Home તાજા સમાચાર gujrati મચ્છર, હાથી, માંકડ…- આવી ગુજરાતી અટકો કેવી રીતે બની અને ક્યાંથી આવી?

મચ્છર, હાથી, માંકડ…- આવી ગુજરાતી અટકો કેવી રીતે બની અને ક્યાંથી આવી?

5
0

Source : BBC NEWS

વિવિધ અટકો

તાજેતરમાં ફ્લાયદુબઈ ઍરલાઇન્સના વિમાનમાં બનેલી ઘટના પછી ગુજરાતી મૂળના કૅપ્ટન સ્મિત મચ્છર ઘણા ચર્ચામાં આવ્યા છે.

તેમના ‘સાહસ’ ની સાથે સાથે સોશિયલ મીડિયા પર વધુ એક વાતની ચર્ચા છેડાઈ હતી. એ હતી તેમની અટક ‘મચ્છર’.

ગુજરાતમાં આવી અનેક અટકો જોવા મળે છે જે પ્રાણીઓ કે જીવજંતુઓના નામ પરથી પડેલી છે.

ઘોડા, મચ્છર, હાથી, વાઘ, માંકડ, પોપટ, વીંછી, શિયાળ એ તો ઘણી પ્રચલિત અટકો છે.

આ સિવાય કીડી, ચકલી, તિતોડી, બકરી, મંકોડી, તેતર વગેરે અટકો પણ જોવા મળે છે.

પરંતુ સવાલ એ છે કે આવી પ્રાણીઓ-જીવજંતુઓના નામની અટકો આવી ક્યાંથી અને કેવી રીતે એ સમાજજીવનમાં ભળી ગઈ? આ અહેવાલમાં આપણે આ વિશે ચર્ચા કરીશું.

આ ગુજરાતી અટકોનું મૂળ ક્યાં છે?

પ્રાચીનકાળમાં મનુષ્યો જુદી-જુદી ટોળીમાં, કબીલામાં રહેતા હતા. ત્યારે દરેક ટોળી પોતાને ઓળખાવવા માટે એકાદ પક્ષી કે જનાવરનું ચિન્હ રાખતી હતી. (તસવીર પ્રતીકાત્મક છે)

સમાજશાસ્ત્રમાં એક માન્યતા છે જેને ‘ટોટેમિઝમ’ કહેવાય છે. પ્રાચીનકાળમાં મનુષ્યો જુદી-જુદી ટોળીમાં, કબીલામાં રહેતા હતા. ત્યારે દરેક ટોળી પોતાને ઓળખાવવા માટે એકાદ પક્ષી કે જનાવરનું ચિન્હ રાખતી હતી. તેને અંગ્રેજીમાં ‘ટોટેમ’ કહે છે.

અમેરિકા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાના ઘણા લોકોમાં આ રિવાજ હતો.

તેના ઉપરથી એક અનુમાન એવું છે કે પ્રાણીઓ, જંતુઓ કે પંખીઓના નામ પરથી પડેલી એ અટકો છેક પુરાતનકાળની હોવી જોઈએ.

પ્રો. વિનોદિની નીલકંઠે ‘ગુજરાતી અટકોનો ઇતિહાસ’ નામે એક પુસ્તક લખ્યું છે જેને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ પ્રકાશિત કર્યું છે.

તેઓ આ પુસ્તકમાં લખે છે કે, “જો આ ટોટેમ પરથી અટકો આવી હોય તો એ ઘોડા, હાથી કે વાઘ જેવી અટકો માટે શક્ય છે. પરંતુ કીડી, મકોડી, માંકડ કે મચ્છર માટે નહીં. કારણ કે તેને આસાનીથી માટી, પથ્થર કે લાકડા પર ન ચીતરી શકાય.”

તેઓ આગળ સમજાવે છે કે, “આપણી ગુજરાતી અટકો એ મૂળમાંથી આવી હોય એ વાત માનવા જેવી લાગતી નથી. કારણ કે ગુજરાતી અટકોનો ઇતિહાસ તપાસતાં એ પાંચ-સાત કે દસ પેઢીથી જૂની જણાતી નથી.”

મચ્છર, હાથી, ઘોડા…– અટકો કેવી રીતે ઉદ્ભવી?

ગુજરાતી અટકો વિશેનું પ્રો. વિનોદિની નીલકંઠનું પુસ્તક

જાણીતા સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી કહે છે, “મોટેભાગે આવી અટકો ગુજરાતના વડનગરા નાગરોમાં જોવા મળે છે. આ લોકો વડનગર અને જૂનાગઢમાં જોવા મળે છે. પણ મોટેભાગે આ અટકો જૂનાગઢના નાગરોમાં જોવા મળે છે.”

તેઓ કહે છે કે, “આ અટકો પરસ્પરની મશ્કરીમાંથી ઉદ્ભવેલી અટકો છે. વડનગરા નાગરો જૂનાગઢના નવાબોના રાજવહીવટમાં એક કે બીજું કામ કરતા હતા. તેમાં ઘણી હુંસાતુંસી થતી, મશ્કરી પણ થતી. આ અટકો એકબીજાની મશ્કરીમાંથી પડી હોવાનું મનાય છે.”

વિદ્યુત જોશી વધુ સમજાવતાં કહે છે, “તેઓ રાજ્યવહીવટમાં હોવાથી બુદ્ધિનો ઉપયોગ વધુ કરાતો હતો. પહેલાંના સમયમાં નાગરો માટે એવું મનાતું કે તેઓ રમૂજી માણસો છે. ઉદાહરણરૂપે તેમને કોઈ પૂછે કે આજે જમવામાં શું બનાવ્યું છે તો તેઓ કહેશે કે કૃષ્ણવલી અને ચંદ્રકલા. પરંતુ હકીકતમાં બની હોય ખીચડી અને ડુંગળી.”

“આમ, તેઓ જીવનને હળવાશથી લેવા માટે તેઓ જાણીતા હતા. એટલે આવી અટકો તેમની અરસપરસની મજાકનું કારણ છે.”

પ્રો. નીલકંઠ લખે છે કે, “આ વિચિત્ર અટકો નાતીલાઓ અને વેવાઈઓએ મશ્કરીમાં પાડેલી પણ હોઈ શકે છે. અમે આવી અટકો ધરાવનારી વ્યક્તિઓને જાતે પૂછ્યું છે પરંતુ મોટે ભાગે જે-તે કુટુંબને પણ એ અટકો વિશે ઓછી માહિતી છે. જે માહિતી છે તેના વિશે પણ તેમની પાસે અનુમાન જ છે, કોઈ પુરાવા નથી.”

પ્રો. વિનોદિની નીલકંઠ પોતાના સંશોધનને આધારે કહે છે કે, “આ અટકો એકબીજાથી સ્વતંત્ર રીતે પડેલી છે, અને તેમની ઉત્પત્તિ પણ નિરાળી રીતે થયેલી છે. હાથી અને વાઘ અટકો ગુજરાતી હિન્દુઓમાં પડેલી છે પરંતુ બંનેનાં કારણો તદ્દન જુદાં છે.”

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે, “એક વાર સાહિત્યકાર રણજિતરામ વાવાભાઈએ કહેલું કે ગુજરાતમાં આપણે જેટલી નાતો છે એટલી ક્યાંય નહીં હોય. આપણે ત્યાં નાતો-અટકોની ઘણી વિવિધતા છે.”

તેઓ કહે છે, “બિઝનેસ કલ્ચરને કારણે આપણે ત્યાં ઘણી અટકો વેપાર સાથે જોડાયેલી છે. જેમ કે, દલાલ, બ્રૉકર, લાડવાવાળા વગેરે. એ જમાનામાં કમ્યૂનિકેશનના સાધનોનો અભાવ હતો. નાત અને વ્યવસાયને પ્રોજેક્ટ કરવા માટે આપણે ત્યાં આવી અટકો રાખવામાં આવતી. આપણે ત્યાં ગામનાં નામ પરથી પણ અટક રખાય છે. જેમ કે, સોજિત્રા. પરંતુ આવી અટકો મોટે ભાગે સૌરાષ્ટ્રમાં જ વધુ જોવા મળે છે.”

આ અટકો અંગેના અનુમાનો શું છે?

અટકો

પ્રો. વિનોદિની નીલકંઠ તેમના સંશોધનમાં આ અંગે વિસ્તારથી માહિતી આપે છે.

તેઓ લખે છે, “ઘોડા અટક કાઠિયાવાડની નાગર જ્ઞાતિમાં હયાત છે પણ તેની ઉત્પત્તિ અંગે અનેક અનુમાનો છે. કાઠિયવાડમાં ઘોડાદ્રા નામનું ગામ છે, ઘોડાસર નામના અનેક તળાવો છે. તેના પરથી પણ આ અટક પડી હોઈ શકે. બીજું એમ પણ કહેવાયું છે કે એ જમાનામાં નાગરોની ભવ્ય કાઠી હતી કે એ ઘોડાસર તળાવનાં ઊંડાં પાણીની અંદરથી પણ ઘોડાની જેમ એક પારથી બીજે પાર નીકળી જતાં. એ નાગરો ઘોડા કહેવાયા.”

એ જ રીતે પોપટ અટક પારસીઓ અને હિન્દુઓ બંનેમાં જોવા મળે છે.

તેની પાછળનાં કારણોમાં પોપટ જેવું નાક, પોપટિયું જ્ઞાન મેળવનારા લોકો વગેરે કારણો પ્રો. નીલકંઠ જણાવે છે.

મચ્છર અટક વિશે તેઓ લખે છે કે, “આ અટક કાઠિયાવાડ તરફની મનાય છે. કુટુંબની અંદર કોઈ એકાદ માણસ બહુ મત્સરવાળો હોય અને ઉપરથી તે રીસે ભરાઈ ગયો હોય તો લોકોએ તેને મત્સરનું ઉપનામ આપ્યું હોઈ શકે. અથવા જે-તે કુટુંબ જ્યાં રહેતું હોય ત્યાં શેરીમાં ખૂબ મચ્છર હોય તો મચ્છરવાળા એમ નામ આપ્યું હોઈ શકે.”

આ સિવાય વધુ એક પ્રચલિત અટક માંકડ છે. આ અટક કાઠિયાવાડના નાગરો અને મુસ્લિમોમાં પણ જોવા મળે છે.

તેના વિશે તેઓ લખે છે કે, “પોતાની આ અટકનું મૂળ તેમણે માર્કંડેય ઋષિમાં શોધ્યું છે. એ જ રીતે મચ્છરની જેમ માંકડવાળા વિસ્તારોમાં રહેતા લોકો માંકડ કહેવાયા એવું પણ બની શકે. જે માણસનો સ્વભાવ માંકડ માફક હેરાન કરનારો, જંપીને બેસવા ન દેનારો હોય તેને માંકડનું ઉપનામ મળી શકે.”

એ જ રીતે વાઘ અટક પાછળ તેઓ વાઘેશ્વર મહેતા નામના એક અગ્રગણ્ય વ્યક્તિને કારણ ગણાવે છે. તેમના પ્રભાવને લીધે આખું કુટુંબ વાઘ ઓળખાવા લાગ્યું.

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીનું કહેવું છે કે, “મચ્છર, હાથી, ઘોડા જેવી અટકો મુખ્યત્વે ત્રણ જ્ઞાતિઓમાં જોવા મળે છે-નાગરો, લોહાણા અને બ્રહ્મક્ષત્રિય. હવે તો એ અટકો પણ ખૂબ ઓછી જોવા મળે છે. પરંતુ આ બધી અટકો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જ જોવા મળે છે. અન્ય જ્ઞાતિસમૂહોની સરખામણીએ નાગરોએ તેમની આ અટકો બદલી પણ નથી.”

તેઓ કહે છે, “સૌરાષ્ટ્રમાં આપણે ત્યાં 200થી વધુ રજવાડાં હતાં. તેમની પણ પોતાની ઓળખ હતી. આ રજવાડાંમાં કામ કરનારા લોકોને પણ વૈવિધ્યસભર ઓળખવાળી અટક હતી. નાગરો મુઘલ શાસનમાં વહીવટમાં અતિશય સામેલ હતા, દીવાન તરીકે પણ હતા. આથી, પણ તેમણે આવી અટકો રાખી હોય તેવું બની શકે.”

આ પ્રકારની અટકો ધરાવતા પ્રખ્યાત લોકો

બેટિંગ કરી રહેલા ગુજરાતી ક્રિકેટર વિનુ માંકડ

માંકડ અટક ધરાવતા લોકોમાં પ્રસિદ્ધ લોકોની વાત કરીએ તો એમાં વિનુ માંકડનું નામ અગ્રક્રમે આવે.

વિનુ માંકડ ક્રિકેટમાં ભારતના સૌપ્રથમ સ્થાપિત ઑલરાઉન્ડર ગણાય છે.

1947-48માં ભારતીય ટીમના ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન વિનુ માંકડે ઑસ્ટ્રેલિયન ઑપનર બિલ બ્રાઉનને સિડની ટેસ્ટમાં નોન સ્ટ્રાઇક છેડે રનઆઉટ કર્યા હતા. તેમની અટક પરથી જ ક્રિકેટમાં ‘માંકડિંગ’ આઉટની પ્રથા શરૂ થઈ.

ભારતનાં ભૂતપૂર્વ ટેનિસ પ્લૅયર અને 1965થી 1978ના ગાળામાં ભારતના ટોચનાં ટેનિસ ખેલાડી રહેલા નિરૂપમા માંકડ પણ આ અટક ધરાવે છે.

માંકડ અટક ધરાવનાર પ્રખ્યાત લોકોમાં ગુજરાતી સાહિત્યકાર, નવલકથાર મોહમ્મદ માંકડ પણ સામેલ છે. તેઓ સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ સન્માનિત થયેલા છે.

હાથી અટક ધરાવતા જાણીતા લોકોમાં કૉંગ્રેસના સૌરાષ્ટ્રના નેતા જયસુખલાલ હાથીનો સમાવેશ થઈ શકે. તેઓ લોકસભા અને રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે અને પંજાબ-હરિયાણાના રાજ્યપાલ હતા.

ઘોડા અટક પણ ઘણી જાણીતી છે. શિવસેનાના મહારાષ્ટ્રના નેતાઓ અને પૂર્વ ધારાસભ્યો અમિત ઘોડા, કૃષ્ણા ઘોડા, ગુજરાતના ફિલ્મમેકર અભિલાષ ઘોડા પણ આ અટક ધરાવે છે.

પોપટ અટક ધરાવતા લોકોમાં જાણીતા બૅડમિન્ટન પ્લૅયર અને અર્જુન ઍવૉર્ડ વિજેતા અપર્ણા પોપટ, ગુજરાતી મૂળના બ્રિટિશ રાજકારણી ડોલર પોપટનો સમાવેશ થાય છે.

ગુજરાતની ભાવનગર લોકસભાના પૂર્વ સાંસદ ભારતીબહેન શિયાળ પણ આ પ્રકારની અટક ધરાવે છે.

ગુજરાતમાં અટકોનું વૈવિધ્ય

પારસી અટકો: દારૂવાલા, પીઠાવાલા, બૂમલા, ગોટલા, પાપડખાઉં, ભાજીખાઉં, મસાલાવાલા, પાવવાલા, નારિયલવાલા, બેકરીવાલા, ઈંડાવાલા

ધંધાવાળી અટકો: ઍન્જિનિયર, ઘડિયાળી, ઝવેરી, કાપડિયા, ગાંધી, મરચન્ટ, દલાલ, વકીલ, સુતરિયા, સુથાર, લુહાર

સ્થળ કે ગામના નામવાળી અટકો: ખંભાતા, સોજિત્રા, ઘોઘાવાળા, પારડીવાલા, ભરૂચા, સંજાણા, સુરતી, અમદાવાદી

ગુજરાતી હિન્દુઓમાં વપરાતી મુસલમાની અટકો: બક્ષી, મુનશી, બાદશાહ, નવાબ, ઇનામદાર, કાજી, સૂબેદાર

જ્ઞાતિઓના નામ પરથી જ પડેલી અટકો: કડિયા, કંસારા, કાછિયા, ખમાર, ઘાંચી, દરજી, પ્રજાપતિ, ભરવાડ, રબારી, મોચી, સોની

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS