Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Kalpesh Thakor
(નોંધ: અહેવાલની કેટલીક વિગતો અને તસવીરો વિચલિત કરી શકે છે.)
ગુજરાતના બનાસકાંઠાના સુઈગામ ખાતે એક પિતા પર જ પોતાના અઢી વર્ષના બાળકને ‘જીવિત સળગાવીને મારી નાખ્યા’નો આરોપ થયો છે.
ઘટના અંગે મળી રહેલી માહિતી પ્રમાણે, ‘નશાની ટેવવાળી’ અશોક રાવળ નામની એક વ્યક્તિએ ગત 13 ઑક્ટોબરના દિવસે ‘પોતાના ઝઘડાળ સ્વભાવ’ને લીધે ‘પત્ની છોડી જતી રહેતાં, ગુસ્સે ભરાઈને અઢી વર્ષના સગા દીકરાને જીવતો સળગાવી દીધો.’
આરોપી અશોક રાવળના કાકા બાબુભાઈએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
તેમણે કહ્યું, “મારો ભત્રીજો પ્રેમલગ્ન કરીને અમારાથી અલગ રહેતો હતો, પણ એનો દીકરો ઘરમાં બધાનો લાડકો હતો. અશોકે પત્ની ચાલી ગયાની વાતે ગુસ્સે ભરાઈને દીકરાને જ સળગાવી દીધો, અને એની લાશ સ્મશાનમાં જઈને દાટી દીધી.”
આ ઘટના બાદ સુઈગામના રાવળવાસ અને આસપાસના વિસ્તારમાં ભારે શોકનો માહોલ છે.
પોલીસે આ ઘટનાની જાણ થયા બાદ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી છે, અને બાળકની લાશને બહાર કાઢી છે.
આ સમગ્ર બનાવ અંગે વધુ જાણવા માટે બીબીસી ગુજરાતીએ રાવળ પરિવાર અને પોલીસ અધિકારી સાથે વાત કરી હતી.
શું છે મામલો?
ઇમેજ સ્રોત, Kalpesh Thakor
પેટિયું રળવા કચ્છના મુંદ્રા ખાતે ખાનગી કંપનીમાં રોજમદાર તરીકે નોકરી કરતા 40 વર્ષીય બાબુભાઈ કહે છે કે, “ભાઈ-ભાભીના અવસાન બાદ અમે જ અશોકને મોટો કર્યો હતો, એ મજૂરી માટે હિંમતનગર ગયો હતો, ત્યાં એ રમીલા નામની છોકરીના પ્રેમમાં પડ્યો અને લગ્ન કરીને અહીં આવ્યો હતો.”
તેઓ કહે છે, “તેને નશાની ટેવ હતી, તેથી અમારાથી અલગ હિંમતનગર રહેતો, પણ પાછલા કેટલાક સમયથી એ સુઈગામ આવ્યો હતો અને અમારા ઘરથી થોડે દૂર એક છાપરું બાંધીને એ પત્ની અને બાળક સાથે રહેતો.”
“એનો નાનકડો દીકરો નવઘણ અમારા ઘરમાં બધાનો લાડકવાયો હતો. મારી માતા માટે નવઘણ એમનો પ્રિય બાળક હતો.”
બાબુભાઈનાં ભાભી તખીબહેને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અશોકને નશાની ટેવ હતી, એ નશો કરી અમારી સાથે ઝઘડા કરતો અને એણે અમારી સાથે સંબંધ તોડી નાખ્યા હતા, એની પત્ની રમીલા અમારી સાથે વાત કરે તો પણ તેની સાથે ઝઘડતો. એના ઝઘડાખોર સ્વભાવ અને નશાની ટેવને કારણે રમીલા ઝઘડા બાદ એના પિયર જતી રહી હતી.”
“નવરાત્રી હોઈ મારા દિયર બાબુભાઈ કચ્છથી માતાજીના નૈવેદ્ય માટે સુઈગામ આવી રહ્યા હતા. અમે તેમને ફોન કર્યો ત્યારે અચાનક નવઘણની ચીસો સંભળાઈ, પછી અમે જોયું કે અશોક તેના બાળકને લઈને ભાગી રહ્યો હતો, મેં બૂમ પાડી તો તેણે એ દીકરાને દવાખાને લઈ જઈ રહ્યો છે, એવું કહ્યું. એટલી વારમાં મારા દિયર અહીં આવી જતાં અમે અલગ અલગ દવાખાને ગયા હતા, પણ અમને ત્યાં અશોક નહોતો મળ્યો.”
બાબુભાઈ કહે છે કે, “અમે દવાખાનેથી પાછા આવ્યા ત્યારે હું પાણી પીવા ઘરમાં ગયો, તો જોયું કે અશોક ખાટલામાં તેના દીકરાને લઈને બેઠો હતો, ત્યાં મારાં ભાઈ તખીબહેને બૂમ પાડી કે નવઘણની તો હાલત ખરાબ છે. હું ત્યાં ગયો ત્યારે બાળક મૃત્યુ પામી ચૂક્યું હતું. છોકરો દાઝીને સાવ કાળો પડી ગયો હતો.”
“મારા સવાલનો અશોકે કોઈ જવાબ ન આપ્યો, અને બાળકને લઈને નીકળી ગયો. અમને મોડી રાત્રે ખબર પડી કે દીકરાના શબને સ્મશાનમાં દાટી દીધો હતો. ભાભી તખીબહેને કહ્યું કે, ‘એણે નવઘણને સળગાવીને મારી નાખ્યો છે.’ અમે અશોકના ઘરે જોયું તો પેટ્રોલનો ખાલી ડબ્બો હતો, એટલે મેં તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે તરત જ અશોકની ધરપકડ કરી છે.”
બાબુભાઈ રાવળે પોતે લખાવેલી ફરિયાદમાં કહ્યું છે કે, “નવઘણના મૃતદેહને સ્મશાનમાં સામાજિક રીતે દાટવા પણ અમે ગણીને ચારપાંચ લોકો ગયા હતા, ઘરે આવીને ખબર પડી કે એમના ભત્રીજા અશોકને દીકરાને પાળવું બોજારૂપ લાગતું. તેથી સગા દીકરાને સળગાવીને મારી નાખ્યો છે માટે કાયદેસરની તપાસ થવી જોઈએ.
પોલીસ શું કહે છે?
ઇમેજ સ્રોત, Kalpesh Thakor
થરાદના ડીવાયએસપી વારોતરિયાએ કહ્યું કે, “અશોકના કાકા અમારી પાસે એમના ભત્રીજા અશોકે એના દીકરાને જીવતો સળગાવી દીધો હોવાની ફરિયાદ લઈ બનાવના દિવસે મોડી રાત્રે પહોંચ્યા હતા. અમે એમની ફરિયાદ અમે સાંભળી હતી. બાળકને સમાજિક વિધિ મુજબ સ્મશાનમાં દાટ્યું હોવાનું તેમણે કહ્યું હતું. અમે આ આરોપોની ખાતરી કર્યા પછી મોડી રાત્રે જ એમની ફરિયાદ લીધી હતી, મોડી રાત હોવાથી રાતે બે વાગ્યે કાનૂની કાર્યવાહી પૂરી થતાં 14 તારીખે ફરિયાદ નોંધાઈ છે. અમે તાત્કાલિક બાળકનો મૃતદેહ જ્યાં દાટ્યો હતો ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 15 તારીખે પોસ્ટમૉર્ટમ ની કાર્યવાહી થઈ છે. 14 તારીખે અશોકે એની ધરપકડ બાદ પ્રાથમિક તપાસમાં કબુલ્યું છે કે એણે પોતાના દીકરાને પોતાના કૌટુંબિક કારણસર જીવતો સળગાવ્યો હતો, નાના બાળકને દાઝી જવાથી ગંભીર ઈજા થતાં એનું મૃત્યુ થયું છે.”
તેઓ આગળ કહે છે કે, “આ ગુનાની ગંભીરતા જોતાં અમે આ કેસમાં જુવેનાઇલ ઍક્ટની કલમ 75 (બાળક પ્રત્યે ક્રૂરતા દાખવવાનો ગુનો) પણ દાખલ કરવાના છીએ. એના માટે અમે કોર્ટમાં જાણ કરી છે, ચાર્જશીટમાં આ કલમનો પણ ઉમેરો કરવામાં આવશે. હાલ અમે અશોકની ધરપકડ બાદ બાળકને મારી નાખવાના કારણની પૂછપરછ કરી રહ્યા છીએ, અમે એના કારણ જાણવા માટે મનોચિકિત્સકની પણ સહાય લેવાના છીએ. બાળકનું પોસ્ટમૉર્ટમ થઇ ગયું છે , પ્રાથમિક કારણમાં સળગી જવાથી મોત થયું હોવાનું જણાવાયું છે, એક સપ્તાહમાં ફોરેન્સિક અને પોસ્ટમૉર્ટમનો ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ નવી કલમ ઉમેરી અમે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરીશું, જેથી આ કેસ ઝડપથી ચાલી શકે.”
જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે આ ‘રેરેસ્ટ ઑફ ધ રેર’ (દુર્લભમાં પણ અતિ દુર્લભ) કેસ કહેવાય, આ વ્યક્તિની ફૅમિલી હિસ્ટ્રી એવી છે કે એનાં માતાપિતા અને કાકાનાં અવસાન થયાં છે, એક કાકા અસ્થિર મગજના છે. એટલે નાનપણથી એ કોઈ માનસિક બીમારીથી પીડાતો હોય, પણ આ એક છૂટક મજૂરી કરનાર કુટુંબ છે, એટલે માનસિક સારવાર ના લીધી હોય. ઉપરાંત, તેને નશાની ટેવ હતી, પતિપત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આરોપી જેવી વ્યક્તિઓ ‘પેરાનોઇયા’ના શિકાર હોય છે અને ખૂબ જ શંકાશીલ સ્વાભાવના તેમજ ઉગ્ર હોય છે, ઉપરાંત તેને નાનપણ માં કોઈ તકલીફ થઈ હોય અને માનસિક બીમારીનો શિકાર બન્યો હોય, તેમજ નશાની ટેવને કારણે સાયકોટિક એપિસોડમાં દીકરાને સળગાવ્યો હોય એવું પણ બની શકે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




