Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Reuters
અમેરિકા અને ઇઝરાયલના અહેવાલો અનુસાર ફ્લાયદુબઈ વિમાનને હાઇજૅક કરવાનો પ્રયાસ કરવાના આરોપી કો-પાઇલટની અલગ યોજના હતી.
આરોપી કો-પાઇલટે વિમાનને તેલ અવીવના બેન ગુરિયન ઍરપૉર્ટ અથવા શહેરની કોઈ ઊંચી ઇમારત સાથે અથડાવવાની યોજના બનાવી હતી એવો આ રિપોર્ટ્સમાં દાવો કરાયો છે.
આ અહેવાલો અનુસાર ઓમાનના આ આરોપીનો કોઈ સંગઠન સાથે સંબંધ સ્થાપિત થયો નથી અને તે આ કામને એકલો અંજામ આપવાનો ઇરાદો રાખતો હતો.
સંયુક્ત આરબ અમીરાતના ઍટોર્ની જનરલે જણાવ્યું છે કે ગત બુધવારે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટ FZ1073માં કો-પાઇલટે ‘આતંકી હુમલો’ કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેણે કૉકપિટમાં રાખેલી ઇમરજન્સી ક્રૅશ ઍક્સ (કુહાડી)થી કૅપ્ટન મચ્છર પર હુમલો કર્યો હતો અને તેમને ઘાયલ કરી દીધા હતા.
પાઇલટ કૉકપિટનો દરવાજો ખોલવામાં સફળ થયા પછી મુસાફરોએ કો-પાઇલટ પર કાબૂ મેળવ્યો. વિમાનમાં સવાર અન્ય ક્રૂ મૅમ્બર્સે વિમાનને સાઉદી અરેબિયામાં લૅન્ડ કર્યું હતું.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો હતો કે કો-પાઇલટનું ઇસ્લામિક ઉગ્રવાદી વિચારોમાં બ્રેઇનવૉશ થયું હતું.
તેમણે કહ્યું હતું કે કૅપ્ટન, મુસાફરો અને અન્ય ક્રૂ મૅમ્બર્સે 9/11 જેવી તબાહી ટાળી હતી.
કો-પાઇલટ વિશે બીજી કઈ માહિતી મળી?
ઇમેજ સ્રોત, Getty Images
ફ્લાયદુબઈ ફ્લાઇટના કો-પાઇલટ વિશે વધુ માહિતી બહાર આવી છે. ઘણા અહેવાલોમાં તેની ઓળખ હમામ અલ-હમામી તરીકે થઈ છે. યુએઈમાં તેની પૂછપરછ કરાઈ રહી છે અને ઇઝરાયલી અધિકારીઓને તપાસ અંગે માહિતી આપવામાં આવી રહી છે.
ઇઝરાયલી મીડિયાએ આ તપાસથી પરિચિત સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે કૅપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યા પછી કો-પાઇલટની યોજના બધું સામાન્ય હોવાનો ડોળ કરવાની અને વિમાનને ઇઝરાયલી હવાઈ ક્ષેત્રમાં લઈ જવાની હતી.
અહેવાલો અનુસાર, કો-પાઇલટની યોજના બૅન ગુરિયન ઍરપૉર્ટ પર વિમાનને લૅન્ડ કરવાની પરવાનગી મેળવવાની અને પછી તેના ઇરાદાઓને પૂર્ણ કરવાની હતી.
અહેવાલો અનુસાર, તેણે 180થી વધુ મુસાફરોને લઈ જનારા બૉઇંગ 737 મૅક્સ વિમાનને ઍરપૉર્ટ અથવા સેન્ટ્રલ તેલ અવીવમાં કોઈ ઊંચી ઇમારત સાથે ટકરાવી દેવાની યોજના બનાવી હતી.
તેની યોજના 11 સપ્ટેમ્બર, 2001ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં થયેલા અલ-કાયદાના હુમલા જેવી જ હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે એકલા જ આ પ્લાન ઘડ્યો હોવાની શક્યતા છે. તેઓ કોઈ ઉગ્રવાદી સંગઠન કે વિદેશી સરકાર માટે કામ કરતા હોવાના હજુ સુધી કોઈ પુરાવા નથી.
અહેવાલો અનુસાર, કો-પાઇલટે તપાસકારોને એમ પણ કહ્યું હતું કે તેણે અગાઉ તેલ અવીવ જતી ફ્લાઇટને હાઇજૅક અને ક્રૅશ કરવાની યોજના બનાવી હતી, પરંતુ બાદમાં તેણે આ યોજના છોડી દીધી, કારણ કે વિમાનમાં બેસેલી એક વ્યક્તિ તેની પરિચિત હતી.
યુએઈ કે ઇઝરાયલી અધિકારીઓ તરફથી આ મામલે અત્યારે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
યુએઈના ઍટોર્ની જનરલ હમાદ અલ-શમસીએ શનિવારે જણાવ્યું હતું કે તપાસમાં ઘટનાની સંપૂર્ણ વિગતો, હેતુ અને સંડોવાયેલાં કોઈ પણ કનેક્શન્સ જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે તપાસ પૂર્ણ થયા પછી તારણો જાહેર કરવામાં આવશે.
સુરક્ષા ખામીઓ અંગે પ્રશ્નો
વીડિયો જુઓ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS




