Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Paresh Padhiyar/Getty Images
-
14 ડિસેમ્બર 2025, 18:43 IST
અપડેટેડ 26 મિનિટ પહેલા
“આ ગામના લોકો બિલકુલ હિંસક નથી, ગભરાયેલા છે અને ગભરાટમાં તેમણે આ પગલું ભર્યું હશે.”
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પેપોદરા ગામના આદિવાસી આગેવાન ભોજાભાઈ કોદરવી શનિવારે પાડલિયા ગામ ખાતે વનકર્મી, પોલીસકર્મી અને રેવન્યૂ અધિકારીઓ પર ટોળાના હુમલાનું કારણ આપતાં આ વાત કરે છે.
તેઓ કહે છે કે, “આ આખો વિસ્તાર આદિવાસીઓનો છે. અહીં લોકો પેઢીઓથી રહી રહ્યા છે. પરંતુ ઘણી વાર વનવિભાગના લોકો અચાનક આવીને તેમનાં ઘરો, જમીનો ખાલી કરવાનું કહેવા લાગે છે. આ બનાવમાં પણ લોકોને આવી જ બીક હતી.”
શનિવારે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બનાસકાંઠાના દાંતા તાલુકાના અંબાજી નજીક આવેલા પાડલિયા ગામ ખાતે વનકર્મી, પોલીસકર્મી અને રેવન્યૂના અધિકારી પર ‘જીવલેણ હુમલા’ની ઘટના ઘટી હતી. આ હુમલામાં કુલ 47 જેટલા કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
બીબીસી ગુજરાતીએ વનવિભાગ સામે કરાઈ રહેલા આક્ષેપો અંગે તેમનો ખુલાસો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સાથે વાત થઈ શકી નહોતી.
તંત્ર દ્વારા અપાયેલી માહિતી મુજબ વનવિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પોતાની માલિકીની જમીન પર વૃક્ષારોપણ અને નર્સરીનું કામ હાથ ધરાયું હતું. જે દરમિયાન લગભગ 500 લોકોના એક ઉશ્કેરાયેલા ટોળાએ ‘પ્રાણઘાતક હથિયારો’ વડે સરકારી કર્મચારીઓ પર ‘જીવલેણ હુમલો’ કરવાનો આરોપ લગાવાયો છે.
તમામ ઈજાગ્રસ્તોને નિકટની સ્થાનિક હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
કહેવાઈ રહ્યું છે કે દાંતા તાલુકામાં ગબ્બર પાછળ આવેલા ગામમાં જમીન બાબતે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો હતો, જે બાબત હિંસક હુમલામાં પરિણમી હતી. આ પહેલાં પાડલિયા ગામ ખાતે વનવિભાગની જમીન પર વૃક્ષારોપણનો આસપાસના ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો.
આ ઘટના સામે આવ્યા બાદ હૉસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર અને પોલીસ બંદોબસ્તનાં કેટલાંક દૃશ્યો પણ સામે આવ્યાં હતાં. જેમાં ઘણા પોલીસ સહિતના કેટલાક સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ લોહીલુહાણ હાલતમાં પાટાપિંડી કરાવતા જોવા મળ્યા હતા. તેમજ કેટલાક કર્મચારીઓ ઘણા અસ્વસ્થ જણાઈ રહ્યા હતા.
આરોપ છે કે ટોળાએ ગોફણ, પથ્થર અને તીર-કામઠા જેવાં હથિયારો વડે હુમલો કર્યો હતો.
આ મામલે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 109, 311, 132, 61 (2) તેમજ ગુજરાત પોલીસ ઍક્ટની કલમ 135 અને ડૅમેજ ટુ પબ્લિક પ્રૉપર્ટી ઍક્ટની કલમ 3 અને 7 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે હાલ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે.
જોકે, હજુ સુધી આ કેસમાં કોઈ આરોપીની અટકાયત કરાઈ નથી.
પોલીસ સહિતના સરકારી અધિકારીઓ પર આવા કથિત ‘ઘાતકી’ હુમલા બાદ હવે એ વાતની ચર્ચા થવા લાગી છે કે સમગ્ર મામલો શું હતો, આ ઘટના જ્યાં બની એ વિસ્તાર કેવો છે અને ત્યાંના લોકો કેવા છે?
હુમલો થયો એ વિસ્તાર કેવો છે અને ત્યાંના લોકો કોણ છે?
ઇમેજ સ્રોત, Paresh Padhiyar
પાડલિયા ગામથી 35-40 કિમી દૂર રહેતા 42 વર્ષીય ભોજાભાઈ કહે છે કે તેમની છ પેઢીથી તેઓ આ જ વિસ્તારમાં રહે છે.
તેઓ પાડલિયા ગામ અને ત્યાંના લોકો વિશે વધુ જાણકારી આપતાં કહે છે કે, “પાડલિયા ગામ પણ આ પટ્ટાનાં બીજાં ગામોની માફક આદિવાસી વસતી ધરાવતું અહીંનું એક મોટું ગામ છે. ત્યાંની વસતી 500 કરતાં વધુ છે.”
તેઓ કહે છે કે ગામના મોટા ભાગના લોકો ખેતીકામ અને જંગલપેદાશોનું વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. મોટા ભાગના લોકો પાસે ત્યાં પોતપોતાનાં ઘર છે.
ભોજાભાઈ કહે છે કે પહાડી અને દુર્ગમ ક્ષેત્રમાં પાડલિયા ગામના લોકોએ આ પહેલાં ક્યારેય આવી ‘હિંસા’નો આશરો લીધો નથી.
તેઓ ઘટનાનાં સંભવિત કારણો અંગે વાત કરતાં કહે છે કે, “અગાઉ વનવિભાગ દ્વારા સ્થાનિકોનાં ઘરબાર તોડી પાડ્યાંના તેમજ જમીન પરથી હાંકી કાઢ્યા હોવાના ઘણા દાખલા આ વિસ્તારમાં જોવા મળે છે. તેથી આ વિસ્તારના લોકો વનવિભાગની પ્રવૃત્તિઓને શંકાની દૃષ્ટિએ જુએ છે.”
તેઓ પાડલિયાના ગ્રામજનોનો પક્ષ મૂકતાં કહે છે કે, “એ ગામના લોકોએ ક્યારેય આવી હિંસા કરી હોવાનું અમે જાણ્યું નથી. તેઓ હિંસક નથી.”
ભોજાભાઈ આગળ કહે છે કે, “જો વનવિભાગ આ ગામલોકોની શંકાને સમજ્યો હોત અને એ સમજીને તેના નિકાલ માટે યોગ્ય વાતચીત કે મસલતનો માર્ગ લેવાયો હોત, તો કદાચ આવું ન બન્યું હોત. વચ્ચેનો કોઈ રસ્તો નીકળ્યો હોય અને ગામલોકોને વિશ્વાસમાં લઈ શકાયા હોત.”
બનાસકાંઠાના સ્થાનિક પત્રકાર અને બીબીસીના સહયોગી પરેશ પઢિયારે પણ આ ઘટના પાછળનાં સંભવિત કારણો અંગે કંઈક આવી જ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “પાછલા ઘણા સમયથી જુદાં જુદાં વિકાસનાં કામોને ટાંકીને આસપાસના વિસ્તારના લોકો સામે જમીન ખાલી કરાવવા સહિતની કાર્યવાહી ઘણી વખત થઈ ચૂકી છે. આવી બીક માત્ર એક નહીં, પણ આ વિસ્તારનાં ઘણાં ગામો અને ગામલોકોની છે.”
તેઓ કહે છે કે, “આ બધા લોકો આદિવાસી છે, અને તેમને પણ આ ઘટનામાં આવી જ રીતે પોતાની જમીન ગુમાવવાનો અને બેઘર થવાનો ડર લાગ્યો હશે. જે બાદ મામલો વણસ્યો હોઈ શકે.”
બીબીસીના સહયોગી પરેશ પઢિયારે આ સમગ્ર પ્રકરણમાં વનવિભાગ સામે લાગી રહેલા આરોપ અંગે વિભાગની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સાથે કોઈ વાતચીત થઈ શકી નહોતી.
હુમલામાં કેવું નુકસાન થયું?
ઇમેજ સ્રોત, Paresh Padhiyar
રવિવારે દાંતાના ડીવાયએસપી કુણાલસિંહ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “પોલીસની ટીમએફએસએલ અને ટૅક્નિકલ સર્વેલન્સની ટીમને સાથે રાખીને બનાવના સ્થળે પંચનામું કરવાની છે.”
“પ્રાથમિક વિગતો અનુસાર વનવિભાગનાં બે વાહનોને નુકસાન કરાયું છે. આ ઘટનામાં જેટલું નુકસાન થયું છે તેનું પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે.”
શું આ છોડ રોપવાના કાર્યક્રમની સામા પક્ષને કોઈ જાણ કરાઈ હતી કે કેમ? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, “વનવિભાગ દ્વારા પહેલાંથી આના માટે આયોજન કરાયું હતું. જે અંતર્ગત વનવિભાગને અગાઉથી પોલીસ બંદોબસ્ત ફાળવાયો હતો. તેમજ રેવન્યૂ વિભાગના કારોબારી મૅજિસ્ટ્રેટ પણ સ્થળ પર હાજર હતા.”
પોલીસે આગળ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ આરોપીની આ મામલે અટકાયત કરાઈ નથી, પરંતુ શક્ય તેટલી ઝડપે અટકાયતની કાર્યવાહી કરાશે.
હુમલામાં ઘાયલ ત્રણ કર્મચારીઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જોકે, તેઓ હવે ખતરાથી બહાર છે.
મોટા ટોળા દ્વારા હુમલો કરાતાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયા હતા. જ્યારે એક પોલીસ અધિકારીને તીર વાગ્યું હતું.
તંત્રના જણાવ્યા અનુસાર આ હુમલા દરમિયાન વનવિભાગની ગાડીઓ સળગાવી દેવાઈ અને સરકારી ગાડીઓના ટાયરો ફાડી નાખવામાં આવ્યાં. પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ અને 20 જેટલા ટિયરગેસ છોડવામાં આવ્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







