Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Ludovic MARIN / AFP via Getty Images
વાંચવાનો સમય: 6 મિનિટ
ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર વળતો જવાબ આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી દાવો કર્યો હતો કે મેલોનીએ જી-7 સંમેલન દરમિયાન તેમની સાથે ફોટો પડાવવા માટે આજીજી કરી હતી.
ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે વડાં પ્રધાન મેલોનીની “લોકપ્રિયતાનું સ્તર સારું નથી રહ્યું”.
તેમણે મેલોની પર ઈરાનને પરમાણુ હથિયાર મેળવવા અથવા વિકસાવાવથી રોકવાના અમેરિકાના પ્રયત્નને ટેકો ન આપવાનો પણ આક્ષેપ કર્યો.
ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદનમાં, મેલોનીએ કહ્યું કે ટ્રમ્પના “સતત, ઉશ્કેરણી વિનાના હુમલા” “મૂર્ખતાપૂર્ણ” હતા.
મેલોનીએ કહ્યું, “મારી લોકપ્રિયતાની વાત કરીએ તો, તમારા મિત્ર હોવાને કારણે ચોક્કસપણે તેમાં કોઈ મદદ મળી નથી, અને તે તમારા સાથેના મારા સંબંધ પર આધાર નથી રાખતી.”
તેમણે ઉમેર્યું, “મારી લોકપ્રિયતા તમારી ચિંતાનો વિષય નથી. મારી સલાહ છે કે તમે તમારા પર ધ્યાન કેન્દ્રિત કરો.”
શનિવારે અગાઉ, ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે મેલોનીએ ઈરાનમાં અમેરિકન લશ્કરી કામગીરી માટે ઇટાલિયન હવાઈ સુવિધાઓનો ઉપયોગ કરવાથી અમેરિકાને પ્રતિબંધિત કરીને “મોટી લોજિસ્ટિકલ અસુવિધા” ઊભી કરી છે.
પરંતુ ઇટાલિયન નેતાએ કહ્યું કે ઇટાલિયન થાણાંનો ઉપયોગ “કરાર અનુસાર કરવામાં આવે છે, જેનો અમે હંમેશાં આદર કર્યો છે, અને જ્યાં સુધી હું વડાં પ્રધાન છું ત્યાં સુધી તેનું ઉલ્લંઘન ન કરી શકાય.”
મેલોની અંગે ડોનાલ્ડ ટ્રમ્પે હવે શું નવો દાવો કર્યો
ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની તરફથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ફગાવાયા બાદ ટ્રમ્પે ફરી કહ્યું છે કે મેલોનીએ તેમને ફોટો માટે અનેક વખત કહ્યું હતું.
તેમણે શનિવારે ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં એક વખત ફરી કહ્યું કે મેલોનીએ ફ્રાન્સમાં જી-7 બેઠક દરમિયાન ‘મારી સાથે ફોટો પડાવવા માટે આજીજી કરી’.
અમેરિકાના રાષ્ટ્રપતિએ લખ્યું કે, “ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ ફ્રાન્સમાં જી-7 બેઠક દરમિયાન મારી સાથે તસવીર લેવા માટે આજીજી કરી હતી.”
આ ઉપરાંત ટ્રમ્પે ઇટાલીમાં મેલોનીની લોકપ્રિયતા, નેટો અને ઈરાન સામે યુદ્ધ દરમિયાન ઇટાલીના વલણ મામલે નિવેદન આપ્યું છે.
ટ્રમ્પે દાવો કર્યો કે, “ઇટાલીમાં તેમની (મેલોનીની) લોકપ્રિયતાનું સ્તર બહુ સારું નથી અને શક્ય છે કે આનું કારણ એ હોય કે જ્યારે ઈરાનના પરમાણુ હથિયાર હાંસલ કરવા અથવા વિકસિત કરતા રોકવાની વાત આવી તો તેમણે અમેરિકાનો સાથ ન આપ્યો.”
જોકે, ટ્રમ્પે કહ્યું કે ઈરાનના મામલામાં નેટોએ પણ ઇટાલી જેવું જ વલણ અપનાવ્યું
તેમણે કહ્યું કે અમેરિકા એક એવો દેશ છે જે વાસ્તવમાં ઇટાલીને પ્રેમ કરે છે અને તેની રક્ષા કરે છે.
ટ્રમ્પે કહ્યું કે, “તેમણે (મેલોની) અમને ઇટાલીની ઍરસ્ટ્રીપ અથવા રનવેનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપી, જેના કારણે રસદ સામગ્રી પહોંચાડવામાં ઘણી અસુવિધા થઈ.”
“આવું ત્યારે છે જ્યારે અમેરિકા ઇટાલી અને નેતોના અન્ય ‘તથાકથિત’ સહયોગી દેશો માટે દર વર્ષે સેંકડો અબજ ડૉલર ખર્ચ કરે છે.”
તેમણે આગળ લખ્યું કે, “હવે, જ્યારે અમેરિકાએ ઈરાનને સૈન્ય રૂપે હરાવી દીધું છે, તો તેઓ (મેલોની) ફરીથી મિત્રતા કરવાં માગે છે, જેનાથી તેમના આંકડા (લોકપ્રિયતાના) બહેતર થઈ શકે.”
હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇટાલિયન ચેનલને એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો કે જી-7 સમિટ દરમિયાન જ્યૉર્જિયા મેલોનીએ તેમની સાથે ફોટો લેવા માટે આજીજી કરી છે.
ત્યાર બાદ મેલોનીએ એક વીડિયો જાહેર કરીને ટ્રમ્પના દાવાને ‘મનગડંત’ ગણાવ્યો. તેમણે એવું પણ કહ્યું કે ‘તેઓ ક્યારેય આજીજી નથી કરતાં, ન તો ઇટાલી (આજીજી કરે છે).’
ટ્રમ્પના નિવેદનના વિરોધમાં ઇટાલીના વિદેશ મંત્રીએ તેમની આગામી અમેરિકા યાત્રા રદ કરી હતી.
‘મેલોનીએ મારી સાથે ફોટો પડાવવા માટે આજીજી કરી’, ટ્રમ્પના આ નિવેદન પર કેમ વિવાદ થયો, મેલોનીએ તેના પર શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
આ અઠવાડિયે જી-7 સામેલ થવા ફ્રાન્સ ગયેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન બાદ ઇટાલી અને અમેરિકા વચ્ચે વધુ કડવાશ પેદા થઈ છે.
ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ શુક્રવારે કહ્યું કે ટ્રમ્પે તેમના વિશે ‘મનગડંત’ વાતો કરી.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇટાલિયન ટીવી ચૅનલને કહ્યું કે જી-7 શિખર સંમેલનમાં મેલોનીએ તેમની સાથે ફોટો પડાવવા ‘આજીજી’ કરી હતી.
આ નિવેદન બાદ ઇટાલીના વિદેશમંત્રી ઍન્ટોનિયો તાયાનીએ આ અઠવાડિયાના અંતમાં પોતાની અમેરિકાની યાત્રા રદ કરી દીધી છે.
રૉયટર્સ અનુસાર, ઍન્ટોનિયો તાયાનીએ ટ્રમ્પ પર વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની અંગે ‘અપમાનજનક’ ટિપ્પણીઓનો આરોપ મૂક્યો હતો. તેમણે આ ટિપ્પણીઓને ‘ગંભીર અને અપમાનજનક’ ગણાવી.
મેલોનીએ એક વીડિયોના માધ્યમથી કહ્યું કે તેમને ટ્રમ્પના નિવેદનથી ‘માઠું લાગ્યું’ અને આ ટિપ્પણીઓ ‘સંપૂર્ણ મનગડંત’ છે.
રસપ્રદ વાત એ છે કે ફ્રાન્સમાં થયેલા જી-7 સંમેલનમાં બંને વચ્ચે ઘણી આત્મીયતા જોવા મળી હતી અને એવું લાગતું હતું કે ઈરાન યુદ્ધના તણાવ બાદ બંને નેતાના સંબંધો કંઈક હદે સુધર્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે એવું શું કહ્યું હતું?
ઇમેજ સ્રોત, Handout via REUTERS
રૉયટર્સના એક રિપોર્ટ અનુસાર, ફ્રાન્સમાં થયેલા જી-7 સંમેલનના વીડિયોમાં મેલોની અને ટ્રમ્પ એક નાના સોફો પર બેસીને ગંભીર વાતચીત કરતાં જોવા મળ્યાં હતાં.
રૉયટર્સ અનુસાર, ટ્રમ્પે એલએ-7 ચૅનલને જણાવ્યું કે “તેઓ (મેલોની) કદાચ ખુશ છે કે મેં તેમની સાથે વાત કરી. મારે તેમની સાથે વાત કરવાની કોઈ જરૂર નહોતી.”
આ ઇન્ટરવ્યુ ત્યારે થયો, જ્યારે ટ્રમ્પે ઇટાલીનાં વડાં પ્રધાન અંગે પત્રકારને ખુદ સવાલ કર્યો હતો.
રૉયટર્સ અનુસાર, એલએ-7ના અનુવાદ પ્રમાણે ટ્રમ્પે કહ્યું હતું, “તેમણે મને ફોટો પડાવવા વિનંતી કરી હતી. તે મારી સાથે ફોટો પડાવવા માગતી હતી. હું ફોટો ન પડાવત, પણ મને તેના પર દયા આવી ગઈ.”
રૉયટર્સ અનુસાર, ચૅનલે મૂળ ઑડિયો જાહેર કર્યો નથી, માત્ર ડબ કરેલું સંસ્કરણ પ્રસારિત કર્યું છે.
મેલોનીનો વળતો જવાબ
ઇમેજ સ્રોત, Getty Images
આ વિવાદ પર ઇટાલીનાં વડાં પ્રધાન મેલોનીએ પોતાના ઍક્સ હૅન્ડલ પર વીડિયો શૅર કર્યો છે.
રૉયટર્સે આ વીડિયોનો અનુવાદ કરીને લખ્યું કે “મેલોનીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું- ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સંપૂર્ણ મનઘડંત છે. સાચું કહું તો મને માઠું લાગ્યું. મને ખબર નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના સહયોગીઓ સાથે આવો વ્યવહાર કેમ કરે છે. આમ પણ આવું પહેલી વાર નથી થયું.”
મેલોનીએ કહ્યું, “હું માત્ર એટલું કહી શકું કે આ નિરાશાજનક છે કે તેઓ પશ્ચિમ અને અમેરિકાના દુશ્મનો પ્રત્યે દૃઢતા દાખવતા નથી. તેના નેતાઓ સાથે તેઓ બહુ વધારે નરમાશ દાખવે છે.”
તેમણે વધુમાં કહ્યું, “એક વાત તેમણે ધ્યાનમાં રાખવી જોઈએ. હું કે ઇટાલી ક્યારેય કોઈને વિનંતી કરતાં નથી.”
આ બાજુ પ્રસ્તાવિત અમેરિકાની યાત્રા રદ કરવાની જાહેરાત કરતા ઇટાલીના વિદેશમંત્રી ઍન્ટોનિયો તાયાનીએ ઍક્સ પર લખ્યું, “વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ગંભીર અને અપમાનજનક શબ્દ આખા ઇટાલીનું અપમાન છે.”
તેમણે કહ્યું, “ટ્રમ્પ ઐતિહાસિક સંબંધો તબાહ કરી રહ્યા છે.”
તાયાનીને મેલોનીના સૌથી નજીકના રાજકીય સહયોગીઓમાંથી એક માનવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે મીડિયાની નજરોથી દૂર રહે છે.
તેમણે ટ્રમ્પ પર એવી રીતે પ્રહાર કર્યા, જેની પહેલા કલ્પના પણ કરી શકાતી નહોતી.
સંબંધોમાં કડવાશ
રૉયટર્સ અનુસાર, વડાં પ્રધાન કાર્યાલયના અન્ડરસેક્રેટરી જિયોવાંબાતિસ્તા ફાત્સોલારીએ એક નિવેદનમાં કહ્યું, “આ સ્પષ્ટ નથી કે (ટ્રમ્પ) જાણીબુઝીને કે પોતાની અક્ષમતાને કારણે અમેરિકા અને યુરોપના ઐતિહાસિક સંબંધો બરબાદ કરી કરી રહ્યા છે.”
તેમણે વધુમાં કહ્યું, “પોતાનાં અયોગ્ય કઠોર નિવેદનોથી તેમણે એક મુશ્કેલ કામ કરી બતાડ્યું છે. આખા યુરોપીય મહાદ્વીપમાં અમેરિકાને અલોકપ્રિય બનાવી દીધું છે, જેનાથી માત્ર યુરોપ જ નહીં, પણ સૌથી વધુ નુકસાન ખુદ અમેરિકાને થયું છે.”
મેલોની એક સમયે ટ્રમ્પનાં મુખર સમર્થક હતાં અને 2025માં તેમના શપથગ્રહણ સમારોહમાં સામેલ થનાર એકમાત્ર યુરોપીય નેતા હતાં.
યુરોપીય સંઘમાં મેલોનીના અનેક સહયોગીઓ તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે સંબંધો સારા બનાવવાની સંભવિત કડીના રૂપમાં જોતા હતા.
પરંતુ મેલોનીએ ઈરાન સામે અમેરિકાના યુદ્ધનો ખુલ્લીનો વિરોધ કર્યો છે. એપ્રિલમાં ટ્રમ્પે ઇટાલિયન અખબાર કોરિએરે ડેલા સેરાના આપેલા એક ફોન ઇન્ટરવ્યૂમાં વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે “મને લાગ્યું હતું કે તેમનામાં હિંમત છે, પરંતુ હું ખોટો હતો.”
જ્યારે ટ્રમ્પે પોપ લિયો ચૌદમા પર “અપરાધના મામલામાં નબળાઈ અને વિદેશનીતિમાં બહુ ખરાબ” હોવાનો આરોપ મૂક્યો હતો, ત્યારે મેલોનીએ કહ્યું હતું કે તેમની આ ટિપ્પણી સ્વીકારી શકાય નહીં.
ઇટાલીમાં વ્યાપક પ્રતિક્રિયા
ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પના તાજેતરના ઇન્ટરવ્યૂ બાદ ઇટાલીના રાષ્ટ્રપતિ સર્જિયો મત્તારેલાએ તરત મેલોની ફોન કરીને પોતાનું સમર્થન આપ્યું. તો ઇટાલીની અલગ-અલગ રાજકીય પાર્ટીના નેતાઓએ પણ તેમના બચાવમાં અવાજ ઉઠાવ્યો છે.
વિપક્ષ ડેમૉક્રેટિક પાર્ટીના વામપંથી સૅનેટર ફિલિપ્પો સેન્સીએ કહ્યું કે કોઈને પણ ઇટાલિયન વડાં પ્રધાન સાથે આવી અહંકારી રીતે વાત કરવાનો અધિકાર નથી.
ફાઇવ સ્ટાર મૂવમેન્ટના નેતા જ્યુઝેપ્પે કોંતેએ કહ્યું કે ઇટાલી આ રીતે અપમાનનું હકદાર નથી. તેમણે એમ પણ કહ્યું કે વૉશિંગ્ટનથી છૂટછાટ મેળવવાના પ્રયાસો ક્યારેય પણ રાષ્ટ્રીય સન્માન અને હિતોની કિંમત પર ન થવા જોઈએ.
મેલોનીની પાર્ટી બ્રધર્સ ઑફ ઇટાલીના સૅનેટ સમૂહના નેતા લુચિયો માલાને કહ્યું કે ટ્રમ્પની ટિપ્પણીઓ યુરોપના અનેક નેતા અંગે તેમનાં અપમાનજનક નિવેદનોની એક મોટી હારમાળાનો ભાગ છે. તેમણે કહ્યું કે આ વાતોથી સૌથી વધુ નુકસાન ખુદ ટ્રમ્પની છબિ અને તેમની શાખને પહોંચી રહી છે.
માલાને કહ્યું કે જી-7 શિખર સંમેલનનો વીડિયો હકીકતમાં ટ્રમ્પે જે નિવેદન કર્યું એ તસવીરથી સાવ અલગ કહાણી દર્શાવે છે. તેમણે એ પણ સંકેત આપ્યો કે અમેરિકન રાષ્ટ્રપતિને ખરેખર તો મેલોનીની એ નીતિ પરેશાન કરી શકે છે, જેમાં જરૂર પડ્યે તેમણે વૉશિંગ્ટનને “ના” પાડવાથી પણ ખચકાટ ન અનુભવ્યો.
સરકારના સહયોગી દળ લીગના નેતા મત્તેઓ સાલ્વિનીએ કહ્યું, “જોઈ કોઈ જ્યૉર્જિયા પર પ્રહાર કરે તો એ આપણા બધા પર પ્રહાર કરે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




