Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, પાકિસ્તાન, ગોલ્ડ, સોનું, બલૂચિસ્તાન, સોનાની ખાણ

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, ઇસ્માઇલ શેખ
  • પદ, બીબીસી, ઈસ્લામાબાદ
  • 21 જાન્યુઆરી 2025, 19:18 IST

    અપડેટેડ 36 મિનિટ પહેલા

ભૂતકાળમાં, પાકિસ્તાનમાં જુદી જુદી સરકાર દ્વારા સોના સહિત કિંમતી ધાતુઓના ભંડાર મળ્યા હોવાના દાવા થતા રહ્યા છે.

2015માં તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાની પંજાબના ચિનિયોટ શહેરમાં લોખંડ, તાંબુ અને સોનાનો મોટો ભંડાર મળ્યો હોવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે, આ ભંડારોથી પાકિસ્તાનમાં સુખાકારી આવશે.

આવો જ એક દાવો તાજેતરમાં પાકિસ્તાની પંજાબની સરકારના ખાણ મંત્રી દ્વારા પણ કરવામાં આવ્યો છે. પંજાબ રાજ્યના ખાણ મંત્રી શેર અલી ગોરચાનીએ દાવો કર્યો કે અટકમાં લગભગ 700 અબજ પાકિસ્તાની રૂપિયાનો સોનાનો ભંડાર મોજૂદ છે.

સ્થાનિક મીડિયા અનુસાર, રાજ્યમંત્રીનો દાવો છે કે અટકમાં 32 કિલોમીટરના વિસ્તારમાં 28 લાખ તોલા સોનાનો ભંડાર મળી આવ્યો છે. આ સોનાની કિંમત હાલના બજારભાવ મુજબ 600થી 700 અબજ પાકિસ્તાની રૂપિયા છે.

આની પહેલાં, ગયા અઠવાડિયે પંજાબના પૂર્વ પ્રભારી ખાણ મંત્રી ઇબ્રાહીમ હસન મુરાદે પણ દાવો કર્યો હતો કે, અટકમાં સિંધ અને કાબુલ નદીના કિનારે સોનાના ભંડાર છે.

પાકિસ્તાનની એક ખાનગી ટીવી ચૅનલ સાથે વાત કરતાં તેમનું કહેવું હતું કે, જ્યારે તેઓ મંત્રી હતા ત્યારે એવી માહિતી જાણવા મળી હતી કે અટક નજીક કેટલાક લોકો મશીનોની મદદથી ખોદકામ કરી રહ્યા છે.

હસન મુરાદ અનુસાર, જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે લોકો અહીં સોનું શોધી રહ્યા છે. ત્યાર પછી તે વિસ્તારમાં 144મી કલમ લાગુ કરીને સોનાની શોધ પર પ્રતિબંધ મૂકી દેવાયો.

તેમનું કહેવું હતું કે, જિઑલોજિકલ સર્વે ઑફ પાકિસ્તાને 25 કિલોમીટર વિસ્તારમાંથી 500 નમૂના એકત્ર કર્યા હતા, જેના દ્વારા અહીં સોનું હોવાની વાતની પુષ્ટિ થઈ હતી.

આ દાવા પછી સવાલ એ ઊભો થાય છે કે, શું પાકિસ્તાનમાં ખરેખર સોનાના ભંડાર ઉપલબ્ધ છે? અને, વાસ્તવમાં તેમાંથી કેટલું સોનું નીકળે છે?

પાકિસ્તાનમાં સોનાના ભંડાર ક્યાં છે?

બીબીસી ગુજરાતી, પાકિસ્તાન, ગોલ્ડ, સોનું, બલૂચિસ્તાન, સોનાની ખાણ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રાલયના ખાણ વિભાગે સાઉદી અરબની ફ્યૂચર મિનરલ્સ ફોરમમાં રજૂ કરેલા પોતાના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વાહમાં સોનાનો ભંડાર જોવા મળે છે, જેની માત્રા લગભગ 1.6 અબજ ટન છે.

રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં દર વર્ષે લગભગ દોઢથી બે ટન જેટલું કાચું સોનું કાઢવામાં આવે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, બલૂચિસ્તાનમાં ‘રેકોડિક પ્રોજેક્ટ’ પૂરો થયા પછી પાકિસ્તાનમાં કાચા સોનાનું ઉત્પાદન આગામી 10 વર્ષમાં વાર્ષિક 8થી 10 ટન સુધી પહોંચી શકે છે.

પાકિસ્તાનમાં ચાંદીના ઉત્પાદન વિશે રિપોર્ટમાં કહેવાયું છે કે, તેના ભંડાર બલૂચિસ્તાનમાં જોવા મળે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, પાકિસ્તાનમાં ચાંદીનું ખોદકામ અનેક રીતે બીજી ધાતુઓ–ખાસ કરીને તાંબુ અને સોનું–કાઢવાથી સાથે સંકળાયેલું છે. હકીકતમાં, ચાંદીનું મોટું ઉત્પાદન બીજી ધાતુઓના ઉત્પાદનની સાથોસાથ વધારાના ઉત્પાદનરૂપે હોય છે.

ઊર્જા મંત્રાલય હેઠળ કામ કરનારી સંસ્થા જિઑલોજિકલ સર્વે ઑફ પાકિસ્તાન (જીએસપી)ના વર્ષ 2022-23ના રિપોર્ટ મુજબ દેશમાં ઘણી જગ્યાએ ખનીજો અને કિંમતી ધાતુઓને શોધવાનું કામ ચાલુ છે.

રિપોર્ટ અનુસાર, જીએસપી પાકિસ્તાન પ્રશાસિત ગિલગિટ-બલ્તિસ્તાનના બારીત હંકોઈમાં તાંબા અને સોનાની શોધ માટે અભ્યાસ ‌કરી રહી છે.

આ ઉપરાંત, જીએસપીએ જિઑકેમિકલ તકનીક દ્વારા એ જાણવાની કોશિશ કરી છે કે, પાકિસ્તાન પંજાબના અટક જિલ્લામાં અને ખૈબર પખ્તૂનખ્વાહના માનસહરા જિલ્લામાં પ્લેસર ગોલ્ડ અને બીજી ધાતુઓ છે કે કેમ.

રિપોર્ટ અનુસાર, અટકમાં સોનું છે કે નહીં તે જાણવા માટે જિઑફિઝિકલ સર્વે મુજબ નમૂના ભેગા કરવામાં આવ્યા અને આ બધા રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યા છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખૈબર પખ્તૂનખ્વાહમાં પ્લેસર ગોલ્ડનો સંભવિત ઝોન શોધવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તે માટે ચિતરાલ, સ્વાત અને બનીરમાં છ હજાર વર્ગકિલોમીટરના વિસ્તારમાં જિઑલોજિકલ મૅપિંગ કરવામાં આવશે.

જીએસપીના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે બીબીસીને જણાવ્યું કે, તે જગ્યાઓ સિવાય સિંધના તાલુકા નગર પારકરમાં પણ સોનાના ભંડાર શોધવામાં આવ્યા છે, તેના વિશે રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલી દેવાયો છે.

સેંદક પ્રોજેક્ટ

બીબીસી ગુજરાતી, પાકિસ્તાન, ગોલ્ડ, સોનું, બલૂચિસ્તાન, સોનાની ખાણ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના બલૂચિસ્તાન રાજ્યના ચાગી જિલ્લામાં સ્થિત સેંદક પ્રોજેક્ટ 1990માં શરૂ થયો હતો, જેમાં ચીનની કંપનીને ખોદકામ, ધાતુની સફાઈનાં કારખાનાં, વીજળી, પાણી અને રહેવા માટે વસાહત બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

1995માં સેંદક પ્રોજેક્ટનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું અને 1,500 મેટ્રિક ટન તાંબા અને સોનાનું ઉત્પાદન કરવામાં આવ્યું; પરંતુ, બીજા જ વર્ષે તકનીકી અને આર્થિક કારણોસર આ પ્રોજેક્ટને અટકાવી દેવામાં આવ્યો. 2003માં આ પ્રોજેક્ટ પર ફરીથી કામ શરૂ કરવામાં આવ્યું.

2003માં ચીનના મેટલર્જિકલ કન્સ્ટ્રક્શન કૉર્પોરેશનને આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો અને તેણે ઓગસ્ટ 2003માં આ ખાણમાં વ્યાવસાયિક ઉપયોગ માટે ખોદકામ શરૂ કર્યું. ત્યારથી આ જ કંપની આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

સેંદકની વેબસાઇટ પર જે માહિતી આપવામાં આવી છે તે મુજબ, પ્રોજેક્ટની દક્ષિણી ખાણમાં 7 કરોડ ૫૮ લાખ ટન ખનીજનો ભંડાર છે; જેમાં સોનાનો ગુણોત્તર 0.47 ગ્રામ પ્રતિ ટન છે.

સેંદક પ્રોજેક્ટના આ ભાગમાંથી વાર્ષિક 15,000 ટન બ્લિસ્ટર તાંબાની સાથોસાથ સાડા અગિયારસો કિલોગ્રામ સોનું અને આશરે 1,000 કિલોગ્રામ જેટલી ચાંદી પણ કાઢી શકાય તેમ છે.

પ્રોજેક્ટની ઉત્તરની ખાણમાં, શરૂઆતના અંદાજ પ્રમાણે, ખનીજનો કુલ 4 કરોડ 64 લાખ ટનનો ભંડાર હતો. તેમાં સરેરાશ 0.37 ટકા સુધી તાંબુ અને સોનાની માત્રા 0.14 ગ્રામ પ્રતિ ટનના હિસાબે 6,346 કિલોગ્રામ હતી.

કંપનીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ઈ.સ. 2021માં 16,000 મેટ્રિક તાંબુ કાઢવામાં આવ્યું હતું; પરંતુ, તેમાં સોનાના જથ્થાનો કશો ઉલ્લેખ નહોતો.

‘રેકોડિક પ્રોજેક્ટ’ પર વિવાદ

બીબીસી ગુજરાતી, પાકિસ્તાન, ગોલ્ડ, સોનું, બલૂચિસ્તાન, સોનાની ખાણ

ઇમેજ સ્રોત, Getty Images

કહેવાય છે કે, દુનિયાની કેટલીક સૌથી મોટી ખાણમાંની એક બલૂચિસ્તાનના ચાગીની તાંબા અને સોનાની ખાણ છે.

લગભગ ત્રણ દાયકા પહેલાં પાકિસ્તાનની સરકારે આ ભંડારોના સંશોધન માટે રેકોડિક પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.

પરંતુ, જ્યારે ઈ.સ. 2013માં રેકોડિક પર કામ કરનારી કંપની ઠેતિયાન કૉપર કંપનીને માઇનિંગનું લાઇસન્સ આપવામાં ન આવ્યું ત્યારે કંપનીએ તેની વિરુદ્ધ મૂડીરોકાણ સંબંધિત વિવાદો ઉકેલનાર બે આંતરરાષ્ટ્રીય ફોરમમાં અપીલ કરી.

તેમાંની એક ઇન્ટરનૅશનલ સેન્ટર ફૉર સેટલમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યૂટ્સ (ઇગ્સિટ)એ કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો અને પાકિસ્તાનને દંડ કર્યો.

પછીથી સરકારે ઠેતિયાન કૉપર કંપનીમાં બંને શૅરહોલ્ડર્સ સાથે વાતચીત કરી, જેમાંથી કૅનેડાની ‘બૅરિક ગોલ્ડ’ નામની કંપની આ પ્રોજેક્ટ પર ફરીથી કામ કરવા માટે તૈયાર થઈ ગઈ.

માર્ચ 2022માં બલૂચિસ્તાનની સરકાર અને બૅરિક ગોલ્ડ કૉર્પોરેશન વચ્ચે રેકોડિક પર સમજૂતી થઈ, જેના હેઠળ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

ઑગસ્ટ 2023માં ઇસ્લામાબાદમાં આયોજિત ‘મિનરલ્સ સમિટ’માં બૅરિક ગોલ્ડના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક બ્રિસ્ટોનું કહેવું હતું કે, રેકોડિક પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમનું કહેવું હતું કે, કંપનીનું લક્ષ્ય છે કે 2028 સુધીમાં પ્રોજેક્ટમાંથી ઉત્પાદન શરૂ કરી દેવાય.

ચિનિયોટના ભંડાર

ઈ.સ. 2015માં પંજાબના ચિનિયોટમાં લોખંડનો હજારો ટનનો જથ્થો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે નિષ્ણાતોએ વડા પ્રધાન નવાઝ શરીફને જણાવ્યું હતું કે આ ભંડાર 2,000 વર્ગકિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.

વડા પ્રધાન નવાઝ શરીફને સલાહ આપવામાં આવી કે કાચા લોખંડના ભંડાર કરતાં ત્યાં રહેલા તાંબાના ભંડાર પર વધારે ધ્યાન આપવામાં આવે.

તે સમયે નવાઝ શરીફે કહ્યું હતું કે, હવે ‘આગામી ત્રણ વર્ષમાં પાકિસ્તાનની બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે’.

નવેમ્બર 2024માં સ્થાનિક મીડિયામાં આવેલા સમાચાર મુજબ, ચિનિયોટ પ્રોજેક્ટ સંભાળનારી સંસ્થા પંજાબ મિનરલ કૉર્પોરેશનના વડા ડૉક્ટર સમર મુબારક મંદનું કહેવું હતું કે, છ વર્ષના એક્સ્પ્લોરેશન પ્રોજેક્ટમાં ચિનિયોટમાં 261.5 મિલિયન ટન ઉચ્ચ ગુણવત્તાવાળા લોખંડ અને 36.5 મિલિયન ટન તાંબાનો જથ્થો મળ્યો છે.

તેમનું કહેવું હતું કે, સ્ટીલ મિલ અને કૉપર રિફાઇનરીમાંથી 4 કરોડ 50 લાખ ટન 99.6 ટકા વિશુદ્ધ લોખંડ અને 15 લાખ ટન વિશુદ્ધ તાંબુ મળી શકશે. પરંતુ, અહીંથી કેટલું સોનું મળી શકશે તે અંગે તેમના તરફથી કશી માહિતી આપવામાં ન આવી.

‘પ્લેસર ગોલ્ડ અને ઉત્તર પાકિસ્તાનમાં સંભવિત ભંડાર

બીબીસી ગુજરાતી, પાકિસ્તાન, ગોલ્ડ, સોનું, બલૂચિસ્તાન, સોનાની ખાણ

ઇમેજ સ્રોત, Getty Images

કરાચી યુનિવર્સિટીના જિઑલોજી ડિપાર્ટમેન્ટના ઍસોસિયેટ પ્રોફેસર ડૉક્ટર અદનાન ખાને કહ્યું કે, હકીકતમાં સોનું ઇગ્નિયસ અને મેટામૉર્ફિક પથ્થરોમાં જોવા મળે છે. તેમના અનુસાર, એવા પથ્થરોના પહાડ પાકિસ્તાનના ઉત્તરી વિસ્તારમાં જોવા મળે છે.

અપર દીરની શહીદ બેનઝીર ભુટ્ટો યુનિવર્સિટીના જિઑલોજી ડિપાર્ટમેન્ટ સાથે સંબંધ ધરાવતા ડૉક્ટર એહતેશામ ઇસ્લામે કહ્યું કે, ગિલગિટ, હંઝા અને ગઝરના વિસ્તારોમાં સોનાના ભંડાર મળવાની ખૂબ મોટી સંભાવના છે.

તેમનું કહેવું છે કે, અપર દીરથી લઈને ચિતરાળ સુધીના વિસ્તારમાં મોટી માત્રામાં તાંબુ મળી આવે છે. ડૉક્ટર એહતેશામે કહ્યું કે, ઘણી વાર તાંબાની સાથે ઍસોસિયેટ મિનરલ તરીકે સોનું પણ નીકળે છે, પરંતુ, તેની માત્રા ખૂબ ઓછી હોય છે.

“જો તમને તાંબાના સો ટુકડા મળે તો તેની સાથે માત્ર 0.1 કે 0.2 ટકા સોનું મળવાની સંભાવના હોય છે.”

નદીઓમાંથી મળતા સોનાના કણ વિશે પ્રોફેસર અદનાને કહ્યું, “જ્યાં સોનાનો ભંડાર મળે છે તેવા પહાડી વિસ્તારો પરથી નદી વહી આવે છે, ત્યારે તે પોતાની સાથે એ પથ્થરોમાં રહેલા સોનાના કણ પણ સાથે લઈ આવે છે.”

“જ્યારે આ નદી મેદાની પ્રદેશમાં આવે છે ત્યારે તેના પ્રવાહની ગતિ મંદ થઈ જાય છે અને તે પાણીની સાથે આવેલી ધાતુઓના કણ નદીના તળિયે બેસી જાય છે, જ્યાં તેનો ભંડાર થઈ જાય છે. આ રીતે મળતા સોનાને પ્લેસર ગોલ્ડ કહે છે.”

બીબીસી ગુજરાતી, પાકિસ્તાન, ગોલ્ડ, સોનું, બલૂચિસ્તાન, સોનાની ખાણ

ઇમેજ સ્રોત, Getty Images

ડૉક્ટર એહતેશામ ઇસ્લામે જણાવ્યું કે, પાકિસ્તાનના નૅશનલ સેન્ટર ફૉર એક્સિલેન્સના ડૉક્ટર તાહિરશાહની દેખરેખ હેઠળ તાજેતરમાં એક રિસર્ચ પ્રોજેક્ટ પૂરો થયો.

આ પ્રોજેક્ટમાં ગિલગિટમાં સિંધુ નદીના ઉદ્‌ગમસ્થળે સોનું છે કે કેમ, તેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

તેમના કહ્યા અનુસાર, આ સંશોધન દરમિયાન અલગઅલગ જગ્યાએ ‘પ્લેસર ગોલ્ડ’ હોવાના પુરાવા મળ્યા છે.

પ્રોફેસર અદનાને કહ્યું કે, સિંધ નદીમાં ઉત્તરી વિસ્તારોથી લઈને અટક સુધીની અનેક જગ્યાએ આવા ભંડાર જોવા મળે છે, જેને કાઢવા માટે લોકોએ ઘરેલુ ઉદ્યોગ શરૂ કરી દીધા છે.

પરંતુ, તેમના અનુસાર આ ભંડાર એટલા મોટા નથી કે તેને કાઢવા માટે ઔપચારિક રીતે ઉદ્યોગ શરૂ કરવામાં આવે.

ડૉક્ટર એહતેશામે કહ્યું કે, સેંદકમાં તાંબાની સાથે મળતા સોનાનો ગુણોત્તર અપર દીર અને અન્ય વિસ્તારોની તુલનામાં ખૂબ સારો છે.

“બલૂચિસ્તાનમાં ચાગી અને આસપાસના વિસ્તારોમાં મળતા સોનાનો ગુણોત્તર ઉત્તરી વિસ્તારોની સરખામણીએ ઘણો સારો છે.”

ડૉક્ટર એહતેશામ અનુસાર, “ઉત્તરી અને દક્ષિણી વજીરિસ્તાનની કેટલીક જગ્યાએ તાંબુ મોજૂદ છે. તેની સાથે ઍસોસિએટ મિનરલ તરીકે સોનું મળી શકે છે. પરંતુ, તેની માત્રાનું અનુમાન કરવું યોગ્ય નથી.”

પ્રોફેસર અદનાન ખાને કહ્યું કે, પાકિસ્તાનમાં મોટા ભાગના સોનાની શોધ સંયોગથી થાય છે.

તેમનું કહેવું છે કે, તેનું એક કારણ રિસર્ચ અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે સહયોગની કમી છે. તેના કારણે મોટા ભાગની બાબતો ઉજાગર નથી થતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS