Home તાજા સમાચાર gujrati પોતાનાં ત્રણ બાળકોની હત્યા કરનાર માને બચાવવા કોર્ટમાં દલીલ કરાઈ રહી છે?

પોતાનાં ત્રણ બાળકોની હત્યા કરનાર માને બચાવવા કોર્ટમાં દલીલ કરાઈ રહી છે?

4
0

Source : BBC NEWS

માતાએ જ પોતાના ત્રણ બાળકોની હત્યા કરી: શું જ્યુરી સમક્ષ કોઈ એવું કારણ છે જે તેને નિર્દોષ સાબિત કરી શકે?

ઇમેજ સ્રોત, Reuters

છેલ્લાં પાંચ અઠવાડિયાથી ચાલી રહેલા લિંડસે ક્લેન્સીના કેસે અમેરિકામાં લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે.

36 વર્ષની પૂર્વ નર્સ લિંડસે ક્લેન્સીએ મેસાચુસેટ્સમાં પોતાના ઘરના બેઝમેન્ટમાં જ પોતાનાં ત્રણ નાનાં બાળકોની હત્યા કરી દીધી હતી.

તેમના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરના ત્રણ કેસ નોંધાયેલા છે. તેમણે આ વાતનો ઇનકાર નથી કર્યો કે તેમણે વર્ષ 2023માં પોતાના બે દીકરા અને એક દીકરીની હત્યા કરી હતી.

પરંતુ તેમના વકીલની એવી દલીલ છે કે લિંડસે તે સમયે પ્રસૂતિ પછી થતા મનોવિકાર એટલે કે પૉસ્ટપાર્ટમ સાયકોસિસથી પીડાતાં હતાં અને તેથી તેઓ સાચા અને ખોટા વચ્ચે ભેદ ન કરી શક્યાં.

બીજી તરફ, ફરિયાદી પક્ષની દલીલ એ છે કે ક્લેન્સીએ બાળકોની હત્યા કરવાનો નિર્ણય સમજી-વિચારીને અને જાણી-જોઈને લીધો હતો અને તે સમયે તેઓ સાચા-ખોટાનો ભેદ સારી રીતે સમજતાં હતાં.

હવે સોમવારે સવારે નવ મહિલાઓ અને ત્રણ પુરુષોની એક જ્યુરી આ બાબતે વિચાર-વિમર્શ ચાલુ રાખશે. જ્યુરી સામે ઘણા વિકલ્પો છે:

  • દોષિત નથી
  • માનસિક વિકારને કારણે દોષિત નથી
  • ફર્સ્ટ-ડિગ્રી મર્ડર
  • સેકન્ડ-ડિગ્રી મર્ડર
  • ગેરઈરાદાપૂર્વક હત્યા

દોષિત નહીં / માનસિક રીતે અસ્થિર હોવાને કારણે દોષમુક્ત

માતાએ જ પોતાના ત્રણ બાળકોની હત્યા કરી: શું જ્યુરી સમક્ષ કોઈ એવું કારણ છે જે તેને નિર્દોષ સાબિત કરી શકે?

ઇમેજ સ્રોત, JOSEPH PREZIOSO / AFP via Getty Images

તેમની કાનૂની ટીમે દલીલ કરી હતી કે તેમના સૌથી નાના બાળકને જન્મ આપ્યા પછી ક્લેન્સીને એક અવાજ સંભળાવા લાગ્યો અને તે ભ્રમિત થઈ ગઈ. તે અવાજે જ તેને બાળકોને મારી નાખવા કહ્યું હતું.

નિષ્ણાત સાક્ષીઓએ અદાલતને જણાવ્યું કે આ બીમારી કેટલી ગંભીર હોઈ શકે છે, અને પરિવારના સભ્યોએ પણ ક્લેન્સીની માનસિક સ્થિતિ વિશે કોર્ટમાં જુબાની આપી હતી.

મેસાચુસેટ્સના કાયદા હેઠળ, ક્લેન્સી પર એ સાબિત કરવાનો બોજ નથી કે તેઓ માનસિક બીમારીથી પીડાતાં હતાં.

તેના બદલે, ફરિયાદી પક્ષે કોઈ પણ શંકા વગર એ સાબિત કરવું પડશે કે ક્લેન્સીએ તેના બાળકોની હત્યા કરી ત્યારે તે પોતાના કૃત્ય માટે ગુનાહિત રીતે જવાબદાર હતી.

ફોજદારી બાબતોના વકીલ એલિસ હર્શોને બીબીસી ન્યૂઝને આ માહિતી આપી હતી.

સરકારી પક્ષ આ વાત બેમાંથી એક રીતે સાબિત કરી શકે છે:

પ્રથમ, એ સાબિત કરીને કે ક્લેન્સી તે સમયે માનસિક બીમારીથી પીડાતાં નહોતાં. અને બીજું, એ સાબિત કરીને કે માનસિક બીમારીથી પીડાતાં હોવા છતાં તેઓ પોતાની જાતને નિયંત્રિત કરવામાં સક્ષમ હતાં અને જાણતાં હતાં કે તેઓ જે કરવા જઈ રહ્યાં હતાં તે ખોટું છે.

જો જ્યુરી ક્લેન્સીને દોષિત નહીં ઠેરવે તો તેનો અર્થ એ થશે કે તેને મુક્ત કરવામાં આવશે, જોકે આમ થવાની શક્યતા ખૂબ ઓછી છે.

આનાથી વધુ શક્યતા એ પરિણામની છે કે તેને માનસિક અસ્થિરતાના આધારે દોષમુક્ત ગણવામાં આવે. આવી સ્થિતિમાં ક્લેન્સીને જેલને બદલે હૉસ્પિટલમાં કસ્ટડીમાં રાખવામાં આવશે.

હર્શોને કહ્યું, “આ કેસ વાસ્તવમાં એ વાત પર આવીને અટકે છે કે ક્લેન્સી પોતાની બાકીની જિંદગી ક્યાં વિતાવશે. બચાવ પક્ષનું માનવું છે કે તેમને મનોચિકિત્સાકેન્દ્રમાં રાખવાં જોઈએ, જ્યારે સરકારી પક્ષનું માનવું છે કે તેમને રાજ્યની જેલમાં મોકલવાં જોઈએ.”

ફર્સ્ટ-ડિગ્રી હત્યા

માતાએ જ પોતાના ત્રણ બાળકોની હત્યા કરી: શું જ્યુરી સમક્ષ કોઈ એવું કારણ છે જે તેને નિર્દોષ સાબિત કરી શકે?

ઇમેજ સ્રોત, John Tlumacki/The Boston Globe via Getty Images

ક્લેન્સી માટે આ સૌથી ગંભીર સંભવિત પરિણામ છે. તેને ફર્સ્ટ-ડિગ્રી મર્ડરની દોષી ઠેરવી શકાય છે, જેનો અર્થ ઇરાદાપૂર્વક અને પૂર્વ-આયોજિત રીતે કોઈની હત્યા કરવાનો થાય છે.

મેસાચુસેટ્સ રાજ્યમાં આ ગુનામાં દોષિત ઠરવા પર પેરોલની કોઈ શક્યતા વગર આજીવન કેદની ફરજિયાત સજા થાય છે. ન્યૂયૉર્ક લૉ સ્કૂલના પ્રોફેસર અને મેન્ટલ હેલ્થ લૉના નિષ્ણાત હિદર કુકુલોએ બીબીસીને જણાવ્યું કે જો જ્યુરી આ નિર્ણય લે છે, તો તેમણે વાસ્તવિકતામાં ક્લેન્સીને “એક રાક્ષસ” માનવી પડશે.

જ્યુરીના સભ્યોએ એ માનવું પડશે કે ક્લેન્સીને દોષિત ઠેરવવા માટે ગુનામાં અત્યંત ક્રૂરતા કે બર્બરતા હતી અથવા તો હત્યા અગાઉથી આયોજિત હતી અથવા બંને બાબતો હતી.

આનો અર્થ એ થયો કે ફરિયાદી પક્ષે સાબિત કરી દીધું હતું કે ક્લેન્સીને રાહત આપી શકાય તેવું કોઈ કારણ નહોતું.

આ કિસ્સામાં માનસિક બીમારી અથવા માનસિક વિકાર, કે જેની કાયદામાં વ્યાખ્યા કરવામાં આવી છે, તે રાહત આપવા માટેનું કારણ હોઈ શકે છે.

સરકારી વકીલ જેનિફર સ્પ્રેગે પોતાની અંતિમ દલીલોમાં કહ્યું કે એ વાતમાં કોઈ વિવાદ નથી કે ક્લેન્સી માનસિક બીમારીથી ઝઝૂમી રહી હતી, પરંતુ તેની સ્થિતિ એટલી ગંભીર નહોતી કે તે સાચા અને ખોટા વચ્ચેનો ફરક ન સમજી શકે.

ફરિયાદી પક્ષના નિષ્ણાત સાક્ષીઓએ શંકા વ્યક્ત કરી કે શું ક્લેન્સીએ ખરેખર તેવો કોઈ અવાજ સાંભળ્યો હતો, જેનો તેમણે દાવો કર્યો હતો કે આ અવાજે તેમને તેમના બાળકોની હત્યા કરવાનો આદેશ આપ્યો હતો.

સેકન્ડ-ડિગ્રી મર્ડર

માતાએ જ પોતાના ત્રણ બાળકોની હત્યા કરી: શું જ્યુરી સમક્ષ કોઈ એવું કારણ છે જે તેને નિર્દોષ સાબિત કરી શકે?

ઇમેજ સ્રોત, David L. Ryan/The Boston Globe via Getty Images

મેસેચ્યુસેટ્સ કાયદા હેઠળ, આ એવી કોઈપણ હત્યાને લાગુ પડે છે જે ફર્સ્ટ-ડિગ્રી મર્ડર નથી.

આ તે હત્યાઓ પર લાગુ થાય છે કે તે બદઈરાદાથી કે ભારે બેદરકારીથી કરવામાં આવી હોય પરંતુ જેનું પ્લાનિંગ અગાઉથી ન કરવામાં આવ્યું હોય.

કુકુલોએ કહ્યું “આ નિર્ણય માટે જ્યુરીના સભ્યો કદાચ એ વાતને લઈને આશ્વસ્ત ન હોય કે હત્યા પહેલાંની ઘટનાઓ એટલી ગંભીર હતી કે હત્યા માટે અગાઉથી યોજના બનાવવામાં આવી”

સેકન્ડ-ડિગ્રી મર્ડરના કિસ્સામાં પણ ક્લેન્સીને આજીવન કેદની સજા થશે, પરંતુ તેમાં ભવિષ્યમાં પેરોલ મળવાની શક્યતા રહેશે.

ગેરઈરાદાપૂર્વકની હત્યા

જજે જ્યારે જ્યુરીને ક્લેન્સીને ગેરઈરાદાપૂર્વકની હત્યા માટે દોષિત ઠેરવવાનો વિકલ્પ આપ્યો, ત્યારે તેમને એક વધુ વિકલ્પ મળ્યો. આ બાબત પહેલાં બચાવ પક્ષ અને ફરિયાદી પક્ષ વચ્ચેના વિવાદનો મુદ્દો હતો.

ગેરઈરાદાપૂર્વક હત્યાનો અર્થ છે અજાણતામાં, ભૂલથી કે ભારે બેદરકારીના કારણે કોઈનું મોત થવું. આમાં પ્રત્યેક કેસ માટે મહત્તમ 20 વર્ષની જેલની સજા થઈ શકે છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગેરઈરાદાપૂર્વકની હત્યા અને બંને પ્રકારના મર્ડર વચ્ચે ‘હત્યા કરવાનો ઈરાદો’ એ સૌથી મોટો તફાવત છે.

કુકુલોએ ઉમેર્યું, “આ વિકલ્પ જ્યુરીને એ માનવાની છૂટ આપે છે કે હત્યાઓ અગાઉથી વિચારાયેલી કે પ્લાન કરેલી નહોતી, પરંતુ ક્લેન્સીએ અચાનક આવું કરી દીધું.”

તેમણે કહ્યું કે ગેરઈરાદાપૂર્વકની હત્યા હેઠળ દોષિત ઠેરવવા માટે ફરિયાદી પક્ષે એ સાબિત કરવું જરૂરી નથી કે ક્લેન્સીનો ઈરાદો બાળકોના મોતનું કારણ બન્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS