Source : BBC NEWS
Getty Images
વાંચવાનો સમય: 4 મિનિટ
બ્રાઝિલના નેતા લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ શાનદાર કમબૅક કર્યું છે અને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે.
આ જીત સાથે જ 80 વર્ષીય લુલાને ચોથી વખત રાષ્ટ્રપતિ બનવાની તક મળી છે.
તેમણે બ્રાઝિલની ચૂંટણીમાં કટ્ટર જમણેરી હરીફ ફ્લેવિયો બોલસોનોરોને મામૂલી અંતરથી હરાવી દીધા છે.
લગભગ તમામ મતોની ગણતરી પૂરી થયા પછી રવિવારે લેટિન અમેરિકાની સૌથી મોટી લોકશાહીમાં બીજા રાઉન્ડની ચૂંટણીમાં લુલાને 51.76 ટકા મત મળ્યા હતા જ્યારે જેલમાં બંધ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોના પુત્ર ફ્લેવિયો બોલસોનારોને 48.24 ટકા મત મળ્યા.
લુલાની જીત ઘણા ચૂંટણી પહેલાંના અનુમાનો અને સર્વે કરતાં ઊલટ રહી છે. આ સર્વેમાં બોલસોનારોને થોડી સરસાઈ આપવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં થયેલા ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં 45 વર્ષીય સૅનેટર ફ્લેવિયો બોલસોનારો લગભગ બે ટકાની લીડ ધરાવતા હતા.
ડાબેરી નેતા લુલા અગાઉ 2003થી 2010 સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચૂક્યા છે. ચાર વર્ષ પહેલાં તેમણે ત્રીજી વખત રાષ્ટ્રપતિપદ હાંસલ કર્યું હતું.
જોકે, રવિવારની મતદાન પ્રક્રિયા વિવાદોથી ઘેરાયેલી રહી. મતદાનમથકો બંધ થવાનો સમય નજીક આવતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે બે કલાકનો વધારો કરવાનો આદેશ આપ્યો.
લુલાના ગઠબંધને અનેક રાજ્યોમાં જાહેર પરિવહનની સમસ્યાઓ અંગે ફરિયાદ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિસ્તારોમાં રહેતા બ્રાઝિલિયનો મતદાનમથકો સુધી પહોંચવા માટે જાહેર પરિવહન પર આધાર રાખે છે.
અમેરિકા માટે મોટો ફટકો?
Getty Images
એવું કહેવાઈ રહ્યું છે કે લુલાની જીતથી આ દેશમાં પોતાનો પ્રભાવ વધારવાની અમેરિકાની મહત્ત્વાકાંક્ષાઓને ફટકો પડ્યો છે. લેટિન અમેરિકામાં જમણેરી પક્ષોની જીતનું વલણ પલટાઈ ગયું છે.
ભૂતપૂર્વ મૅટલ વર્કર લુલા 1989માં રાષ્ટ્રપતિપદ માટે પહેલી વાર ચૂંટણી લડ્યા ત્યારથી બ્રાઝિલિયન ડાબેરીઓના સૌથી અગ્રણી નેતા રહ્યા છે.
તેમ છતાં તેઓ તેમની રાજકીય કારકિર્દીના સૌથી પડકારજનક સંજોગોનો સામનો કરી રહ્યા છે.
તેમનો નવો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2027ના રોજ શરૂ થવાનો છે. તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વપૂર્ણ પડકારો વચ્ચે શરૂ થશે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગીનો પણ સમાવેશ થાય છે.
ટ્રમ્પે લુલાના હરીફ ફ્લેવિયો બોલસોનારોનું સીધું સમર્થન કર્યું ન હતું. જોકે, તેમણે કોલંબિયા અને હોન્ડુરાસમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનારા જમણેરી ઉમેદવારોને ટેકો આપ્યો હતો.
તેમ છતાં, એ વાતમાં કોઈ શંકા નથી કે અમેરિકાનું વહીવટીતંત્ર 21.3 કરોડની વસ્તી ધરાવતા બ્રાઝિલમાં એક રૂઢિચુસ્ત નેતાને સત્તામાં જોવાનું જ પસંદ કરત.
અમેરિકા એ લેટિન અમેરિકાને અમેરિકન પ્રભાવના ક્ષેત્ર તરીકે જુએ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ઇચ્છે છે કે આ ક્ષેત્રમાં એવા નેતાઓ સત્તામાં હોય જે સંરક્ષણ, સુરક્ષા અને વેપાર સહિત વિવિધ મુદ્દાઓ પર તેની નીતિઓને સમર્થન આપે.
ભૂતપૂર્વ ટ્રેડ યુનિયન નેતા લુલાએ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક વિદેશનીતિની ટીકા કરેલી છે, જ્યારે બોલસોનારોએ વ્હાઇટ હાઉસમાં તેમના વૈચારિક સહયોગી સાથે ગાઢ સંબંધો બનાવવાનું વચન આપ્યું હતું.
ગત વર્ષથી અમેરિકાએ બ્રાઝિલ પર વેપાર ટેરિફ અને અન્ય પ્રતિબંધો લાદ્યા છે.
શરૂઆતના ફીકા ચૂંટણીપ્રચાર પછી લુલાએ મતદાનના પ્રથમ રાઉન્ડ પછી ઘણાં રાહત પગલાંની જાહેરાત કરી, જેમાં લોન માફી, સપ્તાહના અંતે મફત જાહેર પરિવહન અને ગરીબ વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાયનો સમાવેશ થાય છે.
લુલાની જીત મહત્ત્વપૂર્ણ વળાંક
Getty Images
વિપક્ષે વર્તમાન રાષ્ટ્રપતિ લુલા પર મત ખરીદવાનો પણ આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે આ પગલાં સરકારની નાણાકીય સ્થિતિને વધુ ખરાબ કરશે.
ફ્લેવિયો બોલસોનારોના પિતા જાયર બોલસોનારોને ગત વર્ષે 2022ની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવાના નિષ્ફળ પ્રયાસ પછી બળવાનું કાવતરું ઘડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.
જાયર બોલસોનારો હાલમાં 27 વર્ષની સજા ભોગવી રહ્યા છે અને સ્વાસ્થ્ય કારણસર હાલમાં તેમને ઘરમાં જ કેદ કરવામાં આવ્યા છે.
સંગઠિત ગુનાઓ સામે કડક કાર્યવાહીનું વચન આપવાની સાથે તેમના પુત્ર ફ્લેવિયો બોલસોનારોએ સરકારી ખર્ચમાં ઘટાડો અને કર ઘટાડવાનું પણ વચન આપ્યું હતું.
પ્રથમ રાઉન્ડનાં પરિણામો પછી, રોકાણકારોએ બોલસોનારોની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓની સંભાવનાનું સ્વાગત કર્યું હતું.
આ બધા પડકારો સામે લુલાની જીત એ આધુનિક બ્રાઝિલના ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી રાજકારણીઓમાં તેમનું સ્થાન મજબૂત બનાવે છે.
જાહેર જીવનમાં લગભગ પાંચ દાયકા પછીની આ જીત તેમની રાજકીય કારકિર્દીમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
એક સમયે ધાતુ ઉદ્યોગોમાં કામ કરતા લુલાએ સૌપ્રથમ 2003થી 2010 સુધી દેશની સરકારનું નેતૃત્વ કર્યું હતું. આ સમય દરમિયાન તેમણે ગરીબી ઘટાડવામાં મદદ કરતી અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી.
બાદમાં તેમને ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ચાર વર્ષ પહેલાં તેઓ તત્કાલીન રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોને હરાવીને સક્રિય રાજકારણમાં પાછા ફર્યા હતા.
વિપક્ષી ઉમેદવાર ફ્લેવિયો બોલસોનારોની હાર એ તેમના પિતા દ્વારા લગભગ એક દાયકા પહેલાં શરૂ કરાયેલી કટ્ટરપંથી લોકલોભામણી રાજકીય ચળવળ માટે એક ફટકો છે. તેમનું જૂથ એ બ્રાઝિલના રાજકારણમાં જમણેરી વિચારધારાનું સૌથી પ્રભાવશાળી જૂથ બની ગયું છે.
લુલાએ આપેલાં વચનો
Getty Images
બ્રાઝિલ એ ઑઇલથી સમૃદ્ધ દેશ છે અને તેની પાસે દુર્લભ પૃથ્વીની ખનીજોનો વિશ્વનો બીજો સૌથી મોટો ભંડાર છે.
બ્રાઝિલ દક્ષિણ અમેરિકાનો એકમાત્ર મોટો દેશ છે જ્યાં કોઈ જમણેરી નેતા સત્તામાં નથી. લુલાને વ્યાપકપણે ચીન સાથે મૈત્રીપૂર્ણ વલણ ધરાવતા નેતા માનવામાં આવે છે.
ફ્લેવિયો બોલસોનારોએ બ્રાઝિલને અમેરિકાની નજીક લાવવાનું વચન આપ્યું હતું. જોકે, લુલાએ અમેરિકાને ચૂંટણીમાં દખલ કરવા સામે ચેતવણી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રાઝિલ ‘ક્યારેય કઠપૂતળી નહીં બને.’
લુલાની જીતથી અમેરિકા નિરાશ થઈ શકે છે, પરંતુ પર્યાવરણીય કાર્યકરોએ તેનું સ્વાગત કર્યું છે. તેમને ડર હતો કે બોલસોનારોની જીતથી બ્રાઝિલના પ્રભાવશાળી કૃષિ વ્યવસાય અને ખનન ઉદ્યોગોની શક્તિ મજબૂત થશે.
પર્યાવરણ કાર્યકરોએ જાયર બોલસોનારોના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન એમેઝોનનાં જંગલોમાં થયેલી રેકૉર્ડ વૃક્ષોની કાપણી અને જંગલોમાં આગનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે દલીલ કરી હતી કે જુનિયર બોલસોનારોના સત્તામાં આવવાથી પર્યાવરણીય નિયમોમાં છૂટછાટ આવી શકે છે, જે આ મહત્ત્વપૂર્ણ ઇકૉસિસ્ટમને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
બોલ્સોનારોની લિબરલ પાર્ટીએ ચૂંટણીમાં સૌથી મોટી લીડ મેળવી હતી.
આમ છતાં, લુલાની વર્કર્સ પાર્ટી મતદાનનાં પહેલા રાઉન્ડ પછી મોટી રેલીઓ યોજવામાં સફળ રહી હતી.
ચૂંટણી પહેલાં લુલાએ આ ચૂંટણીને ‘બ્રાઝિલ માટે એક ટર્નિંગ પૉઇન્ટ’ તરીકે વર્ણવી હતી.
તેમણે શાસનની નવી રીત દ્વારા બ્રાઝિલની વિરોધી રાજકીય વિચારધારાઓ વચ્ચેનું અંતર દૂર કરવાનું વચન આપ્યું હતું. ચૂંટણી પહેલા વૉટ્સઍપ પર લાઇવ પ્રસારણ દરમિયાન તેમણે કહ્યું હતું કે દેશ ક્યારેય પહેલા જેવો રહેશે નહીં.
તેમણે શાસનના આ નવા સ્વરૂપ વિશે વધુ વિગતો આપી ન હતી, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ વધુ ન્યાયપૂર્ણ દેશ માટે લડવાનું ચાલુ રાખશે, જ્યાં સૌને તકો મળે અને નીતિઓ લોકોની જરૂરિયાતોને અનુરૂપ હોય.
પરંતુ સંસદમાં વ્યાપક વિરોધનો સામનો કરી રહેલા લુલાને તેમના પાછલાં ત્રણ કાર્યકાળ કરતાં વધુ મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડી શકે છે. તેમના ચોથા કાર્યકાળના અંત સુધીમાં તેમની ઉંમર પણ 85 વર્ષની થઈ જશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




