Source : BBC NEWS
ફેસબુક પર ત્રીજી જાન્યુઆરીએ સાંજે એક પોસ્ટ જોવા મળી- “અલવિદા મુકેશ.”
અચાનક વાંચવા મળેલા એ શબ્દો પછી તત્કાળ કશું સૂઝ્યું નહીં. મેં બીજાપુરમાંની અમારી કૉમન દોસ્તને ફોન કર્યો ત્યારે ત્યાં હોબાળો થઈ રહ્યો હતો.
હત્યા થઈ છે એટલી જ ખબર પડી. પછી સમાચારમાં વિગતવાર જાણવા મળ્યું. કોને, ક્યારે અને કેવી રીતે સજા થશે તે એક અલગ મુદ્દો છે, પરંતુ હાલ તો અમારો દોસ્ત ચાલ્યો ગયો તેની પીડા અસહ્ય છે.
હું છત્તીસગઢની બીજાપુર જિલ્લા હૉસ્પિટલમાં 2017માં એક ગાયનેકૉલૉજિસ્ટ તરીકે જોડાઈ હતી. બસ્તર વિભાગના બીજાપુર જિલ્લામાં અજબ વાતાવરણ છે. જંગલમાં આવેલાં ગામડાંમાં વસતા આદિવાસીઓનું શોષણ થાય છે, પણ શોષણ કોણ-કોણ કરી રહ્યું છે?
વહીવટમાં ભ્રષ્ટ લોકો, છેતરપિંડી કરતા વેપારીઓ, લૂંટારુ જેવા વચેટિયા, જંગલમાં ખાણો ખરીદતા અદાણી, અંબાણી અને સ્વાર્થી રાજકારણીઓ છે.
તેમાં જંગલમાં પ્રસ્થાપિત માઓવાદીઓ અને બસ્તરની સુરક્ષા માટે જવાબદાર સલામતી દળો તથા પોલીસદળો વચ્ચેની આંતરિક લડાઈમાં, ગોરીલા યુદ્ધમાં આદિવાસીઓ વારંવાર ભોગ બનતા રહે છે.
વિકાસની દૃષ્ટિએ બસ્તર આટલાં વર્ષોથી ઉપેક્ષિત પ્રદેશ બની રહ્યું છે. ઝડપી વિકાસ હવે શરૂ થયો છે. તેનો અર્થ એ થાય કે હવે રસ્તાઓ, પૂલો અને નવી ઇમારતોનું નિર્માણ થઈ રહ્યું છે. એ બધાની સાથે ભ્રષ્ટ કૉન્ટ્રાક્ટર્સ આવ્યા છે.
ત્યાંની સરકારી હૉસ્પિટલો પણ ભ્રષ્ટાચારથી મુક્ત નથી. આપણી અને બસ્તરના લોકો વચ્ચેની સમસ્યામાં મોટો ફરક એ છે કે બસ્તરના લોકોનો અવાજ બહાર પહોંચવા દેવાતો નથી.
આવા વિસ્તારમાં કોઈ ઘટના બને અને તેના સમાચાર બહાર પહોંચે ત્યાં સુધીમાં તેમાં ઘણુંબધું બદલાઈ જાય છે. બહારના લોકોને એ જાણવા નથી મળતું કે ત્યાં ગોળીબારમાં નક્સલવાદીઓ મૃત્યુ પામ્યા છે કે આદિવાસીઓ કે પછી શાળાના વિદ્યાર્થીઓ.
ત્યાંના આદિવાસીઓ દ્વારા કરવામાં આવતા વિરોધપ્રદર્શનના સમાચારોને આપણાં અખબારોમાં કોઈ મહત્ત્વ આપવામાં આવતું નથી. આવી નિરાશાજનક પરિસ્થિતિમાં પરિવર્તનનું મોટું કામ પત્રકારો ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે.
બસ્તરના સ્થાનિક પત્રકાર અને તેમના કામની નોંધ લઈને તેને રાષ્ટ્રીય સ્તરે અવકાશ તથા અવાજ આપતા દિલ્હીના કેટલાક જાગૃત પત્રકાર. આ ઉમદા પત્રકારો વચ્ચેની દોસ્તીના કારણે મને બસ્તરની વાસ્તવિકતા સમજવામાં બહુ મદદ મળી હતી. એ બેમાંથી પહેલી વ્યક્તિ મુકેશ ચંદ્રાકર હતા.
બસ્તરના જંગલમાં નીડર પત્રકાર મુકેશ
અમારી પહેલી મુલાકાત મને આજે પણ યાદ છે. અમે કેટલાક લોકો તારલાગુડા નામના કુખ્યાત ગામ નજીકના જંગલમાં ગયા હતા. ત્યાં ગોદાવરી નદીનું ઉદગમસ્થાન છે.
મને મારી કાર જંગલમાં લઈ જવામાં ડર લાગતો હતો. મુકેશ અને તેમના દોસ્ત મારી આગળની સ્કૉર્પિયોમાં હતા. એ ટ્રીપ દરમિયાન હું મુકેશને મળી હતી. એ વખતે હું સાપ્તાહિક સાધનામાં બિજાપુર ડાયરી નામની લેખશ્રેણી લખતી હતી.
એ લેખશ્રેણી માટે વધુ એક વિષય શોધવાનો વિચાર આવ્યો. મુકેશના કિસ્સા સાંભળ્યા પછી મેં બીજાપુર જિલ્લાના પત્રકારત્વ વિશે એક લેખ લખવાનું નક્કી કર્યું હતું. લેખનું શીર્ષક હતું- આતંકના પડછાયામાં પત્રકારત્વ.
એ વખતે મુકેશ માત્ર 26 વર્ષનો હતો, પણ વયના પ્રમાણમાં વધારે પરિપકવ, સમજદાર, હોશિયાર હતો અને તેની હિંમત કોઈ પણ માટે પ્રભાવશાળી હતી.
જે સત્ય છે તેને જ લોકો સમક્ષ રજૂ કરવા માટે કટિબદ્ધ પત્રકાર. સત્ય રજૂ કરતી વખતે દોસ્ત કે દુશ્મન વચ્ચે તે કોઈ ભેદ રાખતો નહીં. પોલીસ, નક્સલવાદી કે વહીવટીતંત્રથી જરાય ડરતો નહીં.
એ યુવાન નક્સલવાદીઓથી પીડિત દૂરના એક ગામ બાસાગુડાનો રહેવાસી હતો. તેનો પરિવાર પેઢીઓ પહેલાં મહારાષ્ટ્રથી બાસાગુડા સ્થળાંતરિત થયેલા અનેક મરાઠી પરિવારો પૈકીનો એક. યુકેશ તેમના મોટા ભાઈ. તેઓ નાના હતા ત્યારે પિતાજીનું અવસાન થયું હતું.
ખેતીમાંથી થતી નજીવી આવક વડે પરિવારનું ગુજરાન ચાલતું હતું. બાદમાં તેમનાં માતા આંગણવાડી કાર્યકર બન્યાં. તેથી બન્ને દીકરાનું શિક્ષણ વ્યવસ્થિત રીતે ચાલુ રહ્યું હતું.
2005-06ના સેલવા જુડમ દરમિયાન તેમનું ગામ સગળ્યું. ઘર બળી ગયું. ખેતીની જમીન પણ ગઈ. શાળામાં અભ્યાસ કરતો મુકેશ પૈસા માટે બજારમાં મહુડાનો દારૂ વેચતો હતો. એ પછી તેનો પરિવાર બાસાગુડા અને પછી અવપલ્લી વસાહતમાં રહેવા ગયો હતો. માતા કૅન્સરથી પીડાતાં હતાં. બન્ને ભાઈએ સાથે મળીને કોઈ ધંધો કરવા લોન લીધી હતી. લોનના પૈસા માતાની સારવારમાં ખર્ચાઈ ગયા. માતાનું પણ અવસાન થયું.
માતાની ઇચ્છા હતી કે મૃત્યુ પછી તેમને પણ બાળકોના પિતાની બાજુમાં દફનાવવામાં આવે અને સાથે ઘરની એકાદ વસ્તુ પણ રાખવામાં આવે. મુકેશે હળવા અવાજમાં જણાવ્યું હતું કે જુડુમમાં તેનું ઘર નાશ પામ્યું હોવાથી માતાની સાથે ઘરની એક પણ વસ્તુ દફનાવી શકાઈ ન હતી.
એ પછી બન્ને ભાઈઓને એક ઇમારતના બાંધકામનો કૉન્ટ્રાક્ટ મળ્યો હતો, પણ એક બાજુ કૉન્ટ્રાક્ટિંગ અધિકારીને કેટલાક ટકા લાંચ પેટે ચૂકવવા પડે અને બીજી તરફ નક્સલવાદીઓને મોટો હપ્તો પહોંચાડવો પડે એવી પરિસ્થિતિ હતી.
તેથી બન્નેએ તે કામ છોડી દીધું. એ પછી 2011માં તેઓ વિવિધ ન્યૂઝ ચૅનલોમાં રિપોર્ટર તરીકે કામ કરવા પત્રકારત્વ ભણી વળ્યા હતા.
2013થી તેમણે મુકેશ બંસલ ન્યૂઝ જેવી સ્થાનિક ચૅનલો માટે બે વર્ષ કામ કર્યું હતું. પછી સહારા માટે બે વર્ષ કામ કર્યું. બાદમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઈટીવી (જે બાદમાં News 18 બન્યું) માટે કામ કરવાની તક મળી.
એ તકનો મુકેશે ખરેખર લાભ લીધો. ચૅનલ માટે સમાચારો મેળવવા તેણે સખત મહેનત કરી.
નક્સલવાદીઓએ બે કલાક સુધી બંદૂક તાકી ત્યારે
બીજાપુરમાં કામ કરતી વખતે તમારા જેવા પત્રકારોએ કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, એવો સરળ સવાલ પૂછ્યો ત્યારે તેણે ઘણાં ઉદાહરણો આપ્યાં હતાં અને તેમના ક્ષેત્રમાં કેટલાં જોખમો છે તેની વિગતવાર વાત કરી હતી.
નક્સલવાદીઓએ પ્રેસનોટ બહાર પાડવી હોય ત્યારે તેઓ પત્રકારોને આમંત્રણ મોકલે છે. પત્રકારો એ સમાચાર તેમના હેડક્વાર્ટરમાં મોકલે છે.
એ સમાચારને ઘણી વાર સ્થાન મળે છે, પરંતુ ક્યારેક, અન્ય મહત્ત્વપૂર્ણ સમાચારો ચાલી રહ્યા હોય ત્યારે નક્સલવાદીઓ ઇચ્છતા હોય તે સમાચાર લોકો સુધી પહોંચતા નથી. તેથી પત્રકારો નક્સલવાદીઓની નારાજગીનો ભોગ બને છે.
નક્સલવાદીઓ બોલાવે અને પત્રકારો કોઈ કારણસર ન જઈ શકે ત્યારે પણ પત્રકારોએ નક્સલવાદીઓના ગુસ્સાનો સામનો કરવો પડે છે.
લાલતંત્રના પટ્ટામાં આવતા વિસ્તારોમાં નક્સલવાદીઓની પરવાનગી વિના પ્રવેશી શકાતું નથી કે ફોટા પણ પાડી શકાતા નથી. આવા દુર્ગમ વિસ્તારોમાં લોકશાહી નહીં, પણ માઓવાદીઓનું રાજ ચાલે છે ત્યાં કોઈ પણ સમાચાર આપતી વખતે નક્સલવાદીઓની તરફેણ કરવી પડે છે. તેમની વિરુદ્ધના સમાચાર આપી શકાતા નથી.
એવા સમયે ચોક્કસ નક્લસલવાદીઓ ગામના લોકોને આગળ કરે છે અને પોતે પોલીસ વિરોધી, સરકાર વિરોધી જે કંઈ કહેવા ઇચ્છતા હોય એ તેમની મારફત કહે છે. ઘણી વાર તેઓ સાચા હોય છે તેમ ખોટા પણ હોય છે.
આવી પરિસ્થિતિમાં કોઈ યુવાન, ધમધમતા લોહીવાળો પત્રકાર ગુસ્સે થાય છે. મુકેશ અને તેના પત્રકાર ભાઈની સાથે 2015માં અમે નક્સલવાદીઓની પરવાનગી સાથે હુસુરના અતિ દુર્ગમ વિસ્તારમાં પ્રવેશ્યાં હતાં અને ત્યાંના અતિ ભવ્ય તથા અત્યંત સુંદર નંબી ધોધને પ્રથમ વખત વિશ્વ સમક્ષ રજૂ કર્યો હતો. તેમની ઈટીવી ન્યૂઝ ચૅનલ પર આ સ્ટોરી બહુ ગાજી હતી.
પાંચ કે છ મહિના પછી બન્ને એ જ વિસ્તારમાં ફરી ફરવા ગયા હતા, પરંતુ નક્સલવાદીઓની પરવાનગી વિના. હુસુર ગામથી ચાર કિલોમીટરનો ખડકાળ, પર્વતીય રસ્તો. તેઓ પાછા ફર્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. એક માણસ છરો દેખાડીને તેમને ડરાવવા લાગ્યો ત્યારે તેમને સમજાયું કે કંઈક ગડબડ છે.
અંધારામાં તેઓ તરત જ તેમની બાઇક પર પાછા ફરવા લાગ્યા, પરંતુ રસ્તામાં તેમનો સામનો નક્સલવાદીઓ સાથે થયો. તેમને બાઇક પરથી ઊતરીને હાથ ઊંચા કરવાની ફરજ પાડવામાં આવી. તેમના માથા પર બંદૂક તાકવામાં આવી.
બંને કહેતાં હતાં, “અમે પત્રકાર છીએ. અમે અગાઉ પણ અહીં આવ્યાં છીએ.” તેમણે એ નક્સલવાદી નેતાનું નામ પણ જણાવ્યું હતું, જેની પરવાનગી તેમણે અગાઉ લીધી હતી.
તેમ છતાં, બે કલાક સુધી બંદૂકના નાળચે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. બધો સામાન અને દસ્તાવેજો તપાસવામાં આવ્યા. કૅમેરામાંના ફોટોગ્રાફ્સ તપાસીને ડિલીટ કરવામાં આવ્યા.
એ બે કલાક દરમિયાન મોતનો સામનો કરતાં બન્ને ખૂબ જ ડરી ગયાં હતાં, કારણ કે એ જ સમયગાળામાં નક્સલીઓએ બીજાપુર તથા સુકમા જિલ્લામાં બે પત્રકારોની હત્યા કરી હતી.
મુકેશે તે સમયે એક મોટો, નવો ઍન્ડ્રોઇડ મોબાઇલ ખરીદ્યો હતો. તેને જોઈને તેમની વધુ શંકા પડી હતી. નક્સલવાદીઓને ખાતરી થઈ ગઈ ત્યારે બંદૂકો હટાવાઈ હતી.
આખરે તેમણે ખુલાસો કર્યો હતો કે એક ગામવાસીએ બે લોકોને ખભા પર કૅમેરા અને શૂટિંગનાં સાધનો લઈને ફરતા જોયા હતા. અંતે એવી વાત ફેલાઈ કે બે પોલીસ બંદૂક લઈને આવ્યા છે. તેથી આ બધું થયું હતું.
એ રાતે બન્ને ભાઈ નક્સલવાદી કૅમ્પમાં રોકાયા હતા. એ વખતે મુકેશે સવાલ કર્યો હતો કે “પત્રકાર તો સ્વતંત્ર હોય છે. તમે બંદૂકની ધાકથી પત્રકારોને ડરાવશો તો શું ફાયદો?” એ પછી મુકેશે સૂચન કર્યું હતું કે “અમે 8-10 પત્રકારો ટીમ બનાવીને આવીશું. તમે તમારા નેતાઓને બોલાવજો. આપણે રૂબરૂ ચર્ચા કરીશું.”
મુકેશના સૂચન અનુસાર, બીજાપુર, સુકમા, દાંતેવાડા અને કિરંદુલના 8-10 પત્રકારો એ વિસ્તારમાં ગયા હતા, પરંતુ કોઈ નક્સલવાદી સાથે તેમની મુલાકાત થઈ શકી ન હતી.
‘મૈં રિપોર્ટર હૂં, સ્ટોરી તો કરુંગા હી’
બીજાપુરના તેલંગણા સાથે જોડતો, પામેડથી ચેરલા સુધીનો માર્ગ બનાવવામાં આવી રહ્યો હતો. એ અત્યંત સંવેદનશીલ વિસ્તાર હોવાથી માત્ર 12 કિલોમીટરના રસ્તા માટે 12,000 સૈનિકો તહેનાત કરવામાં આવ્યા હતા.
આ સંદર્ભે મુકેશે “નક્સલનાશ માર્ગ” નામની એક સ્ટોરી કરી હતી. તેનું કારણ એ હતું કે રસ્તાના નિર્માણથી સંદેશાવ્યવહાર વધવાને લીધે નક્સલવાદીઓનું નિયંત્રણ આપોઆપ ઓછું થતું જાય છે.
આ સમાચાર ટીવી પર પ્રસારિત થયા પછી મુકેશ તેમના મિત્ર સાથે આંદામાન ફરવા ગયા હતા. એ સમયે એક નક્સલી નેતાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે રસ્તાના નિર્માણ દરમિયાન સૈનિકોએ ગામલોકોને માર માર્યો છે. આ ઘટનાના સમાચાર આપવા તેમને બોલાવવામાં આવ્યા હતા.
એ વખતે મુકેશે કહ્યું હતું, “હું અત્યારે તો નહીં આવી શકું. થોડા દિવસ થશે.” ત્યારે મુકેશને ધમકી આપવામાં આવી હતી કે “તમે ગયા વખતે સૈનિકો માટે આવ્યા હતા. હવે આવી શકો તેમ નથી. તમે સૈનિકોની બહુ તરફેણ કરી રહ્યા છો.”
એ વખતે મુકેશે ભારપૂર્વક કહ્યું હતું, “મૈં રિપોર્ટર હૂં, સ્ટોરી તો કરુંગા હી.”
એક પ્રધાને કહ્યું, “મુકેશ ચંદ્રાકરને માત્ર ખામીઓ દેખાય છે. વિકાસ નહીં”
બીજા પ્રકારની મુશ્કેલી પોલીસને લીધે સર્જાય છે. જેમ કે બાસાગુડાથી અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં સૈનિકો પહેલી વાર પ્રવેશ્યા ત્યારે પેડ્ડાગેલુર ગામની કેટલીક મહિલાઓ પર સૈનિકોએ અને પોલીસકર્મીઓએ બળાત્કાર કર્યા હતા. શરૂઆતમાં પીડિતાઓની સંખ્યા બે હતી, પરંતુ પછી તે વધીને 40 થઈ ગઈ હતી.
મુકેશે પ્રામાણિકપણે જણાવ્યું હતું કે ચોક્કસ આંકડો જણાવી શકે તેમ નથી, કારણ કે ઘણી વાર નક્સલવાદીઓ ગામના લોકોને ઉશ્કેરીને તેમને ખોટું બોલવા મજબૂર કરતા હોય છે.
બળાત્કાર થયા હતા એ વાત સાચી હતી, પરંતુ સંખ્યા ચોક્કસ ન હતી. મુકેશે આ ઘટનાની સ્ટોરી કરી ત્યારે તે પોલીસના રોષનો ભોગ બન્ય હતો. તેના પર ચાંપતી નજર રાખવામાં આવી. તેનો ફોન રેકૉર્ડ કરવામાં આવ્યો હતો.
પોતાના પર આઠ લાખ રૂપિયાનું ઇનામ ધરાવતી એક ભૂતપૂર્વ માઓવાદી મહિલાએ ટીબી થવાને કારણે નક્સલવાદી ચળવળ છોડી દીધી હતી. એ બીજાપુરમાંના પોતાના ગામમાં રહેતી હતી.
સીઆરપીએફના સૈનિકોએ તેના ઘરને ઘેરી લીધું હતું. તેને નક્સલીઓનો યુનિફૉર્મ પહેરાવીને ઘરેથી જંગલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં તેને ગોળી મારી દેવાઈ હતી.
આવા નકલી ઍન્કાઉન્ટરની સ્ટોરી કરતી વખતે પત્રકારોને પોલીસનો ડર લાગે છે, કારણ કે પોલીસ તેવા પત્રકારો પર ગમે તેવો ખોટો કેસ કરીને જેલમાં ગોંધી શકે છે.
બીજું મોટું જૂથ રાજકારણીઓનું છે, જે માને છે કે પત્રકારોએ તો તેમની પ્રશંસા જ કરવી જોઈએ.
રાજકારણીઓ વિરુદ્ધના ન્યૂઝ રિપોર્ટ પ્રકાશિત થયા કે તરત જ એક પ્રધાને જાહેર સભામાં આક્ષેપ કર્યો હતો કે “મુકેશ ચંદ્રાકરને તો ફક્ત ખામીઓ જ દેખાય છે. વિકાસ નહીં.”
મુકેશે પ્રામાણિકપણે કહ્યું હતું, “ડર લાગે છે, પરંતુ હવે આવી બાબતોથી એટલો ટેવાઈ ગયો છું કે મોતથી ડરવાનું છોડી દીધું છે.”
…તો અવાજ કોણ ઉઠાવશે?
કાયદાનુ ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓ વિશે વાત કરવામાં આવે ત્યારે “આ પત્રકાર વિકાસ વિરોધી છે,” એવો આક્ષેપ કરવામાં આવે છે. સરકાર વિરોધી વાત કરે તો પત્રકાર ડાબેરી ચળવળનો સમર્થક હોવાનો આક્ષેપ કરવામાં આવે છે.
સત્તાધારી પક્ષના વિરોધમાં બોલે તો કહેવામાં આવે છે કે આ પત્રકારને વિરોધી પક્ષે ખરીદી લીધો છે. સમાચાર આપે તો તેના પર બ્લૅકમેઇલિંગનો અને એકાદ સમાચાર ન આપે તો પત્રકારે પૈસા ખાધા છે, એવો આરોપ મૂકવામાં આવે છે.
મુકેશના શબ્દો પરથી મને ખ્યાલ આવી ગયો હતો કે આવા કીચડમાં ફસાયેલા પત્રકાર માટે નિર્ભિક વલણ અને કોઈની તરફેણ કર્યા વિના સમાચાર આપવાનું કેટલું મુશ્કેલ છે.
મુકેશે ઉદાસ થઈને કહ્યું હતું, “આજે મીડિયા પણ વેચાઈ ગયું છે.”
પત્રકારો સમાચારો આપે તો જ તેમને પગાર મળે છે. વળી તેમને દર મહિને નિશ્ચિત પગાર મળતો નથી. મહેનતની સરખામણીએ આવક ખૂબ ઓછી હોય છે.
તેના કહેવા મુજબ, શૂટિંગ માટે જરૂરી સામગ્રી પણ પોતાના ખર્ચે લાવવી પડે છે. આ બધાને કારણે ગ્રામીણ પત્રકારત્વનું સ્તર કથળી રહ્યું છે.
પૈસાની ઓછપને કારણે પત્રકારો દ્વારા લોકોને બ્લૅકમેઇલ કરવાની કે રાજકારણી લોકો કહે તેવા સમાચાર આપવાની ઘટનાઓ બને છે, પણ મુકેશે કહ્યું હતું કે આવું થાય તો સામાન્ય માણસ કોની પાસે જાય?
મુકેશે કહ્યું હતું, “સરકારી તંત્ર સામાન્યજનને અન્યાય કરે ત્યારે તંત્ર સામે અવાજ ઉઠાવવામાં પત્રકાર મદદ કરે છે, પરંતુ પત્રકાર પોતે જ સરકારી તંત્રને વેચાઈ ગયો હોય અને રાજકારણીઓના પૈસા જીવવા લાગે તો વ્યવસ્થાના સવાલો કોણ ઉઠાવશે? અવાજ કોણ ઉઠાવશે?”
‘ક્યારેક ખુદને પત્રકાર કહેતાં શરમ આવે છે’
2018માં પક્ષપલટા બાદ છત્તીસગઢમાં કૉંગ્રેસ સત્તા પર આવી હતી. બીજાપુરમાં મહેશ ગાગડાજીની હાર પછી જુડુમના ભૂતપૂર્વ નેતા વિક્રમ મંડાવી સત્તા પર આવ્યા હતા. તેઓ મુકેશના મિત્ર હતા, પણ મુકેશે કહ્યું હતું, “તેઓ તેમના વચનનું પાલન નહીં કરે તો હું તેમના વિરુદ્ધની સ્ટોરી પણ કરીશ. તેમાં અમારી મૈત્રી આડી આવશે નહીં.”
આ સંદર્ભે મુકેશ પ્રતિષ્ઠિત પત્રકાર ગણેશ શંકર વિદ્યાર્થીનું એ કથન કહેતા હતા કે “પત્રકારત્વનું મૂળ ચરિત્ર સત્તાનો સ્થાયી વિરોધ એટલે કે ઘટનાઓનું વિવેચનાત્મક વિશ્લેષણ હોય છે. એ તટસ્થ પણ ન હોય. તેનો પક્ષ સામાન્ય જનતા હોય છે. સત્તા સામે સવાલ કરવાથી જનતાનો પક્ષ જ મજબૂત થાય છે.”
આવો આદર્શ ધરાવતા મુકેશને જણાવ્યું હતું કે સત્તા પાસે પત્રકારત્વ અત્યારે એટલી હદે વેચાઈ રહ્યું છે કે ક્યારેક પોતે પત્રકાર હોવાનું કહેતા શરમ આવે છે.
બસ્તર ડિવિઝનના પોલીસ મહાનિરીક્ષક કલ્લુરી પર નકલી ઍન્કાઉન્ટર, નકલી શરણાગતિ, આદિવાસીઓ સાથે અન્યાય અને માનવાધિકાર કાર્યકરોના ઉત્પીડનના સંખ્યાબંધ આરોપો હતા, પરંતુ પોલીસ વિભાગમાં તેઓ ખૂબ જ પ્રતિષ્ઠિત હતા. થોડાં વર્ષો પહેલાં તેમણે પત્રકારો પર દબાણ લાવવાનું, તેમને જેલમાં ગોંધવાનું શરૂ કર્યું હતું. એ વખતે બધા પત્રકારોએ સાથે મળીને કલ્લુરી વિરુદ્ધ જેલભરો આંદોલન છેડ્યું હતું. આખરે વહીવટીતંત્રે તેમની બદલી કરી હતી.
વિસ્ફોટકો મળ્યા હોય એવા સ્થળે રિપોર્ટિંગ કરવા પત્રકારો પહોંચે છે ત્યારે તેમના જીવ પર જોખમ હોય છે.
મુકેશે આવી એક ઘટનાની વાત કરી હતી. બીજાપુર જિલ્લાના ગંગાલુર રોડ પર ચેરપાલ નજીક 30 કિલો વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. એક જગ્યાએથી પ્રેશર આઈડી મળી આવી હતી. તેનો વિસ્ફોટ વડે નાશ કરવો પડ્યો હતો.
પત્રકારો સલામત અંતરે પહોંચી ગયા એ પછી જ બધી તૈયારી કરીને સૈનિકોએ આઈડી બ્લાસ્ટ કરી હતી. આવા કિસ્સામાં જીવ ગુમાવવાની શક્યતા પણ હોય છે.
મુકેશે શોધેલા ધોધ પાસે પોલીસ ગઈ ત્યારે
મુકેશ ચંદ્રાકરે 2015માં શોધેલા, અતિ સંવેદનશીલ વિસ્તારમાંના નંબી ધોધ સુધી જિલ્લા કલેક્ટર ડૉ. ઐયાઝ તંબોળી, બીજાપુરના પોલીસવડા ધ્રુવ, બસ્તર વિભાગના આઈજીપી વિવેકાનંદ સિન્હા અને બીજાપુરના સીઈઓ જેવા મહત્ત્વના લોકો 2017ની મધ્યમાં હુસુરથી ચાલતા પહોંચ્યા હતા. તેમની સુરક્ષા માટે 100-150 સૈનિકો અને પોલીસની ફોજ હતી.
સવારે પોલીસવડાનો ફોન આવ્યો કે ચાલ. જવાનું છે. ક્યાં જવાનું છે તેની મુકેશને ખબર ન હતી. ત્યાં પહોંચ્યા પછી જ મુકેશને સ્થળની ખબર પડી હતી.
નક્સલવાદીઓના ગઢમાં સરકારી અધિકારીઓનો પ્રવેશ એક મોટી ઘટના હતો. મુકેશ ચંદ્રાકરે ન્યૂઝ 18 મારફત સમાચાર બધે પહોંચાડ્યા હતા. તેથી નકસલવાદીઓ રોષે ભરાયા હતા. તેમણે આખો રસ્તો ખોદીને ધ્વસ્ત કરી નાખ્યો હતો અને ધમકી આપી હતી કે ફરી અહીં કોઈ ક્યારેય નહીં આવે.
બીજાપુરના કેટલાક યુવાનો ત્યાં ગયા ત્યારે તેમને માર મારવામાં આવ્યો હતો. હાલમાં તે રસ્તા પર 30-35 પ્રેશર આઈડી લગાવવામાં આવ્યાં છે. રોજરોજ જીવના જોખમે કામ કરતા બસ્તરના પત્રકારોએ શૂટિંગ માટે જંગલના અતિ દુર્ગમ ભાગ સુધી પહોંચવું પડે છે.
સરકાર જ્યાં પહોંચી નથી તેવા વીજળીના અભાવે અંધકારમાં ડૂબેલાં ગામડાં અને વરસાદને કારણે તૂટી પડેલા રસ્તાઓની દુર્દશા દર્શાવવાનો પ્રયાસ આ પત્રકારો કરતા હોય છે.
2018માં અમે બીજાપુરની એકમાત્ર ઉડુપી હોટલમાં બેસીને મજાની વાતો કરતા હતા ત્યારે મુકેશને ક્યાંક જવાની ઉતાવળ હોય એવું લાગતું હતું.
હું આ બધાની પાછળ છુપાયેલા અસલી મુકેશને શોધવા ઇચ્છતી હતી. મહેનત કરીને, મહુડાનો દારૂ વેચીને આ સ્થાને પહોંચેલા યુવાન મુકેશને અફસોસ હતો કે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતું હોવા છતાં પૈસાના અભાવે તે બારમા ધોરણથી આગળ ભણી શક્યો નહીં.
બાદમાં મુકેશ ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા વિજ્ઞાનનો સ્નાતક થયો હતો. એ વિશેનો એક લેખ સાધનામાં પ્રકાશિત થયો હતો અને બાદમાં તેને બીજાપુર ડાયરી પુસ્તકમાં સમાવાયો હતો.
2019માં બીજાપુર ડાયરી પુસ્તકના પ્રકાશન વખતે હું મુકેશને મહારાષ્ટ્રની મુલાકાતે બોલાવવા ઇચ્છતી હતી, પરંતુ કામને કારણે મુકેશ આવી શક્યો ન હતો. છતાં એ કાયમ કહેતો, “મૅડમ, મારે પૂણે ફરવા આવવું છે.”
મુકેશ વિશે મેં લખેલા લેખનો હિન્દીમાં અનુવાદ કરીને રાયપુરની એક વરિષ્ઠ વ્યક્તિને મોકલ્યો હતો. તેમણે એ લેખ ઇન્ડિયન ઍક્સપ્રેસના પ્રતિભાશાળી પત્રકાર આશુતોષ ભારદ્વાજને મોકલ્યો હતો. એક પત્રકારના કાર્ય વિશે એક ડૉક્ટરે લેખ લખ્યો હોવાની તેમણે પ્રશંસા કરી હતી.
એ વખતે આ પત્રકાર ડેથસ્ક્રિપ્ટ નામના તેમના પુસ્તક પર કામ કરી રહ્યા હતા. આ બીજો મિત્ર છે, જેના રિપોર્ટિંગ અને પુસ્તકે મને બસ્તરના લોહિયાળ અંતરંગ તથા ભીષણ રાજકારણ, સત્તાકારણનો પરિચય કરાવ્યો છે.
મુકેશ સાથે મારી છેલ્લી મુલાકાત 2019માં થઈ હતી. એ વખતે હું બીજાપુર છોડીને બસ્તરના કોંડાગાંવ જિલ્લામાં શિફ્ટ થઈ હતી. એ મુલાકાત પછી પણ અમારી મૈત્રી ટકી રહી હતી.
આ રીતે શરૂ થયું ‘બસ્તર જંક્શન’
મુકેશ એક યોદ્ધા હતો. એવું ન હોય તો તેના અવસાનનો શોક આટલા બધા લોકો શા માટે વ્યક્ત કરે? મુકેશની ગર્લફ્રેન્ડ મારી સખી છે. તેમની વચ્ચે ઝઘડો થયો ત્યારે મેં મુકેશને ફોન કર્યો હતો. ખરેખર તો મુકેશે કોઈ ચોખવટ કરવાની જરૂર ન હતી. તેમ છતાં, પ્રેમિકાને દુઃખ આપવાની ભૂલ કરવા બદલ તેણે માફી માગી હતી.
મેં એક બીજા પ્રસંગે મુકેશને ફોન કર્યો હતો. મુકેશે એક મોટા અધિકારી વિરુદ્ધ આંદોલન કર્યું હતું, પણ અચાનક એ આંદોલન બંધ થઈ ગયું.
મારા એક બીજા દોસ્તે મશ્કરીમાં કહ્યું હતું, બહુ હોશિયારી કરતો હતો ને, હવે તે ખુદ વેચાઈ ગયો છે. મેં તરત જ મુકેશને ફોન કર્યો હતો. તેણે ગૂંગળાયેલા અવાજે કહ્યું હતું કે તેના પર ચારે તરફથી ખૂબ દબાણ હતું અને તેનું પત્રકારત્વ ખતમ કરી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
તેણે કહ્યું હતું, “હું એક નાના ગામડાનો છું. મારી પાસે કોઈ ડિગ્રી નથી. હું પત્રકારત્વ છોડવા માગતો નથી.” મુકેશના બૉસ પણ તેની વિરુદ્ધમાં હતા.
મને લાગે છે કે મુકેશે કદાચ એટલે જ આગળ જતાં પોતાની સ્વતંત્ર ચૅનલ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. અનેક કારણો છે. રાયપુરસ્થિત પત્રકારો નાના સ્થાનિક પત્રકારો પાસેથી માહિતી અને ફૂટેજ મેળવે છે, પરંતુ તેમનું શ્રેય આપતા નથી.
ઘણી વખત એવું બને છે કે સ્થાનિક પત્રકારોને મહત્ત્વના લાગતા મુદ્દાઓ મોટી ચૅનલોને મહત્ત્વના લાગતા નથી. ન્યૂઝ ચૅનલો ક્યારેક સરકારને લાભ થાય તેવા સમાચારો બનાવવા ઇચ્છતી હોય છે. આવી સમસ્યાઓથી કંટાળીને બસ્તરના પ્રતિભાશાળી પત્રકારોએ એક યૂટ્યૂબ ચૅનલ શરૂ કરી હતી. એ ચૅનલને લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે.
આ યૂટ્યૂબ ચૅનલને કારણે સ્વતંત્ર પત્રકારોને અવાજ મળ્યો છે. તેમને રાયપુરના દબાણમાંથી મુક્ત કર્યા છે અને તેઓ ઇચ્છે તે મુદ્દા પર રિપોર્ટ કરી શકે છે.
બસ્તર જિલ્લામાં વીડિયો જર્નલિઝમ કરતા આ બહાદુર પત્રકારો વિશે આશુતોષ ભારદ્વાજે આઉટલૂક સામયિકમાં 2022માં એક લેખ લખ્યો હતો. તેમાં મુકેશ ચંદ્રાકરની હિંમતના પ્રશંસા કરવામાં આવી હતી.
આશુતોષ મુકેશની સફરના શરૂઆતથી જ સાક્ષી બની રહ્યા છે, કારણ કે આશુતોષે થોડાં વર્ષો બસ્તરનાં જંગલોમાં પણ પત્રકારત્વ કર્યું છે. તેમના મતે, એક ઘટના મુકેશના જીવનમાં એક ટર્નિંગ પૉઇન્ટ બની હતી.
એપ્રિલ 2021માં નક્સલીઓના હુમલામાં સીઆરપીએફના કોબ્રા યુનિટના 22 જવાનો માર્યા ગયા હતા અને 31 ઘાયલ થયા હતા. એક સૈનિકનું અપહરણ કરવામાં આવ્યું હતું. એ અપહ્યત સૈનિકને છોડાવવા માટે સાત પત્રકારોની એક ટીમ નક્સલીઓને મળવા જંગલમાં ગઈ હતી અને વાટાઘાટ કર્યા પછી સૈનિકને સલામત પાછો લાવી હતી.
એ ટીમમાં મુકેશે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેની દરેક જગ્યાએ નોંધ લેવામાં આવી હતી.
મે, 2021માં સુકમા જિલ્લાના સિલગેરમાં આદિવાસીઓએ શાંતિપૂર્ણ રીતે મોટું આંદોલન કર્યું હતું. સરકારે તે આંદોલનને દબાવી દીધું હતું. પોલીસ ગોળીબારમાં ચાર આદિવાસી માર્યા ગયા હતા. મેઈન સ્ટ્રીમ મીડિયામાં એ ઘટનાના ખાસ સમાચાર પ્રસારિત થયા ન હતા, પરંતુ મુકેશે તેનું રિપોર્ટિંગ ઊંડાણપૂર્વક કર્યું હતું.
આ બધી ઘટનાઓથી પ્રેરાઈને મુકેશને મે, 2021માં તેની પોતાની બસ્તર જંક્શન નામની યૂટ્યૂબ ચૅનલ શરૂ કરી હતી અને ત્યાંથી તેની સફળ સફર શરૂ થઈ હતી.
તેની ચૅનલની ટેગલાઇન છેઃ “માત્ર તથ્યથી ભરપૂર સત્ય જ પ્રગટ થશે. બસ્તરના લોકોની વાત કોઈના ડર વિના દુનિયાને કહેવામાં આવશે.”
આ શબ્દોને મુકેશ છેલ્લા શ્વાસ સુધી વળગી રહ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો. તેની યૂટ્યૂબ ચૅનલના 1.77 લાખ સબસ્ક્રાઇબર્સ છે. મુકેશનું પત્રકારત્વ ક્યારેય પક્ષપાતી ન હતું.
તેઓ સરકારી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા જેટલા ઉત્સુક હતા, તેટલા જ ઉત્સુક નક્સલવાદીઓની હિંસા દુનિયા સમક્ષ ઉજાગર કરવા માટે હતા. તેઓ માત્ર બસ્તરની શોષિત ભૂમિને કટિબદ્ધ હતા.
તેમણે આદિવાસીઓના અવાજને બહારની દુનિયા સુધી પહોંચાડવાના કાર્યને પોતાનું મિશન બનાવ્યું હતું. એટલા માટે નક્સલોએ તેમને ક્યારેય પરેશાન કર્યા નહીં.
બસ્તર જંક્શન પર નક્સલવાદીઓનો અસલી કૅમ્પ દેખાડ્યો
તેઓ નક્સલવાદીઓના વિસ્તારોમાં બિનદાસ્ત ગયા અને ત્યાંના વીડિયો બનાવ્યા. જે નક્સલીઓના નામથી લોકો થરથરતા હતા એ નક્સલીઓના ગઢમાં જઈને તેમણે વીડિયો શૂટિંગ કર્યું.
બસ્તર જંક્શન પર સૌથી વધુ એટલે કે 39 લાખ વ્યૂઝ મળ્યા હોય તેવો એક વીડિયો છે. જંગલમાં નક્સલવાદીઓનો કૅમ્પ કેવો હોય છે, એ તે વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે.
ટૅન્ટમાં રહેતા લોકો સાથે તેઓ વાત કરે છે ત્યારે એક બાજુ ગ્રૅનેડ લૉન્ચર, મશીનગન જોવા મળે છે તો બીજી તરફ ચૂલા પરનાં વાસણો જોવાં મળે છે. આજે કયું શાક બનાવ્યું છે, એવો સવાલ પણ તેઓ કરે છે. કેવી અજબ વાત છે. મને નથી લાગતું કે આવો બીજો પત્રકાર પેદા થશે.
બીજા એક વીડિયોમાં દહેશત ફેલાવતી જન અદાલત દેખાડવામાં આવી છે.
ગૌંડી ભાષાનો અનુવાદ કરીને તેઓ દર્શકોને સમજાવે છે. નક્સલવાદી આતંક વિશેની જે ભયાનક માહિતી આપણે પુસ્તકોમાં જ વાંચી છે એ જંગલમાં જઈને તાદૃશ્ય કરવાનું કામ આ બહાદુર પત્રકારે કર્યું છે.
લેડી કમાન્ડો સાથેનો તેનો એક વીડિયો પણ છે, એ વીડિયોને 19 લાખ વ્યૂઝ મળ્યા છે. મુકેશ એ લેડી કમાન્ડો સાથે તેમની મુશ્કેલીઓ અને સમસ્યાઓ વિશે સહજતાથી વાત કરતો જોવા મળે છે.
મુકેશની વિશિષ્ટતા એ હતી કે તે કોઈ પણ પૃષ્ઠભૂમિની વ્યક્તિ સાથે સરળતાથી વાતચીત કરી શકતો હતો. જંગલમાં કામ સંબંધી એક પ્રવાસ દરમિયાન એ સાથી પત્રકારને સવાલ કરે છે, “તમને આ પડકાર લાગે છે કે જંગલમાં મજા પણ આવે છે?”
મને લાગે છે કે કામમાં આનંદ અને સંતોષ શોધવાનો તેમનો સ્વભાવ હતો, જેણે તેમને આટલું સાહસિક જીવન જીવવાની શક્તિ આપી હતી. તેઓ કટોકટીના સામના માટે સતત તૈયાર રહેતા હતા.
ઑગસ્ટ 2024માં એક મોટી ઘટના બની હતી. બસ્તરના કેટલાક પત્રકારોને માહિતી મળી હતી કે દક્ષિણ બસ્તરના કોન્ટામાંથી આંધ્ર પ્રદેશમાં રેતીની દાણચોરી થઈ રહી છે અને વાહનો સરળતાથી બૉર્ડર ક્રૉસ કરી રહ્યા છે.
દાણચોરીમાં ભાજપના લોકો સંકળાયેલા છે. ચાર પત્રકારો એ ઘટનાની તપાસ કરવા ગયા ત્યારે એવું બન્યું કે સુકમા જિલ્લાના પોલીસ અધિકારીઓએ તેમના વાહનોમાં છેડછાડ કરીને પત્રકારો પર ગાંજો રાખવાનો આરોપ મૂક્યો હતો અને ચારેય પત્રકારોને જેલમાં ધકેલી દીધા.
એ પોલીસ અધિકારી વિરુદ્ધ પુરાવા મળ્યા અને તેમને પણ જેલ સજા થઈ, પરંતુ બસ્તરના અન્ય તમામ પત્રકારો ભારપૂર્વક માને છે કે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.
વાસ્તવિક માસ્ટરમાઇન્ડ કોણ છે, તે જાણવા પોલીસની પણ તપાસ થવી જોઈએ. અલબત્ત, સરકારે આ માગણી બાબતે કોઈ કાર્યવાહી કરી નહીં. મુકેશે વાયર નામના હિન્દી ન્યૂઝ પોર્ટલ માટે આ બધા કેસનો અહેવાલ આપ્યો હતો. વાયર હિન્દીના તંત્રી આશુતોષ ભારદ્વાજના કહેવા મુજબ, તે સમાચારથી ગુસ્સે થયેલા એક સનદી અધિકારીએ મુકેશને મૅસેજ કર્યો હતો. તેથી ગભરાયેલા મુકેશન આશુતોષને ફોન કરીને પૂછ્યું હતું, “કુછ હોગા તો નહીં ના?”
મુકેશ એનડીટીવી સાથે કામ શરૂ કર્યું હતું. તેના નંબર પરથી મને બધી અપડેટ મળતી હતી. તેમાં તેમણે કોઈ મુદ્દે કરેલી સ્ટોરી અને વહીવટી તંત્રે તેની નોંધ લઈને કરેલી કાર્યવાહીની વિગત હોય.
પહેલી જાન્યુઆરીએ સાંજે સવા પાંચ વાગ્યે મને મુકેશનો છેલ્લો વૉટ્સઍપ મૅસેજ મળ્યો હતો. તેમણે એનડીટીવી મારફત એવો અહેવાલ આપ્યો હતો કે શિક્ષકોને સમયસર પગાર મળતો નથી. સરકારે તે સમાચારની નોંધ લઈને પગાર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તે મુકેશના છેલ્લા સમાચાર હતા.
મને ગુસ્સો, દુઃખ અને નિરાશા એ વાતની છે કે મુકેશની સાથે ભવિષ્યમાં શું થવાનું છે તેની ખબર મને કેમ ન પડી? મારે તેને કહેવું હતું, “ધ્યાન રાખજે. ક્યાંય જતો નહીં. ઘરે જ રહેજે.”
પિતરાઈ ભાઈએ જ મુકેશની હત્યા કર્યાનો આરોપ
મુકેશને તેના પિતરાઈ ભાઈ સુરેશ ચંદ્રાકરે કરેલી કરોડો રૂપિયાની છેતરપિંડીની ખબર ડિસેમ્બર 2024માં પડી હતી.
મુકેશ એનડીટીવીમાં કામ કરતા હતા અને તે સમાચાર એનડીટીવી પ્રસારિત થયા હતા. સરકારે તેની નોંધ લીધી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કારણસર જ મુકેશની હત્યા કરાઈ.
આ જ ભ્રષ્ટ સુરેશ ચંદ્રાકરે ડિસેમ્બર 2021માં કરોડો રૂપિયા ખર્ચીને ભવ્ય લગ્ન કર્યાં હતાં.
એ લગ્નમાં નાચતા મુકેશનો એક વીડિયો છે. મુકેશ પહેલી જાન્યુઆરીએ સુરેશના ઘરે ગયો ત્યારે તેણે કદાચ વિચાર્યું નહીં હોય કે તેની હત્યા કરવામાં આવશે.
જે માણસ નક્સલવાદીઓની છાવણીમાં બેફિકરાઈથી ફરતો હોય તેને પોતાના જ સંબંધીને ઘરે જવાનો ડર કેવી રીતે હોય?
મને યાદ છે કે ઘણાં વર્ષો પહેલાં એક દોસ્ત ચૂંટણી જીત્યો ત્યારે મુકેશન મને કહ્યું હતું, “મૅડમ, આજે મારા મિત્રના વિજય સરઘસમાં હું નાચી રહ્યો છું, પણ કાલે તે કંઈ ખોટું કરશે તો તેનો સૌથી પહેલાં રિપોર્ટ હું જ કરીશ.” મુકેશ તેનાં મૂલ્યોને છેવટ સુધી વળગી રહ્યો હતો.
કોઈને પણ બીજાપુર વિશે કોઈ પણ માહિતી મેળવવી હોય તો મુકેશ બધાનું પહેલું સંપર્કસૂત્ર હતો. કોઈ પત્રકારે જંગલમાં જવું હોય અને ફૂટેજ જોઈતું હોય તો પણ મુકેશ જ.
મહારાષ્ટ્રમાં બેસીને મને બસ્તર વિશે કંઈ આડુંઅવળું સાંભળવા મળે તો હું તરત જ મુકેશને ફોન કરું. અમે મહિનામાં એકાદી વાર જરૂર વાત કરતા હતા. તેની આસપાસની કોઈ છોકરીને માસિકની સમસ્યા હોય ત્યારે મુકેશ કૉન્ફરન્સ કોલ મારફત એ છોકરીની વાત મારી સાથે કરાવતો હતો. તે મૅડમ, મૅડમ કહીને બોલતો. એ શબ્દો આજે પણ મારા કાનમાં ગૂંજે છે. એ અવાજ ફરી ક્યારેય સાંભળવા નહીં મળે એવું આજે પણ સાચું લાગતું નથી.
મુકેશે મને એક ઘટનાની વાત કરી હતી. એક આદિવાસી યુવકે આઈટી બ્લાસ્ટમાં પોતાની આંખો ગુમાવી હતી. બાકીના લોકો પણ ઘાયલ થયા હતા. સારવાર માટે પૈસાની જરૂર હતી.
મુકેશે દાન એકઠું કર્યું અને તે યુવાનને દોઢ-બે લાખ રૂપિયા આપ્યા ત્યારે એ યુવકે કહ્યું હતું, “મારે પૈસા નથી જોઈતા, આંખો જોઈએ છે.”
આજે મુકેશના અવસાન પછી તેના ભાઈ, અમારા મિત્રો અને પરિવારજનોની એવી હાલત છે કે અમને અમારો માણસ જોઈએ છે. મને વારંવાર લાગે છે કે આ મુકેશના મરવાની વય ન હતી.
આટલી નાની વયે કોઈ મિત્રનું મૃત્યુ ન થવું જોઈએ. હું વિચારું છું કે મુકેશ વધુ જીવ્યો હોત તો કેટલો મહાન પત્રકાર બન્યો હોત. એ 33 કે 34 વર્ષનો હતો. 40 વર્ષની વયે તેનું પત્રકારત્વ કેટલું પરિપકવ અને સમૃદ્ધ બન્યું હોત અને 50 વર્ષની વયે એ વરિષ્ઠ પત્રકાર બન્યો હોત ત્યારે તેણે કેવાં પ્રકારનાં કામો કર્યાં હોત?
મુકેશનું મોત માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ બસ્તરના આદિવાસી અવાજ માટે અને સમગ્ર દેશ માટે બહુ મોટું નુકસાન છે. આજે દેશભરના તમામ પત્રકારો મુકેશ માટે ન્યાય માગી રહ્યા છે અને તે મુકેશનાં પ્રામાણિક કાર્યોનો મોટો પુરાવો છે.
(આ અહેવાલમાં પ્રગટ થયેલાં મંતવ્યો લેખિકાના અંગત છે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS