Home તાજા સમાચાર gujrati બીબીસી ઇન્વેસ્ટિગેશન : બાળકોના યૌનશોષણ સંદર્ભની જાહેરાતો મામલે કેન્દ્રીય મંત્રીએ મેટાને સમન્સ...

બીબીસી ઇન્વેસ્ટિગેશન : બાળકોના યૌનશોષણ સંદર્ભની જાહેરાતો મામલે કેન્દ્રીય મંત્રીએ મેટાને સમન્સ પાઠવ્યા

3
0

Source : BBC NEWS

મેટા

ઇમેજ સ્રોત, Reuters

પ્રકાશિત

વાંચવાનો સમય: 2 મિનિટ

ચેતવણી: આ અહેવાલની કેટલીક વિગતો વાચકોને ખલેલ પહોંચાડી શકે છે.

બીબીસી-આઈની એક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇન્સ્ટાગ્રામ ભારતમાં બાળકો સંબંધિત જાતીયશોષણની સામગ્રીને પ્રોત્સાહન આપતી પેઇડ જાહેરાતો ચલાવી રહ્યું છે.

આ અહેવાલના પ્રકાશન પછી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓને મેટાને બોલાવવા અને તેની પાસેથી સ્પષ્ટતા માગવાનો આદેશ આપ્યો છે.

બીબીસીને આ માહિતી સૂત્રો પાસેથી મળી છે.

સમાચાર એજન્સી એએનઆઈએ પણ કહ્યું છે કે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી મંત્રાલય આ મામલે મેટા પાસેથી જવાબ માગશે.

બીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ જાહેરાતોમાં ‘રૅપ વીડિયો’ અને ‘ચાઇલ્ડ વીડિયો’ જેવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વપરાશકર્તાઓને મૅસેજિંગ ઍપ ટૅલિગ્રામ પર ચૅનલોની લિંક્સ પણ આપવામાં આવી હતી જ્યાં તેઓ આવું કન્ટેન્ટ માત્ર 99 રૂપિયામાં ખરીદી શકતા હતા.

તાજેતરના દિવસોમાં આઇટી મંત્રાલય દ્વારા મેટા સામે આ નવી કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસો પહેલાં, સરકારે મેટાની માલિકીના વૉટ્સઍપને તેના નવા યુઝરનેમ ફીચર અંગે નોટિસ જાહેર કરી હતી.

બીબીસીના પ્રશ્નના જવાબમાં મેટાએ શું કહ્યું હતું?

પ્રતીકાત્મક તસવીર

જ્યારે બીબીસીએ ઇન્સ્ટાગ્રામને આવી જ એક જાહેરાત રિપોર્ટ કરી, ત્યારે સોશિયલ મીડિયા કંપનીએ 24 કલાક પછી જવાબ આપ્યો કે આ પોસ્ટ્સ તેની કમ્યૂનિટી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરતી નથી.

જ્યારે બીબીસીએ ઇન્સ્ટાગ્રામની પૅરેન્ટ કંપની મેટા પાસેથી જવાબ માગ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમણે પહેલેથી જ ઘણી જાહેરાતો બંધ કરી દીધી છે અને તે પોસ્ટ કરનારા એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરી દીધાં છે.

કંપનીએ જણાવ્યું હતું કે બીબીસીની તપાસ બાદ, તેમણે આવી વધુ જાહેરાતો દૂર કરી છે, એકાઉન્ટ્સ નિષ્ક્રિય કર્યા છે અને તેની નીતિઓનું ઉલ્લંઘન કરતી અન્ય સામગ્રીના યુઆરએલ બ્લૉક કર્યા છે.

વળી, ટેલિગ્રામે કહ્યું છે કે વર્ષ 2026માં, તેમણે બાળકોના જાતીય શોષણ અને હિંસક સામગ્રી સંબંધિત 2 લાખ 74 હજાર ગ્રૂપ્સ અને ચૅનલો દૂર કર્યાં છે.

મેટાએ પાછળથી બીબીસીને જણાવ્યું હતું કે, “કોઈ પણ સિસ્ટમ સંપૂર્ણ નથી હોતી અને અમારી સમીક્ષા કરવાની પ્રક્રિયાઓ બધી ‘પૉલિસી વાઇલેશન’ની ઘટનાઓને પકડી શકતી નથી.”

મેટાએ જણાવ્યું હતું કે, “અમે જાહેરાતો લાઇવ થાય પછી સતત પ્રૉએક્ટિવ ડિટેક્શન ટૅક્નૉલૉજી ચલાવીએ છીએ. જેમને એવું લાગે કે આ જાહેરાત અમારા નિયમોનો ભંગ કરી રહી છે તો તેઓ અમને તેની જાણ કરી શકે છે.”

તેમણે એમ પણ કહ્યું કે જ્યારે તેમને બાળકોનાં શોષણની જાણ થાય છે, ત્યારે તેઓ કાયદા અનુસાર આની સૂચના નૅશનલ સેન્ટર ફૉર મિસિંગ ઍન્ડ ઍક્સપ્લૉઇટેડ ચિલ્ડ્રન (NCMEC)ને કરે છે. આ સિસ્ટમ એ ઇન્ટરનેટ પર બાળકોના જાતીય શોષણ અને હિંસાની જાણ કરવા માટેની વૈશ્વિક સિસ્ટમ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS