Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ
4 જૂનના રોજ ભારતમાં ચોમાસાનું આગામન થઈ ગયું છે. હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે ચોમાસું કેરળ પર આવી ગયું છે અને આગામી 2થી 3 દિવસોમાં હજી ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 4 જૂનના રોજ ચોમાસું લક્ષદ્વીપ ટાપુઓના તમામ વિસ્તારો, કેરળ અને માહેના તમામ વિસ્તારો પર ચોમાસું પહોંચી ગયું છે. જ્યારે તામિલનાડુના કેટલાક વિસ્તારો, કર્ણાટકના કેટલાક વિસ્તારો અને બંગાળની ખાડી તથા અરબી સમુદ્રના કેટલાક વધારે વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.
કેરળમાં ચોમાસું શરૂ થવાની સામાન્ય તારીખ 1 જૂન હોય છે. જેથી આ વખતે દેશમાં ચોમાસું તેની સામાન્ય તારીખથી 3 દિવસ મોડું શરૂ થયું છે. હવે આગામી 2થી 3 દિવસો ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે.
આ વર્ષે આંદામાન અને નિકોબારના ટાપુઓ પર ચોમાસું તેના સમય કરતાં વહેલું એટલે કે 16મેના રોજ આવી ગયું હતું. જે બાદ ઝડપથી પ્રગતિ થઈ હતી.
જોકે, બાદમાં ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગઈ હતી અને અરબી સમુદ્ર અને કેરળની નજીક આવી ગયા બાદ તે આગળ વધી શક્યું ન હતું.
આગામી 2થી 3 દિવસમાં ચોમાસું કયાં રાજ્યો સુધી પહોંચશે?
ઇમેજ સ્રોત, IMD
કેરળમાં ચોમાસું પહોંચે એટલે દેશમાં ચોમાસાની વિધિવત્ શરૂઆત થઈ ગણાય અને તે બાદ જ તે ભારતનાં અન્ય રાજ્યોમાં આગળ વધતું હોય છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એવી અનુકૂળ પરિસ્થિતિઓ છે કે ચોમાસું આગામી બેથી ત્રણ દિવસ સુધીમાં મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે. આ ઉપરાંત 2થી 3 દિવસમાં ગોવાના તમામ વિસ્તારો, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો, આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો, કર્ણાટકના વધારે વિસ્તારો તથા તામિલનાડુના બાકી રહેલા ભાગોમાં ચોમાસું પહોંચી જશે.
આ ઉપરાંત બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વધારે વિસ્તારો સુધી ચોમાસું પહોંચી જશે. જે બાદ પણ હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાની પ્રગતિ ચાલુ રહેશે અને કેટલાક વધારે વિસ્તારોમાં ચોમાસું પહોંચશે.
ચોમાસું બે શાખાઓમાં આગળ વધે છે, એક છે એ અરબી સમુદ્રની શાખા અને બીજી બંગાળની ખાડીની શાખા. આ બંને શાખા દ્વારા આખા દેશમાં ચોમાસું પહોંચે છે.
ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે?
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સામાન્ય તારીખ 15 જૂન છે. સૌપ્રથમ ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહોંચે છે અને તે બાદ આગળ વધીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચે છે.
30 જૂન સુધીમાં સામાન્ય રીતે ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોને આવરી લે છે. જોકે, સામાન્ય રીતે દર વર્ષે ચોમાસાની ચાલ અલગ હોય છે અને અલગ અલગ તારીખોએ વિવિધ વિસ્તારોમાં પહોંચે છે.
હવામાન વિભાગ તબક્કાવાર ચોમાસું કયા રાજ્યમાં પહોંચશે તેની જાણકારી આપતું હોય છે. ચોમાસું મહારાષ્ટ્રના મુંબઈમાં પહોંચી જાય તે બાદ સામાન્ય રીતે ગુજરાતની તારીખ જાહેર કરવામાં આવતી હોય છે. ક્યારેક 3થી 4 દિવસ અગાઉ પણ હવામાન વિભાગ માહિતી આપે છે.
હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાની અરબી સમુદ્રની બ્રાંચ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે અને મુંબઈ સુધી જલદી ચોમાસું પહોંચે તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદ શરૂ થઈ જશે. તાજેતરમાં જ અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો. હવે ચોમાસા પહેલાં ફરી વરસાદ શરૂ થશે.
ચોમાસું આ વર્ષે નબળું થશે?
ઇમેજ સ્રોત, Getty Images
ભારતના હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ બંને કહી ચૂક્યાં છે કે આ વર્ષે ભારતમાં લાંબાગાળાની સરેરાશ કરતાં વરસાદ ઓછો થશે. એનો સાદો અર્થ એ થયો કે દેશના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે.
મે મહિનાના અંતમાં હવામાન વિભાગે જારી કરેલા અનુમાન પ્રમાણે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશના 90 ટકા વરસાદ થવાની શક્યતા છે. એટલે કે દેશમાં સરેરાશ ચોમાસું નબળું થશે.
આ ઉપરાંત વૈશ્વિક હવામાન સંસ્થા (WMO) ચેતવણી જારી કરી ચૂક્યું છે કે પ્રશાંત મહાસાગરમાં આ વર્ષે સુપર અલ-નીનો એટલે કે ખૂબ જ મજબૂત અલ-નીનોની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
વિશ્વની અન્ય હવામાન એજન્સીઓ પણ ભારત અને પાડોશના દેશોમાં ચોમાસું નબળું રહેશે તેવા પૂર્વાનુમાન જારી કરી ચૂકી છે અને અલ-નીનોની અસર ભારતના ચોમાસા પર પડશે તેવી આગાહી કરી ચૂકી છે.
સામાન્ય રીતે જ્યારે અલ-નીનો સર્જાય ત્યારે તેની નકારાત્મક અસર ભારતના ચોમાસા પર પડે છે અને સામાન્ય રીતે અલ-નીનોનાં વર્ષોમાં ભારતમાં ચોમાસામાં ઓછો વરસાદ થાય છે.
જોકે, અલ-નીનો દર વર્ષ અને વિસ્તારની રીતે વિશ્વના હવામાન પર અલગ અલગ અસર કરે છે. દરેક વખતે તેની અસર સરખી હોય તે જરૂરી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







