Home તાજા સમાચાર gujrati પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મુલાકાત, ભેટ આપ્યું આ પુસ્તક...

પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મુલાકાત, ભેટ આપ્યું આ પુસ્તક – ન્યૂઝ અપડેટ

4
0

Source : BBC NEWS

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં યોજાઈ રહેલા બ્રિક્સ શિખર સંમેલન 2026 દરમિયાન દ્વિપક્ષીય બેઠક પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

વાંચવાનો સમય: 6 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં યોજાઈ રહેલા બ્રિક્સ શિખર સંમેલન 2026 દરમિયાન દ્વિપક્ષીય બેઠક પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને તમિલના પ્રખ્યાત લેખક તિરુવલ્લુવરનું રશિયન ભાષામાં અનૂદીત પુસ્તક ‘તિરુક્કુરળ’ ભેટ આપ્યું. તિરુક્કુરળ તમિલ ભાષાનો પ્રાચીન અને અત્યંત મહત્ત્વનો ધાર્મિક ગ્રંથ છે.

આ પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત મંડપમ્ પહોંચ્યા હતા, જ્યાં તેમની વડા પ્રધાન મોદી સાથે મુલાકાત થઈ હતી.

ભારતમાં યોજાઈ રહેલા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેનારા અન્ય પ્રમુખ નેતાઓમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો પણ સમાવેશ થાય છે.

શુક્રવારે સાંજે પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે પણ દ્વિપક્ષીય વાતચીત થશે.

અમેરિકા લાવી શકે છે એચ-1બી વિઝાધારકોની ‘મુશ્કેલીઓ વધારતો’ વધુ એક કાયદો

અમેરિકા લાવી શકે છે એચ-1બી કર્મચારીઓની 'મુશ્કેલીઓ વધારતો' વધુ એક કાયદો – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ સમાચાર ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રમ્પ પ્રશાસને કેટલાક પ્રવાસીઓ માટે નોકરી જતી રહ્યા પછી અમેરિકામાં રોકાઈને નવી નોકરી અથવા નવા સ્પોન્સરની શોધ કરવા માટે મળતી 60 દિવસની છૂટ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આમાં એચ-1બી વિઝા પર કામ કરતા કુશળ કર્મચારીઓ પણ સામેલ છે. ગુરુવારે ઑનલાઇન જાહેર કરવામાં આવેલી એક સરકારી સૂચનામાં આ માહિતી આપવામાં આવી છે.

સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા અનુસાર, અમેરિકાના હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગ દ્વારા ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત પ્રસ્તાવિત નિયમ હેઠળ એચ-1બી અને કેટલાક અન્ય અસ્થાયી વર્ક વિઝાધારકોને નોકરી સમાપ્ત થતાં જ અમેરિકા છોડવું પડશે.

આથી તે મોટી અમેરિકન ટૅક કંપનીઓને ફટકો લાગી શકે છે, જે મોટી સંખ્યામાં વિદેશી કર્મચારીઓ પર નિર્ભર છે.

જાન્યુઆરી 2025માં સત્તામાં પરત ફર્યા બાદથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાનૂની ઇમિગ્રેશનને મર્યાદિત કરવાની આ હાલની નવી કોશિશ છે.

તેમના પ્રશાસને કુશળ વિદેશી કર્મચારીઓ માટે વિઝા ફી વધારવાનાં પગલાં પણ લીધાં છે.

તે ઉપરાંત, એક નવા ટ્રેનિંગ પ્રોગ્રામને અમલમાં મૂકવાના ભાગરૂપે વિશ્વભરમાં આવેલાં અમેરિકન મિશનોમાં ઇમિગ્રન્ટ વિઝા ઍપોઇન્ટમેન્ટ પર અસ્થાયી રોક પણ લગાવવામાં આવી છે.

હોમલૅન્ડ સિક્યૉરિટીએ પોતાના પ્રસ્તાવમાં જણાવ્યું છે કે આ ફેરફારથી અસરગ્રસ્ત કંપનીઓના કામકાજ પર થોડી અસર પડી શકે છે, પરંતુ આ નોકરીઓમાં અમેરિકન કર્મચારીઓને રાખી શકાય છે.

અમેરિકાએ શા માટે ‘મિસ્ટર સિંહ પાછા જાઓ’વાળી જાહેરાત હટાવી?

અમેરિકાએ શા માટે 'મિસ્ટર સિંહ પાછા જાઓ'વાળી જાહેરાત હટાવી? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના હોમલૅન્ડ સિક્યૉરિટીએ ગુરુવારે “મિસ્ટર સિંહ”ને અમેરિકામાંથી સ્વૈચ્છિક રીતે ચાલ્યા જવાની અપીલ કરતી જાહેરાત હટાવી દીધી છે.

ભારતીય-અમેરિકન સંગઠનો અને ડેમૉક્રેટિક નેતાઓએ તેને “વંશવાદી પ્રૉપેગૅન્ડા” ગણાવી તેની ટીકા કરી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના અનુસાર, હોમલૅન્ડ સિક્યૉરિટીએ બિનલાઇસન્સ ધરાવતા કૉમર્શિયલ ડ્રાઇવરો વિરુદ્ધના પોતાના અભિયાન હેઠળ ઍક્સ પર એઆઈથી બનાવેલી તસવીરનો ઉપયોગ કર્યો હતો.

તેમાં દાઢી ધરાવતા એક શ્યામવર્ણની વ્યક્તિને દર્શાવવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું, “અમારા રસ્તાઓ પરથી ચાલ્યા જાઓ, તમને ગાડી ચલાવતાં આવડતું નથી, મિસ્ટર સિંહ.”

આ જાહેરાત સામે ભારતીય-અમેરિકન અને શીખ અધિકારોની વકીલાત કરતાં સંગઠનોએ વાંધો વ્યક્ત કર્યો હતો.

કૅલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ અને સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ સહિતના ડેમૉક્રેટિક નેતાઓએ પણ તેનો વિરોધ કર્યો હતો

ટી20 મહિલા એશિયા કપ : બાંગ્લાદેશને હરાવીને ભારત ફાઇનલમાં, હરમનપ્રીતે શું કહ્યું?

ટી20 મહિલા એશિયા કપ : બાંગ્લાદેશને હરાવીને ભારત ફાઇનલમાં, હરમનપ્રીતે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ટી20 મહિલા એશિયા કપ ક્રિકેટની સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવી દીધું છે.

ફાઇનલમાં પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમનાં કપ્તાન હરમનપ્રીતકોરે પોતાની ટીમની પ્રશંસા કરતાં કહ્યું કે જે રીતે બાબતો આગળ વધી રહી છે તેનાથી તેઓ ઘણાં ખુશ છે.

બાંગ્લાદેશને 40 રનથી હરાવ્યા બાદ હરમનપ્રીતે મૅચમાં નાની ભાગીદારીઓનો ખાસ રીતે ઉલ્લેખ કર્યો.

ભારતે પહેલાં બૅટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 149 રન બનાવ્યા, તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 7 વિકેટે માત્ર 109 રન જ બનાવી શકી.

તેમણે ઇનિંગ્સ દરમિયાન રિચા ઘોષ અને દીપ્તિ શર્માના યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું, “ખાસ કરીને આ પ્રકારની પિચ પર નાની ભાગીદારીઓ મહત્ત્વ રાખે છે. રિચાએ પણ મહત્ત્વપૂર્ણ શૉટ રમ્યાં. દીપ્તિએ બૉલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને અમને કેટલીક મહત્ત્વપૂર્ણ વિકેટ અપાવી.”

હરમનપ્રીતે કહ્યું, “અમારી બૅટિંગ અને બૉલિંગ જે રીતે ચાલી રહી છે, તેનાથી પણ હું ખુશ છું. સારા બૉલની પોતાની એક મહત્ત્વતા હતી. જો તમે બૉલને સારી રીતે સ્પિન કરાવી રહ્યા હતા, તો તે બૉલનું મહત્ત્વ હતું. આજે બંને ટીમોના સ્પિનરોએ સારી બૉલિંગ કરી. બૅટર્સ માટે મુશ્કેલી હતી અને સ્પિનરોએ પિચનો સારી રીતે ઉપયોગ કર્યો.”

ભારતે બાંગ્લાદેશને 40 રનથી હરાવીને મહિલા એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ એશિયા કપના ઇતિહાસમાં ભારતની 10મી ફાઇનલ હશે. જ્યારે પણ મહિલા એશિયા કપ યોજાયો છે, ભારત દરેક વખતે ફાઇનલમાં પહોંચ્યું છે.

ગુરુવારે થયેલી મૅચમાં પહેલા બૅટિંગ કરતાં ભારતે બાંગ્લાદેશ સમક્ષ 150 રનનું લક્ષ્ય રાખ્યું હતું.

શેફાલી વર્માએ મળેલી તકનો લાભ ઉઠાવતા 40 બૉલમાં 64 રન બનાવ્યા. શેફાલીને ત્રણ જીવનદાન મળ્યાં. તેમના 6, 11 અને 56 રનના સ્કોર પર કૅચ છોડવામાં આવ્યો હતો.

ભારતે પહેલા બૅટિંગ કરતાં 6 વિકેટે 149 રન બનાવ્યા હતા. પરંતુ બાંગ્લાદેશની સંપૂર્ણ ટીમ આ ટી-20 મૅચમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 109 રન જ બનાવી શકી.

ડીઆરસી કૉંગોની એક સ્કૂલમાં આગ, 24 બાળકોનાં મોત

ડીઆરસી કૉંગોની એક સ્કૂલમાં આગ, 24 બાળકોનાં મોત – ન્યૂઝ અપડેટ આફ્રિકા બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, Reuters

પૂર્વી ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોના બળવાખોરોના કબજાવાળા બુકાવૂ શહેરમાં બે સ્કૂલોમાં લાગેલી આગમાંથી બચવાનો પ્રયાસ કરતી વખતે મચેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 24 શાળાનાં બાળકોનાં મોત થયાં છે. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી છે.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગમાં કેટલાક વયસ્કોનાં પણ મોત થયાં છે. ગીચ વસ્તી ધરાવતા કદૂતૂ સમુદાયમાં મૃતકોની સંખ્યામાં વધુ વધારો થવાની આશંકા છે.

ઘાયલો અને આગમાંથી બચી ગયેલા લોકોને નજીકની હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળના વીડિયોમાં બાળકોને હૉસ્પિટલના ફ્લૉર પર પીડાથી કણસતાં જોઈ શકાય છે.

આગમાં લગભગ 300 ઘરો પણ બળી ને નષ્ટ થઈ ગયાં છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

બળવાખોરો દ્વારા નિયુક્ત અધિકારીઓએ ગુરુવારે સાંજે મૃતકોની સંખ્યા 24 હોવાનું જણાવ્યું. તેમણે અગાઉ આવેલા અહેવાલોની પણ પુષ્ટિ કરી, પરંતુ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે મૃતકોની સંખ્યા આનાથી વધુ હોઈ શકે છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં નાનાં બાળકોને જમીન પર બેભાન હાલતમાં પડેલાં જોઈ શકાય છે.

રૉયટર્સના હવાલાથી એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે બપોર સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ કાટમાળ અને ટીનની ચાદરોથી બનેલાં માળખાઓની વચ્ચે હજુ પણ ધુમાડો નીકળી રહ્યો હતો.

દક્ષિણ કિવૂ પ્રાંતની રાજધાની બુકાવૂ, પહાડીઓ પર વસેલું અને ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોની સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતાં શહેરોમાંનું એક છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એમ23 બળવાખોરોએ આ શહેર પર કબજો કરી લીધો હતો.

યુક્રેનનો આરોપ : પાવલોહ્રાદમાં રશિયન ડ્રૉન હુમલામાં પાંચ લોકોનાં મોત, 67 ઘાયલ

યુક્રેનના અધિકારીઓના જણાવ્યા મુજબ, નિપ્રોપેત્રોવ્સ્ક ક્ષેત્રના પાવલોહ્રાદ શહેરમાં આવેલા એક શૉપિંગ મૉલ પર રશિયન ડ્રૉન હુમલામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને અન્ય 67 લોકો ઘાયલ થયા હતા.

ઇમેજ સ્રોત, State Emergency Service of Ukraine

યુક્રેનના અધિકારીઓના જણાવ્યા મુજબ, નિપ્રોપેત્રોવ્સ્ક ક્ષેત્રના પાવલોહ્રાદ શહેરમાં આવેલા એક શૉપિંગ મૉલ પર રશિયન ડ્રૉન હુમલામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને અન્ય 67 લોકો ઘાયલ થયા હતા.

યુક્રેનના ગૃહમંત્રી ઇવાન વિહિવ્સ્કીએ જણાવ્યું કે દિવસ દરમિયાન થયેલા આ હુમલાની ચપેટમાં દુકાનો અને વાહનો આવ્યાં હતાં.

તેમણે કહ્યું કે હુમલો “તે સમયે થયો હતો, જ્યારે રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.”

યુક્રેનિયન મીડિયા અનુસાર, આ સપ્તાહની શરૂઆતમાં ઝાપોરિઝિયા અને સૂમી શહેરોના અન્ય બે શૉપિંગ મૉલને પણ રશિયન હવાઈ હુમલાઓમાં નિશાન બનાવવામાં આવ્યા હતા.

રશિયાએ જણાવ્યું કે બુધવારે રાત્રે રિસોર્ટ શહેર સોચીમાં યુક્રેને સમુદ્ર તરફથી ડ્રૉન હુમલો કર્યો હતો, જેમાં 28 લોકો ઘાયલ થયા હતા. રશિયાએ યુક્રેનિયન હુમલાઓમાં વધુ ત્રણ લોકોનાં મૃત્યુ થયાનો પણ દાવો કર્યો છે.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સાડા ચાર વર્ષથી વધુ સમય પહેલા યુક્રેન પર હુમલો શરૂ કર્યા બાદથી રશિયા અને યુક્રેન વચ્ચે સંપૂર્ણ યુદ્ધ ચાલુ છે.

રવિવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોકલાયેલા દૂતોની નવી શાંતિ પહેલમાંથી હાલ કોઈ ઠોસ પરિણામો મળતા દેખાઈ રહ્યાં નથી. આ દૂતોએ મૉસ્કોમાં પુતિન અને કિએવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS