Home તાજા સમાચાર gujrati ‘મારી શૉર્ટ્સ પહેરેલી તસવીરો ઑનલાઇન શૅર કરાઈ, કામ મળવાનું બંધ થઈ ગયું’...

‘મારી શૉર્ટ્સ પહેરેલી તસવીરો ઑનલાઇન શૅર કરાઈ, કામ મળવાનું બંધ થઈ ગયું’ – પાકિસ્તાની અભિનેત્રી સાથે શું થયું?

3
0

Source : BBC NEWS

પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઓમરનું કહેવું છે કે સ્વિમસ્યુટ અને શોર્ટ્સમાં તેમની તસવીરો ઓનલાઈન શેર થયા પછી તેમણે કામ ગુમાવ્યું

જેન્ડર જસ્ટિસ ઑર્ગેનાઇઝેશન ‘ચેયન’ના નવા અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા કંપનીઓ અને સત્તાધિકારીઓ તસવીર આધારિત દુર્વ્યવહારના મામલાઓમાં સંમતિ કરતાં નગ્નતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને મહિલાઓને નિષ્ફળ બનાવી રહ્યા છે.

આ અહેવાલમાં વ્યક્ત કરાયેલી ટીકા સાથે પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઓમર પણ સહમત છે. અહેવાલમાં તેમના સહિત અન્ય મહિલાઓના અનુભવોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અહેવાલના કેન્દ્રમાં રહેલી એક મહિલાનું નામ તેની ગોપનીયતા જળવાઈ રહે તે માટે બદલવામાં આવ્યું છે અને અહીં તેમને મહનૂર તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું કે જે તસવીરોએ તેમનું જીવન બદલી નાખ્યું, તે નગ્ન નહોતી. તેમાં કોઈ જાતની સ્પષ્ટ યૌન સામગ્રી પણ નહોતી. તસવીરોમાં માત્ર એક મહિલા ખુલ્લા ખભા સાથે અને પશ્ચિમી વસ્ત્રોમાં દેખાતી હતી.

પાકિસ્તાનની 32 વર્ષીય યુવતીએ બીબીસી ગ્લોબલ વુમનને જણાવ્યું કે જ્યારે તેનું લગ્નજીવન પડી ભાંગ્યું, ત્યારે તે પિયરના ઘરે પાછી ફરી. તેમને આશા હતી કે પરિવાર તરફથી સાંત્વના અને સહારો મળશે, પરંતુ તેના બદલે તેમને અને તેમની નાની દીકરીને ઠંડો અને ઉપેક્ષાભર્યો વ્યવહાર મળ્યો.

એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં તેમના પિતા અને ભાઈઓએ હજુ સુધી તેમની સાથે વાત કરી નથી. વર્ષોથી સાથે કામ કરતા સહકર્મીઓ પણ હવે તેની આંખોમાં આંખ નાખીને વાત કરતા નથી.

મહનૂરને ખબર હતી કે છૂટાછેડાની પ્રક્રિયા મુશ્કેલ રહેશે. તેમનું લગ્નજીવન ક્યારેય સરળ નહોતું. તેઓ કહે છે કે અરેંજ મૅરેજ દ્વારા જેની સાથે તેમનાં લગ્ન થયા હતા, તે પતિ સંબંધ દરમિયાન સતત વાણી દ્વારા અને શારીરિક રીતે દુર્વ્યવહાર કરતો હતો. પરંતુ તેમના ખાનગી જીવનના આ ખુલાસાએ જ તેમને સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું.

ઘણી યુવાન મહિલાઓની જેમ મહનૂરે પણ પોતાના ફોનમાં પોતાની અસંખ્ય તસવીરો સાચવી રાખી હતી. જેમાં રોજિંદા જીવનની ક્ષણો કેદ થયેલી હતી, કોઈ સરસ ભોજન, પ્રકાશ સુંદર લાગતો હોય ત્યારે લેવાયેલ સેલ્ફી. કેટલીક તસવીરો વર્ષો જૂની હતી. એક તસવીરમાં નવા વાળ કાપ્યા પછી તેઓ સ્મિત કરતાં દેખાતાં હતાં. બીજીમાં તેઓ મિત્રો સાથે વિદેશ વિનિમય કાર્યક્રમમાં દેખાતા હતા. કેટલીક સામાન્ય સેલ્ફીઓ હતી, જેમાં તેઓ પથારીમાં પડ્યાં હતાં, સ્લીવલેસ ટોપ પહેર્યું હતું અને આઇલાઇનર દેખાડવા માટે આંખો બંધ રાખી હતી.

આમાંથી એક પણ તસવીર ક્યારેય જાહેરમાં શૅર કરવામાં આવી નહોતી. પાકિસ્તાનમાં પોતાના સમુદાયની રૂઢિચુસ્ત સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને તેમણે ભાગ્યે જ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો મૂકી હતી.

યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે કાર્યરત મહનૂરના જણાવ્યા અનુસાર, તેમના ભૂતપૂર્વ પતિએ તેમના વોટ્સએપ એકાઉન્ટ અને ખાનગી તસવીરોની એક્સેસ મેળવીને તે તસવીરો તેમના પુરુષ મિત્રો, સહકર્મીઓ અને પરિચિતોમાં શૅર કરી દીધી હતી.

મહનૂર કહે છે કે તેણે તેમની કેટલીક સામૂહિક તસવીરો પણ કાપીને એવી રીતે રજૂ કરી હતી કે જાણે તે માત્ર એક પુરુષ સાથે ઊભી હોય. આ રીતે તેણે બંને વચ્ચે સંબંધ હોવાનો સંકેત આપવાનો પ્રયાસ કર્યો હતો.

મહનૂરના કહ્યા મુજબ, આ તસવીરોનો ઉપયોગ તેમને “ખરાબ ચારિત્ર્ય ધરાવતી સ્ત્રી” દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો. ઘણા સમાજોમાં આવો આક્ષેપ વ્યક્તિના જીવનને મૂળથી બદલી નાખે છે અને ક્યારેક ઘાતક પરિણામો પણ લાવી શકે છે.

અહેવાલનાં લેખિકા હેરા હુસૈન ચેતવણી આપે છે કે

ઇમેજ સ્રોત, Emco Conference 2026

મહનૂરે જણાવ્યું કે જ્યારે તેમના મિત્રો, પરિવારજનો અને સહકર્મીઓએ તેમની સાથે લગભગ તમામ સંબંધો તોડી નાખ્યા, ત્યારે તેમણે માત્ર પોતાના લોકો જ નહીં, પરંતુ સમાજમાં પોતે મેળવેલું માન-સન્માન અને સ્થાન પણ ગુમાવી દીધું.

તેમણે બીબીસીને જણાવ્યું, “મેં મારો અવાજ ગુમાવી દીધો. મને એવું લાગવા માંડ્યું કે જાણે હવે મારું કોઈ અસ્તિત્વ જ નથી.”

તેમણે કહ્યું, “મારો પરિવાર પહેલાં મારો આદર કરતો, મારા ભાઈઓ મારું માન રાખતા. માતા-પિતા મારી વાતને મહત્ત્વ આપતા, મારો અભિપ્રાય સાંભળતા, એ કેટલી મોટી વાત છે.”

“તેઓ પહેલાં મારી સલાહ માંગતા હતા, પરંતુ હવે એવું રહ્યું નથી.”

મહનૂરના ભૂતપૂર્વ પતિએ હવે ફરી લગ્ન કરી લીધા છે.

તસવીર આધારિત દુર્વ્યવહાર શું છે?

મહનૂરની કથાને પ્રકાશિત કરતો અહેવાલ ‘ચેયન’ નામની વૈશ્વિક બિન-નફાકારક સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જે લિંગ આધારિત હિંસા અંગે સંશોધન અને કામ કરે છે. ચેયનનું કહેવું છે કે તસવીર આધારિત દુર્વ્યવહારને લઈને સત્તાધિકારીઓ અને ટૅક્નૉલૉજી કંપનીઓ બંનેમાં ઘણી વખત ગેરસમજ જોવા મળે છે, કારણ કે તેઓ હજુ પણ નુકસાનને મુખ્યત્વે નગ્નતાના દૃષ્ટિકોણથી જ વ્યાખ્યાયિત કરે છે.

“સ્પષ્ટ ન હોય તેવી તસવીરોથી થતું સ્પષ્ટ નુકસાન” શીર્ષક ધરાવતા આ અહેવાલમાં દલીલ કરવામાં આવી છે કે ઘણી મહિલાઓ માટે સંપૂર્ણપણે કપડાં પહેરેલી એક સામાન્ય તસવીર પણ તેમના રૂઢિચુસ્ત સમાજમાં એટલાં જ વિનાશક પરિણામો લાવી શકે છે જેટલા કોઈ અંગત તસવીર લાવી શકે.

અહેવાલનાં લેખિકા અને ચેયનના સ્થાપક હેરા હુસૈને જણાવ્યું, “કોઈ તસવીર નુકસાનકારક બનવા માટે નગ્ન હોવી જરૂરી નથી. કેટલીકવાર શરીરનો એક પણ ભાગ ખુલ્લો ન હોવા છતાં તે એટલી જ નુકસાનકારક બની શકે છે.”

“અમે તસવીર આધારિત દુર્વ્યવહાર અંગેની ચર્ચાને નગ્નતાથી દૂર લઈ જઈને સંમતિના મુદ્દા તરફ કેન્દ્રિત કરવા માંગીએ છીએ.”

વર્ષોથી તસવીર આધારિત દુર્વ્યવહાર અંગેની જાહેર ચર્ચાઓ મુખ્યત્વે કહેવાતી ‘રિવેન્જ પોર્નોગ્રાફી’, ડીપફેક નગ્ન તસવીરો અને સેક્સ સાથે જોડાયેલી સામગ્રી પર કેન્દ્રિત રહી છે. પરંતુ ચેયનના સંશોધન મુજબ આ દૃષ્ટિકોણ ઘણી એવી બાબતોને નજરઅંદાજ કરે છે કે જેમાં ઘણા સમાજોમાં શરમ, પ્રતિષ્ઠા અને સામાજિક નિયંત્રણ કેવી રીતે કાર્ય કરે છે.

એક વ્યક્તિને સંપૂર્ણપણે સામાન્ય લાગતી તસવીર બીજી માટે ગંભીર પરિણામોનું કારણ બની શકે. જેમ કે લગ્ન પ્રસંગે નૃત્ય કરતી મહિલાનો વિડિયો. દરિયાકિનારે ઊભેલી મહિલાની તસવીર કે મંજૂરી વિના શૅર કરવામાં આવેલી એક સેલ્ફી.

સાંસ્કૃતિક સંવેદનશીલતા

અહેવાલમાં એવી દલીલ કરવામાં આવી છે કે ઘણીવાર તસવીરમાં શું છે તેના આધારે નુકસાન નક્કી થતું નથી, પરંતુ તે શા માટે શૅર કરવામાં આવી છે, કોને મોકલવામાં આવી છે અને તેનાં પછી શું પરિણામો આવે, તેના આધારે નક્કી થાય છે.

ચેયને જુલાઈ 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન 64 લોકોના ઇન્ટરવ્યુ લીધા હતા. તેમાં પાકિસ્તાનના દરેક મુખ્ય પ્રદેશના લોકો ઉપરાંત બ્રિટન, કૅનેડા, જર્મની, મલેશિયા, યુએઈ અને કુવૈતમાં વસતા પાકિસ્તાની મૂળના સમુદાયોના સભ્યો પણ સામેલ હતા.

સંશોધનમાં એવી તસવીરોની યાદી તૈયાર કરવામાં આવી હતી, જે શૅર થવાનો મહિલાઓને સૌથી વધુ ભય હતો. જેમ કે માથા પર દુપટ્ટો કે સ્કાર્ફ વગર દેખાતા વાળ, પશ્ચિમી અથવા ચુસ્ત બંધબેસતાં કપડાં પહેરવાં, કોઈ બિનસંબંધિત પુરુષની બાજુમાં ઊભેલી મહિલાની તસવીર, બનાવટી વાતચીતનો સ્ક્રીનશૉટ અથવા કોઈના ચહેરાની માત્ર એક તસવીરના આધારે AI દ્વારા બનાવવામાં આવેલી તસવીર. આમાંથી કોઈ પણ તસવીરમાં નગ્નતા નથી. પરંતુ તેનો ઉપયોગ કરીને નુકસાનકારક કથા ઘડી શકાય છે.

આયેશા ઓમર માટે આ દલીલ માત્ર એક સિદ્ધાંત નથી. પાકિસ્તાનના ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં વીસ વર્ષ કરતાં વધારે સમયથી કાર્યરત્ આ અભિનેત્રી કહે છે કે સોશિયલ મીડિયા દ્વારા આવી બાબતો સામાન્ય બને તે પહેલાં જ તેમની તસવીરો ચોરીને ફેલાવવામાં આવી હતી. એક દાયકાથી પણ વધુ સમય પહેલાં થાઇલૅન્ડમાં એક મહિલા મિત્ર સાથેની રજાઓ દરમિયાન દરિયાકિનારે લેવામાં આવેલી તસવીરો, જેમાં તેમણે વન-પીસ સ્વિમસૂટ અને શોર્ટ્સ પહેર્યા હતાં, તેમની જાણ બહાર તેમના લેપટોપમાંથી લઈ લેવામાં આવી અને પછી ઓનલાઇન મૂકી દેવામાં આવી.

આયેશા કહે છે, “મારી કારકિર્દીને તેનાથી ઘણું નુકસાન થયું. મેં જાહેરાતો ગુમાવી. કામને લગતાં ઘણાં નુકસાનો થયાં.” થોડો વિરામ લઈને તેમણે આગળ કહ્યું, “કેમકે મારા સમાજમાં મારે એક ચોક્કસ પ્રકારની ઇમેજ મુજબ જીવવું પડે છે, ભલે તમે કોઈ બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરતા હો કે ટેલિવિઝન પર કોઈ પાત્ર ભજવતા હો. તેથી આ ઘટનાએ મને માનસિક અને ભાવનાત્મક રીતે ઘણું નુકસાન પહોંચાડ્યું.”

તેમણે જણાવ્યું કે આ અનુભવ પછી તેઓ સતત સાવચેત રહેવા લાગ્યાં. હવે તેઓ સતત તેમની આસપાસના લોકો પર નજર રાખે છે જેઓ તેમનું ફિલ્મિંગ કરી રહ્યા હોય.

આયેશા ઓમરનું કહેવું છે કે ઘણી ટેક કંપનીઓ સમજી શકતી નથી કે વિવિધ સમુદાયો માટે શું મહત્ત્વનું છે

ઇમેજ સ્રોત, Maury Phillips/WireImage via Getty Images

અહેવાલ અનુસાર, ટૅક્નૉલૉજી કંપનીઓ અને નિયમનકારી વ્યવસ્થાઓ આ જ સિદ્ધાંતને અમલમાં મૂકવામાં નિષ્ફળ જાય છે. મહનૂર જ્યારે પોતાના કેસ સાથે પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પાસે ગયાં હતાં, જે હવે નેશનલ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એજન્સી તરીકે કાર્યરત્ છે, ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે તેમની તસવીરો એજન્સીના કાર્યક્ષેત્રમાં આવતી નથી, કારણ કે તે નગ્ન અથવા યૌન રીતે સ્પષ્ટ નહોતી.

બીબીસીએ જોયેલી તેમની લેખિત ફરિયાદ પણ આ જ કારણસર નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે તેમણે પોતાની મોબાઇલ નેટવર્ક કંપનીનો સંપર્ક કર્યો, ત્યારે તેમના કહ્યા મુજબ તેમને જણાવાયું હતું કે જ્યાં સુધી તેઓ તે ખાતા સાથે જોડાયેલ સિમ કાર્ડ રજૂ ન કરે, ત્યાં સુધી કોઈ કાર્યવાહી શક્ય નથી. તે સિમ કાર્ડ તેમના ભૂતપૂર્વ પતિએ તેમની પાસેથી લઈ લીધું હતું.

‘બીબીસી ગ્લોબલ વુમન’એ આ મુદ્દે ટિપ્પણી મેળવવા માટે પાકિસ્તાનની નેશનલ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.

મહનૂરનું કહેવું છે કે તેમણે વૉટ્સએપના ગ્રાહક ફરિયાદ માટેના ઈમેઇલ સરનામે પણ આ તસવીરો અંગે ફરિયાદ કરી હતી. તેમના જણાવ્યા મુજબ તેમને જવાબ આપવામાં આવ્યો હતો કે આ તસવીરો પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કરતી નથી. જોકે તેમની પાસે હવે તે ઈમેઇલ વ્યવહાર ઉપલબ્ધ નથી, તેથી ખરેખર શું કહેવામાં આવ્યું હતું તેની સ્વતંત્ર પુષ્ટિ કરવી શક્ય નથી.

વૉટ્સએપે મહનૂરના કેસ પર કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેમના પ્રવક્તાએ BBCનું ધ્યાન પ્લેટફોર્મની માર્ગદર્શિકાઓ તરફ દોર્યું, જેમાં “શું માન્ય છે અને શું નથી” તેની માહિતી આપવામાં આવી છે.

આ માર્ગદર્શિકાઓમાં તસવીર આધારિત દુર્વ્યવહાર અંગે કોઈ ચોક્કસ નીતિ દર્શાવવામાં આવી નથી, પરંતુ કહેવામાં આવ્યું છે કે વૉટ્સએપ “દુર્વ્યવહાર કરનાર લોકો” સામે કાર્યવાહી કરે છે અને “અન્ય લોકો પ્રત્યેના નુકસાનકારક વર્તન” પર પ્રતિબંધ મૂકે છે. સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ “પોતાના વપરાશકર્તાઓ અથવા અન્ય તૃતીય પક્ષોની ક્રિયાઓ કે માહિતી (સામગ્રી સહિત)ને નિયંત્રિત કરવા માટે બંધાયેલા નથી.” વૉટ્સએપ ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે, તેથી લોકો જે છબીઓ મોકલે છે તેની સક્રિય સમીક્ષા કરી શકતું નથી.

લૈંગિક રીતે સ્પષ્ટ અને નગ્ન છબીઓના સંદર્ભમાં, તેની મૂળ કંપની મેટા કહે છે: “અમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મૅસેન્જર અને થ્રેડ્સને સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે એવી સામગ્રીને દૂર કરીએ છીએ જે વ્યક્તિઓની શારીરિક સલામતીને નુકસાન પહોંચાડવાનું જોખમ ઊભું કરી શકે.”

‘વ્યવસ્થાની નિષ્ફળતા’

ચેયનની ટીમ ઇચ્છે છે કે ટેક કંપનીઓ રિપોર્ટ કરાયેલી છબીઓની સમીક્ષા કરવાની રીત બદલે.

ઇમેજ સ્રોત, Hera Hussain

પરંતુ હેરા હુસૈનને ચિંતા છે કે ટૅક્નૉલૉજી કંપનીઓ સાંસ્કૃતિક સંવેદનશીલતાઓને પૂરતું મહત્ત્વ આપતી નથી. ઘણી વખત ફરિયાદરૂપે મોકલવામાં આવેલી તસવીરોનું પ્રથમ મૂલ્યાંકન AI આધારિત મૉડરેશન સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, જેને મુખ્યત્વે નગ્નતા ઓળખવા માટે તાલીમ આપવામાં આવી હોય છે. કોઈ તસવીર સંભવિત રીતે નુકસાનકારક છે કે નહીં તે ઓળખવાનું કામ ખુલ્લી ત્વચા કરતાં ઘણું સૂક્ષ્મ અને જટિલ હોય છે. હુસૈન કહે છે કે કોઈ માનવીય સમીક્ષક ખરેખર તસવીરની તપાસ કરે તેની ખાતરી કરવા માટે વપરાશકર્તાએ ઘણી વખત સતત આગ્રહ રાખવો પડે છે.

એવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કંપનીઓ ઓછા ખર્ચાળ સ્વચાલિત સાધનો પર વધુ આધાર રાખી રહી છે અને વિવિધ પ્રદેશોની નિષ્ણાત ટીમોને ભેગી કરીને પ્રાદેશિક વિસ્તારો માટે જવાબદાર બનાવી રહી છે, જેના કારણે માનવીય દેખરેખ પૂરતી થતી નથી. ઉદાહરણ તરીકે, અમેરિકાની સૅનેટ જ્યુડિશિયરી કમિટીને આપવામાં આવેલી માહિતીમાં સ્નેપચેટના મુખ્ય કાર્યકારી અધિકારીએ જણાવ્યું હતું કે કંપનીએ વિશ્વસનીયતા અને સુરક્ષા ટીમમાં ઘટાડો કર્યો છે. 2021માં આ વિભાગમાં 3000થી વધુ કર્મચારીઓ હતા, જ્યારે 2023માં તેમની સંખ્યા ઘટીને આશરે 2226 થઈ ગઈ હતી, એટલે કે લગભગ 27 ટકા ઘટાડો.

આ મુદ્દે અભિયાન ચલાવતા કાર્યકરો માને છે કે હાલની પદ્ધતિને સંપૂર્ણપણે ઉલટાવવાની જરૂર છે. હુસૈનના જણાવ્યા અનુસાર, હાલમાં પ્લેટફોર્મો પહેલાં તપાસ કરે છે અને પછી સામગ્રી દૂર કરે છે. પરંતુ તેમના મતે પહેલાં 24 કલાક માટે સામગ્રી હટાવી દેવી જોઈએ અને ત્યારબાદ તેની સમીક્ષા તથા તપાસ થવી જોઈએ. તેઓ પૂછે છે, “તમે શું ગુમાવશો?” અમારી મુલાકાત દરમિયાન હુસૈને 2017માં પ્રકાશમાં આવેલા એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં પાકિસ્તાનની ત્રણ બહેનોનો એક વીડિયો, જેમાં તેઓ લગ્ન પ્રસંગે ગીત ગાતી અને તાળી પાડતી જોવા મળતી હતી. એ વીડિયો શૅર થયા પછી તેમની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં તેમના ત્રણ પુરુષ સગાંઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

બીજી તરફ, ફરિયાદ નોંધાવવાનો લગભગ આખો બોજ પીડિત વ્યક્તિ પર જ આવી પડે છે. તેમને તસવીરો શોધવી પડે છે, વારંવાર જોવી પડે છે અને દરેક તસવીર અલગથી રજૂ કરવી પડે છે. એકસાથે તમામ નકલો દૂર કરાવી શકાય તેવી કોઈ સરળ વ્યવસ્થા સામાન્ય રીતે ઉપલબ્ધ નથી.

હુસૈન જણાવે છે, “આ સમગ્ર પ્રક્રિયામાં તમારે ફરી ફરીને એ જ આઘાતમાંથી પસાર થવું પડે છે, અને ત્યારબાદ પણ શક્ય છે કે તમને કોઈ જવાબ જ ન મળે.”

અહેવાલનો નિષ્કર્ષ એ છે કે આ તફાવત એટલા માટે મહત્ત્વનો છે કારણ કે નુકસાન ઘણીવાર માત્ર તસવીરમાં દેખાતી મહિલા સુધી મર્યાદિત રહેતું નથી. અહેવાલમાં વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ તસવીર જાહેર થઈ જાય, ત્યારે તેની અસર સમગ્ર પરિવાર પર પડે છે. કેટલાક પિતાઓ માટે કામ પર જવું મુશ્કેલ બની જાય છે, કેટલીક બહેનોનાં લગ્નજીવન તૂટી પડે છે અને આખા પરિવારોને સમાજમાં અપમાનજનક નજરે જોવામાં આવે છે. માન-મર્યાદાનો ખ્યાલ સામૂહિક હોય છે, અને સામૂહિક શરમનો ભય પોતે જ એક પ્રકારનું નિયંત્રણ જાળવવાનું સાધન બની જાય છે.

મહનૂર માટે આ ઘટનાની કિંમત એ લોકોના સ્વરૂપમાં ચૂકવાઈ રહી છે, જેઓ હવે તેની સાથે વાત પણ કરતા નથી. તેમની સાડાં ત્રણ વર્ષની દીકરીએ પણ હવે ધ્યાન આપવાનું શરૂ કર્યું છે કે ઉપરના માળે રહેતાં સગાંઓ તેની માતાને સરખું બોલાવતાં પણ નથી. જે તસવીરોએ તેમનો અવાજ છીનવી લીધો, તે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વ્યાખ્યા મુજબ સંપૂર્ણપણે નિર્દોષ અને નુકસાનરહિત હતી.

કેટલાક દેશો તસવીરો શૅર કરવાની ઘટનાને ગોપનીયતાના પ્રશ્ન તરીકે જુએ છે. ફ્રાન્સમાં લાંબા સમયથી “પોતાની તસવીર પરનો અધિકાર” માન્ય રાખવામાં આવ્યો છે. તેના સિવિલ કોડની કલમ 9 અનુસાર, દરેક વ્યક્તિ, ભલે તે જાહેર જીવનની વ્યક્તિ હોય કે સામાન્ય નાગરિક, પોતાની તસવીરનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તેના પર વિશિષ્ટ અધિકાર ધરાવે છે. જોકે સમાચાર અને ખરેખર જાહેર હિત સાથે જોડાયેલા મુદ્દાઓ માટે કેટલાક અપવાદો છે. તેમ છતાં, રજાઓ મનાવતા કોઈ મંત્રીને પણ પોતાની ખાનગી જિંદગી અંગે ગોપનીયતાનો અધિકાર રહે છે.

યુએઈ તો આનાથી પણ એક પગલું આગળ છે. ત્યાં જાહેર સ્થળોએ કોઈ પણ વ્યક્તિની મંજૂરી વિના તેમનો ફોટોગ્રાફ લેવો ગુનો ગણવામાં આવે છે, અને તેમાં જાહેર હિતના નામે કોઈ વ્યાપક છૂટ આપવામાં આવતી નથી.

હેરા હુસૈનનું તારણ છે કે, તસવીર આધારિત દુર્વ્યવહાર માત્ર નગ્ન તસવીરો પૂરતો મર્યાદિત નથી; તેનો વ્યાપ ઘણો મોટો છે, અને આ સમગ્ર મામલામાં “વ્યવસ્થાગત નિષ્ફળતા” જોવા મળે છે.

તેમનું કહેવું છે કે પોલીસ, અદાલતો અને ટૅક્નૉલૉજી પ્લેટફોર્મો, ત્રણેય આવા દુર્વ્યવહારના ભોગ બનેલા લોકો માટે વધારે સારી રીતે કામ કરી શકે છે. તેઓ ઉમેરે છે, “જો તમે તસવીર આધારિત દુર્વ્યવહારનો સામનો કરી રહ્યા હોવ, તો એ જાણી લો કે એમાં તમારી કોઈ ભૂલ નથી. તમે એકલા નથી. અને ચેયન જેવી સંસ્થાઓ તમારી મદદ માટે તત્પર ઊભી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS