Source : BBC NEWS
એક કલાક પહેલા
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરના પાંચમા સંસ્કરણ માટેના નામાંકિત ઉમેદવારોની જાહેરાત આજે કરવામાં આવશે.
2024ના વર્ષમાં ભારતીય મહિલાઓનાં રમતગમત ક્ષેત્રનાં પ્રદાનને સન્માનિત કરે છે અને રમતગમતમાં સામેલ દેશની તમામ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.
તમે બીબીસીની કોઈ પણ ભારતીય ભાષાની વેબસાઇટ પર અથવા બીબીસી સ્પૉર્ટ્સ વેબસાઇટ પર તમારાં પસંદગીનાં ખેલાડીને સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર માટે મતદાન કરી શકશો.
બીબીસી દ્વારા પસંદ કરાયેલી પેનલે પાંચ ભારતીય મહિલા ખેલાડીઓનું શૉર્ટલિસ્ટ તૈયાર કર્યું છે. જ્યુરીમાં ભારતના કેટલાક સૌથી વરિષ્ઠ રમત પત્રકારો, નિષ્ણાતો અને લેખકોનો સમાવેશ થાય છે.
જ્યુરીએ એક ઑક્ટોબર 2023 થી 30 સપ્ટેમ્બર 2024 સુધીના દેખાવને ધ્યાનમાં લઈને પાંચ ભારતીય મહિલા ખેલાડીઓને નામાંકિત કર્યાં છે.
સૌથી વધુ મત મેળવનારાં મહિલા ખેલાડીને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર જાહેર કરાશે. જેનું પરિણામ બીબીસી ઇન્ડિયન લૅંગ્વેજ સાઇટ્સ અને બીબીસી સ્પોર્ટ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
મતદાન શુક્રવાર 31 જાન્યુઆરી 2025 ના રોજ 18:00 GMT (23:30 IST) સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. વિજેતાની જાહેરાત સોમવાર 17 ફેબ્રુઆરી 2025 ના રોજ દિલ્હીમાં એક સમારોહમાં કરવામાં આવશે. બધા નિયમો, શરતો અને ગોપનીયતાની સૂચના વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
આ સમારોહમાં BBC જ્યુરી દ્વારા નામાંકિત ત્રણ અન્ય મહિલા ખેલાડીઓનું પણ સન્માન કરાશે. જેમાં યુવા ખેલાડીની સિદ્ધિઓ માટે BBC ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ આપવામાં આવશે.
રમતગમતમાં તેમના અપ્રતિમ યોગદાન માટે અનુભવી ખેલાડી માટે BBC લાઇફટાઇમ અચીવમૅન્ટ ઍવૉર્ડ આપવામાં આવશે. પૅરા-સ્પૉર્ટ્સમાં શ્રેષ્ઠ દેખાવ માટે BBC પૅરાસ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનો ઍવૉર્ડ પણ અપાશે.
ઍવૉર્ડ સમારોહ ઉપરાંત ચૅમ્પિયન્સની થીમ પર એક ખાસ ડૉક્યુમેન્ટરી અને સ્ટોરી પણ રજૂ કરાશે. જે ખેલાડીઓને ચૅમ્પિયન બનાવવા પાછળ રહેલી વ્યક્તિઓના યોગદાનને ઉજાગર કરે છે.
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડની સ્થાપના 2019માં કરવામાં આવી હતી. હવે આ ઍવૉર્ડ તેનાં પાંચમા વર્ષમાં ભારતમાં મહિલા ખેલાડીઓની સિદ્ધિઓનું સન્માન કરવા અને ઉજવણી કરવા જઈ રહ્યું છે. તે વખતના ઉદ્ઘાટન સમારંભમાં તત્કાલીન રમતગમત મંત્રી કિરેન રિજિજુ મુખ્ય મહેમાન હતા અને બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
2020 માં વિજેતા વિશ્વ ચૅમ્પિયન કોનેરુ હમ્પીને ઍવૉર્ડ અપાયો હતો જ્યારે વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 2021 અને 2022 નો બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ જીત્યો હતો.
ક્રિકેટર શેફાલી વર્મા અને શૂટર મનુ ભાકરને ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ મળી ચુક્યો છે. જ્યારે ઍથ્લીટ્સ પીટી ઉષા, અંજુ બોબી જ્યૉર્જ, વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી અને હૉકી ખેલાડી પ્રીતમ સિવાચને લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.
વિવિધતાનો સમાવેશ કરવાની અમારી પ્રતિબદ્ધતાના ભાગ રૂપે બીબીસી ઇન્ડિયન પેરા-સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ છેલ્લી આવૃત્તિમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ઍવૉર્ડની પ્રથમ વિજેતા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS