Home તાજા સમાચાર gujrati પ્રાચીન ભારતની 1000 વર્ષ જૂની એ ટૅકનિક જેના લીધે રણમાં ભરઉનાળે પણ...

પ્રાચીન ભારતની 1000 વર્ષ જૂની એ ટૅકનિક જેના લીધે રણમાં ભરઉનાળે પણ પાણી સુકાતું નથી

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Alamy

પાણીની અછત અને આબોહવા પરિવર્તનને કારણે લોકો સદીઓ પહેલાં બાંધવામાં આવેલાં પરંપરાગત જળસંચયનાં માળખાંને ફરી જીવંત કરી રહ્યા છે. 21મી સદીમાં આ માળખાં ફરી કામમાં આવી રહ્યાં છે.

ભારતમાં રાજસ્થાનના અલવરમાં આવેલી ‘મૂસી રાણી સાગર’ વાવનું પાણી 30 કરતાં વધુ વર્ષોમાં પહેલી વાર 2025માં પગદંડી પરથી છલકાઈને બહાર આવ્યું. આ વાવ 1800ના દાયકાની શરૂઆતમાં બાંધવામાં આવેલી ઐતિહાસિક જળસંચય વ્યવસ્થાનો એક હિસ્સો છે. વાવ એટલે પગથિયાં ઊતરીને પાણી સુધી પહોંચી શકાય એવી રચના ધરાવતો મોટો કૂવો. આશરે 1.3 એકર વિસ્તારમાં ફેલાયેલી આ વાવમાં 2021 સુધી પાણીનું સ્તર અનિયમિત રહેતું અને પાણી ભારે પ્રદૂષિત હતું. જોકે, આજે તેમાં 30 ફૂટ (9 મીટર) સુધી પાણી છે. અલવરના 60 વર્ષીય નિવાસી વિજય સારસ્વત કહે છે કે, “વર્ષના સૌથી સૂકા મહિનાઓમાં પણ પાણીનું સ્તર ભાગ્યે જ 20 ફૂટથી નીચે જાય છે.”

પુનર્જીવિત કરાયેલી આ વાવ દર્શાવે છે કે પાણીના વ્યવસ્થાપન માટેના કેટલાક સૌથી ઉપયોગી ઉપાયો હજારો વર્ષ જૂના છે. સતત ગરમ થઈ રહેલી અને વધુ ને વધુ અનિયમિત બની રહેલી આબોહવામાં આ ઉપાયો આજે પણ કાંપમાં અડધા દટાયેલા છે.

સમગ્ર ભારતમાં સેંકડો સમુદાયો પણ આ જ નિષ્કર્ષ પર પહોંચી રહ્યા છે. એક સમયે સાંસ્કૃતિક અવશેષો તરીકે જોવામાં આવતી પાણીના વ્યવસ્થાપનની આ પરંપરાગત રીતોને હવે આબોહવા પરિવર્તન સામે ટકી શકે તેવી વ્યવસ્થા તરીકે જોવામાં આવી રહી છે. આ પદ્ધતિઓ 1,000 કરતાં વધુ વર્ષો સુધી કાર્યરત્ રહી હતી અને હવે તેમને ફરી ઉપયોગમાં લેવાનો સમય આવ્યો છે.

ભારતમાં પાણીના સંચય માટેની પ્રાચીન પદ્ધિતિઓ કઈકઈ?

તાજેતરનાં વર્ષોમાં ભારત પ્રાચીન જળસંચયનાં માળખાંને ફરી જીવંત કરવા તરફ વધુ ને વધુ ધ્યાન આપી રહ્યું છે. દેશમાં તોળાઈ રહેલી પાણીની કટોકટીનો સામનો કરવા અને 200 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે 2021માં કેટલીક બિનનફાકારક સંસ્થાઓના જૂથે મૂસી રાણી સાગરની જળસંચય વ્યવસ્થાને ફરી જીવંત કરવાનું કામ હાથ ધર્યું હતું.

પરંપરાગત જળસંચયનાં માળખાંને દૂર કરવાને બદલે તેમને સુધારવા માટે કરવામાં આવતું નવું રોકાણ કેટલું ઉપયોગી થઈ શકે તેનું આ એક ઉદાહરણ છે. ભારતમાં ફરી જીવંત કરવામાં આવેલી આવી પદ્ધતિઓનાં અનેક નામ છે: બાવડી, જોહડ, કુંડ, ટાંકા, નાડી — આ તમામ પરંપરાગત માળખાંઓએ સદીઓ સુધી ભારતના મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોને પાણી પૂરું પાડ્યું હતું. તેમાંથી ઘણી પદ્ધતિઓ છેલ્લાં 200 વર્ષમાં જ વપરાતી બંધ થઈ ગઈ હતી. આ બધી પદ્ધતિઓ અલગ-અલગ રીતે કામ કરે છે, પણ તેમનો હેતુ એક જ છે: પાણીને ધીમું પાડવું, જેથી તે જમીનમાં ઊતરી શકે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ,

ઇમેજ સ્રોત, Ankit Mishra

બાવડીઓ, એટલે કે પ્રાચીન વાવ, સૌથી વધુ ધ્યાન ખેંચે છે. મોટા પાયે કોતરેલા પથ્થરનાં અનેક સ્તર ધરાવતી આ વાવોમાં પગથિયાં પાણી સુધી નીચે જાય છે, જેથી લોકો સીધા પાણી સુધી પહોંચી શકે. 7મી સદીથી લઈને 19મી સદીના મધ્ય સુધી બાંધવામાં આવેલી હજારો વાવો આજે ઉપયોગમાં નથી, છતાં તે ભારતભરમાં જોવા મળે છે. નવી દિલ્હીથી લઈને જોધપુર સુધીની ડઝનબંધ વાવોને તાજેતરનાં વર્ષોમાં પુનર્જીવિત કરવામાં આવી છે.

ભારતમાં વિશ્વની 18 ટકા વસતિ વસે છે, પરંતુ તેના હિસ્સે વિશ્વના માત્ર 4 ટકા મીઠા પાણીના સ્રોત છે અને તેમાંનું પણ ઘણું પાણી પ્રદૂષિત છે. ભારત દુનિયાના બીજા કોઈ પણ દેશ કરતાં વધુ ભૂગર્ભજળ ખેંચે છે. ભૂગર્ભજળ એટલે જમીનની નીચેના જળભંડારોમાં સંગ્રહાયેલું પાણી, જે વરસાદનું પાણી ધીમે ધીમે જમીનમાં ઊતરવાથી ફરી ભરાય છે. દેશના મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે ભૂગર્ભજળનો ઉપયોગ થાય છે અને તે આશરે 1.4 અબજ લોકોની પાણીની જરૂરિયાત પૂરી કરે છે. જોકે, કેટલાક વિસ્તારોમાં વરસાદથી જેટલું ભૂગર્ભજળ ફરી ભરાય છે, તેના કરતાં દર વર્ષે ઘણું વધારે પાણી ખેંચી લેવામાં આવે છે.

જળવાયુ પરિવર્તનને કારણે સમસ્યા વધુ ગંભીર બની રહી છે. ગરમ હવાને કારણે જમીન ઝડપથી સુકાઈ જાય છે અને વરસાદ વધુ તીવ્ર બને છે — એટલે વરસાદનું જે પાણી પડે છે તેમાંનું ઘણું બધું પાણી જમીનમાં ઊતરવાને બદલે વહી જાય છે.

નહેરો અને બંધ જેવાં આધુનિક ખુલ્લાં જળાશયો પણ ભૂગર્ભજળનું સ્તર વધારવામાં થોડી મદદ કરી શકે છે, પણ આ કામમાં તેઓ એટલાં અસરકારક નથી. વળી, તેમનું ઘણું પાણી તડકાને કારણે બાષ્પીભવન થઈ જાય છે. વાવ જેવી ખુલ્લી, પરંપરાગત જળસંચયની રચનાઓ પણ બાષ્પીભવનથી સંપૂર્ણપણે બચી શકતી નથી, પરંતુ તે પાણીને તડકાથી બચાવીને જમીનની અંદર રહેલા ભૂગર્ભજળ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તેથી પાણી ઠંડું રહે છે અને આ પાણી આસપાસના કૂવા કે હેન્ડપંપમાંથી મેળવી શકાય છે.

‘ડાર્ક ઝોન’ એટલે શું ને એને ફરી જીવંત કઈ રીતે કરાય?

ભારતનાં પ્રાચીન જળસંચયનાં માળખાંમાં વાવ સૌથી વધુ આકર્ષક લાગે, પરંતુ તેનાં કરતાંય સરળ રચનાઓ અત્યંત ઉપયોગી પુરવાર થઈ રહી છે.

જેમ કે, જોહડને ફરી જીવંત કરવાથી અલવરમાં પાણીની અછત પણ ઘટી છે. જોહડ એટલે અર્ધચંદ્રાકાર માટીના નાના બંધ. ચોમાસાનું પાણી તે રોકી રાખે છે, જેથી તે ધીમે ધીમે જમીનમાં ઊતરી શકે. બ્રિટિશ શાસન દરમિયાન અલવરના વિસ્તારમાં પાણીનું વ્યવસ્થાપન કરતી જોહડની વ્યવસ્થા પડી ભાંગી. ખાણકામ અને જંગલોના નાશને કારણે આ વિસ્તારની જળસંચયની કુદરતી વ્યવસ્થા ખોરવાઈ ગઈ.

બોરવેલ પર વધતી જતી નિર્ભરતાને કારણે ભૂગર્ભજળ સતત ખેંચાતું રહ્યું, પણ તેની ભરપાઈ થતી ન રહી. પરિણામે, 1980ના દાયકાના મધ્ય સુધીમાં નદીઓ સુકાઈ ગઈ હતી. ઘણા પુરુષો રોજગારી માટે શહેરોમાં જતા રહ્યા અને ગામોમાં મહિલાઓ તથા વૃદ્ધો જ રહી ગયાં. સરકારે તેના કેટલાક વિસ્તારોને ‘ડાર્ક ઝોન’ જાહેર કર્યા. તેનો અર્થ એ કે, ત્યાં દર વર્ષે જેટલું ભૂગર્ભજળ ફરી ભરાતું હતું, તેના કરતાં અનેક ગણું વધુ પાણી ખેંચી કાઢવામાં આવતું હતું.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ankit Mishra

રાજેન્દ્રસિંહ નામના એક આયુર્વેદિક ડૉક્ટર 1985માં આરોગ્ય ક્લિનિક શરૂ કરવાની યોજના સાથે અલવર આવ્યા. પણ ગોપાલપુરા ગામના લોકોએ તેમને કહ્યું કે ગામની સૌથી મોટી સમસ્યા પાણીની છે. એટલે તેમણે ક્લિનિક શરૂ કરવાને બદલે જોહડ બનાવવાનું શરૂ કર્યું.

તેમણે શરૂ કરેલો આ પ્રયોગ લગભગ તરત જ સફળ થયો. 1986નું ચોમાસું આવ્યું ત્યારે બનાવેલો જોહડ પાણીથી ભરાઈ ગયો. એ જ ચોમાસામાં ગોપાલપુરાના વર્ષોથી સૂકાઈ ગયેલા કૂવાઓમાં ફરી પાણી આવી ગયું. આસપાસનાં ગામોના લોકોએ આ જોયું અને તેમણે જોહડ બનાવવાનું શરૂ કરવા માટે ‘તરુણ ભારત સંઘ’ની મદદ માગી. આ બિનનફાકારક સંસ્થાની સ્થાપના રાજેન્દ્રસિંહે કરી હતી.

આ કામ આગળ વધતું ચાલ્યું. 1994થી 2007 દરમિયાન અલવરમાં જળસંચયનાં 10,000થી વધુ માળખાં બનાવવામાં આવ્યાં. તેના કારણે પહેલાં માત્ર ચોમાસામાં વહેતી પાંચેય નદીઓમાં હવે વર્ષભર પાણી વહેવા લાગ્યું. આશરે 250 ગામોને તેનો લાભ મળ્યો. રાજેન્દ્રસિંહ અલવર આવ્યા ત્યારે ચોમાસા પછી અરવરી નદી સુકાઈ જતી હતી, પણ દાયકાઓ પછી પહેલી વાર તે 1996ના ઉનાળામાં પણ વહેતી રહી.

આ રીતે પુનર્જીવિત કરવામાં આવેલી પદ્ધતિ રાજસ્થાનનાં 700થી વધુ ગામો સુધી પહોંચી. આ ગામોમાં માટીના જૂના બંધ અને અન્ય જળસંચયનાં કામો ફરી શરૂ કરવામાં આવ્યાં. સાથે સાથે, ગ્રામસભાઓ પણ ફરી સક્રિય થઈ.

આવી જ રીતે ભારતના અન્ય વિસ્તારોમાં પણ જૂની જળવ્યવસ્થાઓને ફરી જીવંત કરવામાં આવી રહી છે. ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા મરાઠવાડામાં જમીનની નીચે ડેક્કન બેસાલ્ટનો સખત ખડક છે. તેમાં બહુ ઓછું ભૂગર્ભજળ સંગ્રહાય છે. એટલે વરસાદનું પાણી તરત જમીનમાં ઊતરી જાય તો જ તેનો ફાયદો થાય, નહીં તો તે વહી જાય છે. જોકે, 2010ના દાયકાના અંતમાં એક પ્રોજેક્ટ શરૂ થયો. તેના હેઠળ 6,000થી વધુ ગામોએ માટી અને પાણીના સંરક્ષણનાં કામો કર્યાં અથવા જૂનાં કામો ફરી શરૂ કર્યાં. આ પહેલ કરનાર ‘પાની ફાઉન્ડેશન’ના જણાવ્યા મુજબ, આ કામથી 550 અબજ લિટરથી વધુ પાણી સંગ્રહી શકાય તેવી ક્ષમતા ઊભી થઈ.

સ્થાનિક આધુનિક વિકલ્પો અને જોહડ વચ્ચેનો તફાવત સ્પષ્ટ હતો. બોરવેલમાંથી પાણી ખેંચી શકાય, પણ એ પાણી પાછું જમીનમાં પહોંચાડવું શક્ય નથી. નહેર દૂર રહેલી નદીમાંથી પાણી લાવે છે, પણ ખેતરોની નીચેની જમીનમાં પાણી પહોંચાડતી નથી. પરંતુ આ બંને કરતાં ઘણાં ઓછા ખર્ચે, હાથે બનાવેલા જોહડ સમગ્ર જળસંગ્રહ વિસ્તારમાં ભૂગર્ભજળની ભરપાઈ કરતા રહ્યા. આ કામ તેઓ વરસોવરસ સતત કરતા રહ્યા.

ભારતનો ‘ગુમ થયેલો ખજાનો’ કઈ રીતે પાછો મેળવાઈ રહ્યો છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ankit Mishra

જળસંચયનાં આમાંનાં ઘણાં માળખાં સદીઓ સુધી ઉપયોગમાં ન હોવા છતાં ટકી રહ્યાં છે. સંશોધકો કહે છે કે આ માળખાં તો જળવાઈ રહ્યાં, પણ બ્રિટિશ શાસન દરમિયાન આ માળખાંની સંભાળ રાખતી સ્થાનિક વ્યવસ્થા તૂટી ગઈ અને પાણી પરના સ્થાનિક અધિકારો પણ છીનવાઈ ગયા. પરિણામે, આ માળખાંમાંથી કાંપ કાઢવાનું કામ કરે એવું કોઈ રહ્યું નહીં.

સ્વતંત્રતા પછી ભારતમાં પાણી મેળવવા અને તેને વિવિધ સ્થળોએ પહોંચાડવા માટે આધુનિક માળખાં ઊભાં કરવામાં ભારે રોકાણ કરાયું. તેમાં મોટા બંધ, નહેરોનું નેટવર્ક અને પછી વીજળીથી ચાલતા બોરવેલનો સમાવેશ થતો હતો. 1954માં ભાખરા-નાંગલ નહેરપ્રણાલીનું ઉદ્ઘાટન કરતી વખતે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ આવા પ્રોજેક્ટોને ‘નૂતન ભારતનાં મંદિરો’ કહ્યાં હતાં. પણ સતત ઘટી રહેલા ભૂગર્ભજળને ફરી ભરવા માટે આ પ્રયાસોમાં બહુ ઓછું કામ થયું.

જોકે, તાજેતરનાં વર્ષોમાં નીતિમાં બદલાવ આવ્યો છે. જોહડ, ટાંકા, બાવડી અને કુંડ બાંધવાનું કામ પણ આ યોજનામાં સામેલ છે. 2019માં શરૂ થયેલી આ યોજનાનો હેતુ દરેક ગ્રામીણ ઘરમાં નળ દ્વારા સ્વચ્છ પાણી પહોંચાડવાનો છે. સરકારની અન્ય એક યોજનામાં 69,000 ગામડાંનાં તળાવો બનાવવામાં આવ્યાં છે. દેશભરમાં ટાંકા, તળાવો અને જળસંચયનાં માળખાં દ્વારા ભૂગર્ભજળમાં થતી પાણીની ભરપાઈ 2017માં 14 અબજ ઘનમીટરથી વધીને 2024માં 25 અબજ ઘનમીટર થઈ છે.

2020માં ભારત સરકારે ભૂગર્ભજળની કૃત્રિમ રીતે ભરપાઈ કરવા માટેનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો. તેનો હેતુ વરસાદનું અને વહેતું પાણી વહી જવા દેવાને બદલે તેને ફરી જમીનમાં પહોંચાડવાનો અને ખાલી થઈ રહેલા ભૂગર્ભજળના જળભંડારોને ભરવાનો છે. આ યોજનામાં વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભજળની ભરપાઈનાં 1.4 કરોડ માળખાં બનાવવાની કલ્પના છે. આ માળખાં ચોમાસાના 185 અબજ ઘનમીટર વરસાદી પાણીને સંગ્રહી શકે તેમ છે. આમાંનાં ઘણાં માળખાં પહેલેથી અસ્તિત્વમાં છે અને સદીઓ પહેલાં હાથે બનાવવામાં આવ્યાં હતાં.

67 વર્ષનાં રહેવાસી કહે છે કે તેમના ગામમાં જોહડ બનતાં પહેલાં કૂવામાં ઉનાળાના સૂકા મહિનાઓમાં નિયમિત પાણી રહેતું નહોતું, પણ હવે તેમાં આખું વર્ષ પાણી રહે છે. પહેલાં ગામની સભાઓમાં મહિલાઓ બોલતી નહોતી, પણ હવે તેઓ જોરશોરથી આ માળખાંની હિમાયત કરે છે. તેમના મતે, હવે નિયમિત રીતે કાંપ કાઢવાની અને બીજાં માળખાં બનાવવાની જરૂર છે, જેથી પાણીના કોઈ એક જ સ્રોત પર આધાર રાખવો ન પડે.

ભારતની સરકારી રણ સંશોધન સંસ્થા, જોધપુરની ‘સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (CAZRI)ના વિજ્ઞાની પ્રતાપ મોહરણા કહે છે કે, “ટાંકા અને નાડીનું મહત્ત્વ લોકો કદી ભૂલ્યા નહોતા, કારણ કે તેઓ આ માળખાં બનાવતા જ રહ્યા હતા, પણ આ બાબતને ગંભીરતાથી લેવાની રાજકીય ઇચ્છાશક્તિ ગાયબ હતી.”

મૂસી રાણી સાગર વાવને પુનર્જીવિત કરવાના કામમાં સંકળાયેલા, ‘એન્વાયર્નમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા’ના સ્થાપક અરુણ કૃષ્ણમૂર્તિએ આ અભાવને નજીકથી નિહાળ્યો છે. તેઓ કહે છે, “નાગરિકોમાં શિસ્ત અને જવાબદારીની ભાવના ન હોય તો ગમે તેટલાં નાણાં ખર્ચો, ગમે તેટલી ટેક્નોલૉજી વાપરો કે ગમે તેટલા પ્રયાસો કરો, વાવોને બચાવી શકાશે નહીં.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS