Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Bhargav Parikh/BBC
ચેતવણી: આ લેખમાં જાતીય વિગતોનું વર્ણન છે, વાચકોનો વિવેક અપેક્ષિત.
“હું બે બાળકોનો પિતા છું, પરંતુ મને સ્ત્રી કરતાં પુરુષોમાં વધુ રસ હતો.”
આ શબ્દો સુરેન્દ્રનગરનાં એક નાનકડા ગામમાં એક દુકાન ચલાવતા પ્રિતેશ(નામ બદલાવેલ છે)ના છે.
એક ગે ચેટિંગ ઍપ પરથી એક પુરુષે તેમને બોલાવ્યા ત્યારે અચાનક ચાર લોકો આવ્યા અને પ્રિતેશને ઢોરમાર માર્યો હતો અને પૈસા પડાવી લીધા હતા.
એ બાદ પણ પ્રિતેશને એ લોકો ફોન કરી વધુ પૈસાની માગણી કરી રહ્યા હતા.
પરંતુ અંતે પોલીસ ફરિયાદ પછી પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. જોકે, આ મામલામાં પ્રિતેશને તેમની પત્નીનો સાથ મળ્યો હતો. કેવી રીતે તેઓ પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યાં?
શું છે સમગ્ર મામલો ?
ઇમેજ સ્રોત, Getty Images
સુરેન્દ્રનગર જિલ્લાના એક નાનકડા ગામમાં દુકાનદાર પ્રિતેશને એક 15 વર્ષનો છોકરો અને 12 વર્ષની છોકરી છે.
તેમણે છેલ્લા કેટલાક દિવસથી ડરને કારણે તેમનો ફોન બંધ કરી દીધો છે. પરંતુ બીબીસી ગુજરાતીએ એલજીબીટીક્યૂ સમુદાયો માટે કામ કરતી સંસ્થાના સંયોજક રાકેશ શાહ મારફતે તેમની સાથે વાત કરી હતી.
પ્રિતેશે વાત કરતાં કહ્યું કે, “મને નાની ઉંમરથી જ પુરુષોને પસંદ કરતો હતો પણ મેં સામાજિક દબાણથી લગ્ન કર્યાં. મારી પત્નીને આ વિશે ખબર નહોતી. હું પતિ તરીકેની તમામ ફરજ બજાવતો હતો. મારે બે બાળકો પણ છે.”
“દોઢ મહિના પહેલાં હું મારા મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયા જોતો હતો. તેમાં મેં ‘ગે’ લોકો માટેની એક ઍપ્લિકેશન જોઈ.”
પ્રિતેશ કહે છે, “હું તેનાથી લોકો સાથે ચેટિંગ કરતો હતો. એમાં એક વ્યક્તિ સાથે ચેટિંગ કરતાં અમે મળવાનું નક્કી કર્યું. અમે સુરેન્દ્રનગરમાં એક જગ્યાએ મળ્યા ત્યારે અમુક માણસો આવ્યા અને મારાં તમામ કપડાં ઉતરાવીને ઢોરમાર માર્યો.”
તેઓ કહે છે, “મને કહેવામાં આવ્યું કે કપડાં પાછાં જોઈતાં હોય તો 50 હજાર રૂપિયા આપ. મારી પાસે 8 હજાર જ હતા. મને ખૂબ માર માર્યો. એટલે મારા સગા પાસેથી મેં ઓનલાઇન 13 હજાર મંગાવ્યા. આમ મારી પાસેથી તેમણે 21 હજાર પડાવી લીધા હતા.”
પોલીસનું શું કહેવું છે?
ઇમેજ સ્રોત, Bhargav Parikh/BBC
આ ઘટના પછી પ્રિતેશ ગુમસુમ રહેતા હતા. તેમની પત્નીએ તેમને કારણ પૂછ્યું અને અંતે તેમણે સાચી વાત કહી.
તેમનું કહેવું છે કે પત્નીએ હિંમત આપી એટલે જ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પાંચ દિવસમાં જ એ લોકોને પકડી લીધા છે.
સુરેન્દ્રનગરનાં આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ વેદિકા બિહાનીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “અમારી પાસે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ કેસ આવ્યો હતો. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે નાના ગામમાં સમલૈંગિક ઍપના માધ્યમથી ‘ગે’ લોકોને હનીટ્રેપ કરવાનું કામ થઈ રહ્યું હતું.”
તેઓ કહે છે, “આ કેસમાં મહત્ત્વની વાત એ હતી કે પત્નીએ પતિને હિંમત આપી હતી. પીડિત ભાઈ કોઈને ઓળખતો નહોતો પરંતુ અમારી પાસે એક મજબૂત પુરાવો ઑનલાઇન મની ટ્રાન્સફરનો હતો. તેના આધારે અમે ટૅક્નિકલ સર્વેલન્સ કર્યું અને એક આરોપીને પકડી પાડ્યો. ત્યારબાદ સાતેય લોકોને અમે પકડવામાં સફળ થયાં છીએ.”
વેદિકા બિહાની કહે છે, “આ લોકો આવી ‘ગે’ ઍપ પર ચેટિંગ કરે છે અને પછી સામેના માણસની પ્રોફાઈલ જોઈ તેને બોલાવી મારામારી કરે છે. આપત્તિજનક ફોટા અને વીડિયો પાડી તેને બ્લૅકમેઇલ કરે છે. લોકો બદનામીના ડરે પૈસા આપી દે છે અને પોલીસ ફરિયાદ કરતા નથી. આ સાત લોકોની ટોળકીએ કેટલા લોકોને છેતર્યાં છે તેની તપાસ ચાલુ છે. આ કિસ્સામાં અમે પીડિત પુરુષ પાસેથી લીધેલા તમામ પૈસા પરત મેળવી લીધા છે.
આરોપીઓ કોણ છે?
આ સાત આરોપીઓમાંથી કેટલાક પર દારૂ પીવાના અને દારૂ વેચવાના કેસ પણ થયેલા છે. પકડાયેલા સાતેય લોકો માંથી કેટલાક લોકો રીક્ષા ચલાવે છે, કેટલાક મજૂરી કરે છે અને ઇલેક્ટ્રિશિયન છે.
25 વર્ષીય સાહિલ ચૌહાણ તથા 27 વર્ષીય સમીર કોડિયા રીક્ષા ચલાવે છે.
29 વર્ષીય શક્તિ ગાજીપરા, 24 વર્ષીય ભારત ત્યાગી અને 25 વર્ષીય ફરદીન શેખ મજૂરી કરે છે.
27 વર્ષીય ભાર્ગવ પરમાર ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે 39 વર્ષનો સમીર દીવાન મજૂરી કરે છે.
આરોપીના પરિવારોનું શું કહેવું છે?
ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ગુજરાતીએ પકડાયેલા લોકોના પરિવારજનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના ઘરેથી કોઈ વાતચીત કરવા તૈયાર નથી.
ફક્ત એક આરોપીના ભાઈએ થોડી વાત કરી હતી. તો તેમણે કહ્યું હતું કે તેમને આ વિશે જાજો ખ્યાલ નથી અને તેઓ કોઈ વકીલ પણ રોકવાના નથી. “ઇશ્વર તેને ગુનો કર્યો હશે તો સજા આપશે.”
જાણીતા મનોવૈજ્ઞાનિક અને એલજીબીટીક્યૂ, સમલૈંગિક સંબંધો માટે કાઉન્સેલિંગ કરતા ડૉ. જિજ્ઞેશ વોરાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
તેઓ કહે છે, “બાળકો ધરાવતો પુરુષ જીવનમાં પાછળથી ગે નથી બનતો. આવા પુરુષો ધાર્મિક પૃષ્ઠભૂમિ, સામાજિક ઉપેક્ષાના ડરથી કેટલાક કિસ્સામાં આંતરિક અસ્વીકારના ડરને કારણે એમની જાતીય ઈચ્છાઓને દબાવીને મોટા થયા હોય છે.”
“તો કેટલાક કિસ્સામાં નાનપણથી પુરુષ પ્રત્યે આકર્ષણ હોય પણ એ સામાજિક અને કૌટુંબિક દબાણને કારણે ‘ગે’ તરીકે નથી જીવતા. પરંતુ પોતે સ્વતંત્ર થાય ત્યારે તેઓ પોતાની અધૂરી ઈચ્છા પુરી કરે છે. આવા પુરુષો બાયસેક્સુઅલ પણ કહેવાય છે. જેઓ સ્ત્રી અને પુરુષ બંને સાથે સંબંધ બાંધતા હોય છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




