટ્ટરવાદીઓએ એ રસ્તો અપનાવ્યો જે બીજા હુમલા કરતા અલગ હતો.

આ હુમલામાં સૈનિકો કે પોલીસને નહીં પણ સામાન્ય લોકોને નિશાન બનાવાયા હતા. જમ્મુ-કાશ્મીર કે દેશના કોઈ પણ ભાગમાં લાંબા સમય પછી આવો હુમલો થયો હતો.

રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ સતીષ દુઆ આ વિશે વિસ્તારથી સમજાવે છે.

દુઆ કહે છે કે, “છેલ્લા પાંચ વર્ષમાં કાશ્મીર ખીણમાં સ્થિતિ સુધરી છે અને સકારાત્મક ફેરફાર આવ્યો છે. લોકો ફરી સામાન્ય જીવન તરફ પાછા ફર્યા હતા. પર્યટનમાં પણ ઝડપથી વધારો થયો હતો. આતંકવાદીઓ ક્યારેય પર્યટનવાળા વિસ્તારને નિશાન નથી બનાવતા. આ વાત દુનિયાભરમાં સાચી છે, ખાસ કરીને કાશ્મીરમાં. કારણ કે આતંકવાદીઓ આવું કરે તો સ્થાનિક કાશ્મીરીઓની આજીવિકાને નિશાન બનાવે. તેઓ સ્થાનિક લોકો પાસેથી સમર્થનની અપેક્ષા રાખે છે. આમ કરવાથી તેમનું જ સમર્થન ખતમ થઈ જાય. આ કારણથી જ ઘરેલુ વિસ્તારોમાં હંમેશાં અમારી સમજ રહી છે કે આતંકવાદીઓ સામાન્ય લોકોને નિશાન નથી બનાવતા.”

તેમણે કહ્યું કે, “હું જ્યારે કોર કમાન્ડર હતો ત્યારે લોકો મને પૂછતા હતા કે શું તેમણે પર્યટન માટે કાશ્મીર આવવું જોઈએ. હું તેમને કહેતો કે ચોક્કસ આવો. તમે ડલ ઝીલ પાસે બેસી શકો છો અને પર્યટનસ્થળો પર ફરી શકો છો કારણ કે ત્યાં હુમલા નથી થતા.”

પ્રોફેસર અમિતાભ મટ્ટુ આ હુમલામાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાના કારણ પર સવાલ ઉઠાવે છે.

તેઓ કહે છે, “આતંકી જૂથોએ નાગરિકોને નિશાન બનાવવાનું કેમ શરૂ કર્યું? અગાઉ તેઓ મુખ્યત્વે સૈન્ય મથકોને નિશાન બનાવતા હતા. આ વખતે તેમણે કાશ્મીરી લોકોની ભાવનાનો કોઈ ખ્યાલ નથી કર્યો. શું આ સ્થિતિ સામાન્ય થઈ હોવાને નકારવાની કોઈ રીત છે?”

“અગાઉ આતંકવાદી સમૂહોની એવી રણનીતિ રહેતી કે તેઓ સૈન્ય ઠેકાણા અને સામાન્ય લોકો પર અસર કરે તેવા ટાર્ગેટ વચ્ચે ભેદ રાખતા હતા. હવે તે ભેદ ખતમ થઈ ગયો છે. હા, આ સિવાય આ વખતે હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.”

દુઆ પણ માને છે કે નાગરિકોને નિશાન બનાવવાનું એક કારણ એ હોઈ શકે કે તેના દ્વારા દેશમાં લાગણીઓ ઉશ્કેરી શકાય છે.

તેમણે કહ્યું કે, “આતંકવાદીઓએ શું કર્યું? તેમણે હિંદુ પુરુષોને અલગ કર્યા અને મારી નાખ્યા. તેમનો હેતુ એ હતો કે મહિલાઓ પોતપોતાના શહેરોમાં જાય અને આ બધાની કહાણી કહે. મહિલાની દર્દનાક ચીસો બધે અસર પાડે છે અને તેનાથી દેશના અલગ અલગ ભાગોમાં લાગણીઓ ભડકશે. ભારતે એ નક્કી કરવાનું છે કે તેમની જાળમાં ફસાય નહીં.”

તેમના કહેવા પ્રમાણે આ હુમલો વર્ષ 2023માં ઈઝરાયલ પર હમાસના હુમલા સમાન છે.

તેઓ કહે છે, “તેમણે હમાસની રીત અપનાવી છે. જે રીતે નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં થયું એવું જ અહીં કર્યું છે. તેનું કારણ છે કે નિર્દોષ સામાન્ય નાગરિકોને મારવા, ખાસ કરીને પર્યટકોને મારવાથી સુરક્ષાદળોને મારવા કરતા વધુ અસર પડે છે.”

શું આ ગુપ્તચર તંત્રની નિષ્ફળતા હતી?

બીબીસી ગુજરાતી પહલગામ જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાન ભારત હુમલો ગુપ્તચર ઇઝરાયલ હમાસ પર્યટક

ઇમેજ સ્રોત, Getty Images

અમિતાભ મટ્ટુ કહે છે કે તેમને આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી અંગે કોઈ શંકા નથી. પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ કોઈ મોટી ગુપ્તચર નિષ્ફળતા હતી?

તેમણે કહ્યું કે, “પાકિસ્તાનમાં રાજકીય અને લશ્કરી સ્થાપના વચ્ચે કેટલી સાંઠગાંઠ છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. શું પાકિસ્તાની સરકારને ખબર હતી કે સેના, આઈએસઆઈ અને લશ્કર-એ-તૈયબા જેવા ફ્રન્ટલ સંગઠનો આવી પ્રવૃત્તિઓમાં સામેલ છે? મને એક ક્ષણ માટે પણ આમાં પાકિસ્તાનની સામેલગીરી વિશે શંકા નથી.”

મટ્ટુ કહે છે, “આ એક ગુપ્તચર નિષ્ફળતા છે. અમને કોઈ ઇલેક્ટ્રોનિક માહિતી કેમ ન મળી જેના દ્વારા અમે આ હુમલાની આગાહી કરી શકીએ અને તેને નિષ્ફળ બનાવી શકીએ?”

નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆ પણ માને છે કે ગુપ્તચર નિષ્ફળતા એક મોટી ભૂલ છે.

દુઆ કહે છે, “શું આપણે કંઈક સારું કરી શક્યા હોત? હા. હું એમ નથી કહેતો કે કોઈ ભૂલ નહોતી. આપણે વધુ સારી ગુપ્ત માહિતી એકત્રિત કરી શક્યા હોત. આ ઘટનાના થોડા દિવસો પહેલાં પાકિસ્તાનના આર્મી ચીફે એક નિવેદન આપ્યું હતું. તેમાં તેમણે હિન્દુઓ અને મુસ્લિમો વિશે વાત કરી હતી. તેમણે મુસ્લિમોની શ્રેષ્ઠતા વગેરે વિશે વાત કરી. આપણે તે સંકેત સમજવો જોઈતો હતો. કોઈપણ હાઈ-પ્રોફાઇલ આતંકવાદી હુમલાને હંમેશાં ઉચ્ચ સ્તરે મંજૂરી આપવામાં આવે છે. પાકિસ્તાની આર્મી ચીફ જાણતા હતા કે તેઓ શું કરી રહ્યા છે. તેથી, આપણે આવી બાબતો પ્રત્યે વધુ સાવચેત રહેવું જોઈતું હતું. આપણે આપણા કાન અને આંખો જમીન પર વધુ સતર્ક રાખવા જોઈતા હતા.”

તેઓ કહે છે, “ભારતે હ્યુમન ઈન્ટેલિજન્સ સુધારવાની જરૂર છે. આપણે હવે ઇલેક્ટ્રોનિક ગુપ્ત માહિતી પર વધારે પડતા નિર્ભર છીએ. તે બંનેનું વધુ સારું સંયોજન હોવું જોઈએ.”

અહીં એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે હુમલા પછી વડા પ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઑન સિક્યૉરિટીની બેઠક મળી હતી.

બેઠકના નિર્ણયો વિશે માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે આ આતંકી હુમલાના તાર સરહદ પાર સાથે જોડાયેલા છે. આટલું જ નહીં, ભારતે પાકિસ્તાન સામે ઘણા પગલાં લીધા હતા. તેમાં સિંધુ જળસંધિ સસ્પેન્ડ કરવી, વિઝા રદ કરવા અને અટારી ચેકપોસ્ટ બંધ કરવાના પગલાં સામેલ છે. પાકિસ્તાનના ઘણા ડિપ્લોમેટને પણ ભારત છોડવા જણાવાયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS