Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ એક કલાક પહેલા
ભારતે બુધવારે પાકિસ્તાન સાથે 1960માં થયેલી સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાની વિશેષજ્ઞોએ જણાવ્યું કે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાથી કેટલી મોટી અસર થશે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ ભારતે આ નિર્ણય કર્યો છે.
આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બુધવારે કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટીની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે.
કમિટીની બેઠક વડા મંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે યોજાઈ હતી જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશમંત્રી એસ. જયશંકર સામેલ હતા.
બેઠક પછી ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ બુધવાર રાતે નવ કલાકે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું, “1960માં થયેલા સિંધુ જળ કરારને તત્કાલ પ્રભાવથી સ્થગિત કરવામાં આવે છે. જ્યાં સુધી પાકિસ્તાન સીમા પારથી આતંકવાદને સમર્થન દેવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ આ કરાર સ્થગિત જ રહેશે.”
અંગ્રેજી અખબાર ધ હિન્દુની ડિપ્લોમેટિક અફેયર્સ ઍડિટર સુહાસિની હૈદરે લખ્યું છે, ભારતે પાકિસ્તાનને લઈને મહત્ત્વના નિર્ણયો કર્યા છે પણ આ પૂરતું નથી. જેમ કે ભારતે પાકિસ્તાન મિશનને નાનું કરી નાખ્યું. સિંધુ જળ કરારને સ્થગિત કર્યો, પણ ખતમ નથી કર્યો. પાકિસ્તાનના લોકો માટે સાર્ક વિઝા યોજનાને બંધ કરવામાં આવી છે, પણ બધા જ પ્રકારના વિઝા નહીં. આ નિર્ણય બાદ સવાલ ઊઠી રહ્યો છે કે શું ભારત સૈન્ય કાર્યવાહી કરશે ખરું?
બ્રિટિશ મૅગેઝિન ‘ધ ઇકૉનૉમિસ્ટ’ના ડિફેન્સ ઍડિટર શશાંક જોશીએ લખ્યું છે, “ભારત જો પાકિસ્તાન સામે કાર્યવાહીનો નિર્ણય લે છે તો કેટલાક વિકલ્પો સંભવિત છે. ભારત ઍર સ્ટ્રાઇક કરી શકે છે. 2016ની જેમ સ્પેશિયલ ઑપરેશન કરી શકે છે. એલઓસી પર યુદ્ધવિરામ ખતમ થઈ શકે છે. ટાર્ગેટ કરીને લોકોને મારવાનો વિકલ્પ પણ હોઈ શકે છે.”
પાકિસ્તાની નિષ્ણાતો સિંધુ જળ કરાર અંગે શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ બધા વચ્ચે સિંધુ જળ કરારને સ્થગિત કરવાના નિર્ણયની પાકિસ્તાનમાં સૌથી વધારે ચર્ચા છે. પાકિસ્તાનના વિદેશમંત્રી અને ઉપવડા પ્રધાન ઇશાક ડારે પાકિસ્તાની મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે ભારત આ રીતે એકતરફી નિર્ણય લઈ શકે નહીં.
ઇશાક ડારે પાકિસ્તાની ન્યૂઝ ચૅનલ સમા ટીવી સાથેની વાતચીતમાં કહ્યું, “ભૂતકાળનો અમારો અનુભવ જોતા અમને ખબર હતી કે ભારત આવું કરી શકે છે, હું તો તૂર્કીમાં છું, પણ છતાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પહલગામ હુમલાની નિંદા કરી છે. ભારતે સિંધુ જળ સંધિ સિવાયના જે ચાર નિર્ણય કર્યા છે તેનો જવાબ તો આસાનીથી મળી જશે.”
“સિંધુ જળ સંધિને લઈને ભારત પહેલેથી મક્કમ છે. પાણી રોકવા માટે એમણે કેટલુંક પાણી સંરક્ષિત પણ રાખ્યું છે. જેમાં વિશ્વ બૅન્ક પણ સામેલ છે અને આ સંધિ બાધ્ય છે. તમે એકતરફી નિર્ણય ન લઈ શકો. આનાથી દુનિયામાં મનમાની શરૂ થઈ જાય. જેની લાઠી એની ભેંસવાળી વાત ન ચાલે. ભારતની પાસે કોઈ કાનૂની જવાબ નથી. આ મામલાનો જવાબ પાકિસ્તાન કાયદા મંત્રાલય આપશે.”
સમા ટીવી શોના પાકિસ્તાની ઍક્સપર્ટે જણાવ્યું કે, “ભારતે સંધિને સ્થગિત કરી દીધી છે, પરંતુ આના પછી શું કાર્યવાહી કરશે? જો કોઈ નમૂનારૂપ કાર્યવાહી ન કરે તો પછી તેનો કોઈ મતલબ નથી.”
ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત રહેલા અબ્દુલ બાસિતે ડોન ન્યૂઝને જણાવ્યું કે, “સિંધુ જળ સંધિ પર ભારત એકતરફી નિર્ણય ન લઈ શકે. અત્યારે ભારતે આ જળ સંધિ સ્થગિત કરી છે. સૌથી મોટી સચ્ચાઈ એ છે કે ભારતે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે, પણ એની પાસે ઇન્ફ્રાસ્ટ્રકચર નથી કે જેનાથી સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી અટકાવી શકાય. પણ આપણે કેટલાક ઠોસ નિર્ણયો લેવા પડશે. આપણે વર્લ્ડ બૅન્કને લખવું જોઈએ કે એ જ આની ખાતરી આપે છે. રાજદ્વારી સંબંધને લઈને લેવામાં આવેલા નિર્ણયમાં જેવા સાથે તેવાનો જવાબ આપી શકાય છે.”
અબ્દુલ બાસિતે કહ્યું, “જ્યારે પઠાણકોટની ઘટના બની ત્યારે હું ભારતમાં ઉચ્ચાયુક્ત હતો. ત્યારે ઉરી હુમલો પણ થયો હતો. મારો અનુભવ એવું કહે છે કે આપણે ડરવાની જરૂર નથી. વાઘા બૉર્ડર અફઘાનિસ્તાન માટે ખૂલી છે. હવે જોવાનું એ છે કે શું અફઘાનિસ્તાનમાં પણ ભારત સામાન મોકલવાનું બંધ કરી દેશે?”
શું ભારત પાકિસ્તાનમાં જતું પાણી રોકી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
અબ્દુલ બાસિતને પૂછવામાં આવ્યું કે અત્યારે દુનિયામાં જે માહોલ છે એમાં કોઈ નિયમ માની રહ્યું નથી. સારી વૈશ્વિક સંસ્થાઓ નિષ્ક્રિય અવસ્થામાં છે. એવામાં સિંધુ જળ સંધિ પર ભારતે એકતરફી નિર્ણય કર્યો છે તો પાકિસ્તાન પાસે શું વિકલ્પ બચે છે?
આ સવાલના જવાબમાં અબ્દુલ બાસિતે કહ્યું, “મને નથી લાગતું કે આની કોઈ અસર થાય. આપણને લગભગ 133 મિલિયન એકર પાણી દર વર્ષે પશ્ચિમી નદીઓમાંથી મળે છે. મને નથી લાગતું કે ભારત અત્યારે આ પાણીને રોકવાની સ્થિતિમાં છે. આપણે ડિપ્લોમસીને વધુ સક્રિય કરવી પડશે.”
“ભારત પાણી રોકવા માટે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શક્યું નથી, એટલે અત્યારે કોઈ મોટો પડકાર નથી. પણ આને રોકવા માટે આપણે સક્રિય થવું પડશે. ચીન પણ આ મામલે મદદ કરી શકે છે. ચીનમાંથી ઘણી નદીઓ ભારતમાં આવે છે તો ચીન પણ પાણી રોકવાની વ્યવ્સથા કરી શકે છે. મને લાગે છે કે આપણી પાસે ઘણા વિકલ્પો ખુલ્લા છે. નિયમ આધારિત વ્યવસ્થા કામ નથી કરી રહી, પણ આ સિવાય ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. જો સર્વાઇવલની વાત આવશે તો પાણી નહીં વહે તો લોહી રેડવું પડશે.”
પાકિસ્તાનના કાયદામંત્રી રહેલા અહમર બિલા સૂફીએ દુનિયા ટીવીને કહ્યું, “આ ગેરકકાયેદ પગલું છે. આ સંધિ બાધ્યકારી છે. આમાં કોઈ એકતરફી નિર્ણય લઈ શકે નહીં. આ એક ખતરનાક નિર્ણય છે. આ મામલાને આપણે વર્લ્ડ બૅન્ક અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લઈ જઈ શકીએ છીએ. પાણીને ડાયવર્ટ કરવું પણ ભારત માટે આસાન નથી. બની શકે કે આમાં વર્ષો લાગી જાય.”
આ કાર્યક્રમમાં પાકિસ્તાનના જાણીતા વિશ્લેષક શહજાદ ચૌધરીને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાનની 90 ટકા ખેત ઉત્પાદન સિંધુ સંધિ સાથે જોડાયેલી છે ત્યારે આની શું અસર થશે? પાકિસ્તાન આ સંધિ પર નિર્ભર છે એ જોતા ભારતના નિર્ણયની સામે કેવી રીતે લડી શકાય?
શહજાદ ચૌધરીએ જવાબ આપ્યો, “બધાં યુદ્ધો છતાં આ સંધિમાં કોઈ અવરોધ નહોતો, પરંતુ હવે જે કંઈ થઈ રહ્યું છે તે અણધાર્યું છે. પરંતુ ભારત દ્વારા મુલતવી રાખવા છતાં, તેની કોઈ તાત્કાલિક અસર થવાની નથી. એવું નહીં થાય કે પાકિસ્તાનની નદીઓમાં પાણી ન રહે. તેઓ ઝેલમ અને ચિનાબ પર બંધ બનાવીને અસર કરી શકે છે અને તેઓ પહેલાંથી જ આમ કરી રહ્યા છે. તેમાં પાકિસ્તાનને નુકસાન પહોંચાડવાની વધુ ક્ષમતા નથી.”
શહજાદ ચૌધરીએ કહ્યું, “આપણી પાસે જવાબ દેવા માટે ઘણા બધા વિકલ્પો છે. દાખલા તરીકે શિમલા કરારનું શું થશે? કરાચી કરારનું શું થશે? લાઇન ઑફ કંટ્રોલ પર જે યુદ્ધવિરામ લદાયેલો છે એનું શું થશે? આ બધી બાબતો પર સવાલ ઊઠશે.”
ચૌધરીએ કહ્યું, “ભારતે એક રાજકીય નિર્ણય કર્યો છે જેની વધારે અસર નહીં થાય. સિંધુ જળ સંધિને લઈને ભારત પહેલેથી જ તૈયારી કરી રહ્યું હતું. લૅન્ડલૉક્ડ કંટ્રીને લઈને પણ ભારત ટ્રાન્સશિપમૅન્ટ રદ કરી રહ્યું છે. પણ આપણે એ ધ્યાનમાં રાખવું પડશે કે ભારત અહીં સુધી નહીં અટકે.”
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS