Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Sameera Peiris/Getty Images
વાંચવાનો સમય: 2 મિનિટ
મહિલા એશિયા કપ 2026નો ફાઇનલ મુકાબલો ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે (13 સપ્ટેમ્બર) દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
આ મૅચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યેથી શરૂ થશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ભારતે ગ્રૂપ Aમાં છ અંક સાથે ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
આ દરમિયાન ટીમે પાકિસ્તાન સામે પણ જીત નોંધાવી હતી. આ મુકાબલામાં પાકિસ્તાનની ટીમ ટી-20 ક્રિકેટમાં પોતાના સૌથી ઓછા સ્કોર (55 રન) પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
જ્યારે, શ્રીલંકાએ સતત બીજી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. દુબઈમાં શુક્રવારે રમાયેલી બીજી સેમિફાઇનલમાં શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવીને ખિતાબી મુકાબલામાં સ્થાન મેળવ્યું હતું.
આ પહેલાં ભારતે પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે બંને ટીમોની નજર ખિતાબ પોતાના નામે કરવા પર રહેશે.
મલેશિયાના પીએમ અનવર ઇબ્રાહિમે બ્રિક્સ ડિનર દરમિયાન ગાયા કિશોરકુમાર અને મુકેશનાં ગીતો
ઇમેજ સ્રોત, Kazuhiro NOGI / AFP via Getty Images
મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે શનિવારે નવી દિલ્હીમાં યોજાયેલા બ્રિક્સ ડિનર દરમિયાન હિંદી ફિલ્મોનાં બે પ્રસિદ્ધ ગીતો ગાયા. તેમનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં અનવર ઇબ્રાહિમ પિયાનોની ધૂન પર કિશોરકુમારનું પ્રસિદ્ધ ગીત ‘ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત’ અને મુકેશનું ગીત ‘દોસ્ત દોસ્ત ના રહા’ ગાતા જોવા મળી રહ્યા છે. લગભગ દોઢ મિનિટના આ વીડિયોમાં તેઓ બંને ગીતોના કેટલાક અંતરા ગાતા દેખાય છે.
અનવર ઇબ્રાહિમે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઍક્સ પર શૅર કર્યો છે. વીડિયો સાથે તેમણે લખ્યું, “ગુરુ, થોડુંક ગાવાની પરવાનગી છે?”
કિશોરકુમારનું ‘ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત’ ગીત 1965માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તીન દેવિયાં’નું છે. જ્યારે મુકેશના અવાજમાં લોકપ્રિય બનેલું ‘દોસ્ત દોસ્ત ના રહા’ 1964માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સંગમ’નું ગીત છે.
આ પહેલાં ફેબ્રુઆરી 2026માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મલેશિયા યાત્રા દરમિયાન અનવર ઇબ્રાહિમે એક સત્તાવાર વીડિયો મૉન્ટેજ શૅર કર્યો હતો. તેમાં ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’નું લોકપ્રિય ગીત ‘બોલે ચૂડિયાં’ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.
અનવર ઇબ્રાહિમ મલેશિયાના 10મા વડા પ્રધાન છે. તેમણે 24 નવેમ્બર 2022ના રોજ વડા પ્રધાનપદની જવાબદારી સંભાળી હતી. આ પહેલાં તેઓ 1993માં મલેશિયાના 7મા નાયબ વડા પ્રધાન બન્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




