Source : BBC NEWS

મહાકુંભ, બીબીસી ગુજરાતી, પ્રયાગરાજ, શાહી સ્નાન, અમૃત સ્નાન

ઇમેજ સ્રોત, @MahaKumbh_2025

  • લેેખક, અભિનવ ગોયલ
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 13 જાન્યુઆરી 2025, 09:51 IST

    અપડેટેડ 4 મિનિટ પહેલા

પ્રયાગરાજનું ત્રિવેણી સંગમ સ્થળ સજીધજીને તૈયાર છે. અહીં તંબૂઓનું એક આખું શહેર બનાવવામાં આવ્યું છે, જેની વસ્તી આગામી થોડા દિવસોમાં વિશ્વના કેટલાક મોટા દેશોને પણ પાછળ છોડી દેશે.

આસ્થાના આ સંગમમાં સ્નાન કરવા માટે લાખો ભક્તો સતત આવી રહ્યા છે.

ત્રિવેણીથી ઉપર નજર કરો તો તમને એક તરફ નૌકાઓની લાંબી કતાર જોવા મળે છે, બીજી તરફ તંબૂઓની વિશાળ દુનિયા અને વચ્ચે તમે જ્યાં જુઓ ત્યાં પોલીસ કર્મચારીઓ ઊભેલા જોવા મળે છે.

પ્રયાગરાજમાં આજે 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલો કુંભ એ માત્ર આસ્થાનો જ સંગમ નથી, પરંતુ ઉત્તર પ્રદેશ સરકારની વહીવટી ક્ષમતાની કસોટી પણ છે. 26મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે કુંભનું સમાપન થશે.

ઉત્તર પ્રદેશ સરકારનો દાવો છે કે આ વખતે કુંભમાં 40 કરોડ લોકો સામેલ થાય તેવી શક્યતા છે. જે યોજનાઓ માટે મહિનાઓથી કામ ચાલતું હતું તે કેવી અસરકારક છે તે ચકાસવાનો કરવાનો સમય આવી ગયો છે.

કુંભમાં કેવું વાતાવરણ છે?

બીબીસી ગુજરાતી કુંભ પ્રયાગરાજ અખાડા નાગા સાધુ શાહી સ્નાન

શહેરમાં દરેક જગ્યાએ ખભા પર સામાન લઈને સંગમ તરફ જતા શ્રદ્ધાળુઓ, સુરક્ષા કર્મચારીઓ અને સફાઈ કામદારો જોવા મળે છે. પોલીસે દરેક જગ્યાએ બૅરિકેડ્સ લગાવ્યાં છે.

વજ્રવાહન, ડ્રૉન, બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ તેમજ નૅશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ના જવાનોને પણ ગોઠવવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો સાથે ‘માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો’ના સંદેશ સાથેનાં હોર્ડિંગ્સ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવ્યાં છે.

આ બે નેતાઓ સિવાય આખા કુંભમાં ભાગ્યે જ કોઈ બીજા નેતાની તસવીર સાથેનું પોસ્ટર દેખાય છે. આ ઉપરાંત શહેરમાં દરેક સ્થળે જુદા-જુદા સાધુ સંતોનાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે.

અલગ-અલગ અખાડાઓના સાધુ-સંતો ધામધૂમથી કુંભમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સમયે તેમની સાથે હાથી, ઘોડા, ઊંટ અને નાચતા ગાતા સેંકડો શ્રદ્ધાળુઓ હોય છે.

સંતોના દર્શન કરવા માટે રસ્તાઓ પર ઠેર-ઠેર લોકોની ભીડ એકઠી થતી જોવા મળે છે, જેના કારણે એક કિલોમીટરનું અંતર કાપવામાં પણ વાહનોને કલાકો લાગી જાય છે.

બીબીસી ગુજરાતી કુંભ પ્રયાગરાજ અખાડા નાગા સાધુ શાહી સ્નાન

ઇમેજ સ્રોત, ANI

મુંબઈના રહેવાસી ગીતા ઘણા લોકોની સાથે કુંભમાં આવ્યાં છે. તેઓ કહે છે, “અમે પાંચ દિવસ માટે આવ્યાં છીએ. આ મારો પહેલો કુંભ છે. 14 જાન્યુઆરીએ શાહી સ્નાન કર્યા પછી અમે ઘરે જઈશું. હાલમાં અમે બધા મહારાજજીના આશ્રમમાં રહીએ છીએ.”

તેમની સાથે જ આવેલાં જયશ્રી ભરત પુંજાણી કહે છે, “12 વર્ષ પહેલાં અહીં કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પણ આવી હતી. આ વખતે વ્યવસ્થા પહેલાં કરતાં વધુ સારી છે. જોતજોતામાં આટલી મોટી દુનિયા સજાવી દેવાઈ આવી છે, આ અવિશ્વસનીય છે.”

તે જ સમયે બિહારના ભાગલપુરના રહેવાસી 25 વર્ષનાં નૂતન ઝરમર વરસાદ વચ્ચે પૉલિથીનનું છાપરું બનાવીને રોડની બાજુમાં રહે છે.

તેઓ કહે છે, “અમારા ગામમાંથી 30થી વધુ લોકો આવ્યા છે. અહીં રહેવાની કોઈ વ્યવસ્થા નથી. અમે જ્યાં જઈએ ત્યાંથી પોલીસવાળા અમને ભગાડી દે છે. અમારી પાસે એટલા રૂપિયા નથી કે તંબુમાં રહી શકીએ. અમે વિચાર્યું હતું કે કુંભ જઈને ચાનો સ્ટૉલ લગાવીશ, પણ અત્યારે તે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે.”

બંગાળથી આવેલાં મહિલાઓના એક સમૂહની પણ આવી જ હાલત છે. સંજીતા શારદા કહે છે, “અમે 20થી વધુ મહિલાઓ કુંભમાં ગંગાસ્નાન કરવા આવ્યાં છીએ, પરંતુ અહીં રહેવાની કોઈ વ્યવસ્થા નથી. અમે બે-ત્રણ દિવસ આવી જ રીતે રસ્તા પર રહી લેશું.”

અખાડાઓમાં ભીડ વધવા લાગી

બીબીસી ગુજરાતી કુંભ પ્રયાગરાજ અખાડા નાગા સાધુ શાહી સ્નાન

જુદા-જુદા અખાડાઓએ સેંકડોની સંખ્યામાં પોતાના ભવ્ય તંબુઓ બનાવ્યા છે. કેટલાક તો અમુક એકરમાં ફેલાયેલા છે. અહીં સાધુસંતોએ પોતપોતાના તંબુ લગાવ્યા છે, જ્યાં રહીને તેઓ પૂજા-પાઠ કરે છે.

કુંભમાં અખાડા તરફ વધુ ભીડ જોવા મળી રહી છે. પંચ દશનામ જુના અખાડામાં નાગા સાધુઓ શરીર પર ભસ્મ અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને બેઠા છે.

કડકડતી ઠંડીમાં કેટલાક નાગા સાધુઓ અખાડાઓની બહાર રસ્તા પર ધૂણી ધખાવીને બેઠા છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમના આશીર્વાદ લેવા આવી રહ્યા છે. કેટલાક લોકો તેમના ફોટો પણ પાડી રહ્યા છે.

બીબીસી સાથે વાત કરતા એક નાગા સાધુ કહે છે, “એકવાર સાધના શરૂ થઈ જાય પછી ઠંડી નથી લાગતી. ભક્તિમાં ઘણી શક્તિ છે, પછી તમને ઠંડી નથી લાગતી.”

તેઓ કહે છે, “અમે અઘોરી બાબા છીએ. અમે શરીર પર કપડાંને બદલે રાખ લગાવીએ છીએ. તેનાથી ઠંડી થોડી ઓછી લાગે છે.”

અન્ય એક નાગા સાધુ કહે છે, “ભસ્મ જ અમારાં અંગ વસ્ત્રો છે. સતત 12 કલાક બેસવાથી શરીર દુ:ખવા લાગે છે, પરંતુ આ જ સાધના છે.”

આ સિવાય એવા ઘણા બાબાઓ પણ કુંભમાં આવ્યા છે, જેમનો દાવો છે કે તેમણે ઘણાં વર્ષોથી એક હાથ ઊંચો રાખ્યો છે. તેઓ પોતાને ‘ઉર્દબાહુ’ તરીકે ઓળખાવે છે.

આવા જ એક બાબા ગંગાપુરી મહારાજ છે જેઓ આસામના કામાખ્યા પીઠથી આવ્યા છે. તેમને મળવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે.

માત્ર 3 ફૂટ 8 ઈંચની ઊંચાઈ ધરાવતા બાબાનો દાવો છે કે તેમણે 32 વર્ષથી સ્નાન નથી કર્યું. જોકે, અમે તેમને મળવા ગયા ત્યારે તેમણે મળવાની ના પાડી હતી.

અમે નજીકના તંબૂમાં રહેતાં એક મહિલાને પૂછ્યું કે ગંગાપુરી મહારાજ ક્યાં છે? તો તેમણે કહ્યું, “તેઓ ગંગામાં સ્નાન કરીને હમણા જ આવ્યા છે અને પોતાના તંબૂમાં બેઠા છે.”

સંગમ સ્થળે કેવી રીતે પહોંચવું

બીબીસી ગુજરાતી કુંભ પ્રયાગરાજ અખાડા નાગા સાધુ શાહી સ્નાન

સોમવારે, 13મી જાન્યુઆરી(પોષ પૂર્ણિમા)ના રોજ કુંભનું પ્રથમ શાહી સ્નાન છે. એક અંદાજ મુજબ પ્રથમ શાહી સ્નાનના દિવસે લગભગ એક કરોડ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી શકે છે.

શહેરના એડીજી ભાનુ ભાસ્કરના જણાવ્યા મુજબ મેળા વિસ્તારમાં પ્રવેશવા માટે જુદી-જુદી દિશામાંથી આવતા કુલ સાત મુખ્ય માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. મેળા વિસ્તાર નજીક આ માર્ગો પર વાહનો માટે 100થી વધુ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમાં જૌનપુર, વારાણસી, મિર્ઝાપુર, રીવા-ચિત્રકૂટ, કાનપુર-ફતેહપુર-કૌશામ્બી, કૌશામ્બી અને લખનૌ-પ્રતાપગઢ રૂટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત શ્રદ્ધાળુઓની ભારે ભીડને પહોંચી વળવા માટે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવા મોટાં શહેરોથી પ્રયાગરાજ માટે 13 હજાર ટ્રેનો દોડાવવામાં આવી છે. હજારો સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશ પરિવહન નિગમ દ્વારા લગભગ સાત હજાર બસો દોડાવવામાં આવી રહી છે.

ગંગાના એક છેડાને બીજા છેડા સાથે જોડવા માટે પીપડાંના પુલ બનાવવામાં આવ્યા છે. આ વખતે તેની સંખ્યા વધારીને 30 કરવામાં આવી છે. દરેક પુલનું પોતપોતાનું નામ છે.

એક દિવસનું ભાડું એક લાખ રૂપિયાને પાર

બીબીસી ગુજરાતી કુંભ પ્રયાગરાજ અખાડા નાગા સાધુ શાહી સ્નાન ડોમ સિટી

કુંભને પાંચ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે – પરેડ ગ્રાઉન્ડ, સંગમ વિસ્તાર, તેલિયારગંજ, ઝુસી અને અરેલ. દરેક ક્ષેત્રને અનેક સેક્ટરમાં વહેંચવામાં આવ્યાં છે. આખા કુંભમાં કુલ 25 સેક્ટર છે.

કુંભમાં લાખો લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં આ રાતવાસો કરવા માટે નિઃશૂલ્ક રેન બસેરાથી લઈને ફાઈવ-સ્ટાર લક્ઝરી કૅમ્પ સુધીની સગવડો છે, જેનું એક રાતનું ભાડું એક લાખ રૂપિયા કરતાં વધુ છે.

ઇન્ડિયન રેલવે કૅટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન(આઈઆરસીટીસી)એ અરેલ વિસ્તારની અંદર સેક્ટર 25માં મહાકુંભ ગ્રામ નામનું ટૅન્ટ સિટી બનાવ્યું છે. શ્રદ્ધાળુઓ માટે અહીં સુપરડીલક્સ રૂમ અને વિલા બનાવવામાં આવ્યાં છે.

આ રૂમનું એક દિવસનું ભાડું 16 હજારથી 20 હજાર રૂપિયા સુધી છે. તેમાં નાસ્તો, લંચ અને ડીનર તેમજ ગરમ પાણીની સગવડ હાજર છે.

આ ઉપરાંત અરેલ ઘાટ નજીક એક ડૉમ સિટી બનાવવામાં આવ્યું છે. અહીં કાચનાં ગુંબજ જેવા રૂમ બનાવવામાં આવ્યાં છે, જે જમીનથી લગભગ 18 ફૂટ ઉપર છે.

ડૉમ સિટી બનાવનાર કંપની ઈવોલાઈફના ડાયરેક્ટર ભાનુપ્રસાદસિંહે જણાવ્યું કે, “અમે ફાઈવ સ્ટાર હોટલમાં મળતી તમામ સુવિધાઓ આપવાનો પ્રયાસ કર્યો છે. દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ આવે છે. ભીડના કારણે તેઓ ઘાટ સુધી પહોંચી શકતા નથી. તેથી જ અમે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.”

બીબીસી સાથે વાત કરતા સિંહે જણાવ્યું, “શાહીસ્નાનના દિવસે અહીં એક રૂમનું દૈનિક ભાડું 1.11 લાખ રૂપિયા હોય છે, જ્યારે સામાન્ય દિવસોમાં તે 81 હજાર રૂપિયા હોય છે. તેની સાથે મહારાજા બેડ, ટીવી અને એટેચ્ડ બાથરૂમની સગવડ મળે છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અમે લગભગ 51 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

તે જ સેક્ટરમાં સંગમ તરફ આગળ જતા પ્રયાગરાજના રહેવાસી બ્રિજેશકુમાર પાંડેએ અલાર્કપુરી કૅમ્પ બનાવ્યો છે. અહીં વાંસની મદદથી અલગ-અલગ ડિઝાઇનનાં રૂમો તૈયાર કરવામાં આવ્યાં છે.

પાંડે જણાવે છે કે, “કુંભમાં જ્યારે શાહી સ્નાન થશે, તે દિવસોમાં અમારા ડબલ બેડવાળા રૂમનું ભાડું દૈનિક 20 હજાર રૂપિયા હશે જ્યારે સામાન્ય દિવસોમાં રોજનું 10 હજાર રૂપિયા રહેશે.”

બીજી તરફ શહેરમાં મહાનગરપાલિકાએ ઘણી જગ્યાએ કામચલાઉ રેન બસેરા બનાવ્યા છે જ્યાં નિઃશૂલ્ક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રયાગરાજ બસ સ્ટૅન્ડ નજીક બનેલા એક પિંક રેન બસેરાના સહાયક અનુપાદેવી કહે છે, “બહારથી આવતા યાત્રાળુઓ અહીં સાત દિવસ રોકાઈ શકે છે. અહીં ગાદલાં, રજાઈ અને સ્વચ્છ પાણીની સાથે સાથે દવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.”

આ ઉપરાંત શહેરમાં ઢગલાબંધ લક્ઝરી હોટલો છે. કુંભમેળાના કારણે હોટેલનાં ભાડાં આસમાને પહોંચી ગયાં છે. સામાન્ય દિવસોમાં જે હોટલનું ભાડું બે હજાર રૂપિયા હોય, ત્યાં કુંભ દરમિયાન 10 હજાર રૂપિયાથી ભાડું શરૂ થાય છે.

કુંભમાં ‘કલ્પવાસી’ કોણ હોય છે?

બીબીસી ગુજરાતી કુંભ પ્રયાગરાજ અખાડા નાગા સાધુ શાહી સ્નાન સ્ટીવ જૉબ્સ

ઇમેજ સ્રોત, ANI

કુંભમાં લાખોની સંખ્યામાં લોકો કલ્પવાસ કરે છે જેને કલ્પવાસી કહેવામાં આવે છે. છેલ્લા ઘણા દિવસોથી લોકો સતત પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.

આ લોકો આખા માઘ મહિનામાં તંબુ લગાવીને પૂજાપાઠ કરે છે અને પોતાનો જરૂરિયાતનો તમાન સામાન ઘરેથી લાવે છે.

ઍપલના સહસ્થાપક સ્ટીવ જૉબ્સનાં પત્ની લૉરેન પૉવેલ જૉબ્સ પણ આ વખતે કુંભમેળામાં કલ્પવાસ કરવા આવ્યાં છે.

પ્રયાગરાજમાં છેલ્લાં 25 વર્ષથી જ્યોતિષની સાથે સાથે શ્રદ્ધાળુઓને કલ્પવાસ કરાવતા પંડિત રમેશ પાંડેનું કહેવું છે કે કલ્પવાસ એક મહિના એટલે કે 30 દિવસનો જ હોય છે.

બીબીસી ગુજરાતી કુંભ પ્રયાગરાજ અખાડા નાગા સાધુ શાહી સ્નાન

બીબીસી સાથેની વાતચીતમાં પાંડે કહે છે, “દર વર્ષે માઘ મહિનામાં સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે કલ્પવાસ શરૂ થાય છે. આપણે સંસારની મોહમાયા અને ભૌતિક ભોગવિલાસની ચીજોથી દૂર રહીએ, માત્ર ભોજન અને ભજન કરીએ, ઠંડી અને ગરમીનો અનુભવ ન થાય, તે જ કલ્પવાસ છે.”

તેઓ કહે છે, “કલ્પવાસના નિયમો ઘણા કપરા હોય છે. તેમાં સૂર્યોદય અગાઉ ગંગાસ્નાન, 24 કલાકમાં એક વખત લસણ-ડુંગળી વગરનું ભોજન અને સાથે સાથે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે.”

પ્રયાગરાજના રહેવાસી શ્યામલિ તિવારી છેલ્લાં સાત વર્ષથી કલ્પવાસ કરે છે. તેઓ ‘ગંગા માતા’નું નામ લઈને રડવા લાગે છે.

શ્યામલિ કહે છે, “અહીં ગંગાજીમાં નહાવા આવ્યાં છીએ. જે ભૂલો થઈ છે તેને ગંગા માતા માફ કરશે. અમે અહીં એક મહિનો રહેશું. શુદ્ધ ભોજન કરીશું. લસણ, ડુંગળી અને સરસવનું તેલ તો દૂરની વાત છે. અમે માત્ર સિંધવ મીઠું ખાઈએ છીએ.”

આ જ કૅમ્પમાં પોતાના પરિવાર સાથે કલ્પવાસમાં આવેલાં સંગીતા તિવારી કહે છે, “ઘરે રહીએ તો પણ પીડા તકલીફ પડે છે, પરંતુ અહીં પીડા અને વેદના જેવું કંઈ નથી. એક મહિના સુધી કલ્પવાસ કર્યા પછી અમે ઘેર પાછા જઈશું”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS