Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય શૅરબજાર ગયા મહિને તેના તાજેતરના તળિયે પહોંચી ગયું હતું, પરંતુ ત્યાર પછી તેમાં સતત વધારો થયો છે અને સેન્સેક્સે 80,000ની સપાટી પાછી મેળવી છે.
મહત્ત્વની વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 26 પર્યટકોની હત્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની શક્યતા તોળાય છે. ભારત ગમે ત્યારે સૈન્ય કાર્યવાહી કરશે એવી ધારણાથી 30 એપ્રિલે પાકિસ્તાન સ્ટૉક ઍક્સ્ચેન્જમાં 3500 પૉઇન્ટનો મોટો કડાકો આવ્યો હતો, જ્યારે તે જ દિવસે સેન્સેક્સ લગભગ સપાટ રહ્યો હતો.
સપ્ટેમ્બર 2024ના અંતમાં 30 શૅરનો બીએસઈ સેન્સેક્સ 85,978ના લેવલ પર પહોંચ્યો હતો જે તેની 52 અઠવાડિયાની ઊંચી સપાટી હતી.
ત્યાર પછી શૅરબજારમાં સતત ઘટાડો જોવા મળ્યો અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર આવ્યા પછી માર્કેટમાં ભયંકર વેચવાલી નોંધાઈ હતી. તેના કારણે માર્ચમાં સેન્સેક્સ લગભગ 73,000 સુધી ઘટી ગયો હતો. ત્યાર પછી બજારમાં રિકવરી આવી છે અને સેન્સેક્સે ફરી 80,000ની સપાટી પાછી મેળવી છે.
50 શૅરનો નિફ્ટી ઇન્ડેક્સ પણ 30 એપ્રિલે 24,300ની ઉપર બંધ આવ્યો હતો જે ગયા મહિને 22,000 સુધી ઘટી ગયો હતો.
સોમવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો તે દિવસે સેન્સેક્સમાં 1000 પૉઇન્ટનો ઉછાળો આવ્યો હતો.
તેના કારણે એવા સવાલ થાય છે કે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય શૅરબજાર કેમ વધતું જાય છે? ટેરિફ વૉરના કારણે જે માર્કેટ ઘટતું જતું હતું અને વૈશ્વિક મંદીની શક્યતા જોવામાં આવતી હતી, તેમાં આટલો ઝડપથી સુધારો કઈ રીતે થયો?
કયાં કારણોથી ભારતીય શૅરબજાર વધ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ શૅરબજારના નિષ્ણાતો સાથે વાત કરીને બજાર વધવા પાછળનાં કારણો જાણ્યાં હતાં.
તેમાંથી એક મોટું કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અપેક્ષા કરતાં વધુ સારાં ત્રિમાસિક પરિણામ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના રિટેલ અને ડિજિટલ બિઝનેસમાં ધારણા કરતાં વધુ સારો દેખાવ કરતાં 28 એપ્રિલે તેનો શૅર પાંચ ટકા કરતા વધુ વધ્યો હતો જેણે સેન્સેક્સની તેજીમાં 400 પૉઇન્ટનું યોગદાન આપ્યું હતું.
બીજું કારણ એફઆઈઆઈની ખરીદીને ગણવામાં આવે છે. છેલ્લા આઠ દિવસોમાં એફઆઈઆઈએ ભારતીય શેરબજારમાં 32,460 કરોડ રૂપિયા કરતા વધારે કિંમતના શૅર ખરીદ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે જે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતમાંથી શૅર વેચીને અમેરિકામાં ખરીદી કરતા હતા, તેમણે હાલના દિવસોમાં ભારતીય માર્કેટમાં ખરીદી વધારી દીધી છે.
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી. કે. વિજયકુમારે એક નોટમાં જણાવ્યું હતું કે અમેરિકાના શૅરબજારના પ્રમાણમાં નબળા દેખાવ, બૉન્ડ અને ડૉલરની નરમાઈ વચ્ચે ભારતીય શૅરમાર્કેટમાં એફઆઈઆઈની ખરીદી ચાલુ રહેવાની શક્યતા છે.
ડૉલરની નબળાઈથી કેટલો ફાયદો થયો?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન ડૉલર તાજેતરમાં નબળો પડ્યો છે જેના કારણે રૂપિયા જેવી ઉભરતા બજારની કરન્સીને ફાયદો થયો છે. ભારતીય માર્કેટ વધવા પાછળ આ પણ એક કારણ છે. ડૉલર નબળો હોય ત્યારે રૂપિયાને સપોર્ટ મળે છે અને વિદેશી મૂડીનો ઇનફ્લો વધતો હોય છે.
ફેબ્રુઆરી મહિનામાં ડૉલર ઇન્ડેક્સ 110ની નજીક પહોંચી ગયો હતો જે તાજેતરમાં ઘટીને 99ના લેવલ પર આવી ગયો છે. એટલે કે દુનિયાની મોટી કરન્સીઓ સામે ડૉલરે નબળો દેખાવ કર્યો છે.
અમદાવાદસ્થિત મોનાર્ક નેટવર્થના એમડી અને સ્ટૉક માર્કેટ એનાલિસ્ટ વૈભવ શાહે બીબીસીને કહ્યું કે, “એફઆઈઆઈની ખરીદી એ ભારતીય બજાર વધવાનું મુખ્ય કારણ છે. ડૉલર ઇન્ડેક્સ ઘટવાના કારણે હવે એફઆઈઆઈ માટે ભારતીય બજાર ફાયદાકારક છે. ડૉલર 109ને પાર કરી ગયો હતો ત્યારે જે એફઆઈઆઈએ ભારતીય શૅરો વેચ્યા હતા, તેઓ હવે શૅર ખરીદી રહ્યા છે.”
વૈભવ શાહના કહેવા પ્રમાણે ટેરિફ વૉરના કારણે પણ હવે ભારતીય બજારમાં એટલો ગભરાટ નથી કારણ કે ભારતે અમેરિકા સામે વળતા ટેરિફ ઝીંકવાના બદલે તેની સાથે વાટાઘાટ કરવાનો રસ્તો પસંદ કર્યો છે. હાલમાં યુએસે ટેરિફનો અમલ 90 દિવસ માટે મોકૂફ રાખ્યો છે, પરંતુ ત્યાર પછી ટ્રેડ ડીલ થવાની શક્યતા વધારે છે.
એલકેપી સિક્યૉરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ એક ઇન્વેસ્ટર નોટમાં કહ્યું કે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ (સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો)ની ખરીદી તથા અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડીલની સંભાવનાના કારણે બજારમાં આશાવાદ છે. તેના કારણે ડૉલર સામે રૂપિયો વધ્યો છે.
જતિન ત્રિવેદીના માનવા પ્રમાણે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડને લઈને તણાવ ચાલે છે તેમાં ભારત એક મહત્ત્વના વિકલ્પ તરીકે ઊભરી શકે છે જેનાથી ભારતીય શૅરબજારમાં કૉન્ફિડન્સ વધશે.
ઑઇલના ભાવમાં ઘટાડો ભારત માટે ફાયદાકારક

ઇમેજ સ્રોત, Getty Images
ઑઇલના ભાવની વધઘટ પણ ભારતીય શૅરમાર્કેટને મોટી અસર કરે છે. તાજેતરમાં ક્રૂડ ઑઇલનો ભાવ પ્રતિ બેરલ 66 ડૉલરથી નીચે આવી ગયો છે જેના કારણે ફુગાવાની ચિંતા હળવી થઈ છે. ભારત એ ક્રૂડ ઑઇલનો મોટો આયાતકાર દેશ છે અને ઑઇલના ભાવ વધે ત્યારે ભારતને ખાધની ચિંતા વધી જાય છે, જ્યારે ઑઇલ સસ્તું થાય ત્યારે તે અર્થતંત્ર માટે પૉઝિટિવ સંકેત ગણાય છે.
શૅરબજારના ઍનાલિસ્ટ અસિમ મહેતા માને છે કે ભારતીય બજારમાં અત્યારે અંડરકરન્ટ ઘણો મજબૂત છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “છેલ્લા 15-20 દિવસથી એફઆઈઆઈ દ્વારા માર્કેટમાં સતત ખરીદી ચાલુ છે. વૉલેટિલિટી ઇન્ડેક્સ પણ પૉઝિટિવ દેખાય છે, ફુગાવો અંકુશમાં છે અને ઍનર્જીના ભાવ નરમ છે.”
અસિમ મહેતાએ કહ્યું કે “કોરોના વખતે ક્રૂડ ઑઇલનો જે ભાવ હતો તે લગભગ અત્યારે પાછો આવી ગયો છે. જેથી ઇન્ડસ્ટ્રી માટે ઇનપુટ ખર્ચમાં ઘટાડો થયો છે. ભારત માટે આ સારા સમાચાર છે કારણ કે તેનાથી રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ) નિયંત્રણમાં રહે છે.”
ક્રૂડ ઑઇલનો ભાવ ઘટવાથી ભારતને કરન્ટ ઍકાઉન્ટની ખાધમાં રાહત મળશે અને ફુગાવો પણ હળવો થવાની આશા છે.
સ્ટૉક માર્કેટ એનાલિસ્ટ વૈભવ શાહે જણાવ્યું કે “ભારતીય અર્થતંત્ર માટે જે પડકારો હતા તે હજુ પણ યથાવત છે. ક્રૂડ ઑઇલનો ભાવ ઘટવાથી અમુક કંપનીઓ સારાં પરિણામ નોંધાવી શકે છે, પરંતુ કંપનીઓનાં પરિણામો અપેક્ષા પ્રમાણે નહીં આવે.”
આગળ જતા માર્કેટ કઈ દિશામાં જશે?

ઇમેજ સ્રોત, Getty Images
એફઆઈઆઈની વધતી ખરીદી શૅરબજાર માટે પૉઝિટિવ બાબત છે.
છેલ્લા ચાર મહિનામાં પહેલી વખત ફૉરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (એફઆઈઆઈ) ચોખ્ખા ખરીદદાર બન્યા છે અને એપ્રિલ 2025માં ભારતીય માર્કેટમાં 4223 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. પહેલી જુલાઈ 2024થી શરૂ થયેલા રાજકોષીય વર્ષ 2025ના પ્રથમ સાત મહિના સુધી એફઆઈઆઈ નેટ સેલર્સ હતા. ઑક્ટોબર 2024 પછી વિદેશી રોકાણકારોએ લગભગ એક લાખ કરોડ રૂપિયાથી વધારે મૂલ્યના ભારતીય શૅરો વેચ્યા હતા.
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના રિસર્ચ હેડ વિનોદ નાયરે એક નોટમાં કહ્યું છે કે, “અમેરિકન ટેરિફ વધવાનું જોખમ ઘટવાથી અને યુએસ-ભારત વચ્ચે ટ્રેડ ડીલની શક્યતાથી એપ્રિલમાં બજાર વધ્યું છે. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ તથા ચોથા ક્વાર્ટરના નબળા રિઝલ્ટના કારણે માર્કેટનો વધારો મર્યાદિત થશે.”
જોકે, વિનોદ નાયરના માનવા પ્રમાણે ભારત-પાક વચ્ચે સંભવિત સંઘર્ષથી બહુ મોટી આર્થિક અસર નહીં પડે. તેઓ કહે છે કે, “શૅરબજાર માટે લાંબા ગાળે હકારાત્મક સ્થિતિ છે.”
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસન્ટે તાજેતરમાં કહ્યું હતું કે “અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા મુઠ્ઠીભર દેશોમાં ભારતનો સમાવેશ થઈ શકે છે.” જો આવું થાય તો શૅરબજાર ફરીથી ઝડપથી વધી શકે છે.
આ તમામ પોઝિટિવ બાબતો ઉપરાંત કેટલીક નેગેટિવ ચીજો પણ છે.
સ્ટોક માર્કેટ એનાલિસ્ટ અસિમ મહેતાએ બીબીસીને કહ્યું કે, “ફુગાવો નીચો હોય અને ઍનર્જીના ભાવ સૉફ્ટ હોય તેનો અર્થ એવો થયો કે ઉદ્યોગો માટે ડિમાન્ડ પણ ઘટી છે. આ ઉપરાંત ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ પણ ચિંતાનું કારણ ગણી શકાય.”
આમ છતાં તેઓ કહે છે કે, “રિઝર્વ બૅન્કે તાજેતરમાં જે રેટ કટ કર્યો અને ઓપન માર્કેટ ઑપરેશન્સ કર્યા તેનાથી બજારમાં 1.25 લાખ કરોડની લિક્વિડિટી ઠલવાઈ છે. હાલમાં બૅન્કરો પાસે ફાઇનાન્સ કરવા માટે પુષ્કળ મૂડી છે જે અર્થતંત્રને ફાયદો કરાવી શકે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS